વિચાર વૈભવ : ઉનાળામાં વૃષ્ટિ

    ૧૭-એપ્રિલ-૨૦૧૮

 
કાવ્યની દુનિયા નિરાળી હોય છે. આમ તો ઋતુનો રુઆબ ઝીલવાનું કામ કાવ્ય કરતું હોય છે. પરંતુ ક્યારેક ઋતુ સામે બળવો કરવાની શક્તિ પણ કાવ્યમાં હોય છે. મિત્ર નવીનભાઈ દવેએ ત્રણ મોટા દળદાર ગ્રંથો મોકલ્યા. કાવ્યના, નામ, કાવ્યવૃષ્ટિ... મન ભીનું થઈ ગયું. શ્રી સુરેશ દલાલની સમગ્ર કાવ્યસૃષ્ટિની આ કાવ્યવૃષ્ટિ છે. તરબતર થઈ જવાય તેવી ઘટના છે. ગરમાયેલા સૂરજ સામે જોયું. આંખે બેઠેલા ચંદ્રને જરા ઈજન દીધું અને પછી મનને સુરેશભાઈ સાથે ગાળેલા કલાકો અને ક્ષણોના એક સંકોચાઈને પડેલા કાફલાને પાણી છાંટી બેઠા કર્યા. વાહ... ક્યા..બાત હૈ... ત્રણ ગ્રંથોનું ત્રિભુવન. આજે પહેલા ગ્રંથની વાત કરવી છે. મનના ઓટલાને આટલી ગરમીમાં ભીંજવી દેવા છે, સાથે તમને પણ.. કવિએ મોકલેલા આ ઝાપટામાં.. પહેલા વરસાદ જેવો પહેલો ગ્રંથ એટલે ૧૯૬૬થી ૧૯૮૬ વચ્ચેના વીસ વર્ષમાં કવિએ લખેલા વીસ કાવ્યસંગ્રહો.
સુરેશભાઈ ‘એકાંત’થી શરૂ કરે છે, દરેક કવિનું એકાંત એ એના આંતરમનનો ધ્યાનખંડ હોય છે. કવિ પ્રેમની પહેલી કવિતાથી શરૂ કરે છે. સુરેશભાઈની ભાષામાં કહીએ તો ‘પહેલી ઓવરનો પહેલો બોલ આખી મેચને ખોલી શકે છે.’ કવિ પોતાની મનીષા પ્રગટ કરે છે. ‘મારું નામ લખી દઉં’ ક્યાં લખવું છે નામ ? કવિઓને જાણે સૂત્રાત્મક રીતે કહેવાત હોય તેમ જણાવે છે.
ફૂલપાંદડી જેવી કોમળ,
મત્ત પવનની આંગળીઓથી
લાવ, નદીના પટ પર
તારું નામ લખી લઉં.
સુરેશભાઈ કાવ્યના દરેક પ્રકારમાં ઇન્દ્રની જેમ વિહરે છે. છંદના લયમાં એક લાવણ્ય પ્રગટે છે. ‘ફરીને હું આવ્યો...’માં જુઓ કવિ કેવું સરસ ચિત્ર ઊભું કરી આપે છે.
નદી વ્હેતી એમાં સ્મરણ તવ
નૌકા થઈ તરે,
અહે ! વૃક્ષે વૃક્ષે તવ સ્મરણ
ટહુકા ઊઘડતા.
કવિ પ્રેમની અવસ્થાની દરેક છટાઓને રજૂ કરે છે. કવિતાનું એક કામ પ્રજાના આંતરનું સમૃદ્ધિકરણનું છે. સંમાર્જનનું છે. કવિઓએ જ્યારે જ્યારે પ્રેમને ગાયો છે ત્યારે ત્યારે જે તે યુગની ‘પ્રેમાભાસી’ ઓળખને પડકારી છે. સુરેશ દલાલ આપણા નગર-સંસ્કૃતિના કવિ છે. પરિણામે પ્રેમપ્રલાપ કે કૃત્રિમ પ્રેમને પ્રોત્સાહે છે. એ મુંબઈની ટ્રેનમાંથી ભાષાને પકડે છે અને કાલિદાસને કાનમાં કહે છે. ‘અમે ડ્રોઈંગ‚મમાં હસીએ છીએ અને બેડ‚મમાં ભસીએ છીએ.’ એ નવી કુટુંબપ્રથા અને સમયખેંચ અને તણાવની પાર્શ્ર્વભૂમિમાં ઊભા થઈ રહેલા પ્રેમના દુકાળની દવા કરે છે, સંબંધોની કૃત્રિમતાને પડકારે છે. સુરેશભાઈ જ્યારે આપણને સંભળાવે છે કે,
રાતદિવસનો રસ્તો
વાલમ નહીં તો ખૂટશે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો
અમે કરીશું પ્રેમ !
આપણો પ્રેમ વાતોની વાતથી ઊંડો જતો નથી. પ્રેમનું સૌંદર્ય વાસના કે બહિરંગ ભાવુકતાથી ખૂબ જ ઊંડું છે. એમાં થોડી મીરાં, થોડો નરસિંહ, થોડો જલાલુદ્દીન રૂમી ઉમેરવો પડે. એટલે પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગવાયો છે, પણ બધું એક સપાટીએ અટકી ના જાય તે જોવાનું હોય છે. પ્રેમ તો અદ્વૈતના આંબાની કેરી છે. અહીં આંબાવાડિયાની છાયામાં બેઠેલા સૂર્યની સોનોગ્રાફી કરવાની હોય છે. મંજરીને વળગેલો કોયલનો ટહુકો ક્યારે કેરીમાં ઓગળે છે એ મહત્ત્વનું છે અને કેરીને ખાધા સિવાય પણ ટહુકાને પામવાની સજ્જતા એ આ સ્નેહની સ્નિગ્ધતા છે. પ્રેમને પાવકજ્વાળા એટલે તો કહ્યો છે.
પણ આપણે પ્રેમને ચૂકી ગયા હોત તો તો આજે ફૂલમાં ઊગતી કવિતાને પણ ખોઈ બેસત, પણ એવું થયું નથી. હજી એરપોર્ટ કે બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર છૂટા પડતા સ્વજનોનાં આંસુ ઊભરાઈ આવે છે. આટલા કમ્યુનિકેશનના યુગમાં ‘વિરહ’ ભાવ લગભગ ઓગળી રહ્યો છે ત્યારે છૂટા પડવાની વેદના ઉનાળામાં ઊગેલાં ફૂલોનું સૌંદર્ય પામે છે. જુઓ આ બીજું દૃશ્ય... ફરી સુરેશભાઈ મદદ કરે છે, એ ગાઈ ઊઠે છે.
એક ડોસી ડોસાને હજી પ્રેમ કરે છે,
કમાલ કરે છે, ધમાલ કરે છે, એક ડોસી...
કવિએ આવાં પ્રેમતીર્થો શોધી કાઢવાનાં હોય છે. સુરેશભાઈની સમગ્ર કવિતાના પહેલા ગ્રંથ ‘કાવ્યવૃષ્ટિ’ મારા ટેબલ પર એક લીલુંછમ અજવાળું પાથરે છે, એમના એક પંક્તિના કાવ્યથી, પ્રાર્થનાથી મારો રૂમ ઊભરાઈ રહ્યો છે, તે પ્રાર્થના છે.
મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ !
મૌન દ્યો...