પાથેય : મારા ભોજન માટે બ્રાહ્મણ પરિશ્રમ લે ?

    ૧૭-એપ્રિલ-૨૦૧૮
 
 
કાંચીનગરીમાં રહેતા હરિભક્ત કાંચીપૂર્ણજી દેવપૂજા માટે, દરરોજ ચાલીને પુનામલૈ ગામ જાય. રસ્તામાં રામાનુજનું જન્મસ્થાન પેરુમ્બુદુર આવે અને રસ્તો તેમ ઘર પાસેથી જ નીકળે.
 
એકવાર સાંજના સમયે વિદ્યાલયથી છૂટેલા રામાનુજને રસ્તામાં દેવપૂજા કરી પરત ઘેર જઈ રહેલા કાંચીપૂર્ણજી મળી ગયા. બાળક ઘણીવાર આ ભક્તને જોતો હતો ને તેમની દિવ્ય કાંતિથી પ્રભાવિત હતો. આજે તેણે હિંમત કરીને એ ભક્ત પુરુષને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું.
 
બાળકના સ્નેહાગ્રહથી કાંચીપૂર્ણજીએ, આમંત્રણ સ્વીકારની હા કહી દીધી. પછી ખબર પડી કે આ તો બ્રાહ્મણ પરિવારનો બાળક છે. મારા ભોજન માટે બ્રાહ્મણ પરિશ્રમ લે ? એમની સેવા મારે લેવાની ? આમેય હું જન્મે શૂદ્ર છું. વૈષ્ણવ, બ્રાહ્મણ પરિવારમાં કંઈ સમસ્યા તો નહીં ઊભી થાય ને મારા ભોજનથી ?
 
પણ પૂરા પરિવારે ઉત્સાહથી તેમને જમાડ્યા. બાળક રામાનુજે રાત્રે શયન પહેલાં અતિથિના પગ દાબી આપવા કોશિશ કરી ત્યારે તો તેમણે દૃઢતાથી ના પાડી દીધી. રામાનુજે આ સમયે સવાલ કર્યો કે, ‘શું કોઈ જનોઈ ધારણ કરવા માત્રથી બ્રાહ્મણ થઈ જાય ?’ અને પછી એ બાળક આગળ બોલ્યો, ‘જે હરિભક્ત, હરિપરાયણ તે બ્રાહ્મણ જુઓને, તીરુપ્પાન અલવાર ચાંડાલ હોવા છતાં બ્રાહ્મણો માટે પૂજ્ય છે.’
 
બાળ રામાનુજની વાતથી કાંચીપૂર્ણજી અતિ પ્રસન્ન થયા ને બન્ને મોડી રાત સુધી સત્સંગ કરતા રહ્યા.
 
આ સંસ્કારને લીધે રામાનુજાચાર્યજીએ ચલાવેલાં ભક્તિ આંદોલનોમાં સમાજના દરેક વર્ગના લોકો જોડાયા. અસ્પૃશ્યતાનિવારણનું આ મહાન કાર્ય ૧૦૦૦ વર્ષ પહેલાં થયું. સામાજિક કુરૂઢિઓને ધર્મના માધ્યમથી ઓછા સંઘર્ષે મિટાવવાનું અદ્ભુત - અનુકરણીય કાર્ય.