યાત્રા : ટી, ટીમ્બર્સ અને ટૂરિઝમના પ્રદેશમાં...

    ૧૭-મે-૨૦૧૮   

 
 
# પ્રકૃતિ અને એડવેન્ચર પ્રેમીઓની રાહ જોઈ રહ્યુ છે ઉત્તર-પૂર્વ બંગાળ
# પ. બંગાળના હિમાલયને સમાંતર આવેલા વિસ્તાર,
# જલદાપાડા, ગુરુમારા, જલપાઈગુડી, કલિમપોંગનો પ્રવાસ તમને તાજગીથી ભરી દેશે.
 
વેકેશનમાં ઉનાળાની કાળજાળ ગરમીથી મુક્તિ મેળવવા ફરવા જતા ગુજરાતીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હિમાલયની પર્વતમાળાને સમાંતર આવેલા ઉત્તર-પૂર્વના રાજ્યોના પ્રવાસન સ્થળો વધુ લોકપ્રિય બની રહ્યા છે. ગાંઢ જંગલ, વહેતી-સૂકાયેલી નદી, એડવેન્ચર, હિલ સ્ટેશન, અભયારણ્ય, વાઇલ્ડ લાઇફ, જંગલ-પર્વતમાં વસતા લોકોનું કલ્ચર... આ શબ્દોનો સાચો અનુભવ મેળવવા પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે. રાજ્ય સરકારો પણ પ્રવાસીઓની આ પસંદનો ખ્યાલ રાખી આવા વિસ્તારોને વધુ ને વધુ વિકસીત કરી રહી છે. પરિણામે ઉત્તર-પૂર્વના દરેક રાજ્યોમાં હિમાલયની પર્વતમાળાની તળેટી સાથે જોડાયેલા વિસ્તારો સહિત તેની આજુબાજુના વિસ્તારો પણ પ્રવાસનની દૃષ્ટિએ ખાસ્સા વિકસીત થયા છે. આ દૃષ્ટિએ પશ્ર્ચિમ બંગાળ છેલ્લા થોડા વર્ષોમાં વધુ વિચારતું થયુ છે. પ. બંગાળનો ઉત્તર-પૂર્વનો ભાગ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. નેપાળ, સિક્કિમ, ભૂટાન, બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલો આ વિસ્તાર પ્રવાસીઓને કુદરતની સાથે જુદા જુદા કલ્ચરનો પણ અદ્ભુત અનુભવ કરાવે છે.
 

 
 
દાર્જિલિંગ અને ગંગટોક જાવ તો અહીં પહોંચતા પહેલા રસ્તામાં આવતા કેટલાક પ્રવાસન સ્થળો ચૂકવા જેવા નથી. પ. બંગાળ અને ભૂટાનની સરહદે બનેલો પૂર્વીય ‘દુઆર’ (Dooars) (નદીના વહેણથી બનેલા સમતલ મેદાનો) વિસ્તાર જરૂર આપણું મન આશ્ર્ચર્યથી ભરી દે.
 
દાર્જિલિંગ, જલપાઈગુડી, અલીપુરડાર, કુચબિહાર જેવા ઉત્તર-પૂર્વ બંગાળના જિલ્લાઓ માત્ર દેશમાં જ નહિ વિદેશમાં પણ તેના ‘સિક્સ-ટી’ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટી (ચા), ટીક (સાગનું લાકડું), ટૂરિઝમ, ટોય ટ્રેન, ટાઈગર હિલ અને ટ્રેર્ક્સ પેરેડાઇઝ... આ સિક્સ-ટી દુનિયાના પ્રવાસીઓને અહીં ખેંચી લાવવા સક્ષમ છે. એમાય વળી અહીંના જંગલ અને પર્વત વિસ્તારમાં રહેતા લોકોનું કલ્ચર, એક શિંગવાળા ગેંડાનું અભયારણ્ય, જંગલી હાથી-ગેંડા અને જંગલી ભેંસો (ગોર) ઉપરાંત અનેક પ્રાણી પક્ષીઓવાળો ગુરુમારાનો જંગલ વિસ્તાર, પ્રવાસીઓને જંગલમાં ફરવા માટે ઊભી કરેલી સફારીની વ્યવસ્થા... પ્રવાસને વધુ રસપ્રદ બનાવે છે. દાર્જિલિંગ અને ગંગટોક ફરવા જાવ તો વચ્ચે રસ્તામાં આવતા આ વિસ્તારોમાં આરામથી બે-ત્રણ દિવસ યાદગાર બનાવી શકાય.
 
નક્સલવાદનું કેન્દ્ર નક્સલવાડી અહીંથી ખૂબ નજીક છે છતાં એ વાત કહેવાનું મન થાય છે કે અહીંના લોકોમાં નક્સલવાદની ક્રૂરતા દૂર-દૂર સુધી નથી. સામ્યવાદીઓના શાસન સુધી અહીં વિકાસનો ‘વિ’ પહોંચ્યો ન હતો પણ મમતા બેનર્જીએ અહીં કામ કર્યુ છે. એનુ પરિણામ એ આવ્યું છે કે અહીંના લતાગુડી, શિલિગુડી, જલપાઈગુડી જેવા અનેક વિસ્તારોના સ્થાનિક લોકોનું ઘર પ્રવાસનના કારણે ચાલી રહ્યું છે. વનવાસી, નેપાળી, ભૂટાની, બંગાળી અને મુસ્લિમ લોકોનું વૈવિધ્ય તમને અહીં ડગલે ને પગલે જોવા મળશે. અહીંના લોકોમાં પ્રવાસીઓ પ્રત્યે એક અજબનો આદરભાવ તમને જોવા મળશે. પ્રવાસી કોઈ ખોટો વિચાર કે ખરાબ અનુભવ લઈને ન જાય તેવું તેમના મનમાં જાણે ઠસી ગયું છે. અહીંના વનવાસીઓનું કલ્ચર અને નેચર (સ્વભાવ) જરૂર પ્રવાસીઓને પ્રભાવિત કરનારું છે.
 

 
 
ભૂટાનની સરહદ પર વસેલું તોતોપારા ગામ.
 
જલપાઈગુડીથી ૫૦ કિ.મી. દૂર ભારત અને ભૂટાનની સરહદ પર વસેલું તોતોપારા ગામ. એક અંદાજ પ્રમાણે અહીં ૧૫૦૦ જેટલા દુર્લભ તોતો પ્રજાતીના લોકો રહે છે. જલપાઈ ગુડીથી અહીં સુધી પહોંચવુ જ એક આલહાદક અનુભવ છે. નદીના પૂરના કારણે બનેલા મેદાનો, જંગલો, કેડીઓ અને વનવાસીઓના લાકડાના મકાનો જોતા જોતા તમે તોતોપાડા પહોંચો એટલે તેમની જિંદગીનો અડધો પરિચય તમને થઈ જાય. શહેરની ભાગદોડ ભરી જિંદગીને છોડીને અહીં રહેવાનું મન થઈ જાય. રહેવુ હોય તો સુવિધા છે...
 
કુદરતની પૂજા તેમનો ધર્મ છે.
 
જોકે, ઉત્તર-પૂર્વ બંગાળના જંગલ વિસ્તારમાં રહેતા લોકોનું શાંતપણુ અને વ્યવહાર જરૂર આપણને કુદરતની સાથે જોડી દેતા હોય તેવું અનુભવ કરાવ્યા કરે. તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી. જંગલમાં રહેતા જંગલી હાથી (ટસ્કર) જંગલી ભેંસ, જંગલી ડુક્કર, દિપડા અને અન્ય જંગલી પ્રણીઓનો તેમને ડર નથી. પ્રાણીઓને નુકસાન પહોંચાડવામાં તે માનતા નથી. કુદરતની પૂજા તેમનો ધર્મ છે. કુદરને સાચવતા વનવાસીઓને અહીં જુવો એટલે આપણા મનમાં પણ કુદરત પ્રેમ જાગી ઊઠે... ચા, મકાઈ, ચોખાની ખેતી અહીંનો મુખ્ય વ્યવસાય છે.
 
જંગલ કલ્ચર, વાઇલ્ડ લાઇફની સાથે અહીં એડવેન્ચર માટે પણ અનેક સ્થળ છે. દાર્જિલિંગ જિલ્લામાં આવેલું કલિમપોંગ પ. બંગાળનું સૌથી વિખ્યાત હિલ સ્ટેશન છે. ટૂંકમાં ઉનાળાના વેકેશનમાં દાર્જિલિંગ, ગંગટોક, આસામ ફરવા જવાનુ વિચારી રહ્યા છો તો રસ્તામાં આવતા જલદાપાડા, ગુરુમારા જેવા જંગલ, અભયારણ્ય વિસ્તારોમાં જંગલ સફારી અને કલિમપોંગ જેવા ૪૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા હિલ સ્ટેશન પર એડવેન્ચરની રોમાંચક મજા માણવાનું ભૂલવા જેવું નથી. અહીં ખર્ચેલો બે દિવસનો સમય જરૂર જીવનભરનું સંભારણુ બની રહે. અહીં પ્રવાસન વિકસી રહ્યુ છે. માટે રહેવા-ખાવાની સુવિધા અહીં સરસ છે. પ્રવાસીઓની ભીડ ઓછી છે ત્યારે ખૂબ શાંતિથી પ્રવાસીઓ અહીં કોઈ સમસ્યા વિના સમય પસાર કરી શકે છે. જલદાપાડા, ગુરુમારામાં જંગલ સફારીની મજા માણવા... ગાઢ જંગલો અને ટી ગાર્ડનના આહલાદક દૃશ્યો નિરાળવા અને ચાર હજાર ફૂટની ઊંચાઈ પર એડવેન્ચરની મજા માણવી હોય તો પહોંચાય, ઉત્તર-પૂર્વ બંગાળના આ પ્રવાસન સ્થળોએ. પ્રકૃતિ અને એડવેન્ચર પ્રેમીઓ માટે ખાસ આ વિસ્તાર રાહ જોઈ રહ્યો છે...
 

 
 
જલદાપાડા નેશનલ પાર્ક
 
ભૂટાન સરહદથી ખૂબ નજીક બંગાળના ઉત્તરમાં આવેલ જલપાઈ ગુડી જિલ્લામાં ૨૧૭ વર્ગ કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલ જલદાપાડા વન્યજીવ અભયારણ્ય છે. તોરસા નદીના સમતલ મેદાન અને ગાઢ જંગલોથી ઘેરાયેલા આ અભયારણ્ય જંગલી હાથી (ટસ્કર), ગેંડા, હરણ, દિપડો, સાબર, જંગલી સૂઅર ઉપરાંત ઘણા વન્યજીવો છે. અભયારણ્યમાં જીપ્સી સવારી અને હાથીની સવારીનો લાભ પણ ખરો.
 

 
 
કલિમપોંગ
 
પશ્ર્ચિમ બંગાળનું પ્રમુખ હિલ સ્ટેશન એટલે કલિમપોંગ. ચાર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા આ હિલ સ્ટેશન સુધી પહોંચવાની જ એક મજા છે. ઊતાર-ચઢાવવાળા રસ્તાઓ, ચાના બગીચાઓ અને પર્વત પર વસેલા ગામો-શહેરોનો નજારો જોતા-જવાય, વાદળો સાથે વાતો કરવી હોય તો આ સ્થળ પસંદ કરી શકાય. દાર્જિલિંગ અને ગંગટોક, કલિમપોંગ થઈને જ જવુ પડે. ગાડી દ્વારા માત્ર એક દિવસમાં તમે આખુ કલિમપોંગ જોઈ શકાય. આ ઉપરાંત કશું નવું કરવું હોય તો એડવેન્ચર પ્રવૃત્તિ પણ અહીં પ્રવાસીઓ માટે છે. ગ્રુપ એક્ટિવિટીઝ, પેરાગ્લાઇડિંગ, રીવર રાફ્ટીંગ જેવી અનેક એડવેન્ચર પ્રવૃત્તિ અહીં શક્ય છે...
 

 
 
દાર્જિલિંગ
 
પહાડો ખૂંદવા હોય તો દાર્જિલિંગનો વિકલ્પ સારો જ છે. પહાડી વિસ્તાર ધરાવતું દાર્જિલિંગ એક સમયે સિક્કિમનો એક ભાગ ગણાતો. દાર્જિલિંગ ચા અને ટોય ટ્રેન માટે પણ પ્રખ્યાત છે. દાર્જિલિંગની ચા દુનિયાની સૌથી શ્રેષ્ઠ ‘ચા’ ગણાય છે. અહીંની ટોય ટ્રેન પણ પ્રખ્યાત છે. ટોય ટ્રેનનું નામ હિમાલયન રેલવે રખાયું છે. ૧૮૭૮માં અંગ્રેજોએ ટોય ટ્રેનની સ્થાપના કરી
હતી. ટોય ટ્રેનની સવારી કરી તમે દાર્જિલિંગની ઘણી સુંદરતા જોઈ શકો છો. અહીં ટાઈગર હિલ પણ છે, બૌદ્ધ મઠો પણ છે. અહીં જો વાતાવરણ સ્વચ્છ હોય તો વિશ્ર્વનું સૌથી ઊંચુ શિખર એવરેસ્ટ અને ત્રીજા નંબરનું ઊંચુ શિખર કંચનજંગા પણ નિહાળી શકાય.
 

 
 
ગોરુમારા નેશનલ પાર્ક
 
પશ્ર્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાથી પર કિ.મી. દૂર ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. સંપૂર્ણ જંગલ વિસ્તાર છે. પ્રાકૃતિક સૌંદર્ય, ગાઢ જંગલ, મનમોહક દૃશ્ય અદ્ભુત નાના-મોટા ઝરણાંઓ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. અહીં એક શિંગડા વાળા ગેંડા, ગૌર, દિપડો ઉપરાંત અનેક વન્યજીવો જોઈ શકાય. જંગલમાં ફરવા જીપ્સી સવારી અને બળદ (ભેંસ) ગાડાની સવારી કરી ફરાય. અહીં જંગલમાં પાંચ જેટલા ઊંચા ટાવર બનાવવામાં આવ્યા છે. જેની ઊંચાઈના સહારે દૂરબિન વડે દૂર-દૂર સુધી નજર જાય. વન્યજીવોને ફરતા દેખાય.
 
કેવી રીતે પહોંચવું ?
 
ઉત્તર-પૂર્વ બંગાળમાં ફરવા જવું હોય તો નજીકનું એરપોર્ટ બાગડોગરા છે અને જો રેલવે મારફતે જવું હોય તો ન્યુ જલપાઈગુડી જવું પડે. અહીંથી સડક માર્ગે જલદાપાડા, ગુરુમારા, કલિમપોંગ જઈ શકાય છે. આ બધી જ જગ્યાએ પ. બંગાળ સરકાર દ્વારા રહેવા-જમવાની સગવડ પણ ઘણી સારી કરી છે.