કૃપિયા ધ્યાન દે દેશના ૨૫ કરોડ લોકો IPL માં વ્યસ્ત છે!!! આ દેશનું શું થશે?

    ૨૧-એપ્રિલ-૨૦૧૮   

 
આજના સમાચાર છે કે હાલ ભારતમાં રમાતી IPL ને ૨૫ કરોડ દર્શકો મળ્યા. હોટસ્ટાર નામની મોબાઈલ એપ્લીકેશન પરથી દરરોજ ૪૦ લાખ કરતા વધારે લોકો (યુવાનો) આઈપીએલની મેચ જુવે છે. એટલે દરરોજ આ દેશનું ૪૦ લાખ યુવાધન મોબાઈલની સ્ક્રિન સામે જોઇને બેઠું હોય છે. જરા વિચાર કરો જે દેશનું ૨૫ કરોડ યુવાધન મનોરંજનના નામે ક્રિકેટ મેચ જોવામાં કલાકોનો સમય બગાડતું હોય તે દેશની અર્થવ્યવસ્થાની હાલત શું થવાની? ક્રિકેટ રમવાની વાત અલગ છે અને ક્રિકેટ જોવાની વાત અલગ છે. રમશો તો કમ સે કમ શરીર તો સારું રહેશે પણ ક્રિકેટ જોવાથી તો માત્ર સમયની જ બરબાદી થાય છે. ભારતમાં IPL સફળ રહી તેવું કહેવામાં આવે છે. હા સફળ રહી હવે જેને ૨૫ કરોડ દર્શકો મળે તે તો સફળ જ કહેવાય ને? પણ જરા વિચાર કરો IPL એ આ દેશને શું ફાયદો કરાવ્યો? જવાબમાં કોઇ અસરકારક તર્ક નહિ મળે.
 
ક્રિકેટ કેમ ભારતીયો માટે ધર્મ બની ગયું છે? ભારતની અર્થવ્યવસ્થાને તોડનારો આ પૂંજીવાદી હુમલો તો નથી ને?
 
ક્રિકેટની અનેક કલંકકથા લોકો વચ્ચે વારંવાર આવવા છતાં લોકો કેમ તેને તરછોડતા નથી?
 
પૈસા માટે રમતા ક્રિકેટરો આપણા યુવાનોના રોલ મોડેલ બની શકે?
 
શું ક્રિકેટ તમને શક્તિ અને સમય બરબાદ કરતી રમત નથી લાગતી?
 
આ ક્રિકેટરો દેશ માટે રમે છે એવું આજે કહી શકાય? દેશની રાષ્ટ્રીયતા સાથે ક્રિકેટને શું લેવાદેવા?
 
ઇંગ્લન્ડ સામે આપણી ટીમ હારી જાય તો ભારત હાર્યું એમ કહેવાય?
 
આવા તો અઢળક પ્રશ્ર્નો છે... જેના વિષે કોઇ ભારતીયને વિચારવાનો સમય નથી. ક્રિકેટ માત્ર એક મલાઈદાર બિસનેસ છે. દેશપ્રેમ સાથે તેને કોઇ લેવાદેવા નથી. વિશ્વાસના હોય તો આપણા ખેલાડીઓનો પગાર ઓછો કરી જુવો! ફટાફત રીએક્શન આવવા લાગશે. અરે હમણાજ આપણા કોહલીએ પગાર ઓછો હોવાની વાત જાહેરમાં કરી હતી. આવું ભારતમાં જ નહિ ક્રિકેટ રમતા દરેક દેશમાં છે. વેસ્ટ ઈન્ડીઝ, ઝિમ્બામ્વે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વધારે પૈસાની માંગ કરી ચુક્યા છે અને કરી રહ્યા છે. આ ખેલ પૈસાનો છે. થોડું વિચારવા જેવું છે.
 

 
 
IPL – દેશના ૨૫ કરોડ લોકો ૩ કલાક નશામાં રહે છે?
 
ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન બ્રિટનના એક જમાનાના શાસક એવા આલિવર ક્રામવેલે કહ્યું હતું કે ‘જ્યાં સુધી લોકોના પેટમાં બે ટંકનું ભોજન પીરસાતું રહે ત્યાં સુધી તેને ક્રાંતિ સાથે કોઈ લેવા-દેવા નથી. હિન્દુસ્થાનને લાગેવળગે છે ત્યાં સુધી કરોડો હિન્દુસ્થાનીઓને ભટકાવનારો, અફીણના ઘેનમાં રાખનારો 20 ઓવરનો ક્રિકેટ નામનો ખેલ ત્રણ કલાકના શોથી વધારે બીજું શું હોઈ શકે? શું ક્રિકેટથી ક્રાંતિ થઈ શકે? ક્રાંતિ તો થશે નહિ પણ આ દેશના લોકોની સમય, શક્તિ, શ્રમશક્તિ, ઉત્પાદન શક્તિ જરૂર ઘટાડી દેશે! ક્રિકેટ નામના આ ફટાફટી માળખાને કારણે અમુક લોકોને નિશ્ર્ચિતપણે અઢળક રૂપિયા મળ્યા છે પણ જ્યાં સુધી આ દેશની અર્થવ્યવસ્થાનો સવાલ છે, તો તે ચાલે છે છેવાડાના માનવીથી. અને આજે આ છેવાડાનો માનવી કામ-ધંધો છોડી ક્રિકેટમાં રસ દાખવતો થઈ ગયો છે! આપણી અર્થવ્યવસ્થાને તોડનારો આ ક્રિકેટ નામનો પૂંજીવાદી હુમલો છે, જેને આપણે ખૂબ ઝડપથી સમજી લેવો જોઈએ. આપણા પૂંજીપતિઓએ એવું સાબિત કરી દીધું છે કે આપણા દેશના લોકોને ભોજનની નહિ, મનોરંજનની જરૂર છે અને લલિત મોદી નામના એક ભેજાબાજે ક્રિકેટનું ‘આઈપીએલ’ નામનું માળખું રચી નાખ્યું. મનોરંજનની દુનિયામાં આજે ‘આઈપીએલ’ ક્રિકેટ અવ્વલ છે. ભારતના ભિખારી પણ હવે ગલ્લે ઊભા રહીને સ્કોર પૂછતા થઈ ગયા છે.
 
યુવાનોનો દેશ આજે સમસ્યાનું સમાધાન ગોતવામાં નહિ પણ ક્રિકેટના ગ્લેમરમાં મનોરંજન શોધવાનું કામ કરી રહ્યો છે. ભારતમાં ક્રિકેટની અજીબો-ગરીબ દાસ્તાન છે. જેમની પાસે પૈસા નથી, જે ખૂબ ગરીબ છે તેવા લોકો પણ ક્રિકેટ ઉપર પોતાનું તન-મન ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે અને જે લોકો ધનવાન છે તે લોકો ગરીબોના ક્રિકેટ સાથેના લગાવનો દુરુપયોગ કરી પૈસા કમાવવામાં પડી જાય છે
 
શું કોહલી, શાહરુખ આ દેશના યુવનો માટે આદર્શ છે?
 
એક વાત વિચારવા જેવી છે. આપણા સુપ્રસિદ્ધ ક્રિકેટરોમાં ભણેલા-ગણેલા કેટલા? સચિન તેંડુલકર દસ પાસ છે. આ તો ક્રિકેટ જગતની ખૂબ મોટી હસ્તીનું એક ઉદાહરણ છે. ફિલ્મોમાં પણ એવું જ છે. આ લોકો આપણા યુવાનો માટે આદર્શ, રોલમાડલ હોઈ શકે? જવાબ ભલે ના હોય પણ વાસ્તવિકતા એ છે કે આજે ઘણા યુવાનોના રોલ માડલ કોહલી, શાહુરખ... છે. આનું કારણ પણ જાણવા જેવું છે. આજના યુવાનોને શોર્ટકટ વધુ પસંદ છે અને પૈસા કમાવાનો જો કોઈ શોર્ટકટ હોય તો તે આ જ છે. ક્રિકેટમાં ગ્લેમરની સાથે પ્રસિદ્ધિ અને અઢળક રૂપિયો છે, અને બીજો શોર્ટકટ ગુનાહિત પ્રવૃત્તિઓ છે. આપણા યુવાનો પૈસા કમાવવા આ બંને પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વધુ ને વધુ યુવાનો તે તરફ આગળ વધી રહ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે. યુવાનો ક્રિકેટર કે ફિલ્મના હીરો બનવા માગે છે. તે ખૂબ મહેનત કરી સફળા ઉદ્યોગપતિ બનવા માંગતો જ નથી.
 
યુવાનોને ગેરમાર્ગે દોરે છે અ ક્રિકેટરોની સફળતા?
 
આજે ભણવાની જરૂર શું છે? ક્રિકેટર કે હીરો બની જાવ એટલે બધું જ તમારી પાસે હશે. તમે જુઓ કે એક અલ્લડ રખડતો અભણ છોકરો અચાનક ક્રિકેટ સાથે જોડાઈ જાય અને રાતોરાત રંકમાંથી રાજા બની જાય તો તેની સમાજ પર, યુવાનો પર શી અસર પડે? આવા અપવાદો આપણા યુવાનો માટે આદર્શ બની જાય છે! તેઓ એ સમજવા તૈયાર થતા નથી કે આ તેમના માટે એ શક્ય છે કે કેમ?
 
મહત્ત્વની વાત એ છે કે ક્રિકેટમાંથી આજે ક્રિકેટ રમનારા તો પૈસા કમાઈ જ રહ્યા છે પણ ક્રિકેટ ન રમનારા પણ પૈસા ઊભા કરી રહ્યા છે. ‘સટ્ટા’ નામનું દૂષણ લોકોમાં ઘર કરી ગયું છે. બૂકીઓ અને સટ્ટો લગાવનારો એક આખો વર્ગ હવે આપણા સમાજમાં પેદા થઈ ગયો છે. કયા ખેલાડીએ કેટલા રન માર્યા, કોણે કેટલી વિકેટ લીધી એ બધું ત્યારે જ જોવા-જાણવાનું મન થાય જ્યારે તમે તે ખેલાડી પર પૈસા લગાવ્યા હોય અને આજે ભારતના ગલ્લે-ગલ્લે આ સટ્ટો ચાલી રહ્યો છે. બુકીઓની વાત તો પછી આવે છે.
 
મારો, તમારો નહિ બુકીઓનો ખેલ?
 
બુકીઓનો ખેલ, સ્પોટ ફિક્સિંગ, મેચ ફિક્સિંગ આ બધું ક્રિકેટમાં પહેલાં પણ હતું. તે બહાર આવી ગયું છે. આ બધું કેમ લેટ-ગો કરીને ક્રિકેટ જોવા જાય છે? ભારત કોઈ મેચ એક રનથી હારી જાય એટલે તરત આપણે જોયા-જાણ્યા વિના કોમેન્ટ કરી દઈએ છીએ કે ‘મેચ ફિક્સ’ હતી! આવું કેમ? કેમ કે ક્રિકેટમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણને સૌને ખબર છે! તેમ છતાં બીજા દિવસે આપણે ક્રિકેટ જોવા ટીવી સામે બેસી જ જઈએ છીએ. આપણી ક્રિકેટ જોવા પ્રત્યેની આ તાલાવેલીનો લાભ જ આ ક્રિકેટના આકાઓ ઉઠાવી રહ્યા છે.
 

 
  
અહિં ડાન્સિંગ ગર્લની શું જરૂર છે?
 
ક્રિકેટમાં ડાન્સિંગ ગર્લ શું કામ લાવવામાં આવી! ક્રિકેટ નામના પ્રસિદ્ધ જેન્ટલમેન ખેલને આ ચીયર લીડર્સની જરૂર હતી? શાહરુખ ખાન, સલમાનખાન, પ્રીતિ ઝિંટા... આ ગ્લેમરની દુનિયાને ક્રિકેટ સાથે કેમ જોડવામાં આવી? એક જ કારણ છે, ભારત નામના દેશને ક્રિકેટ નામના અફીણના ઘેનમાં રાખવાનો છે,.
 
પ્રશ્ર્ન એ થાય છે કે ક્રિકેટને રાષ્ટ્રના નામ સાથે જોડી શકાય?
 
ભારત અને ઇંગ્લન્ડ વચ્ચેની મેચ દરમિયાન ભારત મેચ હારી જાય તો એવું કહી શકાય કે ઇંગ્લન્ડ સામે ભારતની હાર થઈ?! ના કહેવાય! હાર માત્ર પેલા 11 ખેલાડી અને બીસીસીઆઈની જ થઈ ગણાય. ભારતમાં ક્રિકેટ ચલાવતી બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એક સ્વાયત્ત સંસ્થા છે. દેશને કે દેશની સરકારને તે સંસ્થા સાથે કોઈ લેવા-દેવા નથી. તો શું ભારતના તિરંગા હેઠળ આ લોકોને રમવાની પરવાનગી મળી શકે? આ ક્રિકેટરો ભારત માટે રમે છે? આ રમત રમી આપણા ખેલાડીઓ દેશસેવા કરી રહ્યા છે? શેની દેશસેવા! પૈસા વગર આમાંનો એક પણ ખેલાડી ટીમમાં દેશ માટે રમવા તૈયાર નહિ થાય.
 
IPLએ ક્રિકેટને પૂરી કરી નાખી છે…
 
એવું કહેવાય છે કે IPL કરાતા પણ ક્રિકેટનું નાનું ફોર્મેટ આવી રહ્યું છે. ૧૦૦ બોલની ક્રિકેટ રમાશે. હવે ૫૦ ઓવરની વન-ડે કે પાંચ દિવસની ટેસ્ટામાં કોને રસ રહેશે? આમ પણ ક્રિકેટના આ લાંબા ફોર્મેટમાં કોઈને રસ રહ્યો નથી. આજે ગ્લેમર અને પૈસા આ રમતમાં એટલા બધા ઘૂસી ગયા છે કે ભારતીય ખેલાડીઓને હવે ટેસ્ટ અને વન-ડેમાં રસ જ નથી. ઇન્ટરનેશનલ મેચ દરમિયાન આ ખેલાડીઓ કેવા થાકેલા લાગે છે? હકીકત તો એ છે કે આ ખેલાડીઓને પણ હવે આઈપીએલની ચકાચૌંધ ગમી ગઈ છે. બે કલાકની ક્રિકેટ, અઢળક રૂપિયા, અઢળક પ્રસિદ્ધિ અને મીડનાઇટ પાર્ટી. આવું કોને ન ગમે? પરિણામે આપણા ખેલાડીઓ હવે ટેસ્ટ રમવા જ માગતા નથી. તેમને આઈપીએલની મેચોમાં જ રસ પડે છે, આ વિચારવા લાયક પ્રશ્ર્ન છે.
આ ફટાફટ ક્રિકેટમાં દેશની પાયમાલી જ છે. આઈપીએલને તરત જ બંધ કરી દેવી જોઈએ અને ડૂબતા દેશની સમયશક્તિ વેડફાતી અટકાવવી જોઈએ. તમને શું લાગે છે?
 
 
- હિતેશ સોંડાગર