વાઘ પર સવારી - ઇચ્છાઓનો વાઘ અને આપણે

    ૧૯-મે-૨૦૧૮

 
 
એક વિદૂષક હતો. એનું નામ ભદ્રાયુ. ‘મર્મમંજરી નામના એક જૂના સંસ્કૃત નાટકમાં એણે ખૂબ જ સરસ કામ કરેલું. એક દિવસ એ જંગલમાં ગયો હતો. ફરતાં ફરતાં રસ્તો ભૂલી ગયો. રાત પડી ગઈ. બહાર જવાનો રસ્તો ના મળે. આખરે રાત જંગલમાં જ પસાર કરવાનો વારો આવ્યો. પ્રાણીઓની બીકે એ એક ઝાડ પર ચડી ગયો. થોડીવાર બાદ એ ઝાડ નીચે એક વાઘ આવ્યો. વાઘને જોતાં જ ભદ્રાયુ ધ્રૂજવા લાગ્યો. એના શરીરે પરસેવો વળી ગયો. ત્યાં જ એ જે ડાળી પર બેઠો હતો એ ડાળી તૂટી પડી અને એ સીધો વાઘની પીઠ પર પછડાયો. અચાનક પીઠ પર ચાર મણનો પ્રહાર થતાં જ વાઘ પણ જંગલ તરફ ભાગવા લાગ્યો.
 
ભદ્રાયુના છક્કા છૂટી ગયા હતાએણે કચકચાવીને વાઘના ગળે બાથ ભીડી દીધી. વાઘને થયું કોઈ એનું ગળું દબાવી રહૃાું છે. એ અકળાઈને વધારે ઝડપથી ભાગવા લાગ્યો. જંગલના લોકો એને જોઈ રહ્યા. ભદ્રાયુ વાઘની પીઠ પર ચીપકીને બેઠો હતો. વાઘનું ગળું એની બાથમાં હતું. જે જુએ તે ભદ્રાયુની હિંમતની વાહ વાહ કરી રહ્યું હતું.
 
એક ઠેકાણે આવીને વાઘ ઊભો રહ્યો. આસપાસ ઊભેલા લોકોએ એને વધાવી લીધો, ‘વાહ, ભૂદેવ ! તમે તો વીરોનાય વીર નીકળ્યા. જંગલના રાજા જેવા વાઘ પર તમે સવારી કરી અને એને દોડાવી દોડાવીને ઘાંઘો કરી નાંખ્યો, વાહ કહેવું પડે. ભદ્રાયુ હજુયે ધ્રૂજી રહ્યો હતો. એ મનમાં બોલ્યો, પણ શી રીતે ઊતરું ! પણ મનની વાત કોને સંભળાય. લોકો તો જે જોતા હતા એ જ સાચું માનતા હતા. એમને કેવી રીતે ખબર પડે કે ભદ્રાયુ માટે વાઘ પરથી ઉતરવું શકય નહોતું, કારણ કે દેખીતી રીતે ભદ્રાયુ એના પર સવાર હતો પણ હકીકતમાં તો વાઘ જ ભદ્રાયુ ઉપર સવાર હતો.
 
આપણી સાથે પણ જીવનમાં આવું જ બને છે. આપણને એમ લાગે છે કે આપણે ઇચ્છાઓના વાઘ પર સવાર છીએ પણ હકીકતમાં તો ઇચ્છાઓનો વાઘ જ આપણા પર સવાર હોય છે. સવારીની શરૂઆત અનાયાસે જ થાય છે. પણ પછી ભદ્રાયુ બની જવાય છે. ઇચ્છાઓનો વાઘ આપણને એની પીઠ પરથી ઊતરવા નથી દેતો.