ઈશ્વર ક્યાં છે ? ખૂબ સુંદર જવાબ છે આ પ્રશ્નનો આ વાર્તામાં...

    ૦૩-એપ્રિલ-૨૦૧૮

 
એક દરબાર ભરાયો હતો. તેમાં ઈશ્ર્વર છે અને નથી એ વિશે તરેહ તરેહના તર્ક-વિતર્કો થઈ રહ્યા હતા. રાજા કહેતા હતા કે ઈશ્ર્વર નથી અને મંત્રી કહેતા હતા કે ઈશ્ર્વર છે. આખરે રાજાએ મંત્રીને કહ્યું, ‘તમે મારા ત્રણ પ્રશ્ર્નોના જવાબ આપી દો તો હું માની જાઉં કે ઈશ્ર્વર છે.’
 
‘પૂછો મહારાજ ! મંત્રીએ કહ્યું.
રાજાએ કહ્યું, ‘પ્રશ્ર્ન એક, ઈશ્ર્વર કયાં રહે છે? બીજો પ્રશ્ર્ન એ છે કે ઈશ્ર્વર કઈ દિશામાં મુખ રાખે છે? અને ત્રીજો પ્રશ્ર્ન, ઈશ્ર્વર શું કરે છે ?’
 
મંત્રી કંઈ જવાબ ના આપી શકયા. એમણે કાલે જવાબ આપીશ એમ કહી વિદાય લીધી. ઘરે આવી એ પ્રશ્ર્નોનો જવાબ વિચારી રહ્યા હતા પણ જવાબ જડતો નહોતો.. એ બહુ પરેશાન હતા. એ જોઈ એમના નોકરે એમને ઉદાસીનું કારણ પૂછ્યું. મંત્રીએ પ્રશ્ર્નોવાળી વાત કહી. નોકરે કહ્યું, ‘તમે નિશ્ર્ચિંત થઈને સૂઈ જાવ. રાજાને આ પ્રશ્ર્નોના જવાબો હું આપી દઈશ.’
બીજા દિવસે નોકર દરબારમાં ગયો અને એણે રાજાને કહ્યું, ‘મહારાજ, આપે મંત્રીને પૂછેલા પ્રશ્ર્નોના જવાબ હું આપીશ.’
રાજાએ એને પૂછ્યું, ‘તો કહો કે ઈશ્ર્વર કયાં રહે છે ?’
 
નોકરે દૂધ મંગાવ્યું અને પૂછ્યું, ‘મહારાજ, આમાં માખણ કયાં છે ?’
મહારાજે કહ્યું, ‘માખણ તો દૂધમાં સર્વત્ર હોય છે.’
નોકરે કહ્યું, ‘હા, એમ જ ઈશ્ર્વર પણ સર્વત્ર છે. દહીનું મંથન કરીને લોકો જેમ માખણ કાઢે છે એમ ભક્તો હૃદયમાં મંથન કરી પ્રભુને પ્રકટ કરે છે.’
 
રાજાએ બીજો પ્રશ્ર્ન પૂછ્યો, ‘ઈશ્ર્વરનું મુખ કઈ તરફ છે ?’
નોકરે એક દીવો મંગાવ્યો અને પૂછ્યું, ‘મહારાજ, પહેલાં એ કહો કે આ દીવાનું મુખ કઈ બાજુ છે ?’
‘બધી બાજુ છે !’ રાજાએ કહ્યું.
જવાબમાં નોકરે કહ્યુ, ‘બસ, એમ જ ઈશ્ર્વરનું મુખ પણ બધી તરફ છે. એ દીવા જેમ બધે જ પ્રકાશ પાથરી રહ્યો છે.’
 
રાજાએ ત્રીજો પ્રશ્ર્ન કર્યો કે, ‘ઈશ્ર્વર શું કરે છે? જવાબમાં નોકરે રાજાને વજીરની ખુરશીમાં બેસાડ્યો અને વજીરને રાજાના સ્થાને. અને પછી કહ્યું, ‘મહારાજ, જેમ અત્યારે મેં તમારી બદલી કરી તેમ ઈશ્ર્વર મનુષ્યોનાં કર્મ અનુસાર રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવવાનાં કાર્યો કરે છે.’