વિચાર-વૈભવ : બુકાની પહેરેલા લીમડાને જોયો છે ? આ ભાષાને બચાવવાની ઋતુ છે...

    ૦૯-માર્ચ-૨૦૧૮


 

જૂન ચાલ્યો છે, તડકાના તોતિંગ અવાજોમાં છાંયડાઓ બહેરા થઈ ગયા છે. એક ગાય ક્યારનીયે મારી સામે જોઈ રહી છે. હું એની ભાષા સમજી શકતો નથી એનો એને ગુસ્સો હોય તેમ લાગે છે. બપોર આવી બેફામ ક્યારેય નહોતી. ૪૫ ડિગ્રી ગરમીનો આતંક છે. એરકંડિશનર મશીનો માનવજીવન ચલાવે છે. બારીમાં બેઠેલું એરકંડિશનર મશીન કબૂતરની જેમ બહારની ગરમીનું ઠંડીમાં ભાષાંતર કરે છે. ‚મમાં એક સન્નાટો પણ છે અને સગવડનો સૂક્ષ્મ અહંકાર પણ... સવારે બુકાની પહેરેલા લીમડાને જોયો ત્યારે બપોરની કલ્પના આવતી હતી પણ મોગરાનાં ફૂલોની સફેદ સાદી મગ‚રી મને જુદા જુસ્સામાં જગાડે છે. સવારે ફૂટબોલ રમતા બાળકોના પરસેવાથી લથબથ શરીર જોઈએ ત્યારે સાવ અનોખી અનુભૂતિ થાય છે. એક પ્રકારનું ચક્ષુસ્નાન થાય છે. એક માણસ મસ્તીથી ભજન ગાતો નીકળે છે. એના શબ્દોનું સફેદ પોત પરસેવાથી લથબથ રસ્તા પર જાણે ટુવાલ ફેરવતું હોય એવું લાગે છે.

પેલો હેલ્મેટ પહેરેલો એરફોર્સનો જવાન હમણાં સવારના નાજુક તડકાના નમણાં મૃગજળના છાંટા ઉડાડીને ગયો. એક બહેન સાડીના ફરફરાટ સાથે સ્કૂટર લઈને દોડતાં હોય તે રીતે ગયાં. એમની સાડીમાંથી સરી જતા શ્ર્લોક પરથી લાગે છે કે શિક્ષિકા આજે તડકા સામે બળવો પોકારી શકશે. ચાની લારીવાળાએ છાપામાં ઊકળતા સમાચાર વાંચવાનું ચાલુ રાખ્યું છે. દૂધની કોથળીઓ લઈને રસ્તો ઓળંગતા એક મધ્યવયસ્ક વ્યક્તિને દિવસની તાજગી બાંધી લાવ્યો છે એવું મિથ્યાભિમાન એને ધીમો પાડી રહ્યું છે. બે સત્સંગીઓએ ભગવાનને નામ તડકાને વટાવવાની હૂંડી લખી નાંખી હોય તેવી કૃત્રિમ શાંતિ પહેરી લીધી છે. નાઈજીરીયન કવિ Dowell oba સળગતા સૂર્યને જોઈને કહે છે.

Unleash your glare,

With reserved civility

To once again celebrate,

Your presence, as a symbol

Of life for sustainability.

સિવિલિટી, હાડમાંસ અને ચૈતન્યથી શોભતી આપણી સૃષ્ટિની સાંસ્કૃતિક કોમળતા ક્યાં છે ? મારું અનુભવગાણું મને કહે છે, આપણી ભાષામાં છે, આપણી ઓળખમાં છે. તડકાથી ઊકળતા રસ્તાને અંતે કોઈ સ્વજન આપણને ઠંડી છાસ પીવડાવે ત્યારે જે અનુભૂતિ છે તે પ્રદેશમાં આપણી માતૃભાષા રહે છે. જૂનના તડકામાં માતૃભાષા અંગેની વ્યથા ઉમેરીએ એટલે તડકાના ભડકા દેખાય, તડકામાં થોડી ક્રૂરતા છલકાય..

એલિયેટે એપ્રિલને સૌથી ક્રૂર મહિનો ગણાવ્યો હતો પણ હવે ક્રૂરતા લંબાતી ચાલી છે. જૂનનો પરસેવો કપડાને અને માણસને તરત જૂના બનાવવાની તરકીબ અપનાવી રહ્યો છે. વરસાદમાં લથબથ થવાનો થાક નથી હોતો પણ પરસેવાથી રેબઝેબ થઈએ તો એમ થાય કે ક્યારે બીજા ઠંડા પાણીથી નાહી લઈએ. ઉનાળાની લૂ આપણી ભાષાને કેવી રીતે લાગે છે તે જોઈને વધારાનો પરસેવો વળે છે. પોતાનાં બાળકોને માતૃભાષાથી વિખૂટાં પાડતાં મા-બાપો અને વેપારી-શિક્ષણપતિઓને ભાષાના પગે પડેલા ફોલ્લા ક્યાંથી દેખાય? ગુજરાતી ભાષા બોલી નહીં શકતા કિશોર-કિશોરીઓ મેદાનમાં તડકાથી સુકાઈ રહેલા નાના-છોડ જેવા દેખાય છે. ઝાડ કાપનારા કઠિયારાઓને જોઈએ ત્યારે આપણે ના સાંભળી શક્યા હોઈએ એવી કોઈ ઝાડની ચીસની ભાષા વાંચવા મન તત્પર થઈ આવે છે. ચીસ ઘણા ભાષાપ્રેમીઓની મૌનવ્યથાનો ચિત્કાર છે. એક પ્રકારનું અજ્ઞાન, વ્યામોહ, દેખાદેખી અને કલિયુગની કાળી ગંધથી વંટોળાતું અંધારું ઘેરી વળે છે. ભારતીયતા વિનાનો ભારતીય કે ગુજરાતી વિનાના ગુજરાતીના ગ્લોબલ વોર્મિંગ વચ્ચે હું એક કાવ્ય લખીને મારી ભાષાના વૃક્ષનું યુગારોહણ કરાવવા મથું છું. આવા બીજાંકુરણમાં નરસિંહ મહેતા કે ગોવર્ધનરામ ત્રિપાઠી, સ્ટીવ જોબ્સ કે માર્ક ઝુકરબર્કને ના નથી પાડવાના. એક ઓળખરક્ષ્યો આધુનિકતાનો અધિકારમાર્ગ છે. બાળકની આંખમાં ઘૂસતા ઉનાળાની સામે રક્ષણોપાય છે. આંતરરાષ્ટ્રીય થવાની ઉતાવળમાં ઓળખને વિધવા કરવા જેવી નથી. શાળામાં બાળકોને ગુજરાતી બોલવા પણ ના દઈએ તો તો કેટલાં બધાં પુષ્પોના બાળમરણની યમ-જવાબદારી આપણને ભારેખમ બનાવી દે, પ્લે સેન્ટરનેકૂદાકૂદ-ક્રીડાંગણકહેવામાં શરમ રાખવા જેવી નથી. આપણાં દુકાનનાં પાટિયાં ગુજરાતીમાં લખીએ તો આપણા વિદેશી મહેમાનોને ખોટું નહીં લાગે. આપણા દીકરા-દીકરીના લગ્નની કંકોતરી ગુજરાતીમાં લખવાથી પ્રસંગની શોભા કોઈ રીતે ઓછી નહીં થાય. સૂરજ દીધો ઉનાળો તો કાલે અષાઢી વાદળ ઓલવી નાખશે પણ ભાષાનો ઉનાળો તો આપણને લાંબા સમય સુધી દઝાડશે. આવો, થોડું પાણી છાંટીએ, છોડને આમ કરમાવા ના દેવાય...