રાધાની લટ કે લયની રાધા..!

    ૨૬-મે-૨૦૧૮


 

સવારના પવનને અણમોલ મૂડીની જેમ સાચવી રાખવાની ઇચ્છા થઈ આવે છે. બારણું ખોલીએ એટલે પવનશિશુઓ દોડતાં આવીને વળગી પડે. આંગણાના ઝાડની ડાળની આંખોની મુગ્ધતા આખા ઝાડને કદંબ બનાવી દે. અજવાળાની નમણી ચાલથી કેલેન્ડરનું ફળિયું ખૂલે. હરીન્દ્ર દવે યાદ આવે;

રાધાની લટની લહેરાતી કાળાશે

ખોવાયો કાન કેમ શોધું ?

દિવસનો સૌરભભર્યો ઉઘાડ કૃષ્ણ નથી તો બીજું શું છે ? સૌમિલ મુન્શીના સ્વરાંકનવાળા ગીતને હીંચકે સવારને ઉઘાડવી છે.

સવારે આપણે શોધવાનો હોય છે આપણા કૃષ્ણને, રાધા બનીને, ગોપી બનીને, સુદામા બનીને... કવિના કાલજયી શબ્દોના સ્પર્શે જમુનાનાં જળ જાગી ઊઠે છે, કૃષ્ણ આપણી સાથે એક પ્રેમભરી રમત માંડે છે. ખોવાઈ જાય છે. શ્યામ રાધાની લટની કાળાશમાં ખોવાય છે. કાવ્યમાં સહેજ ઊતરીએ ત્યાં તો રસ્તાના ડામર જમુનાજળ થઈ જાય છે. સ્વર પર અસવાર મન ગુંજન કરે ત્યાં મનભ્રમર રચી આપે છે એક વૃંદાવન. કેટલા યુગો જૂનું વૃંદાવન. પણ કા મળે નહીં. હરીન્દ્રભાઈનો આર્તનાદ છે તેકેમ શોધું ?’નો આર્તનાદ છે. કૃષ્ણ બહુ દૂર ચાલી નીકળ્યો હોય તો તો સમજી શકાય, પણ આસપાસ હોય તેને કેવી રીતે ખોળવો ?

કવિ તો જવાબ આપીને ચાલ્યા જાય છે. એમને તો જડી ગયો છે, કા રાધાની લહેરાતી કાળી લટમાં ખોવાયો છે. હવે શોધવો છે કૃષ્ણને... મજા છે કૃષ્ણની... રોમેરોમ વ્યાપી જાય છે. સંગીતની મધુરિમા અને કવિત્વના સ્પર્શથી જાગી ઊઠે છે મારી શોધ.

ડામરના રોડ પર ચાલતા કો માણસની ટોપલીમાં મને કૃષ્ણ હોવાની શંકા પડે છે. એના ચહેરાનું તેજ એને વસુદેવ બનાવી દે છે. કોઈ ઉજાગરો ઓઢીને બસસ્ટેન્ડે બેઠેલી યુવતીની આંખો આખા બસસ્ટેન્ડને પકડી લે છે. અચાનક ગોપી બની જાય છે તે યુવતી અને એને વીંટળાઈ વળેલા પવનની પૂછપરછ કરો તો સમજાય કે કા એના કાનમાં શું કહેતા હતા. કાર્યાલયની અહંકારની માયાજાળ ગૂંથવા બેઠેલા કોઈ શકુનિને જોઉં છું તો અચાનક અચ્યુતની ઉપસ્થિતિ અનુભવાય ... સાચા અર્જુનની સાચી મૂંઝવણમાં તો સારથિનો મિત્રોપદેશ ગુંજી ઊઠે છે. એવું સતત લાગ્યા કરે છે કે ગીતા હજી ક્યાં પૂરેપૂરી અર્થાઈ ગઈ છે ? હજી તો સવારના આકાશની જેમ નવાનવા અને અજાણ્યા અર્થલોક ખૂલ્યા કરે છે. કોઈ અજાણ્યા પક્ષીના ટહુકાથી લીલુંછમ્મ થઈ ગયેલ અજવાળાને બીજે છેડે એક વાંસળી જ્યારે જ્યારે દેખાય છે ત્યારે ફેલાઈ જાય છે એક સ્વરસજ્યા શ્યામનું મીઠું અને ઝાખું અંધારું... હવે આપણે જેને કંટાળાનું કાજળ કે ખટપટનું ખાંડવપ્રસ્થ ગણીએ છીએ ત્યાં લટકતી કાળી કાળડાળને રાધાની લટ જાણવાની છે અને જાગવાનું છે એક અનન્ય સંગીતમાં... બાકીનું તો મારો વ્હાલો સંભાળશે ...

ભાગ્યેશ જહા