મહાભિયોગ - ન્યાયતંત્ર સામેનો પ્રશ્ર્ન કે પડકાર?

    ૦૧-મે-૨૦૧૮
 
 
દેશભરમાં હાલ મહાભિયોગ બાબતે ચકચાર છે. કાયદા મુજબ મહાભિયોગ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કે હાઈકોર્ટના જજને પદ પરથી દૂર કરવા ચલાવાય છે. બંધારણની કલમ ૬૧, ૧૨૪ (૪), (૫), ૨૧૭ અને ૨૦૧૮માં આપેલી વિસ્તૃત નિયમાવલી મુજબ મહાભિયોગને રાજ્યસભામાં રજૂ કરવા માટે ઓછામાં ઓછા પચાસ સાંસદોના હસ્તાક્ષર અને તેમના વિરુદ્ધના સજ્જડબંધ પુરાવા આવશ્યક છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી દીપક મિશ્રા સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરી ભારે હોબાળો મચાવ્યો. કોંગ્રેસી અને સાથી પક્ષોની આ હરકત અનેક સવાલો ખડા કરે છે. શું આટલા મોટા લોકશાહી દેશમાં માત્ર પચાસ સહી થઈ જાય એટલે મુખ્ય ન્યાયમૂર્તિ પદભ્રષ્ટ થઈ શકે ? નૈતિકતાનું પણ કંઈ મૂલ્ય ખરું કે નહીં ? કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદે ઇમ્પીચમેન્ટ મોશન માટેની નોટિસ રાજ્યસભાના ચેરપર્સન વેંકૈયા નાયડુને આપતી વખતે કહેલું કે, અમે ચીફ જસ્ટિસ સામે સજ્જડ પુરાવા સાથેની દરખાસ્ત મૂકીશું. પણ વેંકૈયા નાયડુએ કાયદાના નિષ્ણાતો અને લૉ ઓફિસરની સલાહ બાદ કશું નક્કર ન જણાતા દરખાસ્ત ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ શ્રી દીપક મિશ્રા સામે કોંગ્રેસે મૂકેલા પાંચ આક્ષેપોમાં ઉત્તર પ્રદેશમાં પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવાતી મેડિકલ કૉલેજનું કૌભાંડ, ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને લગતી અરજીઓ દબાવી રાખવી, મનસ્વી રીતે વર્તન કરી સિનિયર જજોને મહત્ત્વના કેસો ન સોંપવા, ખોટી એફિડેવિટ કરીને જમીન મેળવવી અને સત્તાનો દુરુપયોગ કરીને સંવેદનશીલ બાબતોને લગતા કેસ ચોક્કસ બેચને જ મોકલવા તેવા હતા.
 
નિયમો પ્રમાણે રાજ્યસભાના ચેરપર્સને આ બાબતે ચકાસવા માટે ૩ સભ્યોની કમિટી બનાવવાની હોય, પરંતુ તે પહેલાં જ તેની ખરાઈ કરી નકારવાના કેટલાક કારણો તેમણે આપ્યાં. જેમાં નોટિસમાં કોઈ નક્કર ચકાસવાને પાત્ર દોષારોપણ નથી, કાયદા નિષ્ણાત, બંધારણના નિષ્ણાતો અને રાજ્યસભા તેમજ લોકસભાના પૂર્વ મહાસચિવોનો અભિપ્રાય લીધો છે, પિટીશન રજૂ કરનાર સભ્યો પોતાના કેસ વિશે જ અનિશ્ર્ચિત હતા. માનનીય સાંસદોએ વાપરેલા શબ્દો જ તેમની જાત માટે શંકા, અટકળ અથવા એક માન્યતાનો સંકેત આપે છે, શંકાસ્પદ વિશ્ર્વસનીયતા ધરાવતા ત્રીજા પક્ષો વચ્ચેની વાતચીત ચીફ જસ્ટિસ સામે કોઈ પુરાવા ન બની શકે, આ બાબત સુપ્રીમ કોર્ટ દ્વારા ઉકેલવામાં આવનારી એક આંતરિક બાબત છે. તેમાં ન્યાયતંત્રના સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની ગંભીર માનસિકતા છે, દરખાસ્તમાં જણાવાયેલી તમામ હકીકતો બંધારણની કલમ ૧૨૪ (એ) હેઠળ એવો કેસ નથી બનાવી શકતી, આ પ્રકારના આરોપોથી જ્યુડિશિયરીને નુકસાન પહોંચે છે, સામાન્ય લોકોનો ભરોસો ન્યાયતંત્રમાંથી ઓછો થાય. આવા કારણો આપી ઉપપ્રમુખે આ દરખાસ્તને ઠુકરાવી છે. અત્યાર સુધી ભારત આતંક વિરોધી વાતો કરતું હતું. હવે દેશમાં વિરોધીઓનો આતંક છવાયો છે. એવું ઉપપ્રમુખના ઉપરના કારણો પરથી લાગે છે. ન્યાયતંત્રને ડિ-ગ્રેડ કરવામાં, લાંછન લગાડવામાં વિરોધપક્ષે અગ્રિમ ભૂમિકા ભજવી તે આતંકથી જરાય કમ નથી.
 
થોડા મહિના પહેલાં સુપ્રીમ કોર્ટના ચાર જજો જસ્ટિસ ચેલમેશ્ર્વર, જસ્ટિસ રંજન ગોસાઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે મીડિયા સામે ચીફ જસ્ટિસ સામે કરેલા આક્ષેપોના આધારે જ કોંગ્રેસે આ દરખાસ્ત કરી છે. આ ચાર જજોએ જે કૃત્યો કર્યા તે તેમના માટે અયોગ્ય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સામે તેમની જે કોઈ ફરિયાદો હતી તેને મુખ્ય ન્યાયમૂર્તિ અથવા હોદ્દાની ‚એ રાષ્ટ્રપતિ સામે જ મુકી શકાય.
 
આ દરખાસ્ત પર મનમોહનસિંહ કે ચિદમ્બરમ્ જેવા મહત્ત્વના કોંગ્રેસી નેતાઓ તથા તૃણમૂલ કોંગ્રેસ તથા બીજુ જનતાદળ જેવા વિરોધપક્ષોએ સહી કરી નથી તે મહત્ત્વની બાબત છે. કપિલ સિબ્બલે દીપક મિશ્રાની કોર્ટમાં હવે પછી કદી દલિલ નહીં કરે તેવું નિવેદન કર્યું છે તે તેમની સન્માનનીય વરિષ્ઠ વકીલ તરીકેની છબીને ખરડે છે. કાયદાના નિષ્ણાતો પણ આ ઇમ્પિચમેન્ટને ખોટું ઠરાવે છે, છતાં વિરોધીઓ હજુ સુપ્રીમ કોર્ટમાં જવા અધીરાં થયા છે. તેઓ આંતરમુખ થયાં હોય તેવું જણાય છે. જે વાર્યા નથી વરતાં તે હાર્યા જરૂર વળે છે, તેય સત્ય છે.
 
પૂર્વ સોલીસિટર જનરલ મોહન પરાસરના મતે, જ્યારે સરકાર ખૂબ મજબૂત હોય ત્યારે ન્યાયતંત્ર ખૂબ નબળું પડતું હોય છે. ૫૦ સભ્યો કોઈ પણ સંજોગોમાં આખાય ન્યાયતંત્રને ચકાસણીની એરણે ન લઈ જઈ શકે. તેમ છતાં આવા કૃત્ય દ્વારા લોકોની આંખો ખોલવાનું અને દરેક સંસ્થાને જાગૃત કરવાનું કામ થાય છે. સરકાર અને ચીફ જસ્ટિસ બંને સંસ્થાની વ્યાખ્યામાં જ આવે. પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા કે. જી. બાલકૃષ્ણન અને આર.એમ. લોઢા કહે છે કે, ઇમ્પિચમેન્ટનો કાયદો ૬૦ વર્ષ જૂનો છે. એમાં ફેર વિચારણા કરવાની જરૂર છે.
ચીફ જસ્ટિસ બાબતે જે કંઈ થયું છે તેને નજર અંદાજ કરવું કે સ્વીકારવું તે બંને બાબતો ખૂબ ગંભીર છે. ચાર જજો દ્વારા અપાયેલા મુદ્દાઓને લાલ જાજમ નીચે દાબી દેવા કે સુપ્રીમ કોર્ટની કાર્યપદ્ધતિ સુધારવા માટે આ બાબતે પગલાં ભરવા વધારે યોગ્ય છે ? એ ગંભીર પ્રશ્ર્નોય અહીં ઉદ્ભવે છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં જવાબદારી અને ન્યાયતંત્રની સ્વતંત્રતા બંને એક સાથે ચાલે છે. જો જવાબદારી બનતી હોય તો મુખ્ય ન્યાયમૂર્તિએ આ ચારેય જજોને ‘સત્ય’ નું દર્શન કરાવવું જોઈએ. નિયમ મુજબ ન્યાયપાલિકાનાં વડા તરીકે ચીફ જસ્ટીસને બધી જ બેન્ચીસ બનાવવાનો હક છે. તો બીજી તરફ એમ પણ કહેવાય છે કે સુપ્રીમ કોર્ટનાં જૂનિયર અને સિનિયર બધા જ જજો સમાન છે. સરકારે ચીફ જસ્ટિસને કન્સલ્ટ કર્યા એટલે આખે આખી સુપ્રીમ કોર્ટને કન્સલ્ટ કરી ગણાય. તેમ છતાં નૈતિકતા ઊજાગર ના થતી હોય તો જવાબદારી અને ન્યાયતંત્રની સ્વતંત્રતા બંને ખરડાય છે. ન્યાયતંત્ર અને તેની પદ્ધતિ વિકસે અને લોકોનો વિશ્ર્વાસ વધે એ અને એ જ એક માત્ર આ ઘટનાનો આવકાર્ય ઊકેલ બની શકે.