તંત્રી સ્થાનેથી : ભાજપે કર્ણાટક જીતવું જ પડશે !

    ૧૭-એપ્રિલ-૨૦૧૮

 
કર્ણાટકમાં ૧૨મી મેએ ચૂંટણી થશે અને ૧૫મી મેએ ખબર પડી જશે કે ત્યાંની પ્રજાએ રાષ્ટ્રપ્રેમી પક્ષને સમર્થન આપી વિકાસની દિશા પસંદ કરી છે કે ભાગલાવાદીઓને સમર્થન આપી રાજ્યના રકાસની દશા પસંદ કરી છે. ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ જેવા મુખ્ય પક્ષો વચ્ચે હાલ કાંટાની ટક્કર જેવી સ્થિતિ છે. છેલ્લાં ૪૦ વર્ષમાં માત્ર એક જ વાર કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી કર્ણાટકમાં સત્તામાં આવી હોય તેવું બન્યું છે.
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે. કોંગ્રેસ અને ભાજપ બંને માટે કર્ણાટકની ચૂંટણી લોકસભાની લડાઈનું મહત્ત્વનું પાસું પુરવાર થનાર છે. કોંગેસ માટે કર્ણાટકની જીત નવજીવન આપશે તો ભાજપ માટે કોંગેસના કોફિન પરનો છેલ્લો ખીલો સાબિત થશે.
કર્ણાટકની પ્રજા ખૂબ શાણી છે. તેના પર કોઈ લહેરની અસર થતી નથી. ૧૯૭૭માં જનતા પાર્ટીની લહેર, ૧૯૮૦માં ઇન્દિરાની લહેર અને ત્યારબાદ ૧૯૮૫માં રાજીવની લહેર વખતે ય અહીંની જનતાએ પોતાનો અલગ ફેંસલો આપ્યો હતો. ૨૦૦૮માં પણ કેન્દ્રમાં યુપીએની ધૂમ લહેર હતી તે વખતે વિધાનસભામાં પ્રજાએ ભાજપના યેદીયુરપ્પાને સત્તા સોંપી પોતાનો મિજાજ બતાવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં દાયકાઓની આ પરંપરા કર્ણાટક તોડશે કે કેમ એ ભાવીના ગર્ભમાં કેદ છે. રાજનીતિ ક્યારેક ઇતિહાસને અવગણીને આગળ ધપે છે તે પણ એક હકીકત છે.
કર્ણાટકમાં કુલ ૨૨૪ સીટો છે. ગત વિધાસભામાં કોંગ્રેસને તેમાંથી ૧૨૨, ભાજપને ૪૦, જેડીએસને પણ ૪૦ અને બાકીની સીટો અન્ય પાર્ટીઓ વચ્ચે વહેંચાયેલી. પરંતુ લોકસભામાં ભાજપનો દેખાવ ઉત્કૃષ્ટ હતો. કર્ણાટક લોકસભાની કુલ ૨૮ સીટોમાંથી ૨૦૧૪માં ભાજપને ૧૭, કોંગ્રેસને ૯ અને જેડીએસને માત્ર ૨ સીટો મળેલી. ૨૦૦૯માં ભાજપને ૧૯, કોંગ્રેસને ૬ અને જેડીએસને ૩ સીટો મળેલી. એટલે જ કર્ણાટકના લોકોની નાડ પારખવી રાજકીય વિશ્ર્લેષકોના મતે ય ઘણેખરે અંશે મુશ્કેલ જણાય છે. કર્ણાટક વિધાનસભાનાં પરિણામો પર આખા દેશની રાજનીતિનો પ્રભાવ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના કર્ણાટક સહિતનાં પાંચ રાજ્યો. કર્ણાટકની ૨૮, કેરલની ૨૦, આંધ્રપ્રદેશની ૨૫, તેલંગાણાની ૧૭ અને તામલિનાડુની ૩૯ સીટો મળીને લોકસભાની કુલ ૨૧૯ સીટો છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી ટીડીપીને આ રાજ્યોમાંથી ૩૭ સીટો પર વિજય મળ્યો હતો. વિધાનસભાનાં પરિણામો આ રાજ્યોના લોકસભાનાં પરિણામો પર અસર પાડી જ શકે. કેન્દ્રના નાણા આયોગ દ્વારા રાજ્યોને અપાયેલ હિસ્સાને લઈને દક્ષિણના રાજ્યોમાં નારાજગીનો સૂર વહી રહ્યો છે તેને ભાજપે રાજીપાના સૂરમાં તબદીલ કરીને જીતનાં બ્યૂગલો વગાડવાં જ રહ્યાં. દક્ષિણમાં સિધ્ધાંતવાદી સંગઠનો નૂતન સૂર્યોદય અને સિદ્ધાંતહિન વિરોધી સંગઠનોનું ભંગાણ ભાજપ માટે ફાયદાકારક નીવડે.
ગત માર્ચમાં જ ઉત્તર પ્રદેશના ફુલપુર અને ગોરખપુરના ઉપચુનાવમાં ભાજપની હાર થઈ અને, માયાવતી-અખિલેશની બુઆ-બબુઆની જોડી જીતી, બિહારની અરરિયા સીટ પર ભાજપની પીછેહટ અને રાજદની જીત ભાજપ માટે વધુ મહેનતની લાલ બત્તી ધરે છે, પરંતુ એય ખરું કે દેશમાં ભાગલાવાદીઓ, જાતિવાદીઓના વધતા પ્રભાવે તળના વિસ્તારમાં જનતાને ભોળવીને સત્તાની સોગઠી મારી છે. ભાજપ માટે કર્ણાટકમાં ખરાખરીનો ખેલ છે પરંતું કોંગ્રેસે લિંગાયતોને હિન્દુ ધર્મથી અલગ કરવાની રમત કરી છે, તે રમત જો પ્રજા સમજી જાય તો કોંગ્રેસના સત્તાલોલુપ મહોરા પર મતની મહોર ના વાગે. કોંગ્રેસમાં ટિકીટ ફાળવણી વખતે ચરુ ઉકળ્યો અને જાહેર રસ્તા પર દેખાવો થયા. આ ઘટના કોંગ્રેસનો અસલી - સત્તા લાલચુ ચહેરો છતો કરે છે. જેડીએસનો પરિવારવાદ અને તેમાં પડેલાં તડા તો જગજાહેર છે, એને પ્રજાની ખુશીમાં રસ નથી, માત્ર ખુરશીમાં રસ છે. આ વાત પ્રજા સમજી જાય તો જેડીએસને મત ન જ મળે. ભાજપ માટે આ બે મુદ્દા મહત્ત્વના સાબિત થશે જ. રાજકીય વિશ્ર્લેષકો અને સર્વે અનુસાર ભાજપની પકડ શરૂઆતમાં ઢીલી હતી પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રેલીનો કરિશ્મા છવાઈ રહ્યો છે અને જીતની સંભાવનાઓ વધતી જાય છે. મતદાનનાં છેલ્લાં પંદર દિવસમાં તો ભાજપના કમળની સુવાસ વધશે જ વધશે.
ભાજપ માટે કર્ણાટક જીતવું જરૂરી છે કારણ કે ભાજપ જીતશે તો જ આ દેશમાં ફરી રાષ્ટ્રપ્રેમનો વિજય થશે. દેશમાં વંશવાદી રાજનીતિનો અંત આવશે, કોંગ્રેસમુક્ત અને વિકાસયુકત ભારતની દિશામાં નવું પગલું ભરાશે, ભાજપે સમગ્ર દેશમાં ૨૧ રાજ્યોમાં સુશાસન સ્થાપ્યું છે, તેવું કર્ણાટકમાં પણ સ્થપાશે, સ્વર્ણિમ કર્ણાટક ઊભું થઈ શકશે, રાજ્ય જાતિવાદ, અલગાવવાદ, આતંકવાદથી ઉપર આવશે, રાજ્યમાં પ્રજાની સુખાકારી અને સગવડો વધશે. મહિલાઉત્કર્ષ, શિક્ષણ, રોજગારીનું સર્જન પણ થશે અને સૌથી અગત્યનું કે યુવાધનને વિકાસશીલ વિચારોની નવી દિશા પ્રાપ્ત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૪માં બહુમતીથી જીત હાંસલ કરીને કેન્દ્રમાં બિરાજ્યા છે, તે કરિશ્મા ફરી બતાવી કર્ણાટકમાં જીતનો સૂર્યોદય જરૂરી છે. કર્ણાટકની જીત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે નવા પ્રાણ ફૂંકી શકશે. ભાજપે કર્ણાટક જીતવું પડશે, કારણ કે એ માત્ર ભાજપની જીત નહીં હોય, પરંતુ રાષ્ટ્રપ્રેમની જીત હશે. એ વિકાસની જીત હશે અને જનતાએ ભાજપમાં મૂકેલા વિશ્ર્વાસની જીત હશે.