રાજકાજ : કોંગ્રેસની સત્તાલોલુપતા છતી થઈ ગઈ

    ૩૦-માર્ચ-૨૦૧૮

 

 
 
રાહુલની આક્ષેપબાજીઓ અને ભાષણબાજીઓ દયા ઉપજાવે છે !

ભાજપની આર્થિક નીતિઓની ટીકા કરતી વખતે કોંગ્રેસી નેતાઓ ભૂલી જાય છે કે મોટાભાગની સમસ્યાઓ કોંગ્રેસી શાસનની સરજત છે. એક દસ્તાવેજમાં વધતી જતી આર્થિક અસમાનતાના સમર્થનમાં પિકેટી અને ચાન્સેલના સંશોધનનો હવાલો અપાયો હતો. વાસ્તવિકતા છે કે પિકેટી અને ચાન્સેલનું સંશોધન ૨૦૧૪ સુધીના (કોંગ્રેસના શાસનકાળ) સુધીના સમયને આવરી લે છે ! બેન્કોની ડૂબવાપાત્ર લોનોની ટીકા કરતી વખતે કોંગ્રેસ ભૂલી જાય છે કે મોટા ભાગની લોનો તેના પોતાના શાસન દરમિયાન અપાઈ હતી.

૨૦૧૪ની ચૂંટણીમાં ધોબીપછાડ ખાઈને નિષ્પ્રાણ બની ચૂકેલી અને હામ ગુમાવી બેઠેલી કોંગ્રેસમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં પરિણામો પછી ભાજપ વિરોધી પક્ષો ગેલમાં આવી ગયા છે. ૨૦૧૯માં ભાજપને સખત લડત આપવાની અને ગઠબંધનના ભાગરૂપે પુન: સત્તા પ્રાપ્ત કરવાની સંભાવના નજરે ચડતાં ગાંધી પરિવારે પક્ષમાં નવો પ્રાણ ફૂંકવાની કવાયત હાથ ધરી છે.

કવાયતનો એક હિસ્સો એટલે હાલમાં નવી દિલ્હીમાં યોજાયેલું કોંગ્રેસ મહાસમિતિનું અધિવેશન. તેમાં થયેલાં ભાષણોનો આક્રમક મિજાજ. પક્ષની આર્થિક નીતિઓના પુનરુચ્ચાર અને એક જમાનામાં કોંગ્રેસના ટેકેદાર રહી ચૂકેલા વર્ગો સુધી પહોંચવાની મથામણ દર્શાવે છે કે કોંગ્રેસ ૨૦૧૯ની ચૂંટણી માટે સજ્જ થઈ રહી છે. કોંગ્રેસના નાનામોટા નેતાઓએ અધિવેશનમાં ભાષણો કર્યાં. પાંખની થિન્ક ટેન્ક તરફથી વિઝન ડોક્યુમેન્ટ્સ રજૂ કરાયા. જેમાં ૪૦ કરોડ લોકોને ગરીબીની રેખાથી ઉપર લાવવા, વિવિધ જિલ્લાઓમાં હજારો રોજગાર ઉપલબ્ધ કરાવી આપવા, ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક તકો નિર્માણ કરવી, બધાં ક્ષેત્રોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને મહિલા શક્તિને રાજકીય જીવનના મુખ્ય પ્રવાહમાં લાવીને દેશને મહસત્તા બનાવવા જેવા લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરાયો હતો. વિઝન ડૉક્યુમેન્ટ ૨૦૧૯ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો મુસદ્દો ગણી શકાય.

કોંગ્રેસ પ્રમુખપદ સંભાળ્યા પછી રાહુલ ગાંધીએ સંબોધિત કરેલું પ્રથમ અધિવેશન હતું. રાહુલ ગાંધી સૌથી પ્રથમ પડકાર નાહિંમત થઈ ગયેલા નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસ નિર્માણ કરવાનો છે. સોનિયા ગાંધીએ અને તેમના પરથી પ્રેરણા લઈને રાહુલ ગાંધીએ સરકાર પર નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પર આકરા વ્યક્તિગત પ્રહારો કર્યા. મોદી સરકારના રાજમાં ગરીબો અને તવંગરો વચ્ચેનું અંતર વધ્યું છે. આર્થિક વચનો પૂરા નથી થયા એવી ટીકા કરી. રાહુલે કોંગ્રેસના સત્તા માટે વલખી રહેલા વયોવૃદ્ધ નેતાઓને સાનમાં સમજાવ્યું કે તમારો સમય પૂરો થઈ ગયો છે. હવે નવા લોહી માટે જગ્યા કરો. તેમણે કોંગ્રેસમાંથી વંશવાદનો પ્રભાવ ખતમ કરવાની અને પ્રતિભાશાળી યુવા કાર્યકરોને આગળ લાવવાની ઘોષણા કરી. કોંગ્રેસનું અધિવેશન હતું એટલે સ્વાભાવિક રીતે ગાંધી પરિવારનો જયજયકાર થયો.

ક્યારેક બોલતાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી અને ખેડૂતોની આવક બમણી કરવાના વચનને જુમલો અર્થાત્ વાણીવિલાસ ગણાવ્યું.

નરેન્દ્ર મોદીના વિરોધીઓને બધું સાંભળીને શેર લોહી ચડ્યું હશે, પણ કહેવતમાંના ખોડવાળા ખાટલાની જેમ આખી વાતને પાયો નથી. સોનિયા અને રાહુલના કમનસીબે આક્રમકતા કદી વિશ્ર્વાસપાત્રતાની ખોટ પૂરી શકતી નથી. રાહુલે ભાજપ અને તેના સાથીઓને સત્તા માટે લડી રહેલા કૌરવો ગણાવ્યા અને કોંગ્રેસની સરખામણી પાંડવો સાથે કરી ! પણ હકીકત છે કે મોટા મોટા દાવાઓ કરવાથી કે ખોખલી આપવડાઈથી જનતા અંજાતી નથી. કોંગ્રેસમાં એવું કશું નથી કે લોકોને તેનામાં પાંડવોનાં દર્શન થાય અને છતાં સરખામણીમાં કોંગ્રેસની સત્તા માટેની માનસિકતા ખુલ્લી પડી જાય છે. પાંડવો પોતાના હક્ક માટે મહાભારતનું યુદ્ધ લડ્યા. કોંગ્રેસ માને છે કે દિલ્હીની ગાદી પર તેનો અને માત્ર તેનો હક્ક છે. અન્ય પક્ષો લોકશાહી ઢબે ચૂંટાયા હોય તો પણ રાજ કરવા માટે ગેરલાયક છે અને તેમને કોઈ પણ ભોગે ઉથલાવવાનો તેનો અધિકાર છે. રાહુલ ગાંધીએ અટકની સમાનતાનો ગેરલાભ લઈને મોદીને ભ્રષ્ટાચારનો પર્યાય ગણાવ્યા. ભાજપ પ્રમુખ અમિત શાહને તેમણે હત્યાના આરોપી તરીકે ઓળખાવ્યા. કોણ માનશે ?

ભાજપની આર્થિક નીતિઓની ટીકા કરતી વખતે કોંગ્રેસી નેતાઓ ભૂલી જાય છે કે મોટાભાગની સમસ્યાઓ કોંગ્રેસી શાસનની દેણ છે. એક દસ્તાવેજમાં વધતી જતી આર્થિક અસમાનતાના સમર્થનમાં પિકેટી અને ચાન્સેલના સંશોધનનો હવાલો અપાયો હતો. વાસ્તવિકતા છે કે પિકેટી અને ચાન્સેલનું સંશોધન ૨૦૧૪ સુધીના (કોંગ્રેસના શાસનકાળ) સુધીના સમયને આવરી લે છે ! બેન્કોની ડૂબવાપાત્ર લોનોની ટીકા કરતી વખતે કોંગ્રેસ ભૂલી જાય છે કે મોટા ભાગની લોનો તેના પોતાના શાસન દરમિયાન અપાઈ હતી.

ભાજપની નીતિઓની ભરપેટ ટીકા કર્યા પછી પણ કોંગ્રેસ પાસે દેશને નવી દિશા આપે તેવો કોઈ વિચાર કે કાર્યક્રમ નથી. જે વચનો તે આજે આપે છે ઇન્દિરા ગાંધીના જમાનાથી તે આપતી આવી છે અને આજે પણ તેની પાસે નવું કશું કહેવાનું નથી. મા-બાપ સરકાર અને પ્રજાના પૈસે માનીતા વર્ગોને અને વોટ બેન્કોને ખેરાત કરવા સિવાયની કોઈ નીતિ તે વિચારી શકતી નથી. સોનિયા ગાંધીને પૂછવાનું મન થાય કે ડ્રામાબાજ કોણ છે : નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી ? રાહુલ ગાંધી કોંગ્રેસમાં વંશવાદની વિરુદ્ધ બખાળા કાઢે ત્યારે હસવું રોકવું મુશ્કેલ થઈ પડે છે. કોંગ્રેસમાં વંશવાદ હોત તો રાહુલ ગાંધી આજે ક્યાં હોત ?

ભાજપ સરકારની ભૂલોની સજા પ્રજા સમક્ષ આક્રમક રજૂઆત થાય તો કાર્યકરોને ઉત્સાહ ચડે તે ઠીક છે, પરંતુ રાહુલ ૨૦૧૯માં પોતે મોદીને પડકારી શકશે એવો વિશ્ર્વાસ જગાવવામાં સફળ થશે ? અન્ય પક્ષો તેમને નેતા તરીકે કબૂલ રાખે તે પહેલાં તેમણે કંઈક નક્કર કરી બતાવવું પડશે. અત્યારે તો તેમનું ખાતું ખાલી છે. સંગઠનાત્મક પહેલો, મુદ્દાઓ શોધવાની કવાયત અને ભાજપ દ્વારા ચગાવતા ભાવનાત્મક મુદ્દાઓનો તર્કબદ્ધ પ્રતિકાર કરવા સહિતના અનેક મોરચે કોંગ્રેસ હજી ઘણી પાછળ છે. શાબ્દિક ગર્જનાઓ જો કોંગ્રેસનું મુખ્ય હથિયાર હોય બાબતે ભાજપ તેના કરતાં ઘણો આગળ છે. કોંગ્રેસે આક્ષેપબાજી અને ભાષણબાજી છોડીને કાયાકલ્પ કરવાની જડીબુટ્ટી શોધવાની જરૂર છે.