બળાત્કારની વર્તમાન ઘટનાઓ : દિકરી અને દેશની છબી સાથે પણ દુષ્કર્મ !

    ૦૧-મે-૨૦૧૮

 
બળાત્કારને ‘હિન્દુ’ અને ‘મંદિર’ સાથે જોડવાનું કારણ ?
 
કઠુઆમાં ૮ વર્ષની આસિફા પર જઘન્ય બળાત્કાર
 જમ્મુ કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં આઠ વર્ષની એક કુમળી બેટી આસિફા એના અબ્બુ અને અમ્મી સાથે રહેતી હતી. રઝળતી જાતિ તરીકે ઓળખાતી બકરવાલ સમાજની એ બેટી. જાન્યુઆરી - ૨૦૧૮ના પ્રારંભના અઠવાડિયાના એક કારમા દિવસે આસિફા પશુ ચરાવવા માટે પાસેના જંગલમાં ગઈ. એ પછી સાંજ સુધી એ પાછી જ ના આવી. આખરે સાત દિવસે જંગલમાંથી ખૂબ જ ખરાબ હાલતમાં મળી. એ વખતે એ નિર્જીવ હતી. એ વખતે તો ઘટના ત્યાં જ દબાઈ ગઈ. પણ એપ્રિલ મહિનામાં દીકરીની ચીસો પાછી ગુંજી ઊઠી. સાંજીરામ નામના એક શખ્સને બળાત્કાર અને હત્યાના મુખ્ય આરોપી તરીકે ઝડપી પડાયો. તેની સાથે બીજા પણ સાગરિતો હતા. એ પછી જે થયું તે ઇતિહાસ છે. આખા દેશમાં જ નહીં વિદેશમાં પણ આસિફાના બળાત્કારની ઘટનાએ ચકચાર જગાવી દીધી. અપરાધીઓને સજા અને આસિફાને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર ઊતરી આવ્યા. તે અત્યંત જરૂરી પણ હતું.
 
દુષ્કર્મ તો કાજી અને પાદરીએ પણ કર્યાં છે
 
કાશ્મીરમાં શિક્ષક ઇમ્તિયાઝે કર્યો રેપ
 કાશ્મીરના જ બારામુલ્લા વિસ્તારમાં ઇમ્તિયાઝ હુસેન નામના એક શિક્ષકે ધોરણ-૧૧માં ભણતી વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં વિદ્યાર્થિની ગર્ભવતી બનતાં લંપટ ઇમ્તિયાઝે તેને હૉસ્પિટલમાં ગર્ભપાત પણ કરાવ્યો હતો.
 
ચેન્નઈના ૭૬ વર્ષના પાદરીનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય
 ચેન્નઈ ખાતે રહેતા મૂળ બ્રિટનના પાદરી જોનાથન રોબિન્સને એક ૧૦ વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ પાદરીની ઉંમર ૭૬ વર્ષની છે. કોર્ટે તેને સજા ફટકારતાં પોલીસને ચકમો આપી તે દેશ છોડી ભાગી છૂટ્યો હતો.
 
દિલ્હીની મદરેસામાં પાપકર્મ
 પાટનગર દિલ્હીના ગાઝિયાબાદમાં ગાઝીપુરની મદરેસામાં એક સગીર બાળાનું અપહરણ કરી સગીર કિશોરે બળાત્કાર કર્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ બાળા ગુમ થયા બાદ માતાપિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પગેરું મેળવી મદરેસામાંથી કિશોરને ઝડપી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતાં મદરેસાના કાજીએ પણ ગુનામાં સંડોવણી કબૂલી હતી.
 
‘આસિફા’ વખતે આગળ અને ‘ગીતા’ વખતે ગુમ

 
 
 કઠુઆની ઘટના બેશક અત્યંત નિંદનીય છે. સ્વાભાવિક પણે જ દેશમાં તેનો વિરોધ થયો અને થવો જ જોઈએ. દેશભરના લોકોએ રસ્તાઓ પર આવી કઠુઆની બાળકી પર રેપ કરનાર આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી તે ખૂબ જરૂરી હતું. પરંતુ કેટલાક તત્ત્વોએ આ ઘટનાને કોમવાદી રંગ આપવાનો ખેલ ખેલ્યો એ પણ સર્વથા નિંદનીય છે. કઠુઆની ઘટનાને ‘હિન્દુ’ અને ‘મંદિર’ સાથે જોડી આ તત્ત્વો દ્વારા ખૂબ મોટી ચકચાર જગાવવામાં આવી. દિકરી મુસ્લિમ હતી તે બાબતનો રાજકીય લાભ ખાટવા માટે સત્તાલાલસુઓ રસ્તા પર ઉતરી આવ્યા, પરંતુ એ જ અરસામાં મદ્રેસાઓમાં અને ચર્ચમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે બળાત્કાર થયા છે. પરંતુ તે બાબતે કોઈએ ન તો મદ્રેસાઓ વિરુદ્ધ રેલી કાઢી કે ન તો ચર્ચ અને પાદરી વિરુદ્ધ બેનરો લગાવ્યા. બળાત્કારનો ભોગ બનેલી આસિફા માટે રાહુલ ગાંધી મીણબત્તીઓ લઈ રાત્રે રેલી કાઢી શકે છે પણ ગાઝિયાબાદની ગીતા માટે બધા મીણબત્તીવાળા કેમ અંધારામાં ગાયબ થઈ ગયા ?
 
આ તત્ત્વોનો આશય સ્પષ્ટ છે. હિન્દુઓને અને હિન્દુસ્તાનને બદનામ કરી રાજકીય લાભ લેવો. હિન્દુ અને મુસ્લિમનાં સમીકરણો જોડીને દેશમાં વૈમનસ્ય અને અરાજકતા ઊભી કરવી. ખરેખર તો બળાત્કાર જ જઘન્ય છે. પીડિતાને કોઈ જાતિના બિલોરી કાચની જરૂર નથી. બળાત્કાર પીડિતા કોઈપણ ધર્મની હોય તેની પડખે સમાજ ઊભો જ છે તેના અપરાધીઓ કોઈપણ ધર્મના હોય તેને કડકમાં કડક સજા થાય તે જ આ દેશના નાગરિકોની માંગ છે.
 
આસિફાના ચહેરાવાળા બેનર્સ લગાવવા પાછળ હેતુ કયો ?
 કઠુઆ બળાત્કાર બાદ વિરોધીઓ સાથે સાથે મિડીયા પણ ભાન ભૂલ્યું. બેટી આસિફાના ચહેરાવાળા બેનર ઠેર ઠેર લગાવ્યા અને વિરોધ પ્રદર્શનો કર્યા. ખરેખર તો જેના પર બળાત્કાર જેવો જઘન્ય અપરાધ થયો હોય તેનો ચહેરો જાહેર ન જ કરાય. એટલું જ નહિં પીડિતાનું નામ પણ જાહેર ન કરી શકાય. નિર્ભયા વખતે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ કઠુઆ વખતે એ બાબતે પણ વિરોધીઓએ દેશની દીકરીનું અપમાન કરી આસિફાનું નામ જાહેર કર્યું. બેનરોમાં છાપ્યું અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું. લોકો ભાન ભૂલી બેઠા અને સમગ્ર દેશમાં કુમળી-માસૂમ આસિફાના ફોટા સાથે દેખાવો કર્યા, દેશભરમાં ગલીએ ગલીએ ‘સેવ આસિફા’ અને ‘વિ આર વિથ આસિફા’ લખેલા પીડિતાના ફોટાવાળાં બેનરો લાગ્યાં.
થોડા સમય પહેલા જેએનયુમાં આતંકવાદી અફઝલના ટેકામાં સૂત્રો પોકારાયાં હતાં કે ‘અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ...’ આમાં થોડોક ફેરફાર કરીને ‘આસિફા હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ..’ લખેલા સૂત્રોના બેનરો લાગ્યા. આ સૂત્રોની પાછળ કોણ હશે તેની કલ્પના સરળતાથી કરી શકાય છે.
દેશભરમાં આ પ્રકારના બેનરો લગાવી દેશની છબીને ખરડવાનો પ્રયત્ન કરનારા આ તત્ત્વોએ દીકરી અને દેશ બંને સાથે દુષ્કર્મ આચર્યું છે. દેશના મુસ્લિમ સમાજમાં ઉશ્કેરણી ફેલાવવા સાથે આ દેશમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યાં છે તેવી ખોટી છબી વિશ્ર્વ સમક્ષ ઊભી કરવાનો હેતુ આ તત્ત્વોનો હોઈ શકે !
 
પીડિતાનો ફોટો છાપવા બદલ મીડિયામેનોને રૂ. ૧૦ લાખનો દંડ
 દિલ્હી હાઈકોર્ટના માન. જજ ગીતા મિતલની બેન્ચે મીડિયા મેનોને ૧૦ લાખનો દંડ ફટકાર્યો કારણ કે કઠુઆની આસિફાના ફોટા લોકોની સહાનુભૂતિ મેળવવા ઠેરઠેર લગાવવામાં આવ્યા હતા. ખરેખર રેપ વિક્ટિમની ઓળખ જાહેર કરવી ગુનો છે તેમ છતાં મીડિયા મેનોએ બદઈરાદાથી આસિફાની ઓળખ જાહેર કરી દેતા કોર્ટે ૧૦ લાખનો દંડ કર્યો ઉપરાંત મીડિયામેનોએ કોર્ટની માફી માંગવી પડી.
 
બળાત્કારીઓના ગળે કાયદાનો ગાળિયો
 પીડિતાઓને ન્યાય અપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે "બાળકી પર બળાત્કારની બાબતમાં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો. કાયદામાં જે ફેરફાર કરાયા છે તેમાં મુખ્ય બાબત એ છે કે, ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરનારા હેવાનોને હવે ફાંસીની સજા થઈ શકશે. એ જ રીતે બળાત્કાર માટે ઓછામાં ઓછી સાત વર્ષની સખત કેદની સજા હતી તે વધારીને દસ વર્ષ કરાઈ છે. ૧૬ વર્ષથી નાની છોકરી પર બળાત્કાર માટે હવે પછી આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકશે. પહેલાં આ સજા ૧૦ વર્ષની હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવાના ને દરેક પોલીસ સ્ટેશનને બળાત્કારના કેસોની સચોટ તપાસ માટે ફોરેન્સિક કિટ આપવાનું પણ નક્કી કરાયું છે. બાળકીઓ પર બળાત્કાર કરનારા હેવાનોને ફાંસીની સજા કરવાની જોગવાઈની સાથે બીજી પણ એક જોગવાઈ જરૂરી હતી અને કેન્દ્ર સરકારે એ કરી પણ છે. આ પ્રકારની ઘટનાઓમાં બે મહિનાની અંદર ચુકાદો આવશે તથા બીજા નવ મહિનામાં તેની અપીલ અને બીજી બધી વિધિ આટોપી લેવાય એવી કાયદાકીય જોગવાઈ કરાઈ છે.
 
બીજા જ દિવસે બળાત્કારની ૬ ઘટનાઓ બની
 બળાત્કાર બાબતે દેશભરમાં જાગેલા ઉહાપોહ બાદ સરકારે તાત્કાલિક ધોરણે કાયદામાં ફેરફાર કરી અપરાધીઓને કડક સજા કરવાની જોગવાઈ તો કરી, પરંતુ આ કાયદો ઘડાયાના બીજા દિવસે જ દેશમાં છ જેટલાં બળાત્કારો થયા. આ તો માત્ર જાણમાં આવેલી ઘટનાઓ છે. પરંતુ આવી કડક સજા બાદ પણ જો બળાત્કાર થતાં હોય તો એક વાત સ્પષ્ટ થાય છે કે અપરાધીઓને કાયદાનો ડર નથી. હા, કાયદા દ્વારા આ પ્રકારની ઘટનાઓને ઓછી જરૂર કરી શકાય, પરંતુ કાયદો એક માત્ર રસ્તો નથી. માત્ર કડક કાયદા દ્વારા બળાત્કારના આ દૂષણને દૂર નહીં કરી શકાય. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે બળાત્કાર કરનાર ઘણાં અપરાધીઓને ખબર જ નથી હોતી કે આ કેટલો ગંભીર ગુનો છે. રેપની સજા પામેલા અપરાધીઓને પૂછવામાં આવ્યું કે આની સજાની તમને ખબર છે ? તો મોટાભાગના રેપિસ્ટોને સજાની ખબર નહોતી.
 
આથી આ દૂષણને દૂર કરવા માટે માત્ર કાયદો નહિં પરંતુ અન્ય રસ્તાઓ પણ વિચારવા જરૂરી છે. જો કાયદા દ્વારા પણ આ દૂષણ ન અટકતું હોય તો શું કરવું એ એક મહાપ્રશ્ર્ન છે.
 
પરિવારજનો દ્વારા જ દુષ્કર્મની ઘટનાઓ
 બળાત્કારની ઘટનાઓ માનસિક વિકૃતિમાંથી ઉદ્ભવે છે. સંજોગો એવા વિકટ છે કે પારિવારિક સંબંધોમાં પણ આ દુષ્કર્મ થાય છે. પાડોશીઓ અને દૂરના સગા-સંબંધીઓ તો ઠીક પરંતુ મા-દીકરા અને બાપ-દીકરી જેવા પવિત્ર સંબંધો વચ્ચે પણ બળાત્કારની ઘટનાઓ બની છે. એના કેટલાક ઉદાહરણો નીચે આપ્યા છે.
 
પાટણમાં પુત્રએ સગી જનેતા પર દુષ્કર્મ આચર્યું
 પાટણમાં રહેતી એક ૪૦ વર્ષીય મહિલા પર તેના સગા-દીકરાએ રાત્રે બળાત્કાર કર્યો. આ દીકરો પરિવારના કહ્યામાં નહોતો. અને બધાને દેખતાં જ બેઠકખંડમાં અશ્ર્લિલ ફિલ્મો જોતો હતો. પોતાની માતા પાસે જ અભદ્ર માંગણીઓ કરતો હતો. ગત તા. ૧૯મીના રોજ રાત્રે પતિ-પત્ની ઘરની બહાર સૂઈ રહ્યાં હતાં ત્યારે મધરાત્રે માતાને તરસ લાગતાં તેઓ પાણી પીવા ઘરમાં ગયાં હતાં ત્યારે સગા પુત્રએ ઘરમાં જઈ ઘરનું બારણું બંધ કરી દઈ માતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં કોનો દોષિત કોણ ?
 
તામિલનાડુમાં પિતાનો પુત્રી પર બળાત્કાર
 તામિલનાડુના તાંજાવુરમાં ૫૦ વર્ષીય સુબ્રમણ્યમ્ નામના પિતાએ પોતાની પુત્રી પર વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી. ૧૭ વર્ષની પુત્રી પર થયેલા બળાત્કારથી નારાજ થઈ માતાએ પોતાના પતિ પર જ કેસ મૂક્યો. પોકસો હેઠળ તેમની ધરપકડ થઈ. આમાં કોનો દોષ ?
 
પરિચિત દ્વારા બળાત્કાર
 ગ્રેટર નોઈડામાં ધોરણ-૧૧માં ભણતી તરુણી પર ચાલુ કારે ગેંગરેપ થયો. ત્રણ યુવકોએ આ તરૂણી પર બળાત્કાર કર્યો. આ રેપિસ્ટોમાંથી એક રેપિસ્ટ તરુણીનો સગો અને પરિચિત હતો. આ ઘટનામાં દોષિત કોણ ?
 
મિત્રો દ્વારા ગેંગરેપ
 આસામના ગુવાહાટીમાં પૂરતું દહેજ ન લાવનારી નવવધૂ પર લગ્નના ત્રીજા દિવસે તેના પતિ અને બે મિત્રોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી છે અને બંને મિત્રો ફરાર થઈ ગયા છે. આમાં કોનો દોષ ?
 
બળાત્કારની ઘટનાઓ પાછળના કારણો
 ઉપરની ઘટનાઓ સમાજની એક વરવી બાજુ દર્શાવે છે. આ વિકૃતિઓ સમાજમાંથી જ પેદા થતી હોય છે. બળાત્કાર એ સામાજિક દૂષણ છે અને એનું મૂળ પણ સમાજ જ છે. બળાત્કારીઓ પણ એ જ સમાજમાંથી આવે છે. ફર્ક માત્ર એટલો જ છે કે બળાત્કારીઓ સમાજની વિકૃતિમાંથી પેદા થાય છે. આપણે જો ખરેખર બળાત્કારના રાક્ષસને ખતમ કરવો હશે તો સૌથી પહેલાં સમાજની વિકૃતિઓ જાણવી પડશે અને ખતમ કરવી પડશે. બળાત્કારની ઘટનાઓ પાછળ અનેક કારણો જવાબદાર છે. તેમાંના કેટલાક નીચે મુજબ છે.
(૧) પરિવાર સાથે બેસીને જોઈ ના શકાય તેવા ઉત્તેજક દૃશ્યો હવે માત્ર ફિલ્મોમાં જ નહીં ટી.વી સિરિયલોમાં પણ જોવા મળે છે.
આ પ્રકારનાં દૃશ્યો નાના બાળકના કુમળા માનસને જલદીથી અસર કરે છે, એના કારણે એને એ પ્રકારની બાબતોમાં જુગુપ્સા જાગે છે.
(૨) ‘મેઈલ ઓનલાઈન’ના રિપોર્ટમાં ભારત ચાઇલ્ડ પોર્નોલોજીનું મોટુ સેન્ટર છે. આપણા દેશમાં દર ૪૦ સેકન્ડે એક પોર્ન વીડિયો બને છે. ૩૮% વીડિયો ચાઇલ્ડ પોર્નના હોય છે. સાઇબર આર્મીના ડાયરેક્ટર કિસ્લે ચૌધરી કહે છે કે, દેશમાં ઇન્ટરનેટ પર રોજના ૧ લાખ ૧૬ હજાર ચાઇલ્ડ પોર્ન સર્ચ થાય છે. આજે લગભગ મોટાભાગના બાળકોના હાથમાં ઈન્ટરનેટ કનેક્શનવાળા મોબાઈલ છે. આપણે ત્યાં પોર્ન સાઈટ્સ પ્રતિબંધિત નથી, તેથી સોશિયલ મીડિયા દ્વારા બાળક તેને સરળતાથી જોઈ શકે છે. આ પોર્ન લિટરેચર દુષ્કર્મ કરવાની ભાવના ઉશ્કેરે છે.
(૩) ફાસ્ટ ફૂડ અને તામસી ખોરાકને કારણે શારીરિક ઉત્તેજના, લોહીનું પરિભ્રમણ ખૂબ જ ઝડપી બને છે. અનેક જાણીતા સેકસોલોજિસ્ટોનો અભિપ્રાય છે કે, એક સમયે છોકરી સોળ કે સત્તર વર્ષે પુખ્ત બનતી, શારીરિક સંબંધો વગેરે બાબતોને સમજતી થતી. પરંતુ આજકાલ દસ વર્ષની છોકરી અને છોકરાઓ બધી જ રીતે અત્યંત પુખ્ત બની જાય છે. આ પુખ્તતાને કારણે જાતિય આવેગો પણ વહેલા આવે છે અને ક્યાંક ન બનવાનું બને છે...
(૪) એક સમયે મોટાભાગના લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા. આજકાલ વિભક્ત કુટુંબોનું ચલણ છે. સગવડવાળા હોય તેમને તો પોતાનાં બાળકો માટે અલાયદા ‚મની પણ વ્યવસ્થા હોય છે. આ સંજોગોમાં પરિવારની જાણ બહાર અનૈતિક સંબંધો વિકસતા હોય છે. બાળકના દોસ્તો કેવા છે ? એ એના કમ્યૂટરમાં શું જુએ છે ? એ કંઈ જ મા-બાપને ખબર નથી હોતી.એકલું પડેલું બાળક અને એય પાછું જલદી પુખ્ત થઈ ગયેલું, અનાયાસે આવી બધી બાબતો તરફ સરકતું જાય છે.
(૫) ઇન્દોરની એક મોડેલ ટૂંકા સ્કર્ટમાં સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે રસ્તા વચ્ચે બે યુવકોએ તેના સ્કર્ટને ખેંચીને નિર્લજ્જ માગણી કરી હતી. ઘટના વખતે એક નાગરિકે ટકોર કરી હતી કે, બેટા, તું શા માટે આટલું ટૂંકુ સ્કર્ટ પહેરે છે ? આ ટકોર એક સાવચેતીભરી સલાહ હતી.
(૬) ધનવાન પરિવારોમાં ફ્રી સેક્સનું દૂષણ વિક્સી રહ્યું છે. જાણે-અજાણે તેમના સંતાનોમાં પણ આ વિકૃતિ ઉતરી આવેલી દેખાય છે. જેને કારણે દુષ્કર્મની આવી ઘટનાઓ બનતી હોય છે.
(૭) બેકારી, ગરીબી અને વ્યસનો પણ બળાત્કારની ભાવનાને ઉત્તેજે છે.
(૮) સેક્સ રેશિયોની અસમતુલા પણ બળાત્કારનું કારણ છે. દર ૧૦૦૦ પુરુષે ૯૦૦થી પણ ઓછી મહિલાઓનું પ્રમાણ છે. આ અસમતુલા પણ બળાત્કારનું પ્રમાણ વધારે છે.
(૯) પશ્ર્ચિમી સંસ્કૃતિના મૂલ્યો આપણા પર હાવી થઈ જવાના કારણે પણ બળાત્કારની માનસિક્તા વકરી છે.
(૧૦) આપણા સમાજની સંસ્થાઓમાં સંસ્કાર અને મૂલ્યોનું વિસ્મરણ પણ વિકૃતિ જન્માવે છે. આ સૌથી મોટું કારણ છે.
 
આ પાંચ સંસ્થાઓ દૂષણને અટકાવી શકે
 સૌથી વધુ બુમરાળ મચાવનાર મમતા બેનર્જીના રાજમાં ૨૦૧૧માં બંગાળમાં સૌથી વધુ ૧૧,૦૦૦ જેટલા રેપ થયા. રેપના કારણો છે (૧) સંસ્કારો અને મૂલ્યોનો લોપ થતો જાય છે. (૨) સજાની ખબર નથી. (૩) બાહ્ય વાતાવરણ દૂષિત થઈ ગયું છે.
સમાજચિંતકોએ વર્તમાન પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે જે સૂચન કર્યા છે તે મુજબ નીચેની સંસ્થાઓ આ દૂષણ દૂર કરવા મહત્તમ ભાગ ભજવી શકે છે. (૧) પરિવાર, (૨) શૈક્ષણિક સંસ્થાઓ, (૩) ધાર્મિક સંસ્થાઓ, (૪) સાંસ્કૃતિક સંસ્થાઓ અને (૫) ટેકનોલોજી.
(૧) પરિવાર : પરિવારમાં સંસ્કાર અને મૂલ્યોનું સ્થાપન અને સ્મરણ કરવાની જવાબદારી પરિવારના વડીલોની છે. પરિવારના દરેક સભ્યમાં પરંપરાગત સંસ્કારો વિકસશે તો આવા દૂષણોના પ્રવેશના દ્વાર બંધ થઈ જશે. "રઘુકુલ રીતિ સદા ચલી આઈ. આ રીતિ એટલે પરિવારની રીતિ. શું આવી રીતિ,પરંપરા અને સંસ્કારોનું રક્ષણ કરવાની વ્યવસ્થા આપણા પરિવારમાં છે ? શું આપણો ડ્રોઈંગ‚મ બેડ‚મ તો નથી બની ગયો ને ? ડ્રોઈંગ‚મમાં મુકાતા વર્તમાનપત્રોમાં છપાતાં ચિત્રો કે માહિતી આજની પેઢીને સંસ્કારહિન તો નથી બનાવતી ને? પરિવાર સંસ્કાર સિંચન દ્વારા આ દૂષણને દૂર રાખી શકે છે.
(૨) શૈક્ષણિક સંસ્થા : પરિવારમાંથી બાળક સંસ્કાર મેળવવા માટે શાળામાં જાય છે. શું આપણી શાળાઓમાં તેની પ્રારંભિક પ્રાર્થનાથી માંડી શીખેલા અભ્યાસક્રમમાં ગુરૂજનોના વ્યવહારમાં અને શાળાના વાતાવરણમાં સંસ્કારનો પ્રભાવ જળવાઈ રહે તેવી યોજના શિક્ષણ સંસ્થાઓમાં છે ? ખરા સંસ્કારો સિંચતી શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષકો આ દૂષણ અટકાવી શકે.
(૩) ધાર્મિક સંસ્થાઓ : શું પરિવારનો વડીલ તરૂણની આંગળી પકડીને મંદિરમાં, ગુરૂ દર્શને કે કથાઓમાં લઈ જાય છે ખરા ? ધાર્મિક ગુરૂઓ અને કથાકારો આપણા પરંપરાગત સંસ્કારો અને મૂલ્યોને જાળવી રાખતી અનેક ઉપદેશકથાઓ કહીને નવી પેઢીને ચોક્કસપણે સંસ્કાર આપી શકે છે.
(૪) સાંસ્કૃતિક સંસ્થાઓ : નાટક, ફિલ્મ, ગીત - સંગીત, લલિત કલાઓ આદિ સંસ્થાઓ ઉત્તમ સંસ્કારો નવી પેઢીને આપી શકે છે. સંસ્કાર સિંચન કરતી ફિલ્મો, ટીવી સીરીયલો, ગીત-સંગીતનું નિર્માણ કરીને આજની પેઢીમાં સંસ્કાર સિંચન કરી શકાય છે.
(૫) ટેકનોલોજી : ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની બાબતે સરકાર દ્વારા કડક કાયદા બનાવી ખૂબ મોટું કામ થઈ શકે છે. ઉત્તેજના, દુર્ગુણો અને કુસંસ્કાર ફેલાવતા સાહિત્ય, પોર્ન વેબસાઈટ્સ તથા પોર્ન મેગેઝિન પર પ્રતિબંધ મૂકીને આ દૂષણને અટકાવી શકાય તેમ છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રેરક સાહિત્યના પ્રચાર માટે કરવો જોઈએ.
***
બળાત્કારનું આ દૂષણ એક જબરદસ્ત રાક્ષસી સ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે. તમામ સામાજિક ચિંતકો માટે આ પડકારનો વિષય છે. એકાદ પ્રયત્નથી, થોડાક સામાજિક નેતાઓથી કે સરકારથી આ રાક્ષસ કાબુમાં આવે તેવો નથી. તમામ નૈતિક સંસ્થાઓ પોતાની શક્તિ કામે લગાડી સામૂહિક પ્રયત્નો કરશે તો જ આ રાક્ષસ કાબુમાં આવશે. જેવી રીતે, મહિષાસુરને મારવા માટે તમામ દેવોએ પોતાની શક્તિ આપીને મા દુર્ગાનું સર્જન કરી મહિષાસુરનો નાશ કર્યો હતો તેવી જ રીતે સામૂહિક શક્તિ અને ભક્તિ દ્વારા આ સામાજિક દૂષણને કાબુમાં લઈ શકાશે એ એક માત્ર આશા છે. આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ.
સમાજ ચિંતકોના અભિપ્રાયો

 
 વિદેશી શક્તિઓ દ્વારા અપ્રત્યક્ષ આક્રમણ : રંજના હરીશ
સમાજમાં બળાત્કાર વધી રહ્યા છે તેનાં મુખ્ય બે કારણો છે. પિતૃસત્તાક સમાજમાં દીકરાઓને અપાતું ઘેલું મહત્ત્વ. દીકરાનો જન્મ થાય ત્યારે તેને જરૂરિયાત કરતાં વધારે મહત્ત્વ અપાય છે. દીકરીના હકોના ભોગે દીકરાને આગળ વધારાય છે. દીકરો ગમે તે કરે તે ચલાવી લેવાય છે. જાણે દીકરો તો રેપે રેપે ઉજળો થાય, જાણે પિત્તળ કે તાંબાનો લોટો હોય તેમ ખરાબ કામ બાદ તેને માંજીને સાફ કરી શકાય તેવી ભાવના સમાજમાં વ્યાપ્ત છે. આ સમાજમાં દીકરો બળાત્કાર કરે તો એને પરાક્રમ ગણવામાં આવે છે. પણ દીકરીને માટીની ઠીકરી ગણવામાં આવે છે. એક વખત તે બોટાઈ જાય એટલે બોટાઈ જ જાય, એને ફેંકી જ દેવી પડે. આ પ્રકારની માનસિકતાને કારણે પહેલાંના જમાનામાં સ્ત્રીઓએ કૂવા પૂરવા પડ્યા. હવે દીકરીઓ કૂવા નથી પૂરતી, કારણ કે થોડો ઘણો સાથ સહકાર મળી રહ્યો છે. પરંતુ સમાજની પિતૃસત્તાક માનસિકતા હજુ બદલાઈ નથી. મુલાયમસિંહ યાદવ જેવા એવું બોલે છે કે, ‘બચ્ચોં કી જાન લોગે ક્યા, ભૂલ હો જાતી હૈ બચ્ચોં સે.’ આવું બોલવાવાળા ઠેર-ઠેર બેઠા છે. આ માનસિકતાને કારણે બળાત્કાર થાય એ જ સ્ત્રીએ શરમમાં મુકાવું પડે છે. પુરુષને કંઈ નહીં. સમાજ આ માનસિકતામાંથી બહાર આવશે ત્યારે સ્ત્રી પરના અત્યાચારોના અંતનો આરંભ થશે.
બીજું મહત્ત્વનું કારણ છે મોબાઈલ અને ઇન્ટરનેટ. આજે વૃદ્ધથી માંડી નાનાં બાળકો સુધી બધાના હાથમાં મોબાઈલ છે, ફ્રી ડેટા છે અને અઢળક પોર્ન સાઈટો છે. એના કારણે આ પ્રકારના ગુના વધે છે. દુનિયા ભલે કહેતી હોય ઇન્ટરનેટને કારણે ખૂબ પ્રગતિ થઈ છે. પરંતુ હું એમ માનું છું કે ઇન્ટરનેટને કારણે અધોગતિ થઈ છે. ઇન્ટરનેટને પ્રતિબંધિત કરવી જોઈએ. જે રીતે દારૂબંધીનો કાયદો છે તેમ ઇન્ટરનેટના ઉપયોગ સંબંધિત કાયદા ઘડાવા જોઈએ. પોર્ન વેબસાઈટો તો સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. પરિવારમાં મા-બાપે પણ બાળકોનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.
એક સમયે અંગ્રેજોએ આવી આ દેશ પર સામ્રાજ્યવાદ ચલાવ્યો હતો, પરંતુ આજ-કાલ વિદેશો તરફથી પરોક્ષ રીતે આક્રમણ ચાલુ થયું છે. ઇન્ટરનેટ દ્વારા આપણા પર સાંસ્કૃતિક આક્રમણ થયું છે. આ અદૃશ્ય સામ્રાજ્યવાદ આખું ભારત તહસનહસ કરવાનું કાવતરું થઈ રહ્યું છે. સરકારે આ માટે કડક કાયદાઓ ઘડવા જરૂરી છે.

 
કાયદા કરતાં વધારે સમાજમાં સંસ્કાર જગાડવાની જરૂર : જસ્ટીસ સુરેશ સોની
 દરેક મનુષ્યમાં બે પ્રકૃતિ હોય છે. એક માણસાઈ (દેવત્વ)ની અને બીજી હેવાનિયત (રાક્ષસી)ની. આ બંને પ્રકૃતિ વચ્ચે સતત દ્વંદ્વ ચાલતું રહે છે. સારા સંસ્કાર અને ઘરનું વાતાવરણ આ દ્વંદ્વમાં ભાગ ભજવે છે. હાલનું પશ્ર્ચિમી સંસ્કૃતિનું વાતાવરણ, ચલચિત્રો, મોબાઈલ, કોમ્પ્યુટરમાં આવતી સાઈટો, આજનો ખોરાક વગેરે સંસ્કારોને કલુષિત કરી મનુષ્યમાં રહેલી હેવાનિયતની પ્રકૃતિને ઉશ્કેરે છે અને બળાત્કારની સ્થિતિ સર્જાય છે.
આજે જાણે ચારિત્રની વ્યાખ્યા બદલાઈ છે. જાતિય જ્ઞાન આપવું જરૂરી છે, પણ તે સમજવાની ઉંમર પહેલાં મળે તો ઉત્કંઠા જાગે અને દુષ્પરિણામો આવે છે. આપણા હિન્દુ સમાજના અવિભક્ત કુટુંબની વ્યાખ્યામાં જે સંબંધો, લાગણી અને તાણાવાણા સમાયેલા છે. તે વિભક્ત કુટુંબમાં જોવા મળતાં નથી. પશ્ર્ચિમી સંસ્કૃતિ વિભક્ત કુટુંબની પ્રથાને ઉત્તેજન આપે છે. તેથી આ પ્રકારનાં દૂષણ વધ્યાં છે.
સમાજમાં બળાત્કારના કેસોનું પ્રમાણ વધ્યું છે તે રોકવા કાયદા કરતાં પણ વધારે સમાજમાં સંસ્કાર જગાડવાની જરૂર છે. કોઈ પણ પુરુષ પારકી સ્ત્રીને જુએ ત્યારે તેમાં તેને પોતાની માતા કે બહેનનાં દર્શન થાય તે પ્રકારે તેની માનસિકતા ઘડાવી જોઈએ. સમાજ જાગૃત થશે અને સંસ્કાર વધશે ત્યારે જ બળાત્કારના આ દૂષણને આપણે નાબૂદ કરી શકીશું.
(પૂર્વ લોકાયુક્ત, ગુજરાત) 

 
આપણી સ્વચ્છંદતા સીમા વટાવી ચૂકી છે : પી.કે. લહેરી (પૂર્વ સચિવશ્રી - ગુજરાત)
અમુક ગુનાઓ કહેવાતા મિત્રોની કાવતરાંખોર વૃત્તિથી થાય છે. આપણો યુવાવર્ગ આ સંક્રાન્તિકાળમાં શું સાચું ? શું ખોટું ? શું થઈ શકે ? શું ન થઈ શકે ? શું ન કરવું જોઈએ ? જેવા પ્રશ્ર્નો પર વિચાર કરવાની ટેવ રાખતા નથી. સેલ્ફી અને સ્વકેન્દ્રી જીવનના સમયમાં નીતિમત્તા અને મૂલ્યોની જાળવણી માટે જે સ્વયંશક્તિ વિકસવી જોઈએ તેનો અભાવ છે. આપણી સ્વચ્છંદતા હવે સીમા વટાવી ચૂકી છે. ઉન્નાવ અને કથુઆના બનાવો અંગે ઘણું લખાય છે પણ આ બંને બનાવોનાં અમુક પાસાંઓ એટલાં ઘૃણાસ્પદ અને ગંભીર છે કે જો આપણે જાગીશું નહીં તો સમાજ ગુનેગારોનો ગુલામ બની જશે. કાયદાઓ કડક થાય તો પણ તેનો અમલ ઢીલો ન રહે તો કાયદાના શાસનનો કોઈ અર્થ જ ન રહે.
(લેખકશ્રીના લેખમાંથી સાભાર)