વિજય જ અંતિમ લક્ષ

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

સમયથી આગળ વિચારના લોકો માટે તેમનાં સાથીદારો, પ્રશંસકો પણ ગેરસમજ કરે તેવાં અનેક ઉદાહરણો જોવા મળે છે.
છત્રપતિ શિવાજી મહારાજે યુદ્ધને એક નવું સ્વરૂપ આપ્યું એ સમયે વીર રાજપૂતો ધરતી, ધર્મ, નારી અને ગાયની રક્ષા માટે મૃત્યુ સુધી લડતાં હતા. બલિદાન થવું વીરત્વની ચરમ સીમા ચોક્કસ કહેવાય, પરંતુ શિવાજીને લાગતું હતું કે યુદ્ધ અંતિમ વિજય માટે જ લડવામાં આવે છે. જો એ પ્રાપ્ત થતો હોય તો હંગામી પલાયન, સમજૂતી કે આત્મસમર્પણ પણ કરવું જોઈએ. આ માર્ગમાં નરી ભાવુકતાને કોઈ સ્થાન નથી.
 
આથી જ્યારે અફઝલ ખાન શિવાજીને ક્રોધિત કરવા માટે પોતાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ હિન્દુ મંદિરોને તોડ્યા ત્યારે શિવાજીએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આથી તેમના સાથીદારો વિચલિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે એવા જીવનનો શું મતલબ જ્યારે પોતાના દેવી-દેવતાઓના મંદિરોની રક્ષા કરવાની હાંકલ નેતા તરફથી જ ન થતી હોય ? ઉલટાનું તેમ કરતા સાથીદારોને રોકતા શિવાજીએ કહ્યું : આજ આપણી શક્તિ મર્યાદિત છે. આથી ભાવનામાં વહીને આપણે શત્રુ સાથેની લડાઈ લડવાં, સમતલ મેદાનમાં જઈશું તો બધાય માર્યા જઈશું. આપણે જ આપણા વિનાશને આમંત્રિત કર્યો કહેવાશે. પરંતુ જો આપણે અત્યારે આપણી ભાવનાઓ પર કાબૂ રાખી લઈશું તો યુદ્ધખોર અફઝલ ખાન આપણને શોધતો સમતલ મેદાન છોડીને પહાડીઓ સુધી દોડ્યો આવશે. જ્યાં ગેરીલા યુદ્ધથી આપણે તેને હરાવીશું અને વિજેતાની વિરાટ શક્તિથી આપણા મંદિરોનું ભવ્ય પુન: નિર્માણ કરાવીશું અને એ શિવાજીએ કર્યું પણ ખરું. શિવાજી અફઝલખાનને પહાડી વિસ્તારમાં ખેંચી આવ્યા અને છાપામાર યુદ્ધ પદ્ધતિ મુજબ અફઝલખાનનો વધ પણ કર્યો. કોઈપણ મુદ્દે આપણા જ સાથીદાર કે સુકાનીનો સ્વર બદલાય ત્યારે જીણવટથી એ પાછળના ઉદ્દેશ્યને સમજી લેવામાં શાણપણ છે. અને એ પણ આપણને ભાવુકતાનું બીજું જ સ્વરૂપ લાગતું હોય તો દુનિયાની સૌથી મોટી લોકશાહીની નાગરિક તરીકે કોઈપણ મુદ્દાના નિરાકરણ માટે આંદોલનાત્મક અને ટકરાવનો માર્ગ ન લેતાં રચનાત્મક રીતો અપનાવીશું તો આપણે આપણી સાચી સ્વતંત્રતાને પણ અનુભવી શકીશું.