મહારાષ્ટ્રના કથિત કિસાન આંદોલનમાં ‘કિસાન’ કેટલા અને આંદોલન કેટલું ?

    ૦૫-એપ્રિલ-૨૦૧૮
 
 
મહારાષ્ટ્રને બાનમાં લેવાની વિપક્ષોની મહેચ્છાનું સુરસુરિયું થયું !!
વિશ્ર્વભરના દેશોમાં અરાજકતા સર્જવાનો એકાધિકાર ધરાવતા વામપંથી પક્ષોએ ભાજપ-એન.ડી.એ. શાસિત રાજ્યોમાં અરાજકતા સર્જવાનાં ષડયંત્રોનો આરંભ કરી દીધો છે. મહારાષ્ટ્રમાં નાશિક પ્રદેશના લાલ ટોપીધારી હજારો કિસાનો ૨૦૦ કિ.મી. જેટલું અંતર ચાલીને ૧૧મી માર્ચ, ૨૦૧૮ના દિવસે મુંબઈ પહોંચ્યા હતા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ પ્રેરિત ઑલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા આયોજિત આ કૂચનો એકમાત્ર હેતુ ૧૨મી માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભાનો ઘેરાવ કરવાનો હતો. પોતાનું રાજકીય અસ્તિત્વ અને પ્રાસંગિકતા દિનપ્રતિદિન ગુમાવી રહેલા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ ને અન્ય પક્ષોએ પણ આ કથિત કિસાન આંદોલનને સમર્થન આપીને કંઈક રાજકીય લાભ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ આજે અપ્રસ્તુત બની રહેલા આ બધા પક્ષોની રાજકીય મહેચ્છા ઉપર મહારાષ્ટ્રના વિચક્ષણ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે પાણી ફેરવી દીધું.
ભારતના સ્વાતંત્ર્યપ્રાપ્તિના સમયથી ન ઉકેલાયેલા બધા જ પ્રશ્ર્નો માટે માત્ર અને માત્ર ભાજપ જ જવાબદાર છે એવી ભ્રાંતિમાં રાચતા કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષોએ ભાજપ-એનડીએ શાસિત રાજ્યોમાં ‘અનામત’ ‘કિસાન’ ‘ફલાણા-ઢીંકણા’ જેવાં કારણોને લઈને જે-તે રાજ્યોમાં અરાજકતા સર્જવાનો આરંભ કરી દીધો છે. આ બધી જ ‘સમસ્યાઓ’ પંજાબ, કર્ણાટક, બંગાળ કે કેરળ વગેરે રાજ્યોમાં પણ પ્રવર્તતી હોવા છતાં આ આંદોલનો માત્ર અને માત્ર ભાજપ-એનડીએ શાસિત રાજ્યોમાં જ ચાલી રહ્યાં છે. તેના ઉપરથી જ આ રાજ્યોને અસ્થિર કરવાની કોંગ્રેસ-વામપંથીઓના ષડયંત્રની ગંધ આવી જાય છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોને આવાં ષડયંત્રોનો અનુભવ થઈ ચૂક્યો છે.
મહારાષ્ટ્રના કથિત કિસાન આંદોલન સામે પ્રશ્ર્નાર્થ એટલા માટે થાય છે કે આ આંદોલન મૂળત: કિસાનોનું ન હતું. સત્ય એ છે કે આ આંદોલનમાં સહભાગી થનારાઓમાં ૯૫% લોકો ‘ભૂમિહીન’ વનવાસીઓ હતા. આ આંદોલનનો દોરીસંચાર કરી રહેલા વામપંથી નેતાઓએ પ્રસિદ્ધિ માટે આ કૂચને ‘કિસાન આંદોલન’ એવું તરકટી નામ આપ્યું હતું. તેમની મુખ્ય માંગણી ‘વન્ય ભૂમિ ઉપરના અધિકાર’ની હતી. અને આ માંગણી ૧૯૪૭થી ચાલી આવી હતી. ૬૦ વર્ષો સુધીના કોંગ્રેસ એનસીપીના શાસનમાં કોંગ્રેસીઓ વામપંથીઓ કે શિવસેનાને આ સમસ્યાનું ભાન થયું જ નહોતું. માંડ બે વર્ષ પૂર્વે ભાજપ યુતિની સરકારે સત્તા સંભાળી કે તરત જ વામપંથીઓને ‘અરાજકતા’નો રોગ લાગુ પડી ગયો. તેની પરાકાષ્ઠા ૧૧મી માર્ચના દિવસે આવી. પરંતુ આ રોગ ‘ડૉ. ફડનવીસની દવાથી ૧૨મી માર્ચે તો નામશેષ પણ થઈ ગયો.’
 
એ દિવસોમાં ધો. ૧૦-૧૨ના છાત્રોની પરીક્ષાઓ ચાલી રહી હતી. બીજું કોઈપણ મેટ્રોની જેમ મુંબઈ મહાનગરની સવાર પણ નોકરિયાતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. લાખો છાત્રો અને નોકરિયાતોને તેમના ક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે ‘કથિત’ કિસાનોને માર્ગ અવરોધવાને બદલે આઝાદ મેદાનમાં રોકવાની વિનંતી ‘માનવતાના ધોરણે’ કરી હતી. સદ્ભાગ્યે અરાજકતા સર્જવા નીકળેલાઓએ એટલી તો માનવતા દેખાડી અને મુખ્યમંત્રીશ્રીની વિનંતિને મને કે કમને સ્વીકારી. આ શ્રી ફડનવીસનો પ્રથમ નૈતિક વિજય હતો, કેમ કે જો લાલ ટોપીધારીઓ માર્ગો ઉપર આવી ગયા હોત તો સમગ્ર મુંબઈમાં ‘વામપંથી’ અરાજકતા સર્જાઈ હોત.
 
બીજું, મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસે તરત જ મંત્રીમંડળના સભ્યોની સમિતિ રચીને વાટાઘાટો માટે નેતાઓને નિમંત્ર્યા, જેની અરાજકતા સર્જવા નીકળેલાઓને લેશમાત્ર અપેક્ષા ન હતી. આમ, અરાજક તત્ત્વોના ‘મનોબળ’ ઉપર જ દેવેન્દ્રનો આ જનોઈ વઢ ઘા કામ તમામ કરી ગયો. સમગ્ર મહારાષ્ટ્રમાં અરાજકતા સર્જવાની મહેચ્છા લઈને મોટા ઉપાડે લાલ ટોપીધારીઓના ભરોસે મુંબઈ પહોંચેલા કથિત ‘કિસાન નેતાઓની બધી જ આસુરી શક્તિઓ જાણે કે દેવેન્દ્રના વજ્રાઘાતથી હણાઈ ગઈ.’
 
મુખ્યમંત્રી શ્રી ફડનવીસ અને સમિતિના સભ્યોને તરત જ ધ્યાનમાં આવ્યું કે જેને કિસાન આંદોલન કહીને ચલાવવામાં આવ્યું છે તે તો વાસ્તવમાં ‘ભૂમિહીન’ વનવાસીઓનું ‘આંદોલન’ છે એટલે કે કિસાન આંદોલનો જે કારણોને લઈને ચાલે છે તેવું એક પણ કારણ અહીં લાગુ પડતું ન હતું. આથી અરાજકતાના સમર્થકોનું જૂઠાણું ભાજપની સરકારે પકડી પાડ્યું. અહીં કોંગ્રેસ-એનસીપી વામપંથી સહિતના બધા જ પક્ષોની રાજકીય ચાલની હવા નીકળી ગઈ. કેમ કે કિસાનોની લોન માફીની માંગણીનો સ્વીકાર તો ભાજપ પ્રેરિત સરકારે ગત વર્ષે જ કરી દીધો હતો અને આ ‘કથિત’ આંદોલનમાં કિસાનોને લગતી એક પણ માંગણી તો હતી જ નહીં !! છતાં પણ મીડિયાએ આ ‘વામપંથી આંદોલનને કિસાન’ આંદોલન એવું નામ આપ્યું તે રાજકીય ષડયંત્ર જ ગણી શકાય.
 
જ્યારે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સમક્ષ આ ‘આંદોલન’નો દોરીસંચાર કરી રહેલા ડૉ. અશોક ઢવળે, ડૉ. અજીત નાવલે, ધારાસભ્ય જીવા ગાવિત, રાધાકૃષ્ણ વિખે પાટીલ, અજીત પવાર, જયંત પાટીલ જેવા નેતાઓ સાથે વાટાઘાટો કરવા પહોંચ્યા ત્યારે તેમની ‘અપેક્ષા’થી વિપરીત તેમની મોટા ભાગની માંગણીઓનો ફડનવીસ સરકારે સ્વીકાર કરી લીધો. મજાની વાત તો એ હતી કે આ ભૂમિહિન વનવાસીઓની સમસ્યાઓના સમાધાન અંગેની બાંહેધરી લેખિતમાં આપીને એ કથિત કિસાન નેતાઓની મહારાષ્ટ્રમાં અરાજકતા સર્જવાની રહી આશા ઉપર પણ દેવેન્દ્ર ફડનવીસે પાણી ફેરવી દીધું !! વિધાનસભાનો ઘેરાવ કરવા મોટા ઉપાડે આવેલા અરાજકતાના પુરસ્કર્તાઓને આટલી હતાશા - નિરાશા તો વિશ્ર્વના એક પણ દેશમાં સાંપડી નથી !! આ ‘ભૂમિહિન’ વનવાસીઓના કિસાન આંદોલનનું આમ ગણતરીના કલાકોમાં સુરસુરિયું થઈ જશે એવી અપેક્ષા કોંગ્રેસ-વામપંથીઓ તો ઠીક મીડિયાકર્મીઓને પણ ન હતી. હા, આ ભૂમિહિનોને આ દિવસોમાં ખાવા-પીવાની મોજ પડી ગઈ હતી અને મુંબઈની યાત્રા પણ થઈ ગઈ. ઉપરથી એક લાલ ટોપી પણ મફતમાં મળી ગઈ. તેનો અત્યંત આનંદ હતો એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો પડે. હા, આ હજારો ભૂમિહીન વનવાસીઓ પરત ફર્યા ત્યારે લાલ ટોપીઓ રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગઈ હતી, જો કે તે ચર્ચાનો વિષય નથી.
 
અરાજકતા સર્જવા મોટા ઉપાડે નીકળી પડેલા આ નેતાઓની હવા ૧૨મી માર્ચે નીકળી ગઈ ત્યારે ડૉ. અશોક ઢવળે તો મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસને કહ્યું, પણ ખરું કે તમે તો અમારી બધી જ મજા મારી નાખી. અમને તો હતું કે આ કિસાનો ઉપર તમે લાઠીચાર્જ કરશો, અમારી કૂચને રોકશો પણ તમે આવું કંઈ જ ન કર્યંુ. (અને અમારી રાજકીય મહત્વાકાંક્ષાઓ પણ રોળાઈ ગઈ એવું એ કદાચ મનોમન બોલ્યા હશે). આ ઘટના ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે અરાજકતા સર્જકોની સામે મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ ‘ચાણક્ય’ પુરવાર થયા. પરંતુ હવે ચિંતા એ વાતની છે કે હવે સામ્યવાદી અસુર કયા સ્વ‚પે પ્રગટશે તે કોઈ જાણતું નથી !!