વિશ્વ પ્રવાહ : સઈદ પાકિસ્તાનમાં સત્તા કબજે કરે તો દુનિયા ખતમ થઈ જાય

    ૧૨-એપ્રિલ-૨૦૧૮

 
 
પાકિસ્તાનમાં જુલાઇમાં ચૂંટણીઓ યોજાવાની છે ને આ ચૂંટણી માટે રાજકીય પક્ષો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ત્યારે આખી દુનિયા તણાવમાં છે. તેનું કારણ એ કે આતંકવાદી સંગઠન જમાત ઉદ્ દાવાના આકા એવા આતંકવાદી સરકાર હાફિઝ સઇદે મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) નામની પાર્ટી રચીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓનો પ્રભાવ વધતો જાય છે ને બીજી તરફ હાલના જે રાજકીય પક્ષો છે તે બધા ભ્રષ્ટ છે. એ લોકોએ પાકિસ્તાનની પત્તર ખાંડી દીધી છે અને પોતાનાં ઘર ભરવા સિવાય કશું કર્યું નથી. લોકો તેમનાથી નારાજ છે પણ તેમને કોઈ સબળ વિકલ્પ મળતો નથી તેથી ભુટ્ટો અને શરીફ ખાનદાન વચ્ચે સત્તા રમ્યા કરે છે.
 
આ સ્થિતિનો લાભ લેવા માટે સઈદે રાજકારણમાં ઝંપલાવ્યું છે. લોકો કંટાળેલા તો છે જ એ જોતાં સઈદમાં તેમનો પોતાનો મસિહા દેખાય ને પાકિસ્તાનનાં લોકો હફીઝ સઈદ પર ઓળઘોળ થઈ જાય ને તેના હાથમાં સત્તા સોંપી દે તો શું થાય એ વિચારે દુનિયાભરના દેશો થથરી રહ્યા છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ છે ને આ દેશનો વહીવટ એક આતંકવાદી સરદારના હાથમાં જાય તો વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જાય એવો ઘાટ થાય. કટ્ટરવાદી મુસ્લિમ આતંકવાદીઓ માથાફરેલા છે ને એ લોકો કઈ હદે જઈ શકે તેનો અનુભવ આખી દુનિયાને છે તેથી દુનિયાનો ફફડાટ વ્યાજબી પણ છે.
 
સઈદ પાકિસ્તાનમાં સત્તા પર ચડી બેસે એ બીજી રીતે પણ ખતરનાક છે. સઈદ એક વ્યક્તિ નહીં પણ વિચારધારા છે. પાકિસ્તાનમાં તેની પાસે સત્તા આવે તો તેની વિચારધારા બીજે પણ ફેલાય. તેણે પાકિસ્તાનમાં જે માહોલ ઉભો કર્યો છે તે માહોલ દુનિયાભરના મુસ્લિમ રાષ્ટ્રોમાં પેદા કરે ને એ સંજોગોમાં આતંકવાદને નાથવો અઘરો થઈ જાય. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં હતા ત્યારે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ એટલે કે દેશ દ્વારા પ્રોત્સાહિત કરાતો આતંકવાદ વકરેલો. તેનું પરિણામ અમેરિકા પરના નાઈન ઈલેવનના ભીષણ આતંકવાદી હુમલામાં આવ્યું. પાકિસ્તાન તો અફઘાનિસ્તાન કરતાં ઘણો મોટો ને ઘણી બધી વધારે તાકાત ધરાવતો દેશ છે. આ દેશ પર સઈદ જેવા આતંકવાદી સરદારનો અંકુશ આવે તો શું થાય તેની કલ્પના જ ના કરી શકાય. સઈદ આખી દુનિયાના આતંકવાદીઓ સાથે કનેક્શન ધરાવતો માણસ છે તે જોતાં પાકિસ્તાન દુનિયાભરના આતંકવાદીઓનો અડ્ડો બને ને એવી તાકાત ઉભી થાય કે જેને કોઈ નાથી ના શકે.
 
આપણે ત્યાં સઈદની ઈમેજ ખૂંખાર આતંકવાદી તરીકેની ઉભી થઈ છે પણ સઈદ ટીપીકલ આતંકવાદીઓ કરતાં અલગ છે. એ કદી હાથમાં એકે ૪૭ લઈને કોઈને મારવા ગયો નથી કે નથી તેણે કદી બોમ્બ બનાવ્યા પણ તેનો આતંકવાદ વધારે ખતરનાક છે. તેનું કારણ એ છે કે સઈદ મુસ્લિમ જુવાનિયાંનાં બ્રેઈન વોશ કરીને તેમને આતંકવાદ તરફ વાળે છે. સઈદની જીભમાં જ ઝેર છે ને એ ઝેર ઓકી ઓકીને લોકોનાં મનમાં ભારત અને અમેરિકા સહિતના તમામ બિન મુસ્લિમ રાષ્ટ્રો સામે ઝેર ભરે છે. એ ધર્મનો જાણકાર માણસ મનાય છે પણ તેની જાણકારી તેણે ખોટા રસ્તે વાળેલી છે. પોતાના જ્ઞાનને તેણે આતંકવાદની વિકૃતિ બનાવી દીધી છે. સઈદ લોકોને આતંકવાદ માટે ઉશ્કેરે છે ને તેના ચેલકા એ આતંકવાદને વાસ્તવિકતામાં ફેરવે છે. એક સમયે ઓસામા બિન લાદેન જે કામ કરતો એવું જ કામ સઈદ અત્યારે કરે છે.
 
સઈદે તેની કારકિર્દીની શરૂઆત પાકિસ્તાનની યુનિવર્સિટી ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કાઉન્સિલ ઓફ ઈસ્લામિક આઈડીયોલોજીના પ્રોફેસર તરીકે કરી હતી. જનરલ ઝીયા ઉલ હકના સમયમાં તેનો ભારે વટ હતો. ઝીયાએ તેને હાયર સ્ટડીઝ માટે સાઉદી અરેબિયા મોકલ્યો. એ વખતે સોવિયેત રશિયા અફઘાનિસ્તાનમાં અડિંગો જમાવીને બેઠેલું ને લાદેન સહિતના કટ્ટરવાદી રશિયા સામે લડતા. સાઉદીમાં સઈદ તેના કરતાં પણ વધારે કટ્ટરવાદીઓને મળ્યો ને તેનું મગજ બદલાઈ ગયું. તેના પર સૌથી વધારે પ્રભાવ અબ્દુલ્લા આઝમનો પડ્યો.
 
અબ્દુલ્લા આઝમને ગ્લોબલ જિહાદનો પિતા ગણવામાં આવે છે. સઈદે તેની સાથે મળીને મરકઝ દાવા વલ ઈરશાદ નામનું સંગઠન બનાવ્યું. પાકિસ્તાન પાછા આવીને તે રશિયામાં મુઝાહિદ્દીનોને ટેકો આપવા તે મેદાનમાં ઉતર્યો ને પોતાની શૈક્ષણિક સંસ્થામાંથી છોકરાઓને મોકલવા માંડ્યો. લાદેન જેવા લોકો તેમના હાથમાં બંદૂકો પકડાવતા ને એ રીતે સઈદ આતંકવાદ સાથે સીધી રીતે જોડાયો. સઈદ થોકબંધ પ્રમાણમાં છોકરાને મોકલતો તેથી આઈએસઆઈને તેનામાં રસ પડી ગયો ને તેમની સહાયથી ૧૯૯૦માં સઈદે લશ્કરે તઈબા રચ્યું. સઈદના સંગઠને એ પછી ભારતમાં શું શું કર્યું તે કહેવાની જ‚ર નથી પણ સાથે સાથે તેણે બીજા દેશોના આતંકવાદીઓ સાથે પણ ગાઢ સંપર્કો કર્યા. આજે સઈદના છેડા મુસ્લિમ રાષ્ટ્રોના બીજા કટ્ટરવાદીઓને પણ અડકેલા છે ને તેના કારણે તેને કશું પણ કરવા જાય તો એ આતંકવાદીઓ પાકિસ્તાનની ઔખાત બગાડી નાંખે. તેના કારણે પાકિસ્તાનમાં કોઈની તાકાત નથી કે એ સઈદને હાથ લગાડી શકે.
 
સઈદ કટ્ટરવાદીઓનો મસિહા છે તેથી પાકિસ્તાન સરકાર સઈદને હાથ લગાડે તો કટ્ટરવાદીઓ ભ઼ડકેને સઈદની આતંકવાદની ફેક્ટરીની પેદાશ જેવા છોકરા રસ્તા પર આવી જાય. આ બધી બેલગામ પ્રજા છે ને એ બધા પાકિસ્તાન સરકારની ઔખાત બગાડી નાંખે. તેના કારણે પણ તેને કોઈ હાથ અડકાડતું નથી. પાકિસ્તાનમાં વહીવટી તંત્ર હોય કે ન્યાયતંત્ર હોય, બધે કટ્ટરવાદીઓ અડિંગો જમાવીને બેઠા છે તેથી દેખાવ ખાતર પણ કોઈ સરકાર સઈદને કશું કરે તો એ લોકો તેને મુક્ત કરાવી દે છે. એ રીતે સઈદનું આખું નેટવર્ક તૈયાર છે ને એ સત્તા કબજે કરે એ સાથે જ એ નેટવર્ક મચી પડે.
ભારત માટે તો સઈદ સૌથી મોટો દુશ્મન છે ને એ સત્તામાં આવે તો ભારતની મુશ્કેલી અનેક ગણી વધી જાય, આતંકવાદીઓને છૂટો દોર મળી જાય. હફીઝ મુહમ્મદ સઈદને ભારત માટે આટલી નફરત કેમ છે તે પણ સમજવા જેવું છે. સઈદ પંજાબના સરગોધામાં ગુજ્જર પરિવારમાં જન્મ્યો પણ તેના પિતા હરિયાણાના હતા. દેશના ભાગલા પડ્યા એ પહેલાં તેમનો આખો પરિવાર હરિયાણાના હિસારમાં રહેતો પણ ભાગલા વખતે તેમણે હરિયાણાથી ભાગવું પડેલું. સઈદનો જન્મ એ વખતે નહોતો થયો પણ તેના પિતા પાસેથી સાંભળેલી વાતો પ્રમાણે તેમના પરિવારમાં ૩૭ લોકો હતાં. હિસારમાંથી આખો પરિવાર પહેરેલાં લૂગડે ભાગ્યો ને ચાર મહિને અથડાતો કુટાતો પાકિસ્તાન પહોંચ્યો ત્યાં લગીમાં પરિવારનાં ૩૬ લોકો મોતને ભેટ્યાં હતાં. માત્ર સઈદના પિતા એકલા જ બચ્યા હતા. તેમણે નવેસરથી જીંદગી શ‚ કરી પણ ભાગલા વખતે જે યાતના ભોગવેલી તે કદી ના ભૂલી શક્યા. તેના કારણે હિન્દુઓ માટે અને ભારત માટે તેમના મનમાં ભારે નફરત થઈ ગઈ. પોતાના સંતાનોને વારસામાં એ નફરત આપતા ગયા ને સઈદ એ જ વારસા સાથે જીવે છે.
 
અમેરિકા સઈદ સત્તામાં આવે તો શું થાય તેની ગંભીરતા સમજે છે તેથી તેણે પાણી પહેલાં પાળ બાંધવા માંડી છે ને હાફિઝ સઇદ અને તેની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરી દીધાં. તેના કારણે હાફિઝ સઇદના પક્ષને પાકિસ્તાની ચૂંટણી પંચમાં રજીસ્ટ્રેશન કરાવવામાં તકલીફ પડશે. અમેરિકાની વિચારધારા દુશ્મનને ઉગતો ડામવાની છે ને આ નિર્ણય એ દિશાનો જ છે. સઈદની પાર્ટી ચૂંટણી જ ના લડી શકે તેવા સંજોગો ઉભા કરી દેવા કે જેથી ના રહેગા બાંસ, ના બજેગી બંસુરી. અમેરિકાના આ પ્રયત્નો ફળે એ દુનિયાના ને ખાસ તો ભારતના હિતમાં છે.
નેપાળની ચીન-પાકિસ્તાન સાથેની નિકટતા ભારત માટે ખતરો
 
ચીન અને પાકિસ્તાનની વધી રહેલી નિકટતાથી આપણે પરેશાન છીએ જ ત્યાં હવે નેપાળ પણ પાકિસ્તાન-ચીનના પડખામાં ભરાઈ રહ્યું છે ને તેણે સીધેસીધું ભારત વિરોધી વલણ લેવા માંડ્યું છે તે આપણા માટે ચિંતાનો મુદ્દો છે. નેપાળના આ ભારત વિરોધી વલણનો તાજો નમૂનો સાર્કની બેઠક પાકિસ્તાનમાં બોલાવવાના કોરસમાં તેણે પૂરાવેલો સૂર છે. માલદીવ અને શ્રીલંકાની જેમ સાર્કની આગામી બેઠક પાકિસ્તાનમાં બોલાવવાનો સૂર નેપાળની નવી ઓલી સરકારે છેડ્યો છે ને રીતે ચોખ્ખું ભારતવિરોધી વલણ લીધું છે. આ પહેલાં માલદીવમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે પણ નેપાળે પોતે ભારતની નીતિ સાથે સહમત નથી તેવું એલાન કરેલું. હવે તેણે આ નવો મમરો મૂક્યો છે.
 
નેપાળના આ આકરા તેવર પાછળ ચીન છે એ કહેવાની જરૂર નથી. નેપાળમાં ભારે બહુમતીથી જીત્યા પછી વડાપ્રધાન કે. પી. ઓલીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને નેપાળના આંતરિક મામલાઓમાં દખલ ન કરવાની અપીલ કરી હતી. આડકતરી રીતે તો આ વાત તેમણે ભારતને ધ્યાનમાં રાખીને જ કરી હતી. તેમણે એ એલાન પણ કરેલું કે નેપાળની જુદી જુદી એજન્સીઓની કમાન એ પોતાના હાથમાં લેશે અને નેપાળ હવે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ પર આગળ વધશે. આ જાહેરાત પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદખાન અબ્બાસીએ નેપાળની મુલાકાત લીધી હતી. બીજી તરફ ચીનમાં શી જિનપિંગ સર્વેસર્વા બન્યા બાદ તેમણે નેપાળને વધારે વધારે આર્થિક સહાય આપવાનું એલાન કર્યું. સાથે સાથે ચીની કંપનીઓ પણ નેપાળના વિકાસમાં યોગદાન આપશે તેવું એલાન કરાયું ને તેનો અર્થ સ્પષ્ટ છે કે નેપાળ હવે ધીરે ધીરે ચીનના આધિપત્ય હેઠળ આવશે.
 
ચીન પાસે આધુનિક ટેકનોલોજી છે જેના પ્રતાપે તે હિમાલયને પણ ઓળંગી શકે છે અને નેપાળમાં પગપેસારો કરી શકે છે. ચીને તિબેટ પર સંપૂર્ણ રીતે કબજો કરી દીધો પછી હવે ચીનનું લક્ષ્ય તિબેટની સીમાઓ પાર કરીને નેપાળ સુધી પહોંચવાનું છે. એ માટે ચીને રેલ્વે લાઈન પણ બાંધવા માંડી છે ને ૨૦૨૦ સુધીમાં કાઠમંડુની ઉત્તરે નેપાળ સરહદ સુધી ચીની રેલવે પહોંચી જશે. છેક ભારત-નેપાળ સરહદે આવેલા લુંબિની સુધી આ રેલવે પહોંચી જે ભારત માટે ચિંતાની વાત કહી શકાય.
 
નેપાળ ભારત માટે મહત્વનો દેશ છે. ભારત-નેપાળ વચ્ચે જમીનમાર્ગે વ્યવહારો ચાલે છે. આ સંજોગોમાં નેપાળમાં પાકિસ્તાન-ચીન પગપેસારો કરે તો ભારત માટે મોટો ખતરો ઉભો થાય. ભારતનાં આર્થિક હિતો તો જોખમાય જ પણ સલામતી સામે પણ ખતરો પેદા થાય. ભારતને આ વાત કોઈ સંજોગોમાં પરવડે તેમ નથી. ભારતે આ સ્થિતિને રોકવા બધું કરી છૂટવું પડે. નેપાળમાં ભારત તરફી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો નબળા પડ્યા તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ભારતે એ પક્ષોને ફરી મજબૂત કરીને તેમને સત્તા મળે તે માટે તાકાત લગાવવી જોઈએ.