વિશેષ : નવી દિલ્હીના ‘ડેલહાઉસી રોડ’ના નવનામાભિધાન પ્રસંગે‘દારા શૂકોહ માર્ગ’ માટે સ્મરણયાત્રા

    ૦૮-મે-૨૦૧૮

 
 
પદ્મશ્રી ગુણવંતભાઈ શાહે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉદ્દેશીને કહેલું કે, ‘નરેન્દ્રભાઈ, આજે આપના કાવ્ય-સંગ્રહ ‘સાક્ષીભાવ’ના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ આ સમારંભમાં, એક વિશેષ બાબતનું સૂચન કરવાનો લોભ જતો કરી શકતો નથી. આ દિવસોમાં આપ આગામી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી મહાઅભિયાનમાં વ્યસ્ત છો. મારી એવી અભિલાષા છે કે, આપ પ્રધાનમંત્રી તરીકે નવી દિલ્હી પહોંચો ત્યારે લોકાભિમુખ અને રાષ્ટ્રગૌરવના અનેકવિધ પ્રકલ્પોની આપની કાર્ય-સૂચિમાં એક બાબતને અગ્રતા આપશો, એવું અંતરતમ્થી ઇચ્છું છું. દિલ્હીના રાજમાર્ગોના નામોમાં ‘ઔરંગઝેબ રોડ’ જેવા નામો આજે પણ હયાત છે ! આવા જુલ્મી શાસકોના કાળગ્રસ્ત નામોવાળા માર્ગોને બદલીને ‘ફિલોસોફર કાંગ’ બનવાની સંપૂર્ણ પાત્રતા ધરાવતા, દારા શૂકોહના પ્રેરક સ્મરણમાં, દિલ્હીના મહત્ત્વના રાજમાર્ગનું નવ નામાભિધાન ‘દારા શૂકોહ માર્ગ’ કરશો એવી અભિલાષા આ સમારંભમાં પ્રકટ કરું છું !’
ડૉ. ગુણવંતભાઈ શાહની ઉપર્યુક્ત અંતરની અભિલાષા પરિપૂર્ણ થઈ અને નવી દિલ્હીના ‘ડેલહાઉસી રોડ’નું નવનામાભિધાન ‘દારા શૂકોહ માર્ગ’ થયું. એ માટે દિલ્હીના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર શ્રી નજીબજંગની સહાયતા-સમર્થન પણ સ્મરણીય છે ! આ રીતે શ્રી મોદીજીના શાસનમાં સ્વરાજના સાતમા દાયકામાં સ્વરાજના સ્વાભિમાન અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપ આવા આવકાર્ય નિર્ણયના સ્વાગતમાં નાગરિક પહેલ તરીકે ગયા અઠવાડિયે ડૉ. ગુણવંતભાઈ શાહની આગેવાનીમાં દિલ્હી ખાતે ‘દારા શૂકોહ માર્ગ’ ઉપર પ્રેરક સ્મરણયાત્રાનું આયોજન થયું. એ પ્રસંગે ઉદ્બોધન કરતાં શ્રી ગુણવંતભાઈએ ઉમેર્યું કે ‘ભારતવર્ષની પ્રાચીનતમ ઉપનિષદોના ઊંડા મર્મજ્ઞ અને તેનો ફારસી અનુવાદ કરીને, ઉપનિષદોને પશ્ર્ચિમી વિશ્ર્વમાં પહોંચાડવાનું અપૂર્વ કાર્ય, દારા શૂકોહના નામે ભારતીય ઇતિહાસમાં સુવર્ણકારે નોંધાયેલું રહેશે ! ઔરંગઝેબે તેના જ મોટાભાઈ દારાની પણ નિર્મમ હત્યા કરી. જો આવી કરુણાંતિકા ન સર્જાઈ હોત તો કદાચ ૧૯૪૭માં દેશવિભાજન સાથે મઝહબી પાકિસ્તાન પણ ઊભું ન થયું હોત ! ઉપનિષદોના ઊંડા મર્મજ્ઞ એવા દારા શૂકોહની પ્રેરક સ્મૃતિમાં આજે આપણે તેમને ભાવાંજલિ અર્પણ કરી, સ્વરાજને સુરાજ્યમાં ‚પાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ થઈએ.’
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલ શ્રી રાજીવ ગાંધી સરકારના પૂર્વમંત્રી શ્રી આરીફ મહંમદખાને (જેમણે શાહબાનો પ્રકરણમાં રાજીવ સરકારની ગેરનીતિ-રીતિ વિરુદ્ધ પદત્યાગ કરેલો !) તેમના ઉદ્બોધનમાં એક વિશેષ માહિતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ‘ઔરંગઝેબના એક સુજ્ઞ-સાહસિક-સજ્જન વૈદ્યરાજે, દારા શૂકોહની ઔરંગઝેબ દ્વારા નિર્મમ હત્યા પછી, દારા શૂકોહના અમૂલ્ય લખાણોબાળી નાખેલા, પરંતુ આ વૈદ્યરાજે તેમાંથી મહત્ત્વની કૃતિઓને ચોરી છૂપીથી સાચવીને જનતાજોગ કરી આપેલી ! આવા મહાન દાર્શનિક ‘દારા શૂકોહ માર્ગ’ પર નાગરિક પહેલથી યોજાયેલ આજની સ્મરણ-યાત્રામાં જોડાતાં હું અત્યંત ખુશી અને ગૌરવ અનુભવું છું.’
આ સમારંભમાં ડૉ. ગુણવંતભાઈ શાહ અને શ્રી આરિફ મહંમદખાન ઉપરાંત સર્વશ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ (પૂર્વ સાંસદ, વડોદરા), ડૉ. યોગેશ સિંઘ (પૂર્વ કુલપતિ, મ.સ. ગાયકવાડ યુનિ. વડોદરા), શ્રી કુલજીત ચહલ, ડૉ. કમલેશભાઈ ઉપાધ્યાય (અમદાવાદ), સુશ્રી અમીષાબહેન શાહ, જયંતિભાઈ નાયી, પ્રજ્ઞાબહેન કલાર્થી, ઉર્વિબહેન શબનીસ, અજીતભાઈ કાલરિયા અને પારસ મકવાણા વગેરે ઉપસ્થિત રહેલા.
અત્રે એે નોંધવું જ‚રી છે કે, દિલ્હીમાં સક્રિય ડઝનબંધ રાજકીય પક્ષો - જેઓ ‘સવાયા સેક્યુલર’ ગણાવવા એકમેકની સ્પર્ધા કરી રહ્યાં છે તેઓમાંથી કોઈ રાજકીય આગેવાન આવા પ્રેરક સમારંભમાં ઉપસ્થિત રહ્યાં નહોતા. તેમાં સુખદ અપવાદરૂપ, દિલ્હી ભારતીય જનતા પાર્ટીની મહિલા પાંખની બહેનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી, ‘દારા શૂકોહ માર્ગ’ પરની નાગરિક પહેલ યુક્ત સ્મરણ-યાત્રાની શોભાવૃદ્ધિ કરી હતી. માર્ગના નવનામાભિધાન માટે નવી દિલ્હી મહાનગર નિગમ અભિનંદને પાત્ર છે.
‘સાધના’ના સુજ્ઞ વાચકોને યાદ હશે કે દારા શૂકોહ અંગે ‘સાધના’એ પણ અગાઉ વિશેષ ઉલ્લેખો સાથેનો માહિતીપ્રદ લેખ પ્રગટ કરેલો છે.