અમેરિકા - ચીનની વ્યાપાર લડાઈ વિશ્ર્વનો ૧% GDP ઘટાડી શકે

    ૧૦-એપ્રિલ-૨૦૧૮

અમેરિકાને ફરીથી ‘મહાન’ બનાવવાની રટ લઈને બેઠેલા પ્રમુખ ટ્રમ્પે, ચીનની બિનવ્યવહારુ નીતિઓ સામે રણશિંગું ફૂંકીને વૈશ્ર્વિક અર્થતંત્રમાં ઊથલપાથલ ઊભી કરી છે. ચીનની અંદાજિત ૨૦% નિકાસ ૫૦૬ બિલિયન ડૉલરની અમેરિકામાં છે. તેમાં ૧૩૦૦ પ્રોડક્ટ્સ પર ૧૦-૨૫%થી ડ્યૂટી અમેરિકાએ ગત સપ્તાહમાં ઝીંકી. વળતા પ્રહારમાં જ્યાં અમેરિકા અંદાજિત ૧૩૦ બીલીયન ડૉલરનો માલ ચીનમાં મોકલે છે ત્યાં ૫૦ બીલીયન ડૉલરના માલ પર ચાઈનાએ ડ્યૂટી વધારી. સાથે જ યુરોપિયન યુનિયનને પણ સાથ આપવા જણાવ્યું.
 
ચીનની નીતિઓથી ત્રસ્ત યુનિયનને ધાતુઓની નિકાસ, ત્યાંની કંપનીઓના માલની નિકાસ તથા ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અંગે ઘણી મુશ્કેલીઓ છતાં તેમણે આ બાબતો અંગેની સંસ્થા WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)માં રજૂઆત કરવા જણાવ્યું.
નિષ્ણાતોના મતે આ લડાઈમાં ચીનનું પલ્લું ભારે છે. ૩ ટ્રીલીયન ડૉલર કરતાં વધારેની બચત સાથે સામ્યવાદી સરકાર, ઝીનપિંગને હમણાં જ જીવનપર્યંત પ્રમુખનો હોદ્દો સોંપી ચૂક્યું છે. ડ્યૂટી વધવાથી થતા નુકસાનની ભરપાઈ કરી ચીની કંપનીઓને ઉગારી લેવા માટે ચીન માત્ર સક્ષમ નથી, ખૂબ ઝડપથી નિર્ણયો લઈ શકે છે જે ડેમોક્રેટિક અમેરિકામાં શક્ય નથી. પ્રમુખ ઝીનપિંગએ આર્થિક લડાઈને રાજકીય સ્વરૂપ આપવા, અમેરિકાના મધ્ય-પશ્ર્ચિમ તથા સોયાબીનના ઉત્પાદકો જે ટ્રમ્પના વોટર્સ છે તેમને નુકસાન થાય તે પ્રમાણેના ટેરિફ લગાડ્યા છે. ચીનનું મીડિયા પણ સરકારી હોવાથી, તેને મત બાંધનારા અન્ય દેશોની મદદ કે વ્યાપારી અભિપ્રાયો પણ મનમગતા ઢાળી ઊહાપોહને ઠારી શકે તેમ છે. લોકશાહી અમેરિકામાં મીડિયા, કોંગ્રેસમેન વગેરે બધા જ આ બાબતોએ જુદા મત ધરાવે છે.
આ પ્રકારની વ્યાપાર - લડાઈ વિકાસ માટે નુકસાનકારક છે. ટ્રમ્પ તેનાં કેપિટલ માર્કેટ્સ તૂટે તે સહન કરી શકે તેમ નથી. વચગાળાની ચૂંટણીઓમાં મધ્ય-પશ્ર્ચિમના વોટર જૂથની નારાજગી ટ્રમ્પની પાર્ટીને ચૂંટણીમાં પછાડી શકે તેમ છે. અમેરિકન વ્યાપારની સપ્લાય ચેઈન ચાઈના સાથે તૂટે. બેરોજગારીનો દર જે અત્યારે સૌથી ઓછો છે તે નોકરીઓ તોડાવે, વગેરે અનેક મથામણો ઊભી થાય જેના માટે અમેરિકાનું અર્થતંત્ર પણ સાબદું નથી જ. છતાંય આ લડાઈ ચાલુ રહે તો નાણાંકીય માર્કેટમાં ઘણી ઊથલપાથલ થાય. ભાવો વધે, ફુગાવાનો આંક વધે, વ્યાજ દર વધે, અમેરિકન બોન્ડ રેટ વધે. ટ્રમ્પની નીતિઓને અનુસરતા અંદાજિત ૨૩૦ બીલીયન ડોલર અમેરિકન કંપનીઓ પરદેશમાંથી પાછા લાવી છે અને તેના ઉત્પાદક ઉપયોગ માટે રોકાણ કરી રહી છે. આ બધાને બ્રેક વાગે. આ સંજોગોમાં ભારતના કેપિટલ માર્કેટમાંથી કંપનીઓ પૈસા પાછા અમેરિકા ભેગા કરે.
 
ગત વર્ષના ૬.૬% GDP સામે રીઝર્વ બેંકના રીપોર્ટ મુજબ ૧૮-૧૯માં આપણો વિકાસ દર કુલ મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ બદલીને જે વૈશ્ર્વિક પદ્ધતિ છે તે પ્રમાણે પણ ૭.૪% સુધીનો થાય તેમ છે. ફુગાવો પ્રથમ ૬ માસમાં ૪૭% અને CPI (ક્ધઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્ષ) ૪% વત્તા-ઓછા %નો રહેવાની સંભાવના છે. અન્ય દેશોની લડાઈ જોતાં આપણા સોયાબીનનું માર્કેટ તથા જુદા દેશોમાં નિકાસ કરવાની સંભાવના વધે, પરંતુ કેપિટલ માર્કેટસની અસ્થિરતામાં રોકાણોની લાગણી ઘટે, નાણાકીય ભીડ ઊભી થાય. PSY બેંકો જે NPAથી ખદબદે છે તે તેમને નવું ભંડોળ ઊભું કરવા માટે વધુ મુશ્કેલી થાય. ગત સપ્તાહથી જ HIB વિઝા જે નિષ્ણાત નોકરિયાતોને ભારતથી અમેરિકા જવા મળતા હતા તથા બિનનિવાસી ભારતીયોનું જે ૬૦ અબજ ડોલર કરતાં વધારે ભંડોળ ભારત પાસે છે તેમાં પણ ઘટાડો તો ખરો જ, ભલે તે નહીંવત્ હોય. અર્થશાસ્ત્રીઓના મતે આવી વ્યાપાર લડાઈઓ અટકે તે વૈશ્ર્વિક અર્થતંત્રના ફાયદામાં છે. સંકેત તેમાં સુલેહ થાય તેવા છે. ન થાય તો વિશ્ર્વનો ૧% GDP ઘટી શકે. ભારતનેય નુકસાન ખરું જ.