સુશાસન : રાજ્યના કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામેલને પ્રથમ ૪૮ કલાક સુધી વિનામૂલ્યે સારવાર પૂરી પડાશે

    ૧૭-મે-૨૦૧૮

 

 

રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અંદાજે સરેરાશ દર વર્ષે ૨૯,૩૦૯ રોડ અકસ્માત થાય છે, જેમાં દર વર્ષે સરેરાશ ,૪૮૩ લોકો મૃત્યુ પામે છે. આવા અકસ્માતોમાં ઈજા પામનાર કે મૃત્યુ પામનાર કે કાયમી અપંગ થયેલ વ્યક્તિ અને તેમના પરિવારજનોને ઘણી મોટી તકલીફ અને દુ: સહન કરવું પડતું હોય છે. ત્યારે માર્ગ અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને જો તાત્કાલિક, સમયસર, યોગ્ય સારવાર પ્રાપ્ત થાય તો તેવા વ્યક્તિઓના જીવન બચાવી શકાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણય થયો છે, જે મુજબ ગુજરાતની હદમાં થયેલ અકસ્માત પછીના ૪૮ કલાક દરમિયાન દર્દીઓને‚રૂ. ૫૦,૦૦૦ સુધીની તાત્કાલિક સારવાર વિનામૂલ્યે અપાશે, જેમાં ગુજરાત, ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઈપણ નાગરિક હોય, પરંતુ અકસ્માત ગુજરાતના કોઈપણ છેડે થયો હોય તો પણ, નજીકના સ્થળે દર્દીને રાજ્યની તમામ સરકારી કે ખાનગી હૉસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર પૂરી પડાશે.

પ્રજાલક્ષી નિર્ણયની જાહેરાત કરતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અકસ્માતમાં પ્રથમ કલાક (ગોલ્ડન ટાવર)માં ઈજાગ્રસ્તોને ઇમરજન્સી અકસ્માત દરમિયાન કોઈપણ વ્યક્તિને વહેલામાં વહેલી તકે યોગ્ય સારવાર પ્રાપ્ત કરાવવા માટે અકસ્માતના સ્થળથી સૌથી વધુ નજીક આવેલ ઉચ્ચ પ્રકારની સારવાર-સુવિધા અને ડૉક્ટર ધરાવતી હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો વ્યક્તિઓને બચાવી શકાય છે. અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત લોકો ઝડપથી કોઈપણ ખાનગી સહિતની કોઈપણ હૉસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ ૪૮ કલાક દરમિયાન ઈજાગ્રસ્તનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેકચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે ઈજાનાં ઓપરેશનો, સીટી સ્કેન, એમ.આર.આઈ. અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન, માથાની ઈજાની સારવાર અને ઓપરેશન, ઘનિષ્ઠ સારવાર એકમમાં સારવાર (ICU), પેટ અને પેઢુની ઈજાઓ જેવી તમામ પ્રકારની સારવાર માટેનો તમામ ખર્ચ જે તે હૉસ્પિટલોને સીધે-સીધો રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે, જેથી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો ઈજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવન ગુમાવે તેવો મહત્ત્વનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

અકસ્માતનો ભોગ બનનાર દર્દીને નજીકની કોઈપણ ખાનગી હૉસ્પિટલ, જિલ્લા-તાલુકા હૉસ્પિટલો, મેડિકલ કૉલેજ-હૉસ્પિટલો અથવા કોઈપણ અન્ય જાહેર કે ખાનગી હૉસ્પિટલોમાં સેવાઓ પૂરી પડાશે. અસરગ્રસ્ત દર્દીઓએ પ્રાથમિક સારવાર પેટે કોઈ નાણાં ચૂકવવાનાં રહેશે નહીં ખાનગી હૉસ્પિટલોએ પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે દર્દી પાસેથી કોઈ નાણાં લેવાનાં રહેશે નહીં. ખાનગી હૉસ્પિટલોએ કરેલ સારવાર અંગેના ખર્ચનું બીલ સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / તબીબી અધિક્ષકને રજૂ કરવાનું રહેશે તેમજ ખાનગી હૉસ્પિટલને બીલની ખરેખર રકમ અથવા ‚રૂ. ૫૦,૦૦૦/- બંનેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.

યોજનાનું સંપૂર્ણ મોનીટરીંગ રાજ્યકક્ષાએથી કરાશે, જે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ‚રૂ. ૩૦ કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્ય સરકારના નવતર અભિગમને કારણે અકસ્માત સમયે ત્વરિત સારવાર મળતાં અનેક નાગરિકોના જીવ બચાવી શકાશે.