આપણે જે છે તે નહિ જે જોવું હોય તે જ જોઇએ છીએ - આવું કેમ?

    ૧૯-મે-૨૦૧૮

 
 
 
વેકેશનનો સમય હતો. શહેરમાં રહેતાં બાળકો પોતાનાં દાદા-દાદીને ઘરે ગામડે આવ્યાં હતાં. દરરોજની જેમ બાળકો દાદાને વીંટળાઈ વાર્તા સાંભળી રહ્યાં હતાં. તેવામાં દાદાએ એક બાળકને અડધો ગ્લાસ પાણી ભરી લાવવાનું કહ્યું. દાદાએ વાર્તા અધવચ્ચે છોડી અડધા ભરેલા ગ્લાસનું નિરીક્ષણ કરવા કહ્યું. તમામ બાળકોએ પોતપોતાની વિચારશક્તિ પ્રમાણે જવાબ આપ્યા. કોઈએ કહ્યું કે, ગ્લાસ અડધો ખાલી છે. તો કોઈએ કહ્યું, ના, ગ્લાસ અડધો ભરેલો છે. તો એકે કહ્યું દાદાજી ગ્લાસ અડધો હવાથી અને અડધો પાણીથી એમ સંપૂર્ણ ભરેલો છે.
 
દાદાજીએ કહ્યું, ભાઈ, ગ્લાસ તો એક છે, પરંતુ તમારા સૌના જવાબ અલગ અલગ છે. એકે કહ્યું ગ્લાસ અડધો ખાલી છે જે તેની નકારાત્મક વિચારદૃષ્ટિ દર્શાવે છે. વળી બીજાએ કહ્યું કે ગ્લાસ અડધો ભરેલો છે જે તેની આંશિક હકારાત્મક વિચારદૃષ્ટિ દર્શાવે છે. પરંતુ ત્રીજાને ગ્લાસ અડધો હવાથી અને અડધો પાણીથી એમ સંપૂર્ણ ભરેલો દેખાય છે. કારણ કે ગ્લાસને જોવાની તેની દૃષ્ટિ સંપૂર્ણ હકારાત્મક છે. મતલબ કે જેણે ગ્લાસ અને પાણીને લઈ નકારાત્મક વિચાર કર્યો એના માટે તે અડધો ખાલી છે જેણે ગ્લાસને લઈ આંશિક હકારાત્મક દૃષ્ટિથી વિચાર કર્યો તેના માટે તે અડધો ભરેલો છે અને જેણે ગ્લાસને લઈ સંપૂર્ણ હકારાત્મક વિચાર કર્યો તેના માટે ગ્લાસ સંપૂર્ણ ભરેલો છે.
 
બોધ એટલો કે, આપણે કોઈપણ વસ્તુને જેવી દૃષ્ટિથી જોઈએ છીએ. તેવી આપણને દેખાય છે. માટે કોઈપણ વસ્તુ કે બાબત પ્રત્યે હંમેશા હકારાત્મક દૃષ્ટિકોણ દાખવવો જોઈએ. સંબંધોનું પણ આવું છે. કોઈપણ સંબંધમાં તમે ભૂલો કાઢશો તો કંકાસ વધશે અને બની શકે સંબંધ તૂટી પણ જાય, પરંતુ તેના બદલે જો સંબંધમાં સારી બાબતો શોધવાની કોશિશ કરશો તો સંબંધ સોળે કળાએ ખીલી ઊઠશે.