રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત પ્રાંતપ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમારોપ કાર્યક્રમમોરબી ખાતે સંપન્ન

    ૨૯-મે-૨૦૧૮   

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે ૨૦ દિવસના પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવે છે. છઠ્ઠી મેના શુભદિને ગુજરાતમાં મોરબી ખાતે પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો. આ વર્ગમાં શિક્ષાર્થીઓને શારીરિક, બૌધ્ધિક, શ્રમાનુભવ, સેવા જેવા વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તા. ૨૬મી મે ૨૦૧૮ના શનિવાર દિને આ વર્ગનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ, કુમાર છાત્રાલય, જોધપર, મોરબી ખાતે યોજાયો. જેમાં અતિથિ વિશેષ તરીકે આધ્યાત્મ માર્ગના યાત્રી, સરસ્વતી નિકેતન આશ્રમ - જોધપર (મોરબી)ના શ્રી ભાણદેવજી તથા મુખ્ય વક્તા તરીકે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના પ્રાંત સહકાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી સંઘ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસ્તુત છે સમાપન સમારોપનો અહેવાલ અને વક્તવ્યના પ્રમુખ અંશો... 
 

 
 
 
સમારોપના અતિથિ વિશેષ શ્રી ભાણદેવજીનું ઉદ્બોધન......................................................................
હિન્દુ બાળકોને પ્રાથમિક ધોરણથી જ ધર્મનું જ્ઞાન મળે તેવી શિક્ષણ-વ્યવસ્થા ઊભી કરો : શ્રી ભાણદેવજી
આ પ્રસંગે અધ્યાત્મ માર્ગના યાત્રી સરસ્વતી નિકેતન આશ્રમ જોધપરનાં શ્રી ભાણદેવજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓશ્રીએ પોતાના આશીર્વચનોમાં જણાવ્યું હતું કે, દરેક રાષ્ટ્રને પોતાનું કેન્દ્રતત્વ હોય છે. એ કેન્દ્રતત્વ તેનો આત્મા હોય છે. આ કેન્દ્રતત્વ એટલે શું ? અમેરિકાનું કેન્દ્રતત્ત્વ તેની સમૃદ્ધિ છે, ઈરાનનું કેન્દ્રતત્વ તેની ચતુરાઈ છે, જર્મનીનું કેન્દ્રતત્વ તેની સહનશીલતા છે. ચાઈનાનું કેન્દ્રતત્વ તેની ઊદ્યમશીલતા છે, તો ભારતનું કેન્દ્રતત્વ શું ? જેના થકી ભારત એ ભારત છે. તેનો જવાબ ભગવાન વેદવ્યાસ મહાભારતનાં એક શ્ર્લોકમાં આપે છે. ભગવાન વેદવ્યાસ કહે છે કે, ‘હું બન્ને હાથ ઊંચા કરીને રાડો પાડીને કહું છું કે, અર્થ અને કામ ધર્મ થકી છે. તે ધર્મનું સેવન કરો.’ એટલે કે ભારતનું કેન્દ્રતત્વ ધર્મ છે. ભારતનો પ્રાણ ભારતનો આત્મા ધર્મ છે અને કોઈપણ ધર્મ પ્રત્યે આસ્થા હોય શ્રદ્ધા હોય એ પૂરતું નથી. તેની સાથે તે ધર્મનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. ઈઝરાયેલમાં પ્રાથમિકથી શરૂ કરી અનુસ્નાતક સુધીનાં અભ્યાસક્રમમાં પ્રત્યેક શાળા, ધોરણમાં ધર્મનું શિક્ષણ અનિવાર્ય છે. આપણે ત્યાં શું સ્થિતિ છે ? મેં અનેક પ્રાદ્યાપકોને પૂછ્યુ છે, ચાર વેદોના નામ બોલો, પરંતુ તેઓ ચારવેદોના નામ પણ બોલી શક્યા નથી. હિન્દુ સંતાનોને ચાર વેદોના નામ પણ ન આવડે ? આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? આપણી શાળાઓમાં ધર્મનું શિક્ષણ અપાતું જ નથી. આપણે ધર્મમાં ધાર્મિક લાગણી દર્શાવીએ છીએ, ધાર્મિક છીએ. પરંતુ ધર્મનું જ્ઞાન આપણામાં નથી. તો હવે શું કરવું ? લોકોમાં ધર્મના જ્ઞાનનું સિંચન કોણ કરશે ? આ કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વગર અન્ય કોઈ જ કરી નહીં શકે. બાળકોને સનાતન હિન્દુ ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે ઠેર-ઠેર હિન્દુ ધર્મનાં વિદ્યાલયો ખોલવા જોઈએ. પ્રત્યેક હિન્દુ બાળકને હિન્દુ ધર્મનું જ્ઞાન, હિન્દુ ધર્મના સિદ્ધાંતો, સંપ્રદાયો કયા છે. તેનું જ્ઞાન મળવું જોઈએ. એક સમયે આપણે ત્યાં ગુરુકુળ પરંપરા હતી જેને કારણે ધર્મનું શિક્ષણ મળી રહેતું હતું. આજે ગુરુકુળો બંધ થઈ ગયા છે. નવી શિક્ષણ પદ્ધતિમાં ધર્મનું શિક્ષણ જ અપાતું નથી. પરિણામે વાલીઓ અને શિક્ષકોને પણ ધર્મનું કેન્દ્રતત્વ શું છે? એની ખબર જ નથી. વિવિધ સંપ્રદાયનાં સાધુ-સંન્યાસીઓ લોકોને પોતાના સંપ્રદાય પૂરતું જ જ્ઞાન આપે છે. પરંતુ સનાતન ધર્મ વિશે જણાવતા નથી. પરિણામે જૂની નવી અને વર્તમાન પેઢીમાં ધર્મનાં જ્ઞાનનું સિંચન જ થયું નથી. માત્ર શ્રદ્ધા છે. એટલે આપણે કોઈ દેવી કે દેવની ઉપાસના કરીએ છીએ. પરંતુ ધર્મના અસલી તત્ત્વ આપણે અજાણ રહીએ છીએ. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાના પ્રવાસે હતા ત્યારે તેમના વ્યાખ્યાન બાદ પ્રશ્ર્નોતરીમાં એક પાદરીએ પ્રશ્ર્ન કર્યો કે, ‘અમારા ધર્મમાં ભગવાન ઈસુ પ્રગટ થયા છે. શું એવા કોઈ સંત તમારા ધર્મમાં પ્રગટ્યા છે ખરા ?’ સ્વામીજીએ જવાબ આપ્યો હતો કે એક નહીં દાયકા દાયકાએ અમારે ત્યાં આવા સંતો પ્રગટ થયા છે.
 

 
 
આપણો દેશ ધર્મનો છે. પરંતુ વર્તમાનમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે, ધર્મનાં શિક્ષણથી આપણા બાળકો વંચિત થઈ રહ્યા છે. ઈઝરાયેલમાં દરેક બાળકને રાષ્ટ્રભાષા હિબ્રુ અને યહૂદી ધર્મ પર ગર્વ કરે છે. કારણ કે હિબ્રુ ભાષા અને યહૂદી ધર્મ વિષે ફરજિયાત ભણાવાય છે. ચારેય બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલો હોવા છતાં ઇઝરાયલ અડીખમ ઊભું છે. તેની પાછળ અહીં ધર્મનું ટકી રહેવું છે. માટે આપણે પણ આપણા બાળકને ધર્મનું શિક્ષણ ફરજિયાત પણ આપીએ.
 
કેટલાક લોકો કહે છે કે, હિન્દુ ધર્મમાં તો અનેક દેવી-દેવતાઓ અને સંપ્રદાયો છે. ત્યારે તેમાં મૂળ હિન્દુ ધર્મ કયો ? આવા લોકોને મારો જવાબ છે. અન્ય ધર્મ માત્ર વૃક્ષની એક શાખા જેવા છે. જ્યારે હિન્દુ ધર્મ એક એવું વિશાળ વટવૃક્ષ છે. જેની અનેક શાખાઓ છે. વિશ્ર્વના તમામ ધર્મોમાં છે એ એક માત્ર હિન્દુ ધર્મમાં સમાયેલું છે. પરંતુ કેટલાક લોકો માત્ર એક શાખામાં જ અટવાયેલા રહે છે અને મૂળ હિન્દુ ધર્મને ભૂલી જાય છે માટે જરૂર છે હિન્દુ વિદ્યાલયો શ‚ કરવાની દરેક ધર્મ પોતાનાં ધાર્મિક વિદ્યાયલો ચલાવે છે. તો હિન્દુ ધર્મ કેમ નહીં ? સાથેસાથે શાળાઓમાં પણ પ્રાથમિક ધોરણથી જ હિન્દુ બાળકોને પોતાના ધર્મનું જ્ઞાન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે.


સ્વયંસેવકોના સર્વાંગીણ વિકાસ માટે સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષણ અપાય છે : શ્રી શૈલેષભાઈ પટેલ
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પ્રાંત સહકાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ સમાપન સમારોપમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વર્તમાનમાં સંઘકાર્યની અનુકૂળતા છે. અનુકૂળતા હોવાના કારણે સંઘ વિચારની સ્વીકૃતિ પણ સમાજ દ્વારા થતી જાય છે. આ અનુકૂળતા એટલા માટે છે અને રહેવાની છે કે આપણે સૌ હિન્દુ સંગઠનનાં કામમાં જોડાયેલા છીએ. સંઘનું કાર્ય નિરંતર ચાલે છે. તેમાં નવા આયામ જોડાય છે અને વિકસે છે. સંઘકાર્ય માટે કાર્યકર્તાની આવશ્યકતા હોય છે જે શાખા દ્વારા નિર્માણ થાય છે.
 

 
 
પરંતુ વર્તમાનમાં ‘Combo Pack‘ અને ‘Booster Dose‘ જેવાં શબ્દો પ્રચલિત છે. જેમાં ઘણી બધી વસ્તુઓ આવતી હોય તેને માટે આ શબ્દો વપરાય છે. સંઘ શિક્ષા વર્ગો પણ આ "કોમ્બો પેક અને "બુસ્ટર ડોઝ જેવા છે. તેમાંથી અનેક પ્રકારનાં સંસ્કાર અને શિક્ષણ એક સાથે પ્રાપ્ત થાય છે. સંઘ શિક્ષા વર્ગનું ૨૦ દિવસનું શિક્ષણ એટલે સ્વયંસેવકની શારીરિક સિદ્ધતાનું શિક્ષણ, સ્વયંસેવકની બૌધિક સિદ્ધતાનું શિક્ષણ, સ્વયંસેવકની વૈચારિક સ્પષ્ટતાનું શિક્ષણ, સ્વયંસેવકમાં સંવેદના જાગૃત થાય તે માટેનું શિક્ષણ, સ્વયંસેવકમાં સમજદારી વધે તે માટેનું શિક્ષણ અને સ્વયંસેવકમાં પ્રચાર જેવા નવા વિષયને લઈને અપાતું શિક્ષણ એટલે કે સ્વયંસેવકના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં લઈને સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષણ અપાય છે. આ એક કોમ્બો પેક છે. એમાંથી તૈયાર થયેલો કાર્યકર્તા સમાજના વિવિધ કાર્યમાં જોડાય છે. સંઘ માટે વ્યક્તિ નિર્માણ તે એનું મુખ્ય કાર્ય છે અને વ્યક્તિ નિર્માણ સંઘની શાખાના માધ્યમથી થાય છે. સંઘની શાખા એટલે રોજ એક કલાકની શાખા. જેમાં ૪૫ મીનિટનાં શારીરિક કાર્યક્રમો અને ૧૫ મીનિટનાં બૌધિક કાર્યક્રમો હોય છે. શારીરિક કાર્યક્રમ દ્વારા વ્યક્તિમાં જે પ્રકારનાં ગુણોની આવશ્યકતા છે તે પ્રકારનાં ગુણોનું નિર્માણ થાય છે. સંઘની આ એક કલાકની શાખા દ્વારા નિત્ય મિલન, નિત્ય સંસ્કાર, નિત્ય કાર્યક્રમ, નિત્ય માતૃભૂમિ વંદન, નિત્ય ધ્યેયનું સ્મરણ, હિન્દુ ભાવનું સ્મરણ, બંધુભાવનું સ્મરણ, સમાજબોધનું સ્મરણ, સમર્પિત ભાવ વગેરે અનેક ગુણો સ્વયંસેવકમાં જાગૃત થાય છે. વર્ગ કે શાખામાં તૈયાર થયેલો કાર્યકર્તા ‘Use Me as I am‘ નહીં પરંતુ જે પ્રકારે કામની જરૂરિયાત હશે તે પ્રકારે પોતાને તૈયાર કરનાર કાર્યકર્તા બને છે, જેના થકી સમાજમાં સંઘવિચારનો વ્યાપ વધે છે.
 
શાખામાં નિર્માણ થયેલો કાર્યકર્તા "એક રાષ્ટ્ર એક સંસ્કૃતિ અને એક જનનીની અવધારણા પર કાર્ય કરે છે અને રાષ્ટ્રના ઉત્થાનમાં જોડાય છે.
 
આ વર્ગમાં તૈયાર થયેલા કાર્યકર્તાઓ દ્વારા નવા નવા આયામો દ્વારા નવા નવા કાર્યો થાય છે અને તેમનાં દ્વારા સમાજ જીવનમાં ચેતનાનો સંચાર થાય છે.
 
સંઘ સાથે સેવા પણ જોડાયેલો વિષય છે. સંઘની પ્રત્યેક શાખાની અંદર સપ્તાહમાં એક દિવસ સ્વયંસેવકોને સેવાની અનુભૂતિ કરાવવાનું કાર્ય થાય છે. સ્વયંસેવકને પ્રત્યક્ષ રીતે સેવા વસ્તીમાં મોકલાય છે. તેનામાં સેવાનાં કાર્યો કરવા માટેની સંવેદના જાગૃત કરવામાં આવે છે. સેવાનો ભાવ એનામાં જાગૃત કરી એના થકી સમાજને સેવાનાં માધ્યમથી જોડવામાં આવે છે. આજે સંઘ દ્વારા સમગ્ર દેશમાં ૧ લાખ ૭૦ હજાર કરતાં પણ વધુ સેવાકાર્યો ચાલે છે તે તેનું પરિણામ છે.
સંઘવિચારથી પ્રેરણા લઈને ૪૦ કરતાંય વધુ વિવિધ સંગઠનો સમાજ-જીવનમાં સક્રિય છે. જેનાં દ્વારા સમાજમાં વ્યવસ્થા પરિવર્તનનો પ્રયાસ થાય છે.
 
આ વ્યવસ્થા પરિવર્તનમાં જે સંગઠનો છે તે પોતાનાં ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય કરે છે. કેટલાંક ઉદાહરણો આપું.
દાખલા તરીકે વિદ્યાભારતી શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા છે. જે ભારતીય પદ્ધતિથી શિક્ષણ આપતી સંસ્થા છે. વિદ્યાભારતીનાં ૨૦ હજાર કરતાં વધારે વિદ્યાલયો ચાલે છે. જેમાં ૯૦%થી વધુ વિદ્યાલયો સમાજની સહભાગીતાથી ચાલે છે. ભારતીય પદ્ધતિથી શિક્ષણ દ્વારા આ વિદ્યાલયો ઉતમ કામ કરે છે. એ જ રીતે ભારતીય કિસાનસંઘ કિસાનોનું મોટું સંગઠન છે. કિસાનોનાં વિકાસ-ઉત્થાન અને પ્રશ્ર્નો માટે કામ કરે છે. NMO એલોપથી ડૉક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા દર વર્ષે પૂર્વોત્તરમાં ૧૫ દિવસ ધનવંતરી યાત્રા અંતર્ગત સ્વાસ્થ્ય સહાય આપવામાં આવે છે. દેશનાં ખ્યાતનામ ડૉક્ટરો નાના-નાના ગામોમાં જઈને સેવા કરે છે.
 
જમ્મુ કાશ્મીરમાં ઋષી કશ્યપ યાત્રા ચાલે છે. ગુજરાતનાં દાહોદમાં આ જ પ્રકારે ઠક્કરબાપા યાત્રા ચાલે છે અને અંતરિયાળ ગામોમાં વસતા વનવાસી બંધુઓનાં સ્વાસ્થ્ય માટે કામ થાય છે. આવા તો અનેક સેવાકાર્યો સંઘ અને વિવિધ સંગઠનો દ્વારા ચાલે છે. આ કાર્યો એટલા માટે ચાલે છે કે સમાજ સમરસ બને અને સેવા અને સંવેદનાનો વ્યાપ થાય. છેવાડાનાં વ્યક્તિ સુધી સેવાની સરવાણી પહોંચે. સામાન્ય વ્યક્તિને પણ સેવાનો ભાવ જાગે, તે કાર્ય સંઘ સ્વયંસેવકો દ્વારા થાય છે. આ રીતે સમાજમાં વ્યવસ્થાનું સુંદર પરિવર્તન થાય છે.
 
આજે સંઘનો પ્રભાવ છે. કારણ કે સેવા એ સંઘનો સ્વભાવ છે. એટલે જ નાના ગામમાં સરપંચથી માંડીને દેશનાં વડાપ્રધાન સુધી સંઘના સ્વયંસેવકો છે. પરંતુ આટલું માત્ર પૂરતું નથી. માટે પ્રકૃતિ પ્રત્યે પણ સંઘ જાગૃત છે. પર્યાવરણનું સંરક્ષણ પણ સંઘનો સ્વભાવ છે. જળ, વાયુ, પૃથ્વી બધાનો દુરુપયોગ ન કરી એનું સંરક્ષણ કરવું જરૂરી છે. પર્યાવરણ સંરક્ષણ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. હિન્દુ દૃષ્ટિએ બ્રહ્માંડ એક જીવંત એકમ છે. તેમા પરમ તત્વના દર્શન થાય છે. પર્યાવરણના સંરક્ષણની વાત આપણા વેદોમાં પણ કરવામાં આવી છે. ઋગ્વેદમાં મુખ્યત્વે અગ્નિની પ્રાર્થના છે, યજુર્વેદમાં મુખ્યત્વે વાયુની પ્રાર્થના છે, અથર્વવેદમાં મુખ્યત્વે પૃથ્વીની પ્રાર્થના છે અને સામવેદમાં મુખ્યત્વે જળની પ્રાર્થના છે.
 
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વૃક્ષમાં હું પીપળો છું. એક વૃક્ષ તેના જીવનમાં ૨૨૫૦ કિલો કાર્બન ડાયૉક્સાઈડ (Co2) શોષે છે અને ૧૭૧૦ કિલો ઑક્સિજન આપે છે.
 
પાણી પણ પ્રકૃતિનું મહત્વનું અંગ છે. ભારતમાં ૧૪ નદીના કિનારે ૮૦% વસ્તી વસે છે. આજે નદીઓ બચાવવાની જ‚રિયાત ઉભી થઇ છે. સદગુરુ જગ્ગી વાસુદેવે સમગ્ર ભારતમાં ‘જળ બચાવો અભયિાન’ ચલાવ્યું હતું. તેમાં સંઘના સ્વયંસેવકોએ વિશેષ રૂપે પ્રદાન કર્યું ર્યું હતું અને સમાજના પણ અનેક લોકો જોડાયા હતા. એ એક આવકારદાયક બાબત છે. પર્યાવરણ બચાવવું અનિવાર્ય છે અને તે એક માત્ર હિન્દુ વિચારથી જ શક્ય થઈ શકે તેમ છે. જળ, વાયુ અને પૃથ્વીને પ્રદૂષણથી હિન્દુ વિચાર જ બચાવી શકશે એ વાત આપણે સૌએ જાણવી જોઇએ અને ગૌરવ પણ લેવું જોઈએ અને પર્યાવરણ બચાવવા માટે આપણે સહયોગ આપવો જોઈએ.
 
હિન્દુ ધર્મ સંસ્કૃતિ સમાજનું સંરક્ષણ પણ આવશ્યક છે. રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને દરેક દરેક બાબતોનો વિચાર કરવો જરૂરી છે. રાજ્ય, દેશ અને રાષ્ટ્ર મહત્વના અંગો છે. રાજ્ય રાજકીય એકમ છે અને દેશ એ ભૌગોલિક એકમ છે પણ રાષ્ટ્ર એ સાંસ્કૃતિક એકમ છે, એટલે દરેક વ્યક્તિ એ રાષ્ટ્ર માટે કાર્ય કરવાની આવશ્યકતા છે.
 
આજે સમાજ ઘણા બધા અંશે જ્ઞાતિ-જાતિમાં બંધાયેલો લાગે છે. માટે આજે દેશમાં સમરસતા અત્યંત આવશ્યક છે. સંઘ પ્રકૃતિજન્ય ભિન્નતા સિવાય કોઈ ભેદ સ્વીકારતો નથી.
 
ક્યાં જન્મ લેવો, કયા ગામમાં જન્મ લેવો, કઈ જ્ઞાતિ, કયા સમાજમાં, કોના ઘરે જન્મ લેવો તે નક્કી કરવાનો અધિકાર જે રીતે આપણને નથી તો પછી કોઇ પણ જાતિ, જ્ઞાતિ કે ધર્મ માટે સંઘર્ષ/ગૌરવ શા માટે થવા જોઈએ ? સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, "બધા ભાઈ બહેનોને આ ધર્મમાં સમાન અધિકાર છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે, "જ્ઞાતિ આધારિત કોઈ ભેદભાવો શાસ્ત્રોમાં નથી. પ. પૂ. બાળાસાહેબ દેવરસજીએ વસંત વ્યાખ્યાનમાળામાં કહ્યું હતું કે ‘ધરતી પર અસ્પૃશ્યતા જેવું મોટું બીજું કોઈ પાપ નથી. માટે કોઈ પણ વ્યક્તિએ કોઈના પણ માટે મનમાં ભેદભાવ કે અસમાનતા રાખવા નહીં, તેની આવશ્યકતા છે.’
 
સમાજમાં સરસતા સાથે સંવેદના જાગે તે પણ અત્યંત આવશ્યક છે. વર્ગમાંથી તૈયાર થયેલા સંઘના સ્વયંસેવકોની સમાજ પ્રત્યે અપાર સંવેદના હોય છે. સમાજમાં અનેક કુદરતી આફતો અને મુશ્કેલીઓ આવતી હોય છે. દરેક આપત્તિના સમયે સંઘનો સ્વયંસેવક તરત જ સહાય માટે દોડી જતો હોય છે. અહીં મોરબી નગરની વાત કરીએ તો સંઘના સ્વયંસેવકો મચ્છુ ડેમ તૂટયો ત્યારે રાત-દિવસ જોયા વિના સેવા અને સહાયના કાર્યમાં લાગી ગયા હતા એ સૌ નગરજનો જાણે જ છે. થોડા જ સમય પહેલાં બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ સંઘે સેવાની સરવાણી વહાવી હતી. આમ દેશભરમાં જયાં જયાં આફતો આવી છે ત્યારે સ્વયંસેવકોએ સેવા આપી છે. આ બધુ ત્યારે જ થાય જયારે માનવીમાં સમાજ પ્રત્યે સંવેદના હોય. આ વર્ગ શિક્ષાર્થીઓમાં એવી સંવેદના પેદા કરે છે.
 
સુખી અને સમૃદ્ધ સમાજ માટે આપણે ત્યાં કુટુંબ પ્રબોધન પણ એક મહત્વનું પાસુ છે. કુટુંબ સમાજનું સૌથી નાનું એકમ છે. ત્યાં વ્યક્તિને સમાજનું પહેલું દર્શન થાય છે.
 
કર્ણાવતીમાં આ કુટુંબ પ્રબોધન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ થાય છે. તેનું નામ છે "પ્રસન્ન દાંપત્ય. પ્રસન્ન દાંપત્યજીવન માટે નવદંપતીનું પ્રબોધન કરતો આ કાર્યક્રમ છે. કાર્યક્રમના વિષયો પણ અનોખા હોય છે. ઘર એ જ વિદ્યાલય, વર્તમાન સામાજિક ભ્રમણા અને તેનો ઉકેલ, બાળઉછેરની કળા, પારિવારિક જીવનમૂલ્યો વગેરે. આ રીતે પરિવારના માઘ્યમથી સુખી સમાજનુ નિર્માણ કરવામાં આવે છે.
 
આમ સમાજમાં સેવા, સમરસતા, પર્યાવરણ, સંવેદનશીલતા, ગ્રામવિકાસ વગેરે બાબતે આ વર્ગમાંથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરનારા કાર્યકર્તાઓ સમાજમાં જઈને વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં જોડાય. સમાજનો એક એક વ્યક્તિ રાષ્ટ્રહિત માટે કામ કરે.
આપણને પ્રશ્ર્ન થાય કે આ બધું શા માટે કરવાનું. ? તો ભારત માતાની જય માટે, પરંતુ એ માત્ર ભારતની જયની કલ્પનાં નથી. તેની સાથે સાથે વિશ્ર્વકલ્યાણની પણ જય છે. ભારતનો જય એટલે વિશ્ર્વ કલ્યાણનો જય. ભારતીય વિચારધારા સૌને સાથે લઈને ચાલવાની છે. આજે સંઘના માધ્યમથી હું આહ્વાન કરું છું કે સમાજનાં સૌ લોકો સમાજ અને રાષ્ટ્રનાં કાર્યમાં જોડાય અને ભારતનો જય જયકાર કરે.
 

 
 


 
 
રાજ ભાસ્કર