કવર સ્ટોરી : જનરેશન ગેપ : સામાજિક કોયડો અને ઉકેલ

    ૦૮-મે-૨૦૧૮

બે પેઢી વચ્ચેના અંતર માટેનાં કારણો - અંતર તરફ દોરી જતાં પરિબળો
જૂની અને નવી પેઢી અર્થાત્ વૃદ્ધ વડીલોની પેઢી અને નવી યુવાવર્ગની પેઢી વચ્ચે અંતર (ગાળો) અવશ્ય વધ્યું જ છે, તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી. આ અંતરના ઉદ્ભવ અને વૃદ્ધિ પાછળ કયાં કારણો (પરિબળો) જવાબદાર હોઈ શકે, તેનું વિશ્ર્લેષણ વિશદ્ ચર્ચા માગી લે તેવું છે. આ પ્રશ્ર્ન આમ તો ખૂબ નાજુક અને કેટલેક અંશે સંવેદનશીલ છે; તેથી તેની કેટલીક મર્યાદાઓને સ્વીકારીને ચર્ચા કરીશું.
 
બિનજરૂરી અને અજુગતું નિયંત્રણ
વડીલોની પેઢીનું નવી પેઢી ઉપર કેટલીકવાર તદ્દન બિનજ‚રી અને અજુગતું નિયંત્રણ મુકાય છે; ત્યારે પરિસ્થિતિ વણસે છે ! ‘તારે આમ નથી જ કરવાનું’; ‘તારે આમ જ વર્તવાનું છે’; ‘આ બાબતમાં હું કહું તેમ જ તારે કહેવાનું કે બોલવાનું છે.’ ‘આની સાથે તારે પાર્ટનરશીપ નથી કરવાની !’; ‘મેં તને કેટલીવાર કહ્યું કે, આ વ્યક્તિ કે આ પાર્ટી સાથે આપણે અંતર રાખીને વર્તવાનું છે !’; ‘તું ભલે ને એને પસંદ કરે, પરંતુ અમને એ જરાયે, પસંદ નથી. તેથી તેની તો આ ઘરમાં વાત જ ન કરતો !’ ‘તારી કરેલી આ નવી નવી રસોઈની વાનગીઓ અમને જરાયે પસંદ નથી.’ વગેરે વગેરે વડીલોમાં વિચારો, મંતવ્યો અને આગ્રહોને પરિણામે નવી પેઢી, તેમના પર રોષે ભરાય છે; અને એક પ્રકારનો મતભેદ ઊભો થતાં, પેઢી-અંતર સર્જાય છે.
 
વડીલોના આગ્રહો
ઘણીવાર વડીલોના આગ્રહો પણ પેઢી-અંતર સર્જવામાં કારણભૂત બને છે. કયા ધંધા-વ્યવસાયમાં કેટલી મૂડી રોકવી?; કઈ પાર્ટીને માલ આપવો; કઈ પાર્ટીની ઉઘરાણી માટે કડક બનવું; કયા સગાં કે સ્નેહીજનો સાથે કેટલો સંબંધ રાખવો કે ઓછો કરી નાંખવો; કોના સારા-ખોટા પ્રસંગે જવું અથવા ન જ જવું; ઇત્યાદિ ઘણી બધી બાબતોમાં કરાતા વડીલોના આગ્રહો (કે પછી હઠાગ્રહો કે દુરાગ્રહો?)ને કારણે શરૂઆતમાં મતભેદ અને ત્યારબાદ મનદુ:ખ સર્જાતાં, બે પેઢીઓ વચ્ચે) અંતર ઉદ્ભવે છે અને સમય જતાં તે વધે છે !
 
વૈચારિક કે બૌદ્ધિક મતભેદ
કેટલીકવાર નાની-અમથી સાંસારિક કે વ્યવસાયિક બાબતો માટે વૈચારિક કે બૌદ્ધિક મતભેદો સર્જાય છે. જૂની પેઢી તેમના સમકાલીનો સાથેના સંબંધો કોઈપણ ભોગે ટકાવી રાખવા માગે છે; જ્યારે એ બાબત નવ પેઢીને પસંદ નથી હતી. એ જ રીતે વડીલો કે વૃદ્ધો જ્ઞાતિનાં બંધનો અને પોતાના સમાજના રીત-રિવાજો, પ્રણાલિકાઓ તથા પરંપરાઓને ચુસ્તપણે વળગી રહેવામાં માને છે; જે નવી પેઢીને બિલકુલ પસંદ નથી.
નવી પેઢીનું પોતાનું અલગ મિત્રવર્તુળ હોય છે; અને એ મિત્રવર્તુળના સભ્યો વચ્ચે જ તે પોતાના સંબંધો ગાઢ બનાવવા ઇચ્છે છે. તેમને વડીલોના સગાં-સંબંધીઓ સાથે ઝાઝો સંબંધ રાખવાનું કાં તો ગમતું જ નથી અથવા તો ગાઢ સંબંધ કેળવવો પસંદ નથી. આ સંજોગોમાં સ્વાભાવિક રીતે બે પેઢીઓ વચ્ચેના સંબંધો બગડે છે; વણસે છે અને ક્યારેક તે પરાકાષ્ઠાએ પણ પહોંચે છે !
 
સ્વતંત્ર અને અલગતાવાદી દૃષ્ટિકોણ
અર્વાચીન યુગનાં યુવક-યુવતીઓનો દૃષ્ટિકોણ બહુ સ્વતંત્ર અને અલગતાવાદી વિશેષ નિહાળવા મળે છે. માતા-પિતાનો એકનો એક દીકરો લગ્ન કરે, ત્યારથી જ જાણે કે તેની દૃષ્ટિ અને વૃત્તિ બદલાઈ જાય છે ! તે તેની પરણેતર અર્ધાંગિનીની આંખે જ જોતો થઈ જાય છે ! પ્રિય પત્નીની જ માગણીઓ અને લાગણીઓને સંતોષવાં એ જ એનો જાણે કે એકમાત્ર ધર્મ બની જાય છે ! જે માતા-પિતાએ તેને જન્મ આપ્યો; મોટો કર્યો; લાલન-પાલન-પોષણ કરીને આ તબક્કા સુધી પહોંચાડ્યો; અતિશય ખર્ચાળ ઉચ્ચ શિક્ષણ આપી, તેને સુસજ્જ અને સક્ષમ બનાવ્યો, તેનું તેને મન કોઈ જ મૂલ્ય જાણે કે નથી ! તે તો જાણે માને છે -
‘હું ને મારી વહુ; એમાં આવી ગયું સહુ !’
‘હું ને મારો વર; એ જ અમારું ઘર !’
આમ, આજના યુવક-યુવતીઓ મોટેભાગે સ્વકેન્દ્રી અને સ્વાર્થપરાયણ જ બનતા જાય છે; પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનો પવન જાણે કે તેમને બરાબર લાગી ગયો છે ! તેઓ પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાતા જાય છે. તો બીજી તરફ, વર્તમાન સંયુક્ત કુટુંબોનું વિભાજન કરવામાં પણ આ અલગતાની ભાવના, પાશ્ર્ચાત્ય - સંસ્કૃતિનું અનુકરણ તથા બે-પેઢી વચ્ચેના વધતા-જતા અંતરને પણ જવાબદાર અવશ્ય ગણી શકાય. નાની નાની બાબતોમાં પુત્રવધૂ અને તેના પતિના કુટુંબીજનો વચ્ચેના મતભેદો કૌટુંબિક વિઘટન (વિભાજન) સર્જે છે ! બે પેઢી વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને સમાનતાનાં મૂલ્યોને લીધે, પોતાના સંતાનો કે કુટુંબ-કલ્યાણ પર વધુ ધ્યાન આપે છે; અને તેથી અજાણતાં જ સંયુક્ત કુટુંબનાં હિતો તેમના દ્વારા કાં તો ગૌણ બની જાય છે અથવા તો જોખમાય (ઉપેક્ષા પામે) છે ! આમ, જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે કૌટુંબિક સંઘર્ષ અટકાવવાનું મુશ્કેલ બને છે; જે લાંબે ગાળે ઘણી સામાજિક સમસ્યાઓ સર્જવામાં કારણભૂત બને છે !
 
વૈયક્તિક અનુકૂલનમાં ઘટાડો
કૌટુંબિક અનુકૂલન માટે, કુટુંબના સૌ સભ્યો વચ્ચે વૈચારિક તાદાત્મ્ય (Ideological Intergrity) હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ બે પેઢીઓ વચ્ચેનું અંતર માનસિક અને સામાજિક મતભેદોનું સર્જન કરે જ છે ! અને તેને પરિણામે અનુકૂલનની તકો સાવ ઘટી જાય છે. કેટલીકવાર બેઉ પક્ષે (સાસુ-વહુ, પિતા-પુત્ર વચ્ચે) અહંકાર અને મમત્વ જેવા દુર્ગુણો પણ કારણભૂત બને છે.
માતા-પિતા અને સંતાનો વચ્ચે, મિત્રો, શિક્ષણની ફેકલ્ટીની પસંદગી, મોજશોખ, ફેશનો પાછળના ખર્ચા, જીવનસાથીની પસંદગી, પહેરવેશ, હરવાફરવા તરફનું વધુ પડતું વલણ... વગેરે અનેકવિધ નાની મોટી બાબતો પેઢી-અંતર સર્જવામાં કારણભૂત બનતી હોય છે. મતભેદોરૂપી તણખામાંથી (ચિનગારીમાંથી) જ ભડકો થાય છે ! સંઘર્ષ ઉદ્ભવે છે ! કેટલીકવાર સાસરાપક્ષની પ્રેરણા (કે ચઢવણી) થી પુત્ર પોતાનાં માતા-પિતાને મદદ કરવાને બદલે / તેમની જરૂરિયાતો સંતોષવાને બદલે દૂર જ ભાગતો ફરે છે.
 
કેટલાંક વિશિષ્ટ વલણો અને માન્યતાઓ
એ હકીકત પણ સર્વવિદિત છે કે, જૂની પેઢી અને નવી પેઢીનાં સભ્યોનાં વલણો, માન્યતાઓ અને મૂલ્યોમાં તફાવત હોય છે. જેમકે જૂની પેઢીના લોકોનાં કપડાં, ખોરાકની વાનગીઓ, રહેઠાણની સગવડો (ફર્નિચર સહિત), મનોરંજનનાં સાધનો, પુસ્તકોના વાચનની પસંદગી... વગેરેની પસંદગી નવી પેઢી કરતાં તદ્દન જ જુદી હોય છે. જૂની પેઢીનાં વલણો ધાર્મિક આચાર-વિચારના પાલનવાળાં હોય છે; જ્યારે નવી પેઢીનાં વલણો, ક્લબ લાઇફ, હૉટલ-રેસ્ટોરન્ટ્સ, બહારનું ખાવાના ચટાકા, ફેશનેબલ વસ્ત્રાલંકારો, મુક્ત સહચાર, અંગપ્રદર્શન, સ્માર્ટ દેખાવાના સતત પ્રયાસો, વૈભવી જીવન જીવવાની અહર્નિશ મહત્ત્વાકાંક્ષા, દેખાવાનું - કૃત્રિમ વર્તન, ઇત્યાદિ બાબતો સતત દૃષ્ટિગોચર થાય છે ! આમ, બે પેઢી વચ્ચે અનેકવિધ બાબતોમાં જે વિરોધાભાસ નિહાળવા મળે છે, તે પેઢી-અંતર વધારવા અને વિકસાવવા માટે જવાબદાર બને છે.
 
વિભિન્ન અને વિપરીત જીવનશૈલી
જૂની પેઢી અને નવી પેઢીની જીવનશૈલી (જીવન જીવવાની પદ્ધતિ) અર્થાત્ લાઈફ સ્ટાઈલ તદ્દન અલગ અલગ નિહાળવા મળે છે; અને તેને પરિણામે પેઢી-અંતર ઘટવાને બદલે સતત વધતું જ જાય છે. જીવનની કેટલીક ગંભીર બાબતો નવી પેઢી સમજવા કે જીવનમાં ઉતારવા તૈયાર જ નથી. દા.ત., સ્ત્રી-પુરુષ વચ્ચેના વર્તનની મર્યાદા, જાતીય આવેગો અને જાતીય સંબંધો; પતિ-પત્ની વચ્ચેના સંબંધો; બાળકોને ઉછેર અને તેના શિક્ષણ તથા તાલીમ જેવી અનેક નાજુક બાબતો અંગે જૂની-નવી પેઢીના સભ્યો વચ્ચે કુટુંબમાં (અને લાંબે ગાળે સમાજમાં) વિરોધાભાસ ઉદ્ભવે છે ! આ વિરોધાભાસ જ્યારે વિખવાદમાં પરિણમે છે; ત્યારે તેમાંથી ન માત્ર પેઢી-અંતર સર્જાય છે; પરંતુ તે ઉગ્ર સંઘર્ષમાં પરિણમે છે !!!
 
વડીલ પેઢીનાં પોતાનાં વલણો અને માન્યતાઓ બદલવાની તૈયારીનો અભાવ
એ પણ એટલી જ સાચી વાત છે કે જેમ નવી પેઢી પોતાનો આધુનિક કે અર્વાચીન માર્ગ છોડવા તૈયાર નથી, તેમ જૂની પેઢી પણ પોતાનાં માનસિક વલણો, વ્યવહાર અને વર્તન તેમજ માન્યતાઓ છોડવા ક્યાં તૈયાર છે ? સદીઓથી ચાલ્યા આવતા બાપદાદાઓના રિવાજોમાં તેમને તો ડૂબી જ મરવું છે ! પોતાની પહોંચ કે સ્થિતિ હોય કે ન હોય, શરીર સાથ આપે તેમ હોય કે ન હોય, પરંતુ તેમણે તો તેમની જડ અને કહેવાતી અવિચળ માન્યતાઓને પકડી જ રાખવી છે ! ચુસ્તપણે તેને વળગી જ રહેવું છે. ભલેને મહામહેનતે ઊભી કરેલી પોતાની સંચિત કરેલી મૂડી ખલાસ થઈ જાય; દેવું કરવું પડે; તો પણ તેઓ લગ્નોના અઢળક ખર્ચા, મૃત્યુ પાછળ કરાતા બારમા - તેરમા અને જમણવારો અને અન્ય સામાજિક - ધાર્મિક પ્રસંગોની ઉજવણી પાછળ બરબાદ થઈ જવાનું તેમને પોસાય છે; પરંતુ પોતાનાં જ સંતાનોને બીજાં રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ કે તાલીમ માટે મોકલવાનું જરાય ‚ચતું જ નથી; પછી પરદેશ વધુ અભ્યાસાર્થે મોકલવાની તો વાત ક્યાંથી વિચારાય જ ? જૂની પેઢીના વડીલો અંગત સુખ-સગવડોનો ત્યાગ કરીનેય સામાજિક વ્યવહારો સાચવવા બરબાદ થઈ જવાનું પસંદ કરે છે; ત્યારે કોઈને ય આશ્ર્ચર્ય થયા વગર રહે જ નહીં !
આમ, પેઢી-અંતર (જનરેશન ગેપ) માટે અનેકવિધ સામાજિક - આર્થિક - સાંસ્કૃતિક કારણો જવાબદાર છે.
પેઢી - અંતર ઉદ્ભવવાનાં અનેક સામાજિક, માનસિક અને બૌદ્ધિક કારણો અર્થાત્ પરિબળો હોય છે. ક્યારેક કોઈ એક જ કારણ કે એક જ પ્રસંગ પણ તેને માટે જવાબદાર નથી હોતું, પરંતુ જૂની વડિલ પેઢીને જ્યારે વારંવાર અપમાનિત થવાના પ્રસંગો બને છે, ત્યારે જ તે પ્રગટ થાય છે ! અને તેઓ બોલી ઊઠે છે, ‘બહુત કુછ હમને સહન કિયા, અબ સહા નહીં જાતા !’ અને પછી તડ અને ફડ કરવા મન પોકારી ઊઠે છે ! ‘આ ઘરમાં કો તો એ નહીં અથવા હું નહીં !’ - ત્યાં સુધીની નોબત આવી ચઢે છે ! આવા કિસ્સાઓ છેવટે તો અલગતામાં જ પરિણમે છે.
 
બે પેઢી વચ્ચેના અંતરની (ગાળાની) અસરો
બે પેઢીઓ - જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર કોણ જાણે કેમ પણ દિનપ્રતિદિન વધતું જ જાય છે; અને તેને પરિણામે ઘણી સામાજિક અસરો તથા સમસ્યાઓ ઉદ્ભવી છે, જેનું વિશ્ર્લેષણ કરવું પણ જરૂરી છે.
 
સંયુક્ત કુટુંબો ઉપર અસર
ભારતીય સમાજની સંરચના કુટુંબ અને જ્ઞાતિના માળખા પર આધારિત છે, પરંતુ અર્વાચીન યુગમાં કેટલાંક કારણોસર એ બંનેની ઇમારતના પાયા હચમચવા લાગ્યા છે, જેમાંનું એક પરિબળ જૂની અને નવી પેઢી વચ્ચે વધતું જતું અંતર પણ છે. અગાઉ ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબો હતાં. વ્યક્તિ-સ્વાતંત્ર્ય, મૂળભૂત અધિકારોનો વૈયક્તિક સ્વાર્થ માટે ઉપયોગ, અલગતાની ભાવના, સહિષ્ણુતાનો અભાવ ઇત્યાદિ પરિબળોએ સંયુક્ત કુટુંબની ભાવનાને છિન્નભિન્ન કરી નાખી છે ! વિભક્ત કુટુંબોનું મોટાપાયા પર નિર્માણ કર્યું છે. આમ, સંયુક્ત કુટુંબો ઉપર પેઢી - અંતરે નોંધપાત્ર અસર કરી છે.
 
તંગદિલી અને સંઘર્ષનો ઉદ્ભવ
જૂની પેઢી તેમના રીત-રિવાજો અને પ્રણાલીઓને છોડવા તૈયાર નથી તેમજ પોતાનાં વલણો તથા માન્યતાઓ પણ ત્યજવા તૈયાર નથી. બીજી તરફ યુવા પેઢી તેમની આધુનિક જીવનશૈલી ત્યજવા પણ તૈયાર નથી. આથી આ બે પેઢીઓ વચ્ચેની માન્યતાઓ અને વિચારો વચ્ચે તીવ્ર મતભેદો ઊભા કર્યા છે. આના પરિણામ સ્વરૂપે કુટુંબમાં (ઘેરઘેર) અને સમાજમાં તંગદિલી તથા સંઘર્ષ સર્જાય છે. આ તંગદિલીએ (ટેન્શન) અનેક રોગોને નોતર્યા છે, તો બીજી તરફ આ સંઘર્ષે (કૉન્ફ્લીકટ્સ) અનેક ઘર ભાંગ્યા છે. કુટુંબજીવનની, સહૃદયતાની, સહકારની અને સંપની આપણી ભારતીય સંસ્કૃતિની ભાવનાને છિન્ન-ભિન્ન કરી નાખી છે ! કંઈ કેટલીયે વ્યક્તિઓનું જીવન દુ:ખી, આકરું અને દોહ્યલું બનાવી દીધું છે !
 
સહિષ્ણુતા અને અનુકૂલનની માત્રામાં ઘટાડો
પેઢી-અંતરે કુટુંબ, જ્ઞાતિ અને સમાજના સભ્યો વચ્ચે અગાઉ જ સહિષ્ણુતા અને અનુકૂલનની માત્રા હતી, તેમાં તીવ્રતમ ઘટાડો કર્યો છે. જૂની પેઢી કશુંયે ત્યજવા તૈયાર નથી અને નવી પેઢીને તેમની સાથે અનુકૂલન (એડજસ્ટમેન્ટ) સાધવું જ નથી.
આમ, આ ઉત્તર-દક્ષિણ ધ્રુવો ક્યારે મળી શકે તેમ લાગતું નથી; પરિણામે મનદુ:ખ વધે છે; મનમેળ જામતો નથી અને સંયુક્ત કુટુંબનું નાવ કિનારે આવતાં પહેલાં જ ખડકો સાથે અથડાઈને તૂટી પડે છે ! ખૂબ મોટા પાયા પર સર્જાયેલા વૈચારિક મતભેદો સરવાળે ઊંચા અવાજે દલીલો, દલીલોને અંતે તડ અને ફડના નિર્ણયાત્મક તબક્કે પહોંચી જઈ, અંતે છૂટા પડવામાં પોતાનું પ્રેય અને શ્રેય સમજે છે ! બન્ને પેઢીઓમાંથી કોઈપણ પક્ષ કશુંયે જતું કરવા તૈયાર જ નથી; તેથી આખરે એ બાબત સંઘર્ષમાં પરિણમે છે ! આ સંઘર્ષોએ કંઈ કેટલાંયે કુટુંબોને નાની અમથી વાતમાં તારાજ કર્યાં છે !
 
આ સમસ્યાના ઉકેલમાં નવી પેઢીની શી ભૂમિકા હશે?
ભારતીય સંસ્કૃતિમાં આવી સમસ્યાના ઉકેલ છે. ‘જાગ્યા ત્યાંથી સવાર’ એ ન્યાયે ભારતીય કુટુંબજીવનને નંદનવન જેવું ટકાવી રાખવા, આ પેઢી-અંતર ઘટાડવા સાચા દિલ અને દિમાગથી પ્રયત્નો કરવા પડશે, અને એ માટેની એકમાત્ર ચાવી છે. પરસ્પર અનુકૂળતા અથવા સામાજિક પરિવર્તનોને આવકારવાની સતત તૈયારી તથા ઉત્સુકતા.
કેટલાક એવા યે પ્રસંગો બન્યા છે કે, કોઈ નાટક, ફિલ્મ, વ્યાખ્યાન, પ્રવચન, પુસ્તક-વાચન કે વાર્તાના વાચન અથવા લેખના વાચનથી પેઢી-અંતર ઘટ્યું હોય, અરે ! એટલું જ નહીં પરંતુ પશ્ર્ચાતાપના અગ્નિમાં બળીને, શુદ્ધ થઈ, નવી પેઢીનાં સંતાનો ઘરે પાછાં ફર્યા હોય ! અથવા તો વૃદ્ધાશ્રમમાંથી સંતાનો પોતાનાં વૃદ્ધ માતા-પિતા અથવા તો સાસુ-સસરાને પાછા ઘરે લઈ આવ્યાં હોય !
નવી પેઢીની ભૂમિકા કેવી હોવી જોઈએ તેનો સરસ દાખલો આપતા માર્ક ટ્વેઈને લખ્યું છે કે, "હું નાનો હતો ત્યારે મારા પિતા માટે મને ખૂબ અહોભાવ હતો. પરંતુ હું ૧૬ વર્ષનો થયો ત્યારે મને લાગ્યું કે મારા મા-બાપ બીજાના મા-બાપ જેવા જ નોર્મલ (સાધારણ) જ છે અને ૨૧ વર્ષનો થયો ત્યારે મને લાગ્યું કે મારા પિતા સાવ ફાલતુ માણસ છે. પછી હું પરણ્યો. મારા પરિવારમાં દીકરો જન્મ્યો. તેને ઉછેરતાં ઉછેરતાં મને મારા માતા-પિતા યાદ આવી ગયા. મને થયું કે અમારું એક બાળક ઉછેરતાં અમને આટલું બધું કષ્ટ પડે છે તો મારા માતા-પિતાએ ત્રણ સંતાનોને ઉછેરતાં કેટલા કષ્ટો સહન કરવા પડ્યા હશે ? આ વિચારે મને મારા માતા-પિતા માટે પુન:અહોભાવ જાગ્યો.
મને એક પ્રસંગ અહીં યાદ આવે છે કે, ઈ.સ. ૨૦૧૬ની સાલમાં, ટાઉનહોલમાં ‘માબાપને ભૂલશો નહીં’નો એક ગીત-સંગીતથી મઢેલો એક સુંદર કાર્યક્રમથી યોજાયો હતો. હું પણ તે જોવા ગયેલો. કાર્યક્રમ રજૂ કરનાર ભાઈએ ખૂબ જ ભાવાત્મક અને સંવેદના જગાડે તેવી શૈલીમાં એક પછી એક પ્રસંગોને તાદૃશ્ય કરતા ગીતો રજૂ કર્યા કે, ઘણા લોકોની આંખમાં અશ્રુધારાઓ વહેતી મેં જોયેલી. એ કાર્યક્રમના અસરની પરાકાષ્ટા તો એ હતી કે, કાર્યક્રમને અંતે એક ૩૪-૩૫ વર્ષનો યુવક અને ૩૨-૩૩ વર્ષની તેમની પત્ની રંગમંચ પર આવીને, કાર્યક્રમ રજૂ કરનારનું કવર આપી સન્માન કર્યું અને બે જ વાક્યો માઈકમાં પેલી યુવતી બોલી, ‘અમે આવતી કાલે જ વૃદ્ધાશ્રમ જઈશું, અને હું મારા સસરાને નારણપુરાના વૃદ્ધાશ્રમમાંથી પાછા અમારે ઘરે લઈ આવીશું.’
અમિતાભ બચ્ચન અને હેમામાલિનીને રજૂ કરતી ફિલ્મ ‘બાગબાન’નો અંત પણ આ તબક્કે જરૂર યાદ આવી જાય !
 

 
આ સમસ્યાના ઉકેલમાં જૂની પેઢીની શી ભૂમિકા હશે?
એક અંગ્રેજી ભાષામાં વાંચેલી વાર્તાનું સ્મરણ પણ અહીં થાય છે, જેનું શીર્ષક હતું - ‘પ્રોડીગલ સન’ (ઉડાઉ દીકરો). વાર્તા ખૂબ જ આજના આપણા ટૉપિકને અનુરૂપ જ છે. એક ખેડૂતને બે પુત્રો હતા. પિતા અને મોટો પુત્ર ખેતરમાં ખૂબ મહેનત કરી, મબલખ અનાજ પકવતા. આમ તો ખેડૂત કુટુંબ ખૂબ સુખી હતું, પરંતુ નાનો પુત્ર કશું જ કામ કરતો નહીં અને રખડી ખાતો ! ભાઈબંધો - દોસ્તો સાથે જે તે ખાઈપીને પૈસા વેડફતો ! મિત્રોની ચઢવણીથી, તેણે પોતાની મિલકતનો અડધો ભાગ લઈને, ઘર છોડી જતો રહ્યો. મહિનાઓ સુધી તે રખડ્યો અને મોજશોખમાં તથા લક્ઝુરિયસ હોટલોમાં રહીને સઘળાં નાણાં વેડફી નાખ્યાં ! એ પછી, તેને એક હૉટલમાં વેઈટર તરીકે નોકરી શરૂ કરવી પડી, તો દિવસના ૧૦-૧૨ કલાક તનતોડ મહેનત કરવી પડતી ! અને, હૉટલનો માલિક થોડુંઘણું વધ્યું-ઘટ્યું ખાવાનું માંડ આપતો અને જો તેના હાથે ડીસ કે કશુંક તૂટી જતું, તો માલિક તેને જોરજોરથી ફટકારતો ! એક દિવસ ખૂબ માર પડતાં, તે રાત્રે જ સ્ટેશને જઈ, વગર ટિકિટે પોતાને ગામની નજીકના સ્ટેશને પહોંચી ગયો ! અને ગામનો એક માણસ મળતાં, તેણે પોતાના પિતાને કહેડાવ્યું કે, ‘કાલે સાંજે હું ઘરે પાછો આવું છું.’
પિતાએ પુત્રના સ્વાગત માટે ભાતભાતની વાનગીઓ જમવા માટે બનાવડાવી, આખું ઘર સાંજે દીપકથી શણગાર્યું ! મોડી સાંજે ખેતરમાંથી પાછો ફરેલો મોટો પુત્ર તો આશ્ર્ચર્યમાં જ પડી ગયો. ઘરે આવી, પિતાને પૂછ્યું, ‘આ બધુ શા માટે ?’ કોને માટે ? જે છોકરો તમારી અડધી મિલકત વેડફીને પાછો આવ્યો છે, તેને માટે આ બધા ઉધામા ? ત્યારે પિતાએ કહ્યું, ‘અરે પુત્ર ! તું તો મારી સાથે જ હતો અને અત્યારે પણ છેને ! જ્યારે મેં આ નાનો પુત્ર તો ગુમાવ્યો જ હતો, તે આજે મને પાછો મળ્યો છે, હું તેને માફ ન કરું તો મારું પિતૃત્વ લજવાય ! તને પણ તારો નાનો ભાઈ આજે પાછો મળે છે, તેનો પણ તને આનંદ છે.’
વડીલોની ભૂમિકા કેવી હોવી જોઈએ તે માટે એક જૂની કહેવતનું સ્મરણ થાય છે. આ કહેવત કહે છે કે ‘ઘરના મોભ પર ઘણા ખીલા ઠોકવામાં આવે છે.’ અર્થાત્ વડીલોએ પરિવારના સર્વેના દુ:ખ અને વેદના પોતે ઓઢી લેવાના હોય છે. આવી ઉદાર મનોવૃત્તિ વડીલે કેળવવાની હોય છે. એક ચોટદાર શેર કહે છે કે...
આવશે નકી નદીઓ દોડતી તને મળવા;
શરત એટલી છે કે તુ સમંદર બની જા.
બસ, આવું થાય તો ઘર સ્વર્ગ બની જાય.