વિજય જ અંતિમ લક્ષ

    ૧૦-એપ્રિલ-૨૦૧૮

સન ૧૮૭૯માં રામજી સુબેદાર રાવલપિંડીની સૈનિક શિબિરમાં હતા. એ સૈનિક શિબિરોમાં વસતી મહિલાઓ કપડા ધોવા ને વાસણ માંજવા, બેય કામ સાથે લઈને નદીએ જાય. એક દિવસ અમુક સાધુઓ નદીમાં થોડે દૂર સ્નાન કરતા હતા. તેમણે આ મહિલાઓને કોંકણી-મરાઠી ભાષામાં વાતચીત કરતાં સાંભળી એટલે એક વૃદ્ધ સંન્યાસી શુદ્ધ મરાઠીમાં બોલ્યો - ભીમા, તું અહીં ક્યાંથી ? ભીમાબાઈ મુંઝાણા. અહીં મને નામથી બોલાવનાર કોણ છે ? શું કહું એમને ? ત્યાં તો તે સાધુ થોડા નજીક આવી કહેવા લાગ્યા, ‘બેટા, ગભરાઈશ નહીં, હું તમારો જેઠ થાઉં, સાંસારિક સંબંધે સંન્યાસી સાથીઓ સાથે પરિભ્રમણ કરતો અહીં આવ્યો છું.’
 
ભીમાબાઈએ તેમને નમન કર્યા અને ભાવપૂર્વક કહ્યું, હું ઘેર જઈ તુરંત મારા પતિને, આપ સૌને ઘેર આવવાનું નિમંત્રણ પાઠવવા મોકલું છું. આપ એ આમંત્રણ સ્વીકારી અમારું ઘર પાવન કરજો. સુબેદાર રામજી હરખભેર આવી સાધુટોળીને પ્રેમપૂર્વક ઘેર લઈ આવ્યા. મોટાભાઈએ કહ્યું - ભોજનની માથાકૂટ ન કરશો, અમે તો સાધુ છીએ. આજ અહીં તો કાલ બીજે. સુબેદાર ફળફૂલ - મેવામીઠાઈ લઈ આવ્યા. સાધુઓએ તેમાંથી થોડુ થોડુ ગ્રહણ કર્યું. આંગણામાં ધૂણી-ધખાવી ભજન કીર્તન કર્યા. હવે તેઓ વિદાય લેવાના હતા, એટલે ભીમાબાઈએ વિનંતી કરી. અંદર ઓરડામાં આવી મારા બાળકોને આશીર્વાદ આપો.
 
સાધુ બોલ્યા, ‘એકવાર સંબંધોની જંજાળમાંથી બહાર આવી ગયો છું. હવે ફસાવું નથી. આપણા વંશની ત્રણ પેઢીમાં ત્રણ પુરુષો સંન્યાસી થઈ ગયા. ત્રણેએ ઘોર તપશ્ર્ચર્યા કરી. ભગવાન પાસે એક જ વરદાન માંગ્યું છે કે અમારા વંશમાં કુળનું નામ ઉજાળે અને પોતાના બાંધવો તથા ધર્મની દુર્દશાને સમાપ્ત કરી, જાતિ અને ધર્મને પ્રકાશિત કરે તેવો એક પુત્ર આપો. ભગવાને એ વરદાન આપી દીધું છે. આપણી વર્તમાન પેઢીમાં રામજી એકલો જ ગૃહસ્થ છે એટલે એ સૌભાગ્ય તમને અને રામજીને મળવાનું છે. આ વાત તમે મારા મોઢે સાંભળો એવી ભગવાનની ઇચ્છા હોવાથી જ આમ અચાનક આપણી મુલાકાત થઈ ગઈ.’
 
આ ભીમરાવ રામજી આંબેડકરજીના જન્મ વિશે તેમના મોટા બાપુજી જે સંન્યાસી હતા તેમણે કરેલી ભવિષ્યવાણી છે.