વિશ્વપ્રવાહ : સીરિયામાં સંઘર્ષ : બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નિકળશે

    ૧૮-એપ્રિલ-૨૦૧૮


 

વિશ્ર્વ ફરી એક વાર અમેરિકા વર્સીસ રશિયાના કોલ્ડ વોર તરફ ધકેલાઈ રહ્યું છે તેવી ચેતવણીઓ લાંબા સમયથી અપાઈ રહી છે અને સીરિયા પર અમેરિકા તથા તેના સાથી દેશોએ હુમલો કરી નાંખ્યો તેના કારણે ચેતવણી સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. સીરિયાના ડૂમા શહેરમાં ગયા શનિવારે રાસાયણિક હુમલો થઈ ગયો. હુમલામાં સેકડો લોકો માર્યાં ગયાં ને તેમાં મોટા ભાગનાં બાળકો હતાં. અમેરિકાએ હુમલા માટે સીરિયાને જવાબદાર ગણાવીને મિસાઈલ હુમલો કરી દીધો ને સામે રશિયાએ અમેરિકાને ચીમકી આપી છે કે અમેરિકા બધું બંધ નહીં કરે તો જોવા જેવી થશે ને અમેરિકાને પાઠ ભણાવવા રશિયાએ પણ હુમલા શરુ કરવા પડશે.

સામસામા હાકલા પડકારાને કારણે મામલો ગરમ થઈ ગયો છે ને દુનિયામાં ફરી તણાવનો માહોલ પેદા થઈ ગયો છે. રશિયા અને અમેરિકા સામસામે ભિડાઈ જાય તેવી શક્યતા પણ કેટલાક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

સીરિયા બીજું અફઘાનિસ્તાન બનશે !

રશિયા પોતાની ધમકીનો અમલ કરે છે કે નહીં જોવાનું રહે છે પણ અમેરિકા અને રશિયા વચ્ચે જે સંઘર્ષ શરુ થયો છે ખતરનાક છે ને તે દુનિયાને બહુ ખરાબ રીતે અસર કરી શકે છે. કોલ્ડ વોર સમયે અમેરિકા અને તત્કાલિન સોવિયેત સંઘે અફઘાનિસ્તાનને પોતાની રણભૂમિ બનાવી હતી. તેના કારણે લાખો અફઘાનો વગર મોતે મરી ગયા. પછી સોવિયેત સંઘનું વિઘટન થતા તેણે અફઘાનિસ્તાનમાંથી હાથ પાછા ખેંચી લીધા પણ તેના કારણે ઉભા થયેલા તાલિબાનો ચડી બેઠા. તેમણે નાઈન ઈલેવનનો હુમલો કરાવ્યો ને તેનો લાભ લઈને અમેરિકાએ અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરી દીધું. આજ દિન સુધી અફઘાનિસ્તાન સંઘર્ષમાંથી બહાર આવી શક્યું નથી તો ઠીક પણ આખી દુનિયામાં ઈસ્લામિક આતંકવાદ હદે ફેલાઈ ગયો કે દુનિયા આખીનું જીવવું હરામ થઈ ગયું છે.

સીરિયાના બહાને અત્યારે ખેલ થઈ રહ્યો છે ને તેના કારણે દુનિયામાં ફરી તાકતો મજબૂત બનશે. કમનસીબી છે કે રશિયા અને અમેરિકા બંને પોતાના સ્વાર્થ માટે દુનિયાને કૂવામાં ધકેલી રહ્યાં છે. રશિયા અને અમેરિકા વચ્ચે જે લડાઈ જામી છે વાસ્તવમાં તો પોતપોતાની તાકાત પુરવાર કરવાની હોડ છે. બંને દેશો પોતાને એકબીજા કરતાં ચડિયાતા સાબિત કરવાની હોડમાં પાછાં આવી ગયાં છે ને તેમાં સીરિયા ભોગ બની રહ્યું છે. બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નિકળે તેમ રશિયા ને અમેરિકાની લડાઈમાં સીરિયાનો ખો નિકળી રહ્યો છે. આમ તો સીરિયા ઘણા લાંબા સમયથી અમેરિકા અને રશિયા સહિતના શક્તિશાળી દેશોના શક્તિપ્રદર્શનનો અખાડો બનેલું છે ને તેની કિંમત ત્યાંની જનતા ચૂકવી રહી છે.

અમેરિકા અને રશિયા વચ્ચે સીરિયાના બહાને શક્તિપ્રદર્શનનો ખેલ એકાદ દાયકા અગાઉ શરુ થઈ ગયેલો. અમેરિકા આરબ રાષ્ટ્રો પર પોતાનો અંકુશ જમાવવા સતત મથ્યા કરે છે. તેની મનસા પૂરી કરવામાં આડખિલીરુપ દેશોમાં સીરિયા, લિબિયા, ઈરાક, ઈરાન, તુર્કી વગેરે દેશો મુખ્ય છે. અમેરિકાએ દેશોમાં પોતાની કઠપૂતળી સરકારો બેસાડવા ૨૦૦૮માં મોટી ગેઈમ ખેલેલી. અમેરિકાએ સોશિયલ મીડિયામાં દેશોની સરકારો સામે ભયંકર આક્રોશ અને અસંતોષ પેદા કરીને લોકોને રસ્તા પર લાવી દીધેલાં.

સીરિયામાં ગૃહયુદ્ધ

સોશિયલ મીડિયાના કારણે આરબ રાષ્ટ્રોમાં વરસોથી જામી ગયેલા સત્તાધીશો સામે બળવાનો ઝુવાળ ફેલાયો ને રસ્તા પર આવી ગયેલા લોકોએ લિબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી સહિત કેટલાય સરમુખત્યારોને ઉખાડીને ફેંકી દીધા. આરબ સ્પ્રિંગ તરીકે જાણીતી ક્રાંતિની અસર સીરિયામાં પણ થઈ. સીરિયામાં વરસોથી જામેલા બશર અલ-અસદને ઘરભેગો કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

સીરિયામાં ગૃહયુદ્ધની શરુઆત થઈ અને બશર અલ અસદ સામે વિરોધ પ્રદર્શનો શરુ થયાં તેને અમેરિકાએ ભડકાવ્યા. સ્વતંત્રતાના દમન અને આર્થિક ખસ્તાહાલ પરિસ્થિતિના કારણે સીરિયાના લોકોમાં સરકાર સામેનો અસંતોષ ભારે વધી ગયો હતો. પ્રદર્શનકારોએ રાજકીય કેદીઓની મુક્તિ અને અસદના રાજીનામાની માંગ કરી પણ અસદે પોતાની શક્તિનો ઉપયોગ કરીને વિરોધ પ્રદર્શનો ખતમ કરવાની કોશિશ કરી. તેના કારણે અસદની સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે સશસ્ત્ર જંગ છેડાઈ ગયો. સીરિયાની સરકારે સેંકડો આંદોલનકારીઓને માર્યા અને જેલભેગા કરી દીધાં. દરમિયાન ઇસ્લામિક સ્ટેટે સીરિયામાં ઝંપલાવ્યું અને કાળો કેર વર્તાવવાનો શરુ કર્યો. જુલાઈ ૨૦૧૧માં અસદ વિરોધી સંગઠનોએ પોતાની સેના ઊભી કરી અને અસદ સરકારને ઉખાડી ફેંકવાના ઉદ્દેશ સાથે જંગ શરુ‚ કર્યો. સેના અમેરિકાની તન, મન, ધનથી શરુ થઈ હતી કહેવાની જરુર નથી.

અસદ રશિયાનો પીઠ્ઠુ છે તેથી રશિયાના લશ્કરના જોરે ટકી ગયો. અસદ સામે થયેલી બગાવતનો લાભ લેવા આઈએસઆઈએસ મેદાનમાં આવી ને તેણે સીરિયાના લશ્કર પર હલ્લાબોલ કરી દીધું. જભાત અલ-નુસરા સહિતનાં બીજાં આતંકવાદી સંગઠનોએ પણ મોકાનો લાભ લેવાઆ જંગમાં ઝંપલાવી દીધું. તેના કારણે સીરિયામાં અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ થઈ ગયો.

અસદે બગાવત કરનારા લોકોને કચડી નાંખવા કેમિકલ વેપન્સ અને બેરલ બોમ્બનો ઉપયોગ બેફામ રીતે કર્યો હતો. આઈએસઆઈ બેફામ છે ને તેણે પણ સામે અત્યાચારો શરુ કર્યા. પુરુષોને રહેંસી નાંખવા માંડ્યા અને સ્ત્રીઓને ગુલામ બનાવીને તેમનો ઉપયોગ હવસ સંતોષવાનારમકડા તરીકે કરવા માંડ્યાં. બીજાં આતંકવાદી સંગઠનો પણ અત્યાચારો કરવાની હોડમાં ઉતર્યાં તેથી લોકો ત્રાહિમામ થઈ ભાગવા માંડ્યાં. સીરિયાની વસતી લગભગ બે કરોડની હતી. તેમાંથી ૪૦ લાખ લોકો ઘરબાર છોડીને નિકળી ગયાં. આમ અમેરિકાએ જે ખેલ ખેલ્યો તેમાં સીરિયાની ૨૦ ટકા વસતી તો ઘરબાર વિનાની થઈ ગઈ. જો કે છતાં અસદ ટકી ગયો ને તેનો ખાર અમેરિકાને રહી ગયો. ત્યારથી અસદને તગેડીને પોતાની રબ્બર સ્ટેમ્પ સરકાર બેસાડવા અમેરિકા મથ્યા કરે છે પણ રશિયાના કારણે ફાવતું નથી.

રશિયાની પડખે હમણાં જે દેશો છે તેમાં સીરિયા એક છે. સીરિયામાં લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલે છે ને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સીરિયા પર કબજો કરવા મથે છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ પહેલાં અમેરિકાના પીઠ્ઠુ હતા ને હવે રશિયાના પીઠ્ઠુ બની ગયા તેના કારણે પણ અમેરિકા સીરિયાથી ખફા છે ને સીરિયાને ઘોચપરોણા કર્યા કરે છે.

સીરિયાને ભિડાવવા અમેરિકાએ તેને આતંકવાદી દેશ પણ જાહેર કરાવ્યો છે પણ છતાં સીરિયા મચક નથી આપતું. સીરિયા છેક ૧૯૭૯થી આતંકવાદી દેશ જાહેર થયેલું છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જબરદસ્ત જંગ ચાલતો હતો ને બંને એકબીજાને પતાવી દેવા જીવ પર આવી ગયેલા ત્યારે સીરિયા આતંકવાદી દેશ જાહેર થયેલો કેમ કે સીરિયા ઈઝરાયલ વિરોધી આતંકવાદીઓનો અડ્ડો હતો. ઈઝરાયલ અમેરિકાનું આગળિયાત છે તેથી તેનાં હિતોને સાચવવા અમેરિકાએ પગલું ભરેલું. સીરિયામાં રહીને કામ કરતાં આતંકવાદી સંગઠનો ધીરે ધીરે એટલાં તાકતવર બની ગયાં છે કે હવે કોઈને ગાંઠતાં નથી. અમેરિકા તેમને પણ સાફ કરવા માગે છે કે જેથી તેને ખતરો ના રહે પણ તેને માટે સીરિયા પર કબજો કરવો પડે. રશિયા તેમાં આડખિલી છે તેના કારણે પણ અમેરિકા ફૂંગરાયેલું છે. સીરિયાને લીધું કરવા તે તક શોધ્યા કરે છે ને સીરિયામાં થયેલા કેમિકલ હુમલાના કારણે તેને તક મળી ગઈ છે.