વિચાર વૈભવ : ગુડ ગવર્નન્સ એટલે સફળતાની સહિયારી અનુભૂતિ

    ૦૮-મે-૨૦૧૮

 
જાહેર વહીવટ આધુનિક યુગમાં એક વૈજ્ઞાનિક કે ટેક્નિકલ વિદ્યા જેવું સ્વરૂપ પામે એ સારી વાત છે. કદાચ સમયની આ આવશ્યકતા છે. પણ જેમ સાહિત્યમાં, તત્ત્વજ્ઞાન કે કલાના ક્ષેત્રમાં આવશ્યક છે તેવી ભાવનાત્મક બાબતો આજે પણ એક અનિવાર્ય આવશ્યકતા છે. જાહેર વહિવટ અર્થાત્ ‘ગુડ ગવર્નન્સ’ એ અનેક રીતે ‘પરસેપ્સન’નો વિષય છે. જેમ જેમ સમાજ વધુ શિક્ષિત તેમ તેમ આ ‘પરસેપ્સન’ વધુ ને વધુ વાસ્તવિકતા પર આધારિત બનતું જવાનું. બીજે પક્ષે જાહેર સેવકો કે સરકાર પાસે ‘કોમ્યુનિકેશન’ની એકથી વધારે રીતો, સાધનો અને ક્ષમતાઓ ઉપલબ્ધ થઈ રહી છે. ટેક્નોલોજીએ આપણા અંગત અને જાહેર જીવનમાં જે ફેરફારો સ્થાપી આપ્યા છે, તેના લીધે સગવડ અને પડકારોનું સ્વરૂપ અને ઝડપ બદલાઈ ગયાં છે. આ કારણે ચાણક્ય કે ડિઝરાયેલી કે આધુનિક યુગમાં નોઅમ ચોમોસ્કી જેવા જાહેર સેવાના વિચારકો ‘ગુડ ગવર્નન્સ’ કે સુશાસનની જે વ્યાખ્યા કરી છે તેને નવા સંદર્ભમાં સમજવાની અને મૂલવવાની જ‚રિયાત ઊભી થઈ છે. એક મૂળ મુદ્દો અગત્યનો છે. સુશાસન એ સહિયારી અનુભૂતિનું સરનામું છે. જાહેર સેવક ગમે તેટલા દાવા કરે પણ એના લાભાર્થી પ્રજાજનોને એની અનુભૂતિ થવી જરૂરી છે. આ ‘સહિયારી અનુભૂતિ’એ એકમેકના વિશ્ર્વાસ, પરિશ્રમ અને પારદર્શકતાથી ઉત્પન્ન થાય છે. આમાં કોઈ ટૂંકા રસ્તા હોતા નથી અને હોય છે તો દીર્ઘજીવી હોતા નથી. આમાં બહુ જૂના અનુભવો પણ કામ આવતા નથી, કારણ ટેક્નોલોજીને કારણે અનુભવોની ‘એક્ષપાયરી ડેટ’ ખૂબ જ ઝડપથી આવી જતી હોય છે. જે મૂળ તત્ત્વ છે તે ‘એટિટ્યુડ’નું જાહેર સેવક ગમે તેટલી ટેક્નોલોજી કે ઓફિસો ઊભી કરે પણ એનો ‘મનનો ખૂણો’ જાહેર સેવા માટેનો હોવો જોઈએ. એક પ્રકારની સૂક્ષ્મ સંવેદનાનું સતત આદાનપ્રદાન થાય તો જ આ સેતુબંધ-કાર્ય બને. આ આખી સંકુલ પ્રક્રિયામાં આશ્ર્ચર્યજનક રીતે સત્તાએ ઓછામાં ઓછું દેખાવાનું હોય છે. આ અદૃશ્યતાની તાકાત જ એને એક સુંદર ઊર્ધ્વીકરણ આપે છે. ૧૯૮૮માં જ્યારે હું ખેડાના કલેક્ટર તરીકે હાજર થવા જવાનો હતો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલે મને એક અણીયાળો પ્રશ્ર્ન પૂછેલો, ‘કઈ માનસિકતા સાથે જાવ છો ?’ મેં કહેલું કલેક્ટર એની કેબિનમાં કેદ છે. એકવીસમી સદીમાં આ નહીં ચાલે, હું એને બહાર લાવવા પ્રયત્ન કરીશ. સરકાર અને વહીવટ જેટલા નજીક આવે તેટલું કોમ્યુનિકેશન સરળ બને અને કોમ્યુનિકેશનથી જ પ્રજામાં એક પરસેપ્સનનો પિંડ બંધાતો હોય છે. એક ઐતિહાસિક પ્રયોગ અમે નડિયાદમાં કરેલો. નાગરિક અધિકાર પત્રના મુસદ્દાને નાગરિકોની સભામાં મૂકીને મંજૂર કરાવેલો. ડૉક્ટર, વકીલો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં કરેલા આ પ્રયોગે એક પ્રકારનો સંતોષ આપેલો જેની બહુ લાંબા સમય સુધી પ્રજામાનસ પર અસર રહેલી.
બીજી એક અગત્યની આવશ્યકતા છે તે સુશાસને પોતે મહેનત કરીને નવતર પ્રયોગોથી કે ટેક્નોલોજીના વિનિયોગથી કેટલીક બોલતી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. જાહેર સેવકની આમાં પરીક્ષા છે. કમ્યુનિકેશનની ક્ષમતા ચોક્કસ દિશાના ટીમવર્કથી સમર્પિત બને તો બન્ને પક્ષે સંતોષ અને સહિયારી અનુભૂતિ ઊભી થાય છે. વડોદરામાં ૨૦૦૩માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવાની હતી. મુખ્યમંત્રીશ્રી તરીકેનો શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળનો પહેલો સૌથી મોટો કાર્યક્રમ યોજવાનો હતો ત્યારે એમનું એક સરસ અવલોકન હતું. કશુંક એવું કરીએ જે આધુનિક હોય અને લોન્ગ લાસ્ટીંગ હોય. કલેક્ટર તરીકે મને આ વાત ખૂબ જ પ્રેરણાત્મક લાગી. વડોદરાના કેટલાક તજ્જ્ઞો અને અમારી ટીમે ભેગા મળીને નાગરિક સેવા કેન્દ્ર જે આજે જનસેવા કેન્દ્ર તરીકે જાણીતું થયેલું છે તેની કલ્પના અને અમલ કરેલો. આ પ્રયત્ન થકી ઊભી થયેલી સહિયારી અનુભૂતિ આજે પણ અકબંધ છે. ૨૦૧૫માં જાહેર વહીવટ એક જુદા જ પડકાર તરીકે ઉભરી રહ્યું છે. પશ્ર્ચિમના વિચારકોએ એને પબ્લિક એડ્‌મિનિસ્ટ્રેશન પછી પબ્લિક ગવર્નન્સ અને હવે ન્યુ પબ્લિક મેનેજમેન્ટ એવા નવા નામકરણથી વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ કોમ્યુનિકેશન ક્રાન્તિને કારણે અપેક્ષાઓ અને આદર્શોની નવસેરથી માંડણી કરવી પડે તેમ છે. આ યુગનું અજવાળું આઈ-પેડ અને મોબાઈલના સ્ક્રીન પરથી સરકીને નાગરિકની આંખોને આંજતું કે માંજતું હોય છે. નાગરિકને એની ફરજો વિશે જાગૃત કરવા માટે અનેક અભિયાનો ચાલી રહ્યાં છે, કારણ લોકભાગીદારીનો પ્રવાહ નદીના પ્રવાહ જેવો સતત બદલાતો પ્રવાહ છે. આમાં સાતત્યપૂર્ણ રીતે સંવાદની અનિવાર્યતા ઊભી થયેલી છે. લોકોનું ભણતર અને કોમ્યુનિકેશન ટેક્નોલોજીએ પારદર્શકતાની એક સરસ પરિપાટી ઊભી કરી છે. બીજી તરફ આકાંક્ષાઓને પૂરી કરવાની જવાબદારી માત્ર સરકારની નથી એવી જાહેર સમજણ ભુલાઈ જાય તો કોમ્યુનિકેશન અશક્ય બને. આ એક નાજુક તબક્કો છે. ટેક્નોલોજી બદલવાનો આ તકાજો છે અને બીજી તરફ પબ્લિક કોમ્યુનિકેશનનો પડકાર છે. આ માટે સહિયારી સમજ બંધાય તો જ સહિયારી અનુભૂતિનાં દ્વાર ખૂલે.