ભારતનાં બે ગામોના ઘરગથ્થુ જળ-વ્યવસ્થાપનને દુનિયા આખીએ બિરદાવ્યું છે

    ૦૫-એપ્રિલ-૨૦૧૮


 
રાલેગણ સિદ્ધિ : અન્નાએ એક ટીપા પાણી માટે તરસતી માતૃભૂમિને નંદનવન બનાવી
 
 મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પારનેર તાલુકાનું રાલેગણ સિદ્ધિ ગામ દુનિયાભરમાં તેના ઉત્તમ જળ વ્યવસ્થાપનના કારણે જાણીતું બન્યું છે. ચાર દાયકા પહેલાં મહારાષ્ટ્રનાં હજારો ગામો ટીપા પાણી માટે તરસતાં હતાં ત્યારે રાલેગણ સિદ્ધિએ જળસંચયની અનોખી રાહ પકડી હતી. કુદરત વરસાદ સ્વરૂપે દરિયો ભરીને પાણી આપે છે પરંતુ તેનો ખોબલા જેટલો પણ સંચય આપણે કરતા નથી. આથી પાણીની કૃત્રિમ અછત ઊભી થઈ છે તે વાત આ ગામના લોકોને ગળે ઊતરી હતી. ગામ એ તો હાથીનો પગ છે જો કોઈ પણ ગામ એક વાર ખરા દિલથી નક્કી કરે તો કોઈ પણ સમસ્યાનો ઘરગથ્થુ ઉકેલ લાવી શકે છે. એ વાત રાલેગણે સાબિત કરી છે.
 
રાલેગણ ગામના લોકોએ વારંવાર પાણીની તંગી અને દુષ્કાળનો સામનો કરવો પડતો હતો. ચોમાસાનો સરેરાશ વરસાદ માત્ર ૧૦થી ૧૨ ઇંચ જેટલો હતો. વરસાદના મોંઘામોલું પાણી નકામું વહી જતું હતું, ૧૯૭૫માં ગામથી થોડે દૂર એક જૂનો બંધ જ પીવાના પાણીનો એક માત્ર સોર્સ હતો. બન્યું એવું કે દુષ્કાળના સમયે આ બંધમાં પણ તિરાડ પડવાથી ખાલી થઈ જતો હતો. ગામ માટે જળ-કટોકટીનો આ સૌથી મુશ્કેલ સમય હતો. પીવાના પાણીના ફાંફા હોય ત્યારે ખેતીમાં પાકની સિંચાઈ માટેના પાણીની તો કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. પાણીની તંગીએ આ ગામને વેરવિખેર કરી નાખ્યું હતું.
 
રાલેગણ સિદ્ધિએ લોકપાલ આંદોલન ચલાવનારા કર્મશીલ અન્ના હઝારેની જન્મભૂમિ છે. ૧૯૬૫માં આર્મિની નોકરી છોડીને તેઓ પોતાના ગામ પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે ગામની પ્રગતિ નહીં થવાનું એક માત્ર કારણ પાણીની અછત છે. આથી તેમણે જળસંગ્રહ માટે નાના ચેકડેમ, વૃક્ષારોપણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ચોટીથી ઘાટી સુધીના સૂત્ર હેઠળ જન આંદોલન ચલાવ્યું જેનો હેતુ વરસાદના વેડફાતા પાણીને જમીનમાં ઉતારવાનો હતો. અન્નાએ સૌ પ્રથમ ગામલોકોને વિશ્ર્વાસમાં લઈને સંગઠિત કરવા માટે ગામના એક જૂના મંદિરનું સમારકામ કરાવીને ફાળો એકત્ર કર્યો હતો. વર્ષો પછી પ્રથમ વાર ગામના લોકો આટલી મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ પ્રસંગને નિમિત્ત બનાવીને અન્નાએ જાગ્રૃત લોકોની મોટી ટીમ બનાવી હતી. અન્નાએ અનુભવ્યું કે બધાની પીડા એક સરખી છે. દરેકને પોતાના ગામ માટે કશુંક કરવું છે માત્ર માર્ગદર્શન અને લિડરશીપની જરૂર છે. જ્યારે સારા લોકો એકઠા થઈને પરિણામ બતાવે ત્યારે વિરોધ કરતા લોકો પણ ઠંડા પડીને તેમાં જોડાઈ જાય છે. અન્નાએ તરૂણ મંડલ તૈયાર કર્યું જે હંમેશા ગ્રામવિકાસનાં કામોમાં શ્રમદાન કરવા તૈયાર રહેતું હતું. જો કે ફૌજી અન્નાના ધ્યાનમાં આવ્યું કે શરાબના વ્યસનના કારણે યુવાનો કમજોર લાગતા હતા. આથી તેમણે ગામમાં દારૂ પીવા વેચવા અને ગાળવા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી હતી. તેનો કેટલાક લોકો દ્વારા વિરોધ થયો પરંતુ છેવટે લોકોના સહયોગથી ગામને વ્યસનમુક્ત બનાવ્યું હતું. ગામલોકોએ માત્ર સરકારી યોજનાની મદદ જ નહીં જાતમહેનત જિંદાબાદ કહેવતને ચરિતાર્થ કરીને પરિણામ મેળવ્યું છે. ગામના ઊંચાણવાળા વિસ્તારમાં નાના મોટા ૩ લાખથી પણ વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે.
 
આજે આ ગામ બેંક, એટીએમથી માંડીને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ધરાવે છે. એક પણ ઘર શૌચાલય વગરનું નથી. ભૂગર્ભજળના તળ ઊંચા આવવાથી કૂવા ખોદીને પણ ખેડૂતો પાણી મેળવી લે છે. ૧૦૦ કૂવાઓ એવા છે જેમાં બારેમાસ પાણી ખૂટતું નથી. પહેલા ૪૦૦ ફૂટે પણ પાણી મળતું ન હતું આજે ૫૦ થી ૭૦ ફૂટે પાણી મળી રહે છે. ખેડૂતોએ પોતાની જ‚રિયાતના અનાજ અને શાકભાજી બહારથી લાવવા પડતાં નથી. ગામની બધી જ જ‚રિયાતો ગામમાં પૂરી થાય છે. પપૈયા, લીંબુ તથા મરચા જેવા પાકોના ઉત્પાદન માટે ૮૦ ટકા પાણીનો બચાવ કરતી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. પાણીની વધુ જરૂરિયાતવાળા પાકો જેમ કે શેરડી તથા ડાંગરના સ્થાને હવે ઓછા પાણીએ અને ટૂંકા ગાળામાં થતા કઠોળ અને અનાજના પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અનાજ પાકે ત્યારે ખેડૂતો ભેગા થઈને તેના ભાવ નક્કી કરે છે. સામાન્ય રીતે ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પોતાનું પાક ઉત્પાદન લઈને લાઇનમાં ઊભા રહેવું પડે છે જયારે માર્કેટયાર્ડના અધિકારીઓ રાલેગણ સિદ્ધિમાં ખુદ મુલાકાત લેવા આવે છે. ખેડૂતો એક જ વર્ષમાં ખેતીની ત્રણ સિઝન લે છે. ઢાળવાળી જમીનમાં પગથિયાં પદ્ધતિથી થતી ખેતીથી જમીન ધોવાણ અટકી ગયું છે. એક સમયે બંજરભૂમિના કારણે રોજગાર મળતો ન હોવાથી અનેક લોકો ગામ છોડીને બીજે રહેવા જતા રહ્યા હતા. ૧૯૭૫માં માત્ર ૭૦ એકર જમીનમાં સિંચાઈ થતી આજે ૨૫૦૦ એકરમાં સિંચાઈ થાય છે. આજે ગામમાં કોઈને પણ બેરોજગારીના કારણે સ્થળાંતર કરવું પડતું નથી. ગામના લોકોએ સરકાર કે એનજીઓની કોઈની પણ મદદ લીધા વિના ૨૫ લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરીને એક હાઈસ્કૂલ બનાવી છે. જેમાં ક્યાંય એડમિશન ના મળતું હોય તેવા અભ્યાસમાં નબળા વિધાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે. આ સ્કૂલમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. જો કે રાલેગણ સિદ્ધિને આ સફળતા રાતોરાત મળી નથી તેનો જશ ચાર દાયકા સુધીનો, સંઘર્ષ, મહેનત અને લોક ભાગીદારીને મળે છે.
 
 
હિવરે બઝાર : જળક્રાંતિનાં મીઠાં ફળ ચાખતું ગામ ૬૦ પરિવારો ખેતીની આવક મેળવીને કરોડપતિ બન્યા છે
 
મહારાષ્ટ્રના દુષ્કાળ અને પાણીની અછતથી પીડાતા અહેમદનગર જિલ્લાના હિવરે બઝાર ગામે અન્નાના રાલેગણ સિદ્ધિમાંથી પ્રેરણા મેળવી છે. આ ગામે માત્ર બે દાયકામાં જ પોતાની કાયાપલટ કરી નાખી છે, ગામમાં જ્યાં નજર નાખો ત્યાં લીલોતરી જોવા મળે છે. ૧૯૯૦માં માત્ર ૧૨ ટકા જમીનમાં ખેતી થતી હતી આજે એક ઇંચ પણ જમીન ખેતી વગરની ખાલી નથી. ગામમાં કુલ ૨૬૦ પરિવારો રહે છે જેમાંથી ૬૦ પરિવારો ખેતીની આવક મેળવીને કરોડપતિ બન્યા છે. એક સમયે ગામમાં ૧૬૮ પરિવારો ગરીબી રેખાની નીચે જીવતા હતા જયારે આજે ૧૦૦થી પણ વધુ પરિવારના લોકોની વાર્ષિક આવક ૫ લાખથી માંડીને ૧૦ લાખ સુધીની છે. ગામલોકોએ ગરીબી રેખાનો પોતાનો માપદંડ નક્કી કર્યો છે. જે લોકોની વાર્ષિક આવક ૧૦ હજાર કરતા ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વર્ષે માત્ર ૮થી ૧૦ ઇંચ વરસાદ ધરાવતા આ ગામે પાણીના પ્રત્યેક ટીપાનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે. પહેલા ઘાસનું ઉત્પાદન માત્ર ૫૦ ટન હતું આજે ૫૦૦ ટન થાય છે. આ ગામમાં ૩૫૦ કૂવાઓ બારેમાસ પાણીથી ભરેલા રહે છે.
 
એક સમયના કંગાળ ગામની આજે પરિશ્રમ કરીને કરોડોપતિ બનેલા સમૃદ્ધ ગામોમાં ગણતરી થાય છે. આ સિદ્ધિ કોઈ જાદૂઈ છડીથી નહીં પરંતુ ગ્રામીણોએ પોતાની કોઠાસૂઝ અને મહેનતનો ઉપયોગ કરીને મેળવી છે. ૧૯૯૫માં આદર્શ ગામ યોજના હેઠળ વોટર શેડ ડેવલપમેન્ટ હેઠળ અધિકારીઓએ ગામલોકોને મદદ અને માર્ગદર્શન આપ્યું હતું. સરકારની ગ્રામલક્ષી યોજનાઓનો પ્રમાણિકતાથી નિયમ મુજબ ગામલોકો અમલ કરે તો ગામની કાયાપલટ થઈ શકે તેનું જીવંત ઉદાહરણ છે. માત્ર ત્રણ જ વર્ષમાં ચેકડેમ અને જળસ્રાવનું કામ થવાથી ગામમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવ્યું હતું. આજે હિવરે બઝાર એક માત્ર એવું ગામ છે જયાં પાણીનું પણ ઓડિટ થાય છે. આજે ગામતળમાં પાણી તો પુષ્કળ છે પરંતુ મફત હોય તેની વેલ્યુ હોતી નથી. આથી દરરોજ ૨.૫૦ પૈસામાં ૫૦૦ લીટર પીવાનું પાણી આપવામાં આવે છે. ગામના લોકોને એક ટીપું પાણીનો પણ બગાડ કરવાની છૂટ મળતી નથી. ગામની પ્રગતિ જોઈને ગામ છોડીને રોજગારી માટે અન્યત્ર રહેતા લોકો ધીમે ધીમે ગામમાં પાછા આવવા લાગ્યા છે. વોટર શેડ યોજનાના અમલનાં ચમત્કારિક પરિણામો મળ્યાના માત્ર પાંચ જ વર્ષમાં ૪૦ પરિવારો ગામમાં રહેવા આવી ગયા હતા.
 
આ પછાત ગામની છાપ એવી હતી કે કોઈ સરકારી યોજના કે સ્વૈચ્છિક સંસ્થા પણ ન હતી. આવા સંજોગોમાં પોપટરાવે રાલેગણ સિદ્ધિમાં અન્ના હઝારેની મુલાકાત લીધી હતી. અન્નાએ પોપટરાવને પ્રોત્સાહિત કરીને ગામની જનશક્તિ જગાડીને શ્રમદાન કરવા પર ભાવ મૂક્યો હતો. ૧૯૯૫માં સરકારની આદર્શ ગામ યોજના હેઠળ વૃક્ષારોપણ, જમીન ધોવાણ અને જળસંગ્રહની કામગીરીમાં મળેલી સફળતા ગામના વિકાસ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. આજે આ ગામની સફળતાનો દાખલો દુનિયા આખી આપે છે.