દિન-વિશેષ : ડૉ. આંબેડકરનું દલિત પત્રકારત્વ...

    ૧૨-એપ્રિલ-૨૦૧૮
 
 
મશહૂર ઉર્દૂ શાયર અકબર ઇલાહાબાદીના શબ્દોમાં કહીએ તો...
‘ખીંચો ના કમાનોં કો
ન તલવાર નિકાલો
જબ તોપ હો મુકાબિલ તો
અખબાર નિકાલો ॥
 
વર્તમાન પત્ર - સામયિક સહસ્ર જિહ્વાઓ થકી બોલે છે અને લાખો સાદ પાડી શકે છે. એટલે ભલભલા ચમરબંધીઓ પણ વર્તમાન પત્રોથી ડરે છે.
 
દલિત પત્રકારત્વનો સાચો પ્રારંભ ડૉ. આંબેડકર દ્વારા થયો હતો. તેના પ્રેરણામૂર્તિ તેઓ પોતે હતા. ડૉ. બાબાસાહેબ પોતે માનતા હતા કે ‘પાંખો સિવાય જેમ પક્ષી તેવી રીતે સમાજમાં વિચાર પ્રવૃત્ત કરવા સામયિકની આવશ્યકતા છે, કોઈપણ સંઘર્ષ માટે આંદોલનનું કાર્યાન્વિત હોવું જેટલું જ‚રી છે એટલું જ એ સંઘર્ષમાં શસ્ત્ર / શાસ્ત્ર (સામયિક - સાહિત્ય) પણ જરૂરી હોય છે. પત્રકારિત્વથી લોકજાગરણ થાય છે તે સમાજની ઉન્નતિનું ઉત્તમ માધ્યમ છે. ડૉ. બાબાસાહેબનું ધ્યેય હતું ‘જાતિવિહીન સમાજની સંરચના’. તેમની દાર્શનિક દૃષ્ટિએ જાણી લીધું હતું કે દલિત ચેતના-જાગૃતિ જ જાતિવિહીન સમાજનિર્માણની જનની છે. એટલે સઘળી સમસ્યાનું રાજનીતિકરણ ન કરતાં અન્ય રાજનેતાઓની જેમ તેમણે દલિત સમસ્યાને એકમાત્ર રાજકારણથી નિપટાવી નહીં, પરંતુ દલિતોમાં જાગૃતિ જગાવવાના કાર્યને તથા તેમનામાં સ્વાભિમાન આણવાના કાર્યને પ્રાથમિકતા આપી હતી.
 
ચર્ચાપત્રી તરીકે પત્રકારત્વની શરૂઆત કરતાં ડૉ. આંબેડકરે ફિરોજશાહ મહેતાના સ્મારકની માંગ કરી હતી. તે સાથે જ તા. ૧૬-૦૧-૧૯૧૯ના ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ચર્ચાપત્ર લખતાં ડૉ. આંબેડકરે જણાવેલ છે કે ‘સમાજના આગળ પડતા વર્ગોએ દલિતોને શિક્ષણ આપી તેમના મનની અને સામાજિક દરજ્જાની ઊંચાઈ વધારવી એ એમનું આદ્યકર્તવ્ય છે. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી ભારતીય સ્વાતંત્ર્યના દિન દૂર જ રહેશે એ નિશ્ર્ચિત છે.’
 
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરે પાક્ષિકનો પ્રારંભ કર્યો
 
દુ:ખીજનોના દરિદ્રને હણવા, પીડિતોની પોતીકી વાતને વ્યક્ત કરવા ડૉ. આંબેડકરે તા. ૩૧ જાન્યુઆરી, ૧૯૨૦થી મૂકનાયક નામના મરાઠી પાક્ષિકનો પ્રારંભ કર્યો. સામાજિક ક્રાંતિના ઘણ (હથોડો) સમાં સામયિકો લઈને એલાને જંગ આદરી દીધો. જો કે તેમાં કોલ્હાપુરના પ્રજાવત્સલ રાજવી છત્રપતિ શાહુ (યશવંત જયસીંગ ઘાટગો - ૧૮૭૮-૧૯૨૦)નો આર્થિક સહયોગ નોંધપાત્ર હતો.
 
મૂકનાયકના પ્રથમ અંકના અગ્રલેખમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર લખે છે કે, ‘અમારા આ બહિષ્કૃત લોકો ઉપર થતા તથા ભવિષ્યમાં ચાલુ રહેનારા અન્યાયના ઉપાયો સૂચવનારા તેમજ તેમની ભાવિ ઉન્નતિના માર્ગનાં સાચાં સ્વરૂપોની ચર્ચા-વિચારણા કરવા માટે વર્તમાન પત્ર જેવું બીજું કોઈ જ માધ્યમ નથી. પરંતુ મુંબઈ ઇલાકામાંથી નીકળતાં અસંખ્ય સામયિકો જોતાં જણાય છે કે તેમાંનાં મોટાભાગના સામયિકો વિશિષ્ટ જ્ઞાતિ સમાજ સાથે સંકળાયેલાં હોય છે, તે જ્ઞાતિ સમાજના હિતની જ સંભાળ રાખે છે. અન્ય જાતિ - સમાજની સહેજ પણ ચિંતા કરતા નથી, એટલું જ નહીં આ સામયિકો અમારા સમાજને અહિતકર હોય તેવી જ ભૂમિકા ભજવતાં હોય છે. આવાં સામયિકોને અમારે એટલું જ કહેવું કે, કોઈપણ એકાદ જ્ઞાતિ, જાતિની અવગતિ થશે તો તેની અવગતિની અસરો અન્ય જાતિઓ ઉપર થયા વિના રહેશે નહીં. સમાજ એ એક ‘જહાજ’ છે. જેવી રીતે જહાજમાં બેઠેલા ઉતારુઓ અન્ય ઉતારુઓને નુકસાન કરવા તેમની મજાક-મશ્કરી કરવા કે પોતાના પરપીડનવૃત્તિવાળા સ્વભાવ પ્રમાણે પોતાની કે અન્યની જહાજમાંની ઓરડીમાં છીદ્ર કરશે તો જહાજમાં પ્રવાસ કરનારા સઘળા પ્રવાસીઓ વહેલા કે મોડા અચૂક ડૂબી જશે.’
 
 
તિરસ્કૃત લોકોના પ્રશ્ર્નોને વાચા આપતું મૂકનાયક
 
મૂકનાયક પત્ર શરૂ કરવાના ઉદ્દેશને સ્પષ્ટ કરતા ડૉ. બાબાસાહેબે અગ્રલેખમાં લખ્યું હતું કે, બહિષ્કૃત - તિરસ્કૃત લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા તેની સાંગોપાંગ ચર્ચા-વિચારણા માટે અન્ય સામયિકોમાં જગ્યા હોતી નથી એ હકીકત છે. આથી, આ લોકોના વિકટ પ્રશ્ર્નોને વાચા આપવા એક સ્વતંત્ર સામયિકની આવશ્યકતા છે, એ કબૂલ કરવું પડશે અને આ ઊણપને દૂર કરવા આ મૂકનાયક સામયિક શ‚ કરવામાં આવે છે. વળી, તેઓ લખે છે કે, તંત્રી - સંપાદક પણ અભ્યાસુ, અનુભવી, ચિંતક, વિશાળ દૃષ્ટિયુક્ત સમાજસેવાને સમર્પિત હોવો જોઈએ. મૂકનાયક પાક્ષિકના પ્રથમ ૧૪ અંકોના તંત્રીલેખ સ્વયં ડૉ. આંબેડકરે લખ્યા હતા. મૂકનાયક થોડાં વર્ષો ચાલુ રહ્યા પછી બંધ પડી ગયેલ. મૂકનાયકની કલ્પના એટલે એવા લોકો કે જે સામાજિક રીતે મૂંગા છે, જેમની પાસે જબાન નથી અને જેમનું કોઈ કાંઈ સાંભળતું નથી. તેવા લોકોના ઉત્થાન, ઉત્કર્ષ માટે કરેલી કલ્પના જે મૂકનાયકમાં સાકાર કરવામાં આવી હતી. પરંતુ મૂકનાયક અલ્પ આયુષ્ય ભોગવી બંધ પડ્યું. બાદમાં ડૉ. આંબેડકરે ત્રીજી એપ્રિલ, ૧૯૨૭ના રોજ બહિષ્કૃત ભારત નામના પાક્ષિકની શરૂઆત કરી. બહિષ્કૃત ભારતની કલ્પના એટલે એવું ભારત કે જેમાં સમાજનો ૧/૪ દલિત વર્ગ બહિષ્કૃત હતો. સદીઓથી અત્યંત પીડિત, અકિંચન દલિત તરીકે જીવતા આ સમાજના ઉત્થાન માટે કોઈ હાથ પકડનાર ન હતો. સમાજની અનેક આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજનૈતિક મુશ્કેલીઓ હતી, પરંતુ એ મુશ્કેલીઓના નિવારણ માટે આજ સુધીમાં કોઈ અખબારે તેમના પ્રશ્ર્નોને વાચા આપી જ ન હતી. હિન્દુ ધર્મીઓ દ્વારા આ સમાજ બહિષ્કૃત હતો જ, પરંતુ ભારતના જનજીવનમાંય બહિષ્કૃત છે તેવી કલ્પના સાથે બહિષ્કૃતોના પ્રશ્ર્નોને વાચા આપવા માટે જ દલિત અખબારનો ડૉ. આંબેડકરે પ્રારંભ કર્યો. ૩જી એપ્રિલ, ૧૯૨૭ ને રવિવારના પ્રથમ અંકને જોઈશું તો ટાઈટલ અર્ધ ગોળાકારમાં બહિષ્કૃત ભારત છાપવામાં આવ્યું છે. જેની પશ્ર્ચાત્ ભૂમિકામાં ભારતનો નકશો (બર્માથી પાકિસ્તાન સહિત) દેખાય છે. તે સમયે બર્મા અને પાકિસ્તાન અલગ ન હતા. અર્ધગોળાકારની બન્ને બાજુ સિંહ લોખંડની ઝંઝીરોથી જકડાયેલા, સામાજિક ગુલામીના પ્રતીક‚પે દેખાય છે. સામાજિક પ્રતિસાદ ન મળતાં બે વર્ષ પછી તા. ૧૫-૧૧-૧૯૨૯ એ છેલ્લો અંક પ્રસિદ્ધ કરી બહિષ્કૃત ભારત બંધ પડ્યું. ૨૫ નવેમ્બર, ૧૯૨૭ના અંકમાં બહિષ્કૃત ભારતના સત્યાગ્રહ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર લખે છે કે, ‘જે કાર્યથી જનસમાજ સંગઠિત બને છે તે જ સાચો સત્યાગ્રહ છે, અને તે એક સત્કાર્ય છે. તેના માટે જે આગ્રહ કરવામાં આવે છે તે સત્યાગ્રહ છે. એટલા માટે સત્યાગ્રહનો અર્થ છે સત્કાર્ય માટે લોકોને એક સાથે લાવવા. જો અસ્પૃશ્ય આ અસ્પૃશ્યતાના ખાડામાંથી બહાર આવશે તો એમને આત્મસ્વાતંત્ર્યનો આનંદ થશે. પરિણામ એ આવશે તેઓ પોતાના પરાક્રમથી બુદ્ધિના બળ ઉપર અને ઉદ્યોગોને સહારે દેશના ઉત્કર્ષમાં સહયોગ આપી શકશે. પ્રગતિ માટે સહાયક બની શકશે.’
 
બહિષ્કૃત ભારતની સાથે સાથે ‘સમતા’ પણ શરૂ કર્યું, જે દર શુક્રવારે પ્રકાશિત થતું હતું. સમાજ સમતા સંઘના ઉપક્રમે પ્રસિદ્ધ થતા સમતા સામયિકના તંત્રી ગોવર્ધન બ્રાહ્મણ જ્ઞાતિના દેવરાવ વિષ્ણુ નાઈક હતા. જેને લોકમાન્ય બાલગંગાધર તિલકના સુપુત્ર પૂનાના શ્રીધર તિલકનું સક્રિય રીતે સમર્થન હતું. શ્રીધર તિલક આત્મહત્યા કરી મૃત્યુ પામ્યા તેના એક દિવસ પૂર્વે ડૉ. આંબેડકરને આત્મીયતાભર્યા (તા. ૨૫-૦૫-૧૯૨૮)ના પત્રથી તેમાં પોતાની સઘળી દુ:ખદ વિગતો વર્ણવી હતી. આમ, તેમના આપઘાતના દિવસની સ્મૃતિમાં સમતા પાક્ષિક શુક્રવારે પ્રસિદ્ધ થતું હતું.
 
 
ધર્માંતર પૂર્વજન્તાનું નામાંતર
 
મૂકનાયક, બહિષ્કૃત ભારત, સમતાના પ્રદીર્ઘ પત્રકારત્વના પ્રવાસ બાદ ડૉ. બાબાસાહેબ ‘જનતા’ નામે બીજા દલિત અખબારનો તા. ૨૪ નવેમ્બર, ૧૯૩૦ના રોજ પ્રારંભ કર્યો, જેના સંપાદક તંત્રી તરીકે દેવરાવ વિષ્ણુ નાઈકને નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રી દેવરાવ વિષ્ણુ નાઈક બ્રાહ્મણ હતા, પરંતુ અસ્પૃશ્યો દ્વારા ચાલતી અનેક પ્રવૃત્તિઓમાં તેમનો ઘણો જ સહકાર મળી રહેતો હતો. શ્રી દેવરાવ નાઈક સમતા, જનતા અને બ્રાહ્મણ - બ્રાહ્મણેતર જેવા પત્રોના સંપાદક તરીકે રહ્યા હતા. જનતા શરૂઆતમાં પાક્ષિક હતું, પરંતુ પાછળથી તેને સાપ્તાહિકમાં ફેરવવામાં આવ્યું. જનતાના ટાઈટલ ઉપર
‘ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વ નીચે ચાલતું જનહિત પ્રવર્તક પાક્ષિક’ એમ લખાતું હતું. જનતા પત્ર લગભગ પચ્ચીસ (૨૫) વર્ષ સુધી ચાલ્યું... છેલ્લે જાન્યુઆરી, ૧૯૫૫ સુધી જનતા ચાલુ રહ્યું, પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર ધર્માન્તર કરવાના વિચારવામાં ગૂંથાયેલા હોવાથી ધર્માન્તર પૂર્વે જનતાનું નામાંતર કરી ‘પ્રબુદ્ધ ભારત’ રાખી તા. ૦૪-૦૨-૧૯૫૬ના રોજ પ્રસિદ્ધ કર્યું.
 
દલિત સમાજ માટે કાયદાની અને રાજકીય સત્તાની ઉપયોગિતાને સમજાવતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘જનતા’ પાક્ષિકના તા. ૧૧મી માર્ચ, ૧૯૩૩ના અંકમાં લખે છે કે, ‘જ્યારે શ્રીમંત લોકોને બીમારી આવે છે ત્યારે પૈસા ખર્ચીને પણ ઔષધોપચાર કરાવીને બરાબર થઈ જાય છે, પરંતુ ગરીબો માટે એક માત્ર કાયદાનો જ આશરો હોય છે. એવાં સઘળાં સુખો માટે કાયદો જ‚રી છે. તેથી આપણે દરેક પ્રકારના કાયદા ઘડવાની શક્તિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરવી પડશે.’ રાજકીય સત્તા હસ્તગત કરવાથી દલિત વર્ગોને કેવો ફાયદો થશે તે સમજાવતાં આગળ લખે છે કે, ‘તમારાં બાળકોને શિક્ષણ આપવા માટે આજે તમારી પાસે પૈસા નથી, પરંતુ જ્યારે કાયદા ઘડાશે ત્યારે તમારાં બાળકો માટે સારું થશે. તમારા પૈકીના ઘણા લોકો બેકાર છે. સર્વ લોકોને કામ આપવા માટે તથા સર્વ લોકોને શિક્ષણ આપવા માટે, સર્વ લોકોનું પોષણ કરવાનું સરકારનું કર્તવ્ય બની જશે. એવા એવા સઘળા કાયદા ઘડાશે પછી બેકારીથી વ્યગ્ર થઈને કોઈને ભૂખે મરવાનું રહેશે નહીં.’
 
 
ડૉ. આંબેડકરનું બુદ્ધ ભૂષણ પ્રિન્ટીંગ પ્રેસ ચાલતું હતું
 
તેમજ જનતા તા. ૨૨ એપ્રિલ, ૧૯૩૩ના અંકમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર લખે છે કે, ‘મેં કોઈ ખાસ માર્ગ પસંદ જ કર્યો છે ત્યારે ઘણા માણસો ૫૦ વર્ષે સામાજિક કાર્ય કરે છે. એ કાર્ય મેં મારી પચ્ચીસ (૨૫) વર્ષની ઉંમરથી જ ચાલુ કર્યું છે. જે સમાજ પાસે ન પૈસા, ન માણસો, ન બુદ્ધિમત્તા એવા સમાજને જાગૃત કરવાનું મેં કામ કર્યું છે. એક તરફ પૈસાની કટોકટી, માણસોનો અભાવ, જાતે પત્રો લખવા, સમાચારો લખવા, લેખો લખવા, ચળવળો ચલાવવી, વકીલાત કરવી આવી પરિસ્થિતિમાં કામ કરવું તે કોઈપણ વ્યક્તિ માટે કઠિન છે. મારું સદ્ભાગ્ય કહો કે દુર્ભાગ્ય ગણો. આપણી ચળવળોની જવાબદારી હવે મારી ઉપર આવી છે.’ પોતાની ઉપર આવેલી સમાજની જવાબદારીને વહન કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સમાજ પ્રત્યેની લાગણી - નિષ્પક્ષતા અને વફાદારીનું એક ઉત્તમ ઉદાહરણ જોઈએ તો ડૉ. આંબેડકરનું બુદ્ધ ભૂષણ પ્રિન્ટીંગ પ્રેસ ચાલતું હતું, જેની સંપૂર્ણ કામગીરીની જવાબદારી ઉત્સમ નામના કેશિયરને આપી હતી. ડૉ. આંબેડકરના સુપુત્ર યશવંતરાવ આંબેડરકર કેશિયરને વારંવાર હેરાન કરતા હતા. આથી કેશિયર દ્વારા ડૉ. આંબેડકરને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી, તા. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૫૬ના રોજ પીડિતોના પત્રકાર એવા ડૉ. આંબેડકર પોતાના એકના એક પુત્રને ખખડાવતાં - ઠપકો આપતાં પત્રમાં લખે છે કે, I am writing to warn you that, press is public property - neither yours nor mine. પ્રેસ એ સમાજની સંપત્તિ છે. તારી પણ નથી અને મારી પણ નથી.
 
આધુનિક યુગમાં પત્રકારિત્વ તેમજ સંચાર માધ્યમો (આજે તેને મીડિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ સમાવેશ થાય છે.) સત્તાધારકો અને લોકો વચ્ચે સક્ષમ સંવહન સરણીની ભૂમિકા ભજવે છે. સામાજિક પરિવર્તન માટે લોકોની ચેતનાને સંકોરી, જગાવી, સુધારા માટે સજ્જ કરવા મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. જો કે સામયિકો સનસનાટી પણ ફેલાવી શકે છે. અમેરિકાના જોસેફ પુલિત્ઝરે પોતાના World (૧૮૮૩) સામયિકોને સનસનાટી માટેનું સાધન માધ્યમ ગણ્યું હતું. અલબત્ત, તેમાંથી આજે પીળું પત્રકારિત્વ Yellow Journalism પેદા થયું, જે ચટપટું, ચિત્ર-વિચિત્ર, અનોખું, ગલગલિયાં કરાવે તથા બહેકાવે તેવું હોય છે તે અલગ બાબત છે. અહીં સામાજિક ‘પસ્તી’ છે, તો ક્યાંક ‘પૈગામ’ પણ છે. આમ સામયિક એક શક્તિશાળી ફલક છે. સમાજ, રાષ્ટ્ર, જીવવાનો અહેસાસ પણ છે. આટલી નાનકડી બાબત બાદ કરીએ તો આધુનિક યુગમાં વર્તમાન પત્રો રાજ્યની ચોથી જાગીર મહાસત્તા ગણાય છે.
 
ડૉ. આંબેડકરનો તેમજ તેમની વિચારધારાનો ગુજરાતનાં દલિત સામયિકો ઉપર પણ પ્રભાવ રહ્યો છે. નવયુવક, તમન્ના, જ્યોતિ, સમાનતા જેવા સામયિકોમાં ડૉ. આંબેડકરના વિચારો વ્યક્ત થતા રહ્યા હતા. જેની નોંધ લેવી ઘટે. આમ, પીડિતોના પત્રકાર ડૉ. આંબેડકરના પત્રકારત્વને દલિતો, શોષિતો અને વંચિતોની વેદનાને વ્યક્ત કરી છે. કવિ કૃણાલ શાહના શબ્દોમાં કહું તો...
‘શોષિતો, પીડીતોની વેદનાને
વ્યક્ત કરી શકું
તો જ હું મારી કલમનો
ભાર સહી શકું...’
 
એ વાતને ચરિતાર્થ કરતા, એ ન્યાયે સદા સર્વદા દલિતહિતને ધ્યાન રાખી પોતાના પત્રકારત્વમાં આલેખેલ વિચારો દલિત સમાજ માટે દીવાદાંડી‚પ છે. ડૉ. આંબેડકરની ધારદાર રજૂઆત, ઓજસ્વી સાર્મથ્યસંપન્ન ભાષાના અવલંબનથી દલિત પત્રકારત્વનો એક અલગ જ યુગ શરૂ થયો હતો, જે હિન્દી, મરાઠી, ગુજરાતી અને દેશની વિભિન્ન ભાષામાં વહેતો થયો.. પોતાના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ના પ્રથમ અંક-૩૧, જાન્યુઆરી ૧૯૨૦ના મુખ્ય પૃષ્ઠ પર ડૉ. આંબેડકરે તુકારામના અભંગની આ પંક્તિઓ મૂકી કહ્યું છે કે...
‘કાયકરુ આતા ધરુનિયા ભીડ
નિ:શંક હૈ તોડ વાણવિલે
નવ્હે જગી કોણી મુક્તિયાંચા જાણે સાર્થક ભાજૂન નવ્હે હિત ॥
 
એટલે કે ‘હવે હું સંકોચ રાખીને શું કરું ? આમ પણ અત્યાર સુધી હું બિંદાસ્ત રીતે બોલતો રહ્યો છું. દુનિયામાં મૂંગાનું કોઈ નથી, શરમથી કોઈ અર્થ કે કોઈ હિત સરતું નથી, અને ટૂંકમાં હવે હું ચૂપ બેસવાનો નથી...’
 
- ડૉ. કલ્પેશ વોરા