ગુજરાતી ભાષાના જાણવાં, માણવાં, સમજવાં, વાંચવાં જેવા તળપદા શબ્દો

    ૧૯-મે-૨૦૧૮ 

મિત્રો આપણી ગુજરાતી ભાષ એટલી બધી મીઠી છે કે ભારત ભરના લોકોને તે સાંભળવી ગમે છે. એમાય આપણા ગામડાના લોકોની બોલીનું તો કહેવું જ શું. આપણે ગુજરાતી આવડે છે પણ આજના અંગ્રેજીના દેખાવમાં આપણે આપણી ભાષાના તળપદ શબ્દો ભૂલી ગયા છે. કોઇ બોલે તો આપણે ગુજરાતી હોવા છતા તેમાં ખબર ન પડે એવું પણ બને. તળપદી ભાષા એવી છે જે સાંભળવી સૌને ગમે અને આવડતી હોય તો બોલવી પણ ગમે. આજની પેઢી કદાચ આ તળપદી ભાષા નહિ સમજી શકે. એક ગુજરાતી પ્રેમીએ ભારે મહેનત કરી કેટલાંક આવા શબ્દો વાઈરલ કર્યા છે. તેને અહિં રજૂ કરવામાં આવ્યા છે. વાંચો મજા આવશે…

દોયડી- કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે

જાળી - ભમરડો ફેરવવા માટે

રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ

વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું

વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું

નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી

રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી

નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી

નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.

ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત પકડાઈ જાય. દોરીને ડામણ કહે છે.

જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન

નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે

દા. .

શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.

સૂતળી - શણમાં થી બનાવેલી દોરી

વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી

કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી

...તે રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,

ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.

પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.

ચોફાળ - પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.

બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.

ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો

પનિયું- કમરે બાંધવાનું કાપડ

ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ

ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.

કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.

મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.

પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.

અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.

લુગડું - સાડીને લુગડું પણ કહે છે.

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો

પરોણો - બળદને હાંકવા માટેની લાકડી

કળીયુ - ખેતી માટેનું સાધન

બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.

ફાળ - હળનો નીચેનો ભાગ

કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો

કોસ (. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન

સુંઢ - કોસનો ચામડાનો ભાગ

ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર

પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું

તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન

ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન

પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું

ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા

ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા

પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું

તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન

ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન

બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન

સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય

રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન

રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન

નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ

મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય

વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.

સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.

વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.

પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે

ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.

નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.

ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.

છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.

ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા

કેડો - રસ્તો

કેડી - પગ રસ્તો

વંડી - દિવાલ

કમાડ - મોટું બારણું

ડેલો - મોટા કમાડવાળું બારણું.

આપણા મિત્રો માથી અડધા વાત થી અજાણ હશે કદાચ....

 

- અજ્ઞાત

સોશિયલ મીડિયાના આ જમાનામામ વાંચવા સમજવા જેવી અનેક માહિતી-સાહિત્ય વાઈરલ થતી હોય છે. આ માહિતી તમારા સુધી પહોંચે એજ ઉદ્દેશ આ કોલમનો છે.