તંત્રી સ્થાનેથી : ભારત - તિબેટ - ચીન સંબંધો અને ‘થેંક યુ ઇન્ડિયા’

    ૩૧-માર્ચ-૨૦૧૮

 
૩૧મી માર્ચ, ૧૯૫૯ના દિવસે ચીનના શાસકોથી પ્રતાડિત દલાઈ લામા મૈકમોહન રેખા પાર કરીને તિબેટથી હિન્દુસ્થાનમાં આવ્યા. ચીને આડકતરી રીતે ગર્ભિત ધમકી ઉચ્ચારી કે દલાઈ લામાને કોઈ શરણ ના આપે. પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહ‚એ તેમનું સ્વાગત કરી ભારતમાં શરણ પણ આપ્યું. એટલું જ નહીં લાખ્ખો તિબેટિયનોને પણ દૂધમાં સાકર ભળે તેમ પોતાનામાં ભેળવી લીધા. તમામ તિબેટિયનો અને સ્વયં દલાઈ લામા ભારતની દરિયાદિલી આજેય ભૂલ્યા નથી. આગામી ૩૧મી માર્ચ, ૨૦૧૮ના દિને એ ઘટનાને ૬૦ વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે ભારતે આપેલા સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરવા માટે દલાઈ લામા દ્વારા દિલ્હીમાં ‘થેંક યુ ઇન્ડિયા’ નામનો એક ભવ્ય કાર્યક્રમ દિલ્હીમાં યોજાયેલો, પરંતુ ભારત સરકારે હવે તે કાર્યક્રમ દિલ્હમિાંથી રદ કરીને ધર્મશાળામાં યોજવાની તાકીદ કરી છે.
 
આ ઘટનાથી તરેહ તરેહની વાતો થઈ રહી છે. ભારતની નીતિ વિશે પણ પ્રશ્ર્નો જાગ્યા, પરંતુ ભારત સરકારનો આ નિર્ણય ચોક્કસ કંઈક દિશા-નિર્દેશ કરે છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ ખુલાસો ય કર્યો કે, ‘દલાઈ લામા વિશે સરકારની સ્થિતિ બિલકુલ ચોખ્ખી અને સ્થિર છે. તેમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. ભારતમાં દલાઈ લામાને પોતાની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવાની પૂરી સ્વતંત્રતા આદરપૂર્વક આપેલી જ છે, પરંતુ વર્તમાન સંજોગોમાં ભારત-ચીનના સંબંધો અત્યંત સંવેદનશીલ છે. એ સંજોગોમાં દલાઈ લામાનાં કાર્યક્રમમાં ભારતના મંત્રીઓ, અધિકારીઓ તેમાં ભાગ લે તે અપેક્ષિત નથી.’
 
ચીનની અવળચંડાઈ અને સમગ્ર દેશહિતને ધ્યાન રાખીને ભારત સરકાર દ્વારા આ નિર્ણય કરાયો હશે તેવો વિશ્ર્વાસ છે. તિબેટ સરકારના પ્રવક્તા સોનમ ડગાપોએ ભારતના નિર્ણયનું સન્માન કર્યું અને સહયોગનો આભાર માન્યો છે. પરંતુ સર્વવિદિત છે કે તિબેટ અને દલાઈ લામાના સંદર્ભે ભારત-ચીનના સંબંધોમાં ઘણી વાર ઘર્ષણ સર્જાયું છે. એપ્રિલ-૨૦૧૭માં જ દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની યાત્રા બાદ આ સંબંધોમાં ઘણું દબાણ ઉદ્ભવેલું. ભારતે ડોકલામ ટ્રાઇજંકશનમાં વધતી ગતિવિધિઓનો સામનો કરવો પડેલો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દલાઈ લામા સાથેની મુલાકાત વખતે પણ ડ્રેગને ધમકીનો ફૂંફાડો માર્યો હતો.
 
દલાઈ લામા ભારતના અતિથિ હોવા સાથે સાથે શરણાર્થી પણ છે. આથી જ્યારે જ્યારે પણ તેમના પ્રવાસના કાર્યક્રમો યોજાય ત્યારે ભારત સરકારને જાણ કરવી જ પડે છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની તિબેટ - ચીન માટે ખાસ બનેલી સમિતિ મંજૂરી આપે પછી જ કાર્યક્રમ યોજાય. તેથી દબાણની રાજનીતિ માટે કુખ્યાત ચીન દલાઈ લામાના કાર્યક્રમ માટે અનેકવાર ભારત પર આ પ્રકારનાં દબાણો નાખ્યા કરે છે.
 
જ્યાં દલાઈ લામાએ પ્રથમ આશ્રય લીધો હતો એ અરુણાચલના તવાંગ પર પણ ચીન હક્ક જમાવે અને વિવાદાસ્પદ સ્થળ ગણાવે તથા તિબેટનેય ઓહિયાં કરી જાય છે. ધરાર પચાવી પાડેલા તિબેટમાં તેમનો અત્યંત ત્રાસ તિબેટિયનોની દીકરીઓને ચીનાઓ સાથે પરણવાની ફરજેય પડાય અને બીજી અનેક રીતે પ્રતાડિત કરાય. ભારત તેને ગાંઠે નહીં એટલે પાકિસ્તાન સાથે સાંઠગાંઠેય કરે, અઝહર મસૂદ જેવાને આતંકી ઘોષિત કરવાની પ્રક્રિયામાં સાથ ના આપે અને બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધી ભારતના અહિતના કાર્યો કરે. ટૂંકમાં જળ, જમીન, જંગલ, પહાડ અને આકાશ બધા મોરચે ચીન ભારતને સાણસામાં લેવા મરણિયું થાય છે. એમાં તિબેટ અને દલાઈ લામાનોય મુદ્દો મહત્ત્વનો છે. ચીનને દલાઈ લામા પ્રત્યે ભારોભાર ચીડ છે, આ મુદ્દે તે સંયુક્ત રાષ્ટ્ર સામે પણ શીંગડાં ભેરવી ચૂક્યું છે. ટૂંકમાં તિબેટ અને દલાઈ લામાને સહેજ પણ સહકાર આપ્યો એટલે ચીનનો ડ્રેગન ગરમ થઈ જાય છે.
 
ડ્રેગન ગમે તેટલો ગરમ થાય પણ ભારતે અતિથિ દેવોની ભાવનાને સાર્થક કરવી જ રહી. સામે દલાઈ લામા અને તિબેટિયનોએ અત્યાર સુધી રાખ્યો છે તેવો જ સ્વચ્છ ભાવ અને પક્ષ રાખવો રહ્યો.
 
ભારતે ‘થેંક યુ ઇન્ડિયા’નો કાર્યક્રમ ધર્મશાળામાં સ્થાનાંતરિત કર્યો પરંતુ તિબેટિયનોની લાગણી, વેદના, સંવેદના અને સ્નેહનું ‘સ્થાન’ એ જ રહે તે અપેક્ષા છે. તિબેટીયનો ૬૦ વર્ષથી ભારતમાં છે. તેમના સંતાનો અહીં જન્મયા. તેમના નાગરિકત્વનો વિચાર પણ તેમનું ભવિષ્ય ઉજળું કરનારું સદ્કાર્ય જ લેખાય. ભારત - તિબેટના સંબંધો વર્ષો જૂના છે, તિબેટ એક સ્વતંત્ર દેશ હતો અને તે બંને દેશો વચ્ચે બફર સ્ટેટની ગરજ સારતો. અંગ્રેજોના સમયમાં ત્યાં ભારતીય રેલ ચાલતી, ભારતની પોસ્ટ ઑફિસોય કાર્યરત, ભારતીય પોલીસ અને સૈન્યની એક નાનકડી ટુકડી પણ ત્યાં સુરક્ષા માટે તહેનાત રહેતી. આ ભવ્ય ભૂતકાળ બંને પક્ષ સ્મરણમાં રાખે તો ભવ્ય ભાવિનો સૂરજ સંબંધના આસમાનમાં દૃષ્ટિગોચર થાય. ‘થેંક યુ ઇન્ડિયા’ સાથે સાથે ‘થેંક યુ તિબેટ’ પણ ઊજવાય.