વિશ્વ પ્રવાહ : ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા : બે જાની-દુશ્મન દોસ્ત બની શકશે ખરા?

    ૦૮-મે-૨૦૧૮

બીજા વિશ્ર્વયુદ્ધ પછી વિશ્ર્વની મહાસત્તાઓ દ્વારા જર્મની, ભારત, કોરિયા, વિયેટનામ વગેરે દેશોના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. તેમાંથી પૂર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની એક થઈ ગયા, પણ બાકીના દેશોની પ્રજા હજુ પણ આપસમાં લડી રહી છે. તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દોરીસંચાર હેઠળ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈન વચ્ચે ઐતિહાસિક શિખર પરિષદ યોજાઈ ગઈ, જેને કારણે ૬૮ વર્ષ જૂના કોરિયન યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો છે, પણ તેને કારણે બે દેશો ફરી એક થઈ જશે તેમ માનવું જરા વધારે પડતું છે. જો દક્ષિણ કોરિયા અમેરિકાના અને ઉત્તર કોરિયા ચીનના પ્રભાવમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય તો જ કોરિયાની પ્રજાનું અખંડ સપનું સાકાર થઈ શકે છે. જન સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ઉત્તર કોરિયાની કુલ જનસંખ્યા લગભગ અઢી કરોડ જેટલી છે. જેની સામે દક્ષિણ કોરિયાની વસ્તી ૫ કરોડથી વધુ છે. જો બંને દેશ એક થઈ જાય તો જનસંખ્યાની દૃષ્ટિએ પણ આ એક મસમોટો દેશ બની શકે તેમ છે.
 
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને એક કરવાની કોઈ પણ શક્યતા વિશે વિચારણા કરતાં પહેલાં તેના ભાગલા કેવી રીતે પડ્યા ? તેના ઈતિહાસમાં ઊંડા ઊતરવું જરૂરી બની જાય છે. ઈ.સ. ૧૯૧૦ની સાલ સુધી ઉત્તર અને દક્ષિણ કોરિયા સંયુક્ત તેમ જ સ્વતંત્ર દેશ હતો. તેમની ભાષા, સંસ્કૃતિ અને રીતરિવાજો પણ એક હતા. ઈ.સ. ૧૯૧૦માં જાપાને કોરિયા જીતી લીધું ત્યારે જોસેન રાજવંશના ૫૧૮ વર્ષના શાસનનો અંત આવ્યો અને કોરિયા જાપાનનું ગુલામ બન્યું હતું.
 
ઈ.સ. ૧૯૪૫માં જાપાનની હાર સાથે બીજા વિશ્ર્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે જાપાનના કબજા હેઠળ જે કોરિયા વગેરે દેશો હતા તેનો કબજો મિત્રરાષ્ટ્રોના હાથમાં આવ્યો. અમેરિકાએ નક્કી કર્યું હતું કે તે જાપાન તેમજ ફિલિપાઈન્સનો વહીવટ કરશે; માટે કોરિયાના વહીવટની જવાબદારી સંભાળવામાં તેને બહુ રસ નહોતો. રશિયાને કોરિયાનો કબજો કરવામાં વધુ રસ હતો. પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધના અંતે કોરિયાના બે ભાગલા કરવાનું કામ બે અમેરિકન લશ્કરી અફસરોને સોંપવામાં આવ્યું હતું. કોરિયા નામનો દેશ જાણે રશિયાની અને અમેરિકાની સંપત્તિ હોય તેમ કોરિયા અમેરિકાના ભાગે આવ્યું હતું. કોરિયાના ભાગલા કરવાનું કામ અમેરિકાનાં લશ્કરને સોંપવામાં આવ્યું હતું માટે તેણે જે રીતે ભાગલા કર્યા તેમાં કોરિયાની રાજધાની ગણાતું સિઉલ શહેર અમેરિકાના કબજાના દક્ષિણ કોરિયાના ભાગે આવ્યું હતું.
 
ઈ.સ. ૧૯૪૫ પછી રશિયા અને અમેરિકા મળીને કોરિયાનો વહીવટ કરતા હતા. તેમની યોજના ઈ.સ. ૧૯૪૮ સુધીમાં કોરિયાના બંને ભાગોને એક કરીને સ્થાનિક પ્રજાને તેનો વહીવટ સોંપી દેવાની હતી; પણ રશિયા અને અમેરિકાને એકબીજા પર વિશ્ર્વાસ નહોતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય પક્ષો દ્વારા ચૂંટણીની યોજના તૈયાર કરવામાં આવી હતી, પણ અમેરિકાને લાગ્યું કે તેના કેટલાક નેતાઓ ડાબેરી વિચારધારા ધરાવે છે, માટે અમેરિકા તેમને સત્તા સોંપવા તૈયાર નહોતું. ઈ.સ. ૧૯૪૮માં અમેરિકાએ દક્ષિણ કોરિયામાં ચૂંટણી કરાવ્યા વિના મૂડીવાદી વિચારધારા ધરાવતા નેતા સિંગમેન રહીને દક્ષિણ કોરિયાના પ્રમુખ બનાવી દીધા. દક્ષિણ કોરિયાએ પોતાને સ્વંતત્ર દેશ તરીકે જાહેર કરી દીધો. પછીથી દક્ષિણ કોરિયાના સામ્યવાદી પક્ષો સામેનો સંઘર્ષ શરૂ કરી દીધો.
 
આ બાજુ રશિયાએ વિશ્ર્વયુદ્ધમાં રશિયા વતી લડનારા કીમ ઈલ સંગને ઉત્તર કોરિયાનો સરમુખત્યાર બનાવી દીધો. તેણે ઉત્તર કોરિયામાં મૂડીવાદીઓનો મુકાબલો કરવા માંડ્યો હતો. કીમ ઈલ સંગે પોતાની જાતને મહાન નેતા તરીકે જાહેર કરી દીધો અને ઉત્તર કોરિયામાં ઠેકઠેકાણે તેનાં પૂતળાંઓ ઊભાં કરવાની શ‚આત કરી દીધી. દક્ષિણ કોરિયાને અમેરિકા દ્વારા ઝાઝાં શસ્ત્રો આપવામાં ન આવ્યાં હોવાથી તેનું લશ્કર નબળું હતું. જ્યારે ઉત્તર કોરિયાને રશિયા દ્વારા આધુનિક શસ્ત્રો આપવામાં આવ્યાં હોવાથી તે મજબૂત હતું. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ ઈલ સંગને લાગ્યું કે કોરિયાને એક કરવાનો સારો મોકો છે. માટે તેણે દક્ષિણ કોરિયા પર હુમલો કરી દીધો.
 
ઈ.સ. ૧૯૫૦ની ૨૪મી જૂને ઉત્તર કોરિયાના લશ્કરે દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો તેમાં રશિયાના તત્કાલીન પ્રમુખ જોસેફ સ્ટાલિનના સંપૂર્ણ આશીર્વાદ હતા. ઉત્તર કોરિયાનાં લશ્કર પાસે ટેન્ક સહિતનાં આધુનિક હથિયારો હોવાથી તેણે જોતજોતામાં રાજધાની સિઉલ સહિત દક્ષિણ કોરિયાના મોટા ભાગ પર કબજો કરી લીધો. અમેરિકા તેની સામે યુનોની સલામતી સમિતિમાં ગયું. સલામતી સમિતિના ઠરાવ મુજબ અમેરિકાએ ઉત્તર કોરિયા સામેના યુદ્ધમાં ઝંપલાવી દીધું.
 
કોરિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકાના હાથમાં દક્ષિણ કોરિયાનું પુસાન નામનું શહેર જ હતું. તેને પોતાનું થાણું બનાવીને અમેરિકાએ બ્રિટન વગેરે દેશોના સાથમાં પ્રતિઆક્રમણ શરૂ કર્યું. અમેરિકાના લશ્કરે દક્ષિણ કોરિયાની રાજધાની પિયાંગયાંગ પર કબજો જમાવી દીધો. અમેરિકાનું લશ્કર સમગ્ર ઉત્તર કોરિયાને ધમરોળતું યાલુ નદીના કાંઠે આવી ગયું, જ્યાંથી સામ્યવાદી ચીનની સરહદ શરૂ થતી હતી.
 
ચીનના પ્રમુખ માઓ ઝેદાંગને ડર લાગ્યો કે અમેરિકા હવે ચીન પર કબજો જમાવવાની કોશિશ કરશે, માટે તેણે પોતાની પૂરી તાકાતથી યુદ્ધમાં ઝંપલાવી દીધું. ચીનના લશ્કરે ઉત્તર કોરિયાના લશ્કર સાથે હાથ મિલાવીને અમેરિકાના લશ્કરને દક્ષિણમાં ખદેડવાનું ચાલુ કર્યું. તેણે ઉત્તર કોરિયાની રાજધાની પિયાંગયાંગને અમેરિકાની ચુંગાલમાંથી મુક્ત કરીને અમેરિકાના લશ્કરને દક્ષિણ કોરિયાની સરહદ સુધી ખદેડી કાઢ્યું. એક વર્ષની લડાઈમાં કોરિયા અને ચીનના લગભગ ૩૦ લાખ લોકો ઉપરાંત અમેરિકાના ૩૬,૫૦૦ સૈનિકો માર્યા ગયા હતા. ઈ.સ. ૧૯૫૩માં બંને પક્ષ તરફથી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો, પણ સત્તાવાર રીતે યુદ્ધનો અંત આણવામાં આવ્યો નહોતો.
 
કોરિયાના યુદ્ધ પછી દક્ષિણ કોરિયામાં મૂડીવાદી અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું, જેને કારણે દક્ષિણ કોરિયા સમૃદ્ધ દેશ બની ઊભરી આવ્યો હતો. ઉત્તર કોરિયામાં ચીનના પ્રભાવ હેઠળ સામ્યવાદી વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી. જેને કારણે પ્રજા ગરીબીમાં સબડી રહી છે. તેમ છતાં ઉત્તર કોરિયાના સરમુખત્યારો દ્વારા અણુબોમ્બ બનાવીને પોતાની તાકાતનું પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું છે.
 
દક્ષિણ કોરિયા સતત એવા ભય નીચે જીવતું આવ્યું છે કે ઉત્તર કોરિયા ગમે ત્યારે તેની ઉપર હુમલો કરીને તેને જીતી લેશે. આ કારણે અમેરિકાનું લશ્કર કાયમ માટે દક્ષિણ કોરિયામાં રોકાઈ ગયું છે. હકીકતમાં અમેરિકાને દક્ષિણ કોરિયા પર પોતાનો કબજો જમાવવા માટેનું કારણ બની ગયું છે. દક્ષિણ કોરિયા હકીકતમાં અમેરિકાના સંસ્થાન જેવું બની ગયું છે.
આજની તારીખમાં દક્ષિણ કોરિયા અમેરિકાની કઠપૂતળી છે તો ઉત્તર કોરિયા ચીનની કઠપૂતળી છે.
હવે અમેરિકાના દોરીસંચાર હેઠળ દક્ષિણ કોરિયા મંત્રણા માટે તૈયાર થયું છે તો ચીનના દોરીસંચાર હેઠળ ઉત્તર કોરિયા મંત્રણા માટે તૈયાર થયું છે. જો અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટનો અંત આવે તો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા કાયમ માટે એક થઈ શકે છે.