સેવાયાત્રા : ધન્વન્તરી સેવાયાત્રાનાં સંસ્મરણો

    ૦૯-મે-૨૦૧૮


 

સેવાભારતી-પૂર્વાંચલ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન (એન.એમ..) દ્વારા વરસે - એપ્રિલ દરમ્યાન યોજાનારી ૧૫મી ધન્વન્તરી સેવાયાત્રામાં જોડાવા માટેનુ નિમંત્રણ ડૉ. એમ.સી. પટેલ દ્વારા મળ્યું. તેઓ વરસે નાગાલેન્ડ જઈ રહ્યા હતા. છેલ્લાં થોડાં વરસોથી સેવાયાત્રામાં જોડાવાની મારી અદમ્ય ઇચ્છા હતી પણ કંઈક ને કંઈક સંજોગો એવા આવે કે, જઈ શકાય નહીં. વરસે સંજોગો અનુકૂળ હતા. આથી, મેં તથા ડૉ. હેતલ ચૌહાણે તેમની સાથે જોડાવાનું નક્કી કર્યું. આસામના ગુવાહાતી/ગૌહાતી પહોંચવાની ટિકિટો કરાવી અને સાથે સાથે અમારા મેડિકલ રજીસ્ટ્રેશનની વિગતો તેમ હાલમા ક્યાં કાર્યરત છીએ તેની વિગતો મોકલી આપી. અગાઉથી અમારી મુસાફરીની વિગતો સંયોજક ડૉ. પ્રાંજલ ભારાલી, સેવા પ્રમુખ શ્રી નિરજજી પારીક તેમ કાર્યક્રમના ઇન્ચાર્જ સુરેન્દ્રજીને મોકલાવી દીધી હતી. આથી, વિમાનમથકે અમારા માટે વાહનની વ્યવસ્થા થઈ ગઈ હતી. અમારો ઉતારો શિલ્પગ્રામમાં હતો, કે જ્યાં સેવાયાત્રામાં જોડાવા માટે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ અને દેશના અન્ય ભાગોમાંથી નિષ્ણાત તબીબો તેમ તબીબી વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. અમેરિકા અને ઇંગ્લેન્ડમાં રહેતા બિનનિવાસી ભારતીય તબીબો પણ સેવાયાત્રામાં પોતાનું યોગદાન આપવા આવી પહોંચ્યા હતા.

વળતી સવારે બાકીની ટુકડીઓની ઘોષણા કરવામાં આવી. દરેક ટુકડીમાં વરિષ્ઠ તબીબો તેમ તબીબી છાત્રોનો સમાવેશ કરાયો હતો. જે તે ટુકડીને પોતાના ગંતવ્ય સ્થળે જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ ૧૩૫ વરિષ્ઠ તબીબો અને ૧૧૮ તબીબી વિદ્યાર્થીઓની ૨૭ ટુકડીઓ પોતપોતાના નિર્ધારિત સ્થાને જવા નીકળ્યા. કોક અરુણાચલ, તો કોક મિઝોરામ, તો કોક મણિપુર તો કોક તિનસુખિયા તો કોક કોકરાઝાર તો કોક માઝુલી...અમારે ગૌહાતીથી લગભગ ૨૯૦ કિમી દૂર આવેલા નાગાલેન્ડના મોટામાં મોટા શહેર દિમાપુર ખાતે જવાનું છે. અમારી સાથે બનારસ હિંદુ યુનિવર્સિટીના તૃતીય એમ.બી.બી.એસ.ના બે વિદ્યાર્થીઓ આશિષ અને મુરલીધર તથા અમદાવાદના દાંતના તજ્જ્ઞ ડૉ. ભૂપેન્દ્ર હતા. લગભગ સાત-આઠ કલાકની મુસાફરી કરવાની છે. ભારતનાં નકશામાં જોઈએ તો નાગાલેન્ડની પૂર્વમાં મ્યાનમાર, ઉત્તરે આસામ-‚ણાચલ, પશ્ર્ચિમે આસામ અને દક્ષિણે મણિપુર. દિમાપુર આસામ-નાગાલેન્ડની સરહદે છે. એટલે અમારો મોટાભાગનો રસ્તો આસામમાંથી પસાર થતો હતો. રસ્તામાં આવતાં ગામડાંનાં ઘરો ઢળતા છાપરાવાળાં જેની દીવાલો વાંસની બનેલી હતી અને વાડામાં સોપારી તથા કેળ તો હોય .

પૂર્વ ભારતમાં સાડાપાંચ- વાગતાં સૂર્યાસ્ત થઈ જાય છે. અંધારું થવા લાગ્યું છે. હવે રસ્તો બહુ ખરાબ છે. દિમાપુર પહોંચ્યાં ત્યારે સાત વાગી ગયેલા. અમારો ઉતારો કાલીબાડી તરીકે ઓળખાતા કાલી મંદિરમાં હતો. મનોજ જૈન નામના સ્થાનિક વેપારીને અમારા રહેવા-જમવાની વ્યવસ્થા સોંપવામાં આવી હતી. આજે અમારે દિમાપુરના એક વિસ્તારમા મેડિકલ કેમ્પમાં જવાનું હતું. અમે ત્યાં પહોંચ્યાં ત્યારે અમારા સૌનું સ્વાગત નાગાલેન્ડના લાલ-કાળા-સફેદ ઊનમાંથી બનાવેલ પરંપરાગત ખેસ દ્વારા કરવામાં આવ્યું. તે પછી અમે દરદીઓને તપાસવાના શરૂ કર્યા. દવાઓની વ્યવસ્થા પણ હતી. ભાષાની થોડી ઘણી મુશ્કેલી પડે તો સ્વયંસેવકો અમને મદદ કરતા. પછીના દિવસોમાં લોહારીજાન, કાલીરામ બસ્તી, સિંગરીજાન, દુબાગાંવ નામનાં સ્થળોએ મેડિકલ કેમ્પમાં સેવાઓ આપી તેમ આરોગ્યલક્ષી વક્તવ્યો આપ્યાં.

સાંજ પડે અમે દિમાપુર શહેરની મુલાકાતે નીકળ્યાં. અહીં વિવિધ મંદિરો જોયાં. દિગંબર જૈન મંદિરની સ્થાપના .. ૧૯૪૭માં થયેલી છે. ગુરુદ્વારા, ગણેશ મંદિર, હનુમાન મંદિર, સીતલામાતા મંદિર વગેરે પણ છે. દિમાપુર આસામની સરહદની નજીક છે, એટલે મંદિરો સારા એવા પ્રમાણમાં છે. ભીમની શતરંજ તરીકે ઓળખાતા પુરાતત્ત્વીય સ્થળે શતરંજની રમતના પથ્થરનાં મસમોટાં પ્યાદાંઓ જોયાં. કહેવાય છે કે, ભીમ અને ઘટોત્કચ અહીં શતરંજ રમતા હતા. ભીમની પત્ની અને ઘટોત્કચની માતા હિડિમ્બા અહીંની રાજકુમારી હતી. દિમાપુર નામ પણ હિડિમ્બાપુરનું અપભ્રંશ છે. આમ, માત્ર નાગાલેન્ડ નહીં, પૂર્વ ભારતનાં કેટલાંય સ્થળોને મહાભારત અને પુરાણો સાથે નાતો છે. બાણાસુરે પોતાની પુત્રી ઉષાને નજરકેદમાં રાખી હતી તે સ્થળ અગ્નિઘરની મુલાકાત મેં થોડાં વરસ પહેલાં આસામના તેઝપુર શહેરમાં લીધી હતી. કહેવાય છે કે, સ્થળની ચારેકોર અગ્નિ પ્રજ્વલિત રહેતો હતો, આથી તેનું નામ અગ્નિઘર રાખવામાં આવેલું. કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના પ્રેમમાં પડી ગયેલ ઉષા માટે ઉષાની બહેનપણી ચિત્રલેખાએ પોતાની અનન્ય શક્તિથી એક રાત્રે અનિરુદ્ધનુ હરણ કરેલું, તે ઓખાહરણ અને તે પછી કૃષ્ણ અને શિવ વચ્ચે થયેલ હરિ-હરનું યુદ્ધ. નરકાસુર અને શક્તિપીઠ કામાખ્યાદેવી મંદિરને પણ આસામ સાથે નાતો. કૃષ્ણનાં લગ્ન ‚કમણિ સાથે થયેલાં, તે ‚ક્મણિ ‚ણાચલની ઇદુ મીશ્મી આદિવાસી પ્રજાતિની હતી. ‚ણાચલમાં આવેલા પરશુરામ કુંડમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાનું માહાત્મ્ય પણ છે.

એક સમયે સ્થાનિક આદિવાસી પ્રજાતિઓ ઝાડ-પાન, પ્રાણીઓ તેમ કુદરતનાં તત્ત્વોની પૂજા કરતી હતી, પરંતુ ક્રિશ્ચિયન મિશનરીની અસર હેઠળ હવે નાગાલેન્ડ, મિઝોરમ તથા મેઘાલયની ૯૦ ટકાથી પણ વધુ વસ્તી ક્રિશ્ર્ચિયન છે. એટલે ઠેકઠેકાણે ચર્ચ તો નજરે ચઢે. સિંગરીજાન અને દુબાગાંવથી થોડેક દૂર શિવમંદિર જોયાં. દરેક ગામની બહાર કમાન આકારનું પ્રવેશદ્વાર બનાવેલું હોય છે, જેના પર ગામનું નામ તેમ સ્થાનિક આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરતાં ચિત્રો દોરેલાં હોય છે. નાગાલેન્ડની સ્થાનિક આદિવાસી પ્રજા તો ભૂંડ અને કૂતરાનું માંસ પણ ખાય છે. એટલે, ક્યાંક કોક જગ્યાએ મને કૂતરા દેખાઈ જાય તો, મનોમન હું વિચારું કે, કૂતરા હજુ બચી ગયા છે!

ધન્વતંરી સેવાયાત્રાના ઉપક્રમે અમે જે મેડિકલ કેમ્પમાં સેવાઓ આપી તે સંદર્ભે અમારે નાગાલેન્ડના મહામહિમ રાજ્યપાલ પદ્મનાભ આચાર્યજીની મુલાકાતે જવાનું હતું. આથી અમે વહેલી સવારે કોહિમા જવા નીકળ્યાં. અંતર માત્ર ૭૦ કિમીનું પણ રસ્તા એટલા ખરાબ કે, અઢી કલાકે અમે કોહિમા પહોંચ્યાં. જોકે, વનરાજી અને પહાડોની સુંદરતાએ ઉબડખાબડ રસ્તાની ખોટ પૂરી કરી. રાજ્યપાલશ્રીએ અમારી સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમ અમને સૌને યાદગીરી રૂપે નાનકડી ભેટ આપી.

બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન ૧૪૨૦ ભારતીય અને અંગ્રેજ સૈનિકો કે જે જાપાન સામે યુદ્ધ દરમ્યાન મૃત્યુ પામ્યા હતા તેમની યાદમાં બનાવાયેલ કોહિમા વોર સેમેટરી પણ અમે જોઈ. ત્યાં પોતાનાં બાળકો સાથે મુલાકાતે આવેલ સ્થાનિક મહિલાએ મને પુછ્યું, where are you from ? તો મેં કહ્યું, ગુજરાત. તો તે કહે, from state of Narendra Modi ! મેં હકારમાં માથું હલાવ્યું. સ્થાનિક મહિલા ફાંકડું અંગ્રેજી બોલી રહી હતી, કારણ કે, નાગાલેન્ડની રાજ્યભાષા અંગ્રેજી છે!

સમાપન સમારંભ ગૌહાતી ચિકિત્સા મહાવિદ્યાલયના ઓડિટોરિયમમાં આસામના મહામહિમ રાજ્યપાલ પ્રો. જગદીશ મુખી, ગૌહાતી ચિકિત્સા મહાવિદ્યાલયના અધ્યક્ષ ડૉ. અતિંદ્રકુમાર અધિકારી, એન.એમ..ના રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. યોગેન્દ્ર મલિક તેમ અન્ય મહાનુભાવો તેમ ધન્વન્તરી સેવાયાત્રાના આયોજનના તમામ પદાધિકારીઓની હાજરીમાં યોજાયો. સેવા આપનાર તમામ તબીબો અને વિદ્યાર્થીઓને ગમોસા તરીકે ઓળખાતા આસામના પરંપરાગત સફેદ-લાલ રંગના ખેસ દ્વારા સન્માન કરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

૧૫મી ધન્વન્તરી સેવાયાત્રામાં કુલ ૨૪૬ ગામોમાં ૧૩૮ મેડિકલ કેમ્પ દરમ્યાન કુલ ૨૯૪૩૮ દરદીઓની તપાસ-સારવાર કરવામાં આવી. નાગાલેન્ડમાં પાંચ કેમ્પ દરમ્યાન અમે ૭૫૮ દરદીઓ તપાસ્યા અને જેટલા આરોગ્ય વિષયક વ્યાખ્યાન આપ્યાં. શાળાનાં બાળકોને સ્વચ્છતા, તરુણીઓને તારુણ્યશિક્ષણ તેમ બહેનોને સ્ત્રી-પ્રસૂતિ રોગ તેમ રક્તચાપ, મધુપ્રમેહ જેવા રોગો અંગે મહિતગાર કર્યાં. અહીંના વિસ્તારોના લોકોને ચામડીના રોગો તેમ દાંતના રોગો વધુ પ્રમાણમાં છે. ઉપરાંત લોકો લોહીના ઊંચા દબાણ, કુપોષણ અને વધુ પડતા તીખા ખોરાકના કારણે અમ્લપિત્તની સમસ્યાઓથી પીડાય છે. મોટાભાગની બહેનો તો ઘરે પ્રસૂતિ કરાવે છે. આથી, આરોગ્યવિષયક શિક્ષણ, વખતોવખત તપાસ તેમ યોગ્ય સારવારની ખૂબ જરૂર છે. વધુ ને વધુ તબીબો સેવાયાત્રામાં જોડાય તે જરૂરી છે. સંજોગો અનુકૂળ હશે તો આવતા વરસે હું ફરી ધન્વતંરી સેવાયાત્રામા જોડાવા માંગું છું.

***

(લેખિકા MD, FICOG અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં સ્ત્રી-પ્રસુતિ રોગ વિભાગમાં પ્રાધ્યાપક છે.)