અંદરની વાત : આફ્રિદીન કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી આટલી ચચરે છે કેમ ?

    ૧૪-એપ્રિલ-૨૦૧૮


 

શું કહ્યું હતું આફ્રિદીએ ?

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંક વિરોધી અભિયાન ચલાવી ૧૩ આતંકવાદીઓને જહન્નમ પહોંચાડી દીધા હતા. પાકિસ્તાને તેના સ્વભાવ પ્રમાણે ભારતીય જવાનોની કાર્યવાહીને લઈ હાય અલ્લા... મચાવી મૂકી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી લગભગ આઉટ થઈ ચૂકેલા અને પોતાના લફરાઓને કારણે સતત વિવાદમાં રહેતા આફ્રિદી મીયાએ પોતાને મુલ્કપરસ્ત બનવાની તક ઝડપી અને જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા તમામ ૧૩ આતંકવાદીઓના સમર્થન અને હમદર્દીમાં ટ્વીટ કરતાં લખ્યું કે, ભારત અધિકૃત કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. ત્યાં આઝાદીના અવાજને દબાવામાં આવી રહી છે અને નિર્દોષોની હત્યાઓ થઈ રહી છે, પરંતુ આશ્ર્ચર્ય વાતનું છે કે હજી સુધી સંયુક્ત રાષ્ટ્ર ક્યાંય દેખાતું નથી. સંયુક્ત રાષ્ટ્ર પ્રકારની ઘટનાઓને રોકવા માટે કોઈ પગલાં કેમ નથી લઈ રહ્યું.

ભારતીય સ્ટાર ક્રિકેટરોનો પલટવાર

પાકિસ્તાનમાં પ્રશંસા મેળવવાની લ્હાયમાં મિયા આફ્રિદીથી આતંકવાદીઓના સમર્થનમાં બોલતાં તો બોલાઈ ગયું અને પાકિસ્તાનમાં તેની વાહવાહી પણ થઈ, પરંતુ ભારતીયો મિયાં આફ્રિદીની આતંક સમર્થન પર ચારેય બાજુથી તૂટી પડ્યા. ખાસ કરીને ભારતીય સ્ટાર ક્રિકેટરોએ એક પછી એક ટ્વીટ કરી આફ્રિદીને તેની હેસિયત બતાવી દીધી. સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું કે, અમારા દેશને ચલાવવા અને મેનેજ કરવા માટે અમારી પાસે સક્ષમ લોકો છે. કોઈ બહારના વ્યક્તિએ અમને બતાવવાની જરુર નથી કે અમારે શું કરવું જોઈએ અને શું નહીં.

સુરેશ રૈનાએ પણ આફ્રિદીને આતંકવાદના સમર્થન કરવાને લઈને બરાબરનો ઊધડો લીધો હતો. રૈના લખે છે કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. કાશ્મીર પવિત્ર ભૂમિ છે. જ્યાં મારા પૂર્વજોએ જન્મ લીધો હતો. હું આશા રાખું છું કે આફ્રિદીભાઈ પાકિસ્તાન સૈન્યને કાશ્મીરમાં આતંકવાદ અને પ્રોક્સીવોર રોકવા કહેશે. અને શાંતિ ઇચ્છીએ છીએ ખૂનખરાબો નહીં. પહેલાં ગૌતમ ગંભીરે પણ શાહિદ આફ્રિદીને જડબાતોડ જવાબ આપતા ટ્વિટ કરી હતી કે કે આફ્રિદી માત્ર યુએન તરફ જોઈ રહ્યો છે, જેનો મતલબ તેના જૂના શબ્દકોશમાં અંડર-૧૯ છે. માધ્યમોએ તેના નિવેદનને બહુ હવા આપવી જોઈએ નહીં. આફ્રિદી નો બોલમાં વિકેટ લેવાની ઉજવણી કરી રહ્યા છે.

કાશ્મીર સાથે આફ્રિદી કનેક્શન

અગાઉ ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન પણ મિયા આફ્રિદી કાશ્મીર માટેના લવારાને લઈ ભારતીયોના ઝપાટે ચડી ચૂક્યા છે. ટી-૨૦માં કલકત્તામાં ભારતના હાથે કારમાં પરાજયથી રઘવાયા બનેલા આફ્રિદી ન્યૂઝીલેન્ડ સાથે મેચ પહેલા રમિઝ રાજાના સવાલનો વિચિત્ર જવાબ આપ્યો હતો. કમેન્ટર રમિઝ રજાએ જ્યારે તેને પૂછ્યું કે, શું તમે અહીંના દર્શકો પાસેથી પાકિસ્તાનના સપોર્ટની આશા રાખો છો ? તેના પર તેણે કહ્યું હતું કે, અહીં ઘણા બધા કાશ્મીરીઓ પાકિસ્તાનનું સમર્થન કરવા આવ્યા છે. સવાલ થાય છે કે, ક્યારેક ક્રિકેટના નામે તો ક્યારેક આતંકવાદના નામે શાહિદ મિયાં રાગ-કાશ્મીર કેમ અલાપવા લાગી જાય છે. તો તેની પાછળ છે કાશ્મીરનું આફ્રિદી કનેક્શન.

૧૯૪૭માં કાશ્મીર પર હુમલો કરનાર આફ્રિદી કબીલાના હતા

ભારત, પાકિસ્તાન અને કાશ્મીર શાહિદના કબીલા આફ્રિદીનું કનેક્શન છેક આઝાદીના સમયનું રહ્યું છે. પાકિસ્તાને કબીલાનો ઉપયોગ ૧૯૪૭માં કાશ્મીર રિયાસતને પચાવી પાડવા માટે હથિયારના ‚પમાં કર્યો હતો. તે વખતે અહીંના રાજા હરિસિંહ વિરુદ્ધ આફ્રિદી કબીલાએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો અને જમ્મુ-કાશ્મીરમાં લૂંટફાટ અને કત્લેઆમ મચાવી મૂકી હતી. ભારતના રાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરને બચાવી લેવા ભારત મદદ માંગતા ભારતના જવાનોએ આફ્રિદી કબીલાના આતંકીઓને દોડાવી-દોડાવી માર્યા હતા. લડાઈમાં ભારતીય જવાનોના હાથે જેટલા આફ્રિદી કબીલાના લોકો માર્યા ગયા હતા. આફ્રિદી કાશ્મીરને લઈને જે વારંવાર ભારત પર ખીજ કાઢે છે તેનું એક કારણ પણ છે.

આફ્રિદીનો ભાઈ, આતંકવાદી હતો

શાહિદ આફ્રિદીનો પિતરાઈ ભાઈ શાકિબ હરકત ઉલ-અંસાર આતંકવાદી હતો. સપ્ટેમ્બર ૨૦૦૩માં તે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભારતીય જવાનોના હાથે ઠાર કરાયો હતો. બીએસએફના જવાનોના હાથે જહન્નમમાં પહોંચ્યા અગાઉ શાકિબ મિયા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો પર્યાય બની ગયા હતા.

કાશ્મીરના યુવાનોને જોડવા માટે અને આતંકી સંગઠનને મજબૂત બનાવવા માટે શાકિબ આફ્રિદીના નામનો ભરપૂર ઉપયોગ કરતો હતો અને પોતે આફ્રિદીનો ભાઈ હોવાનું કહી યુવાઓને જેહાદમાં જોડાવા અપીલ કરતો. શાકિબની મોત પર પાકિસ્તાની મીડિયાએ આફ્રિદીને સવાલ પૂછ્યો, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેનો પરિવાર ખૂબ મોટો છે. કોણ પિતરાઈ ભાઈ ક્યાં શું કરી રહ્યો છે તેને મને કેવી રીતે ખબર પડે !

સ્પષ્ટ છે કે છાસવારે કાશ્મીરને લઈને શાહિદ આફ્રિદીની જે ધાર્મિક લાગણીઓ ઊભરા માટે છે. તેની પાછળ ૧૯૪૭થી માંડી ૨૦૦૩ સુધી આફ્રિદી કબીલાનું કનેક્શન છે. ૧૯૪૭થી ૨૦૦૩ સુધી ભારતીય જવાનોના હાથે ખાધેલો માર આફ્રિદી હજુ સુધી ભૂલી શક્યો નથી. તેની ટીસ છાસવારે ટ્વીટ મારફતે બહાર આવતી રહે છે.