ભાજપ માટે ૨૦૧૯માં જીતવું કેમ સરળ છે ? આ રહ્યા કારણો

    ૧૨-જૂન-૨૦૧૮

ભાજપનો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જયજયકાર થયો તેનું કારણ ૧૫ રાજ્યો હતાં. ઉત્તર પ્રદેશ (૮૦), મહારાષ્ટ્ર (૪૮), બિહાર (૪૦), મધ્ય પ્રદેશ (૨૯), કર્ણાટક (૨૮), ગુજરાત (૨૬), રાજસ્થાન (૨૫), આસામ (૧૪), ઝારખંડ (૧૪), છત્તીસગઢ (૧૧), હરિયાણા (૧૦), દિલ્હી (૭), ઉત્તરાખંડ (૫), હિમાચલ પ્રદેશ (૪) અને જમ્મુ અને કાશ્મીર (૬)માં ભાજપે વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાંખેલાં. આ ૧૫ રાજ્યોની લોકસભા બેઠકોની સંખ્યા ૩૪૭ છે ને તેમાંથી ભાજપે પોતે એકલા હાથે ૨૬૬ બેઠકો જીતી હતી. મતલબ કે ૭૭ ટકા બેઠકો ભાજપે એકલા હાથે જીતી હતી.
 
ભાજપના સાથી પક્ષોમાં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ૧૮ ને સ્વાભિમાની પાર્ટીએ ૧ મળીને ૧૯, બિહારમાં લોકજનશક્તિ પાર્ટીએ ૬ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ૩ મળીને ૯ અને ઉત્તર પ્રદેશમાં અપના દલે ૨ બેઠકો મળીને કુલ ૩૦ બેઠકો જીતેલી. મતલબ કે ભાજપ તથા સાથી પક્ષોએ કુલ મળીને ૩૪૭માંથી ૨૯૬ બેઠકો જીતેલી. આ ૧૫ રાજ્યોમાં ભાજપે કુલ બેઠકોના ૮૫ ટકા બેઠકો જીતીને છાકો પાડી દીધેલો. પછીથી જનતા દળ (યુ) ને પીડીપી ભાજપની પંગતમાં બેસી ગયાં. એ બંનેની ૩-૩ બેઠકો ઉમેરો તો આંકડો ૩૦૨ પર પહોંચે. મતલબ કે ૯૦ ટકા બેઠકો ભાજપ ને સાથી પક્ષોએ જીતી હતી.
હવે આ રાજ્યોમાં રાજકીય સમીકરણો શું છે ? આ રાજ્યો પૈકી મહારાષ્ટ્ર (૪૮), મધ્ય પ્રદેશ (૨૯), કર્ણાટક (૨૮), ગુજરાત (૨૬), રાજસ્થાન (૨૫), આસામ (૧૪), ઝારખંડ (૧૪), છત્તીસગઢ (૧૧), હરિયાણા (૧૦), ઉત્તરાખંડ (૫) અને હિમાચલ પ્રદેશ (૪) એટલાં રાજ્યોમાં ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સાથે હતી ને આજેય એ જ સ્થિતિ છે. મમતા બેનરજી કે કુમારસ્વામી કે અખિલેશ-માયાવતી કોંગ્રેસ સાથે જોડાય તેના કારણે આ રાજ્યો પર કોઈ અસર પડવાની નથી. કહેવાતી વિપક્ષી એકતા થાય કે ના થાય, આ રાજ્યોમાં સીધી ટક્કર ભાજપ ને કોંગ્રેસ વચ્ચે જ છે. આ ૧૧ રાજ્યોની લોકસભા બેઠકોની સંખ્યા ૨૧૪ છે. મતલબ કે ભાજપે આ ૨૧૪ બેઠકો પર સીધું કોંગ્રેસ સામે લડવાનું છે.
 
હવે સવાલ એ છે કે કોંગ્રેસ ભાજપને હરાવવાની વાત તો છોડો પણ પડકાર આપવા માટે પણ સક્ષમ છે ખરી ? બિલકુલ નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકી રહ્યાં છે ને પંજાબને બાદ કરતાં કોંગ્રેસે નવું કોઈ રાજ્ય જીત્યું નથી. ભાજપ સાથે સીધી ટક્કર છે તે રાજ્યોમાં કોંગ્રેસની હાલત બગડતી ગઈ છે એ સંજોગોમાં કોંગ્રેસ પડકાર જ નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી તો કોંગ્રેસની હાલત દયનીય બની ગઈ છે. આ સંજોગોમાં એ ભાજપને હરાવી શકે એ શક્ય જ નથી. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, નેતૃત્વ નથી, સંગઠનની શક્તિ નથી એ જોતાં એ તો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયાં મારી રહી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૪૪ બેઠકો પર આવી ગયેલી કોંગ્રેસ માટે તો આ વખતે તો ત્યા સુધી પહોંચાશે કે કેમ એ સવાલ છે કેમ કે તેની પાસે ગણીને પુડુચેરી અને પંજાબ એ બે રાજ્યો બચ્યાં છે.
 
આ મોરચામાં જોડાઈ શકે તેવા બીજા પ્રાદેશિક પક્ષોનું જ્યાં વર્ચસ્વ છે તે રાજ્યોમાં ભાજપનો બહુ પ્રભાવ નથી તેથી પણ જોડાણની અસર ના પડે. અત્યારે દેશમાં પશ્ચિમ બંગાળ (૪૨), તમિલનાડુ (૩૯), આંધ્ર પ્રદેશ (૨૫), કેરળ (૨૧) અને તેલંગાણા (૧૭) એ ૫ મોટાં રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપનો બહુ પ્રભાવ નથી. આ ૫ રાજ્યોમાં લોકસભાની ૧૪૪ બેઠકો છે ને ભાજપે ૨૦૧૪માં તેમાંથી ૬ બેઠકો જીતેલી. ભાજપ એકલા હાથે લડે તો પણ આટલી બેઠકો જીતે જ. બલ્કે અત્યારે કદાચ વધારે બેઠકો જીતે. અત્યારે વિપક્ષી એકતામાં ઓડિશાના નવીન પટનાઈક જોડાશે કે નહીં એ નક્કી નથી. ઓડિશામાંથી લોકસભાની ૨૧ બેઠકો છે. જો કે એ ભાજપ સાથે આમ પણ નથી ને ભાજપે ૨૦૧૪માં ઓડિશામાં સારો દેખાવ નહોતો કર્યો. ભાજપ ગઈ વખતે ઓડિશામાં માત્ર એક બેઠક જીત્યો હતો. આ વખતે ભાજપ ઓડિશામાં સારો દેખાવ કરે તો તેના માટે વકરો એટલો નફો જેવો ઘાટ થાય.
 
દેશનાં મધ્યમ કક્ષાનાં રાજ્યો પૈકી દિલ્હી (૭), ઉત્તરાખંડ (૫), હિમાચલ પ્રદેશ (૪), જમ્મુ અને કાશ્મીર (૬)માં ભાજપે સપાટો બોલાવીને ૨૦૧૪માં ૨૨માંથી ૧૯ બેઠકો જીતેલી. કાશ્મીરની બાકીની ૩ બેઠકો મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને મળેલી. હવે પીડીપી ભાજપ સાથે છે તેથી ભાજપ કાશ્મીરમાં મજબૂત છે. ઉત્તરાખંડ ને હિમાચલ પ્રદેશમાં ભાજપની કોંગ્રેસ સાથે સીધી ટક્કર છે તેથી ત્યાં અસર ના થાય. દિલ્હીમાં કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી સામે ભાજપનો મુકાબલો છે. ભાજપે ૨૦૧૪માં દિલ્હીની બધી સાત બેઠકો જીતી પછી અરવિંદ કેજરીવાલે સપાટો બોલાવીને વિધાનસભાની ૭૦માંથી ૬૭ બેઠકો જીતેલી. આ સંજોગોમાં ભાજપ ફરી બધી બેઠકો જીતે કે કેમ એ સવાલ છે પણ દિલ્હીની સાત જ બેઠકો છે તે જોતાં ભાજપ માટે બહુ ચિંતાનો વિષય નથી. ભાજપને થોડોક ઘસારો પડે ને ભાજપ ૨૦૧૪ની જેમ બધી બેઠકો ના જીતી શકે પણ એ નુકસાન બીજે સરભર થાય એમ છે.
 

 
 
બીજું એક મહત્ત્વનુ પરિબળ પણ ધ્યાનમાં લેવા જેવું છે. આ પહેલી વાર એવું નથી બન્યું કે ભાજપ સામે આ રીતે બધા પક્ષો એક થવાની વાતો કરતા હોય અથવા એક થયા હોય. એવું પહેલાં પણ બન્યું છે ને તેનું કોઈ પરિણામ આવ્યું નથી. ખાસ સંજોગોમાં આ પક્ષો એક થયા હોય તો પણ તેમના અહમ્ ને સત્તાલાલસા એવાં છે કે સાથે રહી જ ના શકે. આ બધા પક્ષો માટે સત્તા લોકોની સેવા કરવાનું માધ્યમ નથી પણ ‚પિયા રળવાનો રસ્તો છે તેથી એ બધા સાથે રહી શકે એમ જ નથી.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં કોંગ્રેસ ને બીજા બધા પ્રાદેશિક પક્ષો ઊંધા માથે પછડાયા પછી આ બધી વાતો ચાલેલી જ પણ બહુ જલદી હવા થઈ ગયેલી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર ને લાલુ પ્રસાદે ભેગા થઈને ભાજપ સામે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસ પણ તેમાં જોડાઈ હતી ને તેમણે જીત પણ મેળવી પણ પછી શું થયું એ સૌને ખબર છે. લાલુ પ્રસાદના પુત્રનો ભ્રષ્ટાચાર સામે આવ્યો ને નીતિશ કુમારે રાજીનામું આપવા કહ્યું તેમાં લાલુ છંછેડાઈ ગયા. નીતિશની વાત સાચી હતી પણ લાલુ અને તેમના પરિવાર માટે સત્તા ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ છે તેથી એ જોડાણ તૂટ્યું.
ભાજપે રાજકીય અસ્થિરતા ટાળવા નીતિશને ટેકો આપ્યો તેથી તેમની સરકાર ટકી ગઈ પણ આ ઘટનાક્રમે કહેવાતી વિપક્ષી એકતા કેટલી તકલાદી છે તે સાબિત કરી દીધું. આ પ્રકારની બધી ઘટનાઓની વાત કરવી શક્ય નથી પણ ભૂતકાળમાં માયાવતી-મુલાયમ, મમતા-કોંગ્રેસ વગેરે સાથે થયાં છે ને પછી ટૂંકા ગાળામાં ઝઘડીને અલગ પણ થયાં છે. તેનું કારણ એ જ છે કે આ રાજકીય પક્ષોના પોતપોતાના સ્વાર્થ છે. તેમનો એજન્ડા હકારાત્મક રાજકારણ નથી પણ સત્તાનું રાજકારણ છે. સિદ્ધાંતો કે વિચારધારાના બદલે એ લોકો સત્તાના કારણે ભેગા થાય છે ને ભાગબટાઈમાં વાંધો પડે એટલે અલગ થઈ જાય છે. આવું વારંવાર બન્યું છે ને વિપક્ષી એકતાની વાતો માત્ર બણગાં જ સાબિત થઈ છે.
 
રાજકારણમાં કોઈ આગાહી કરવી શક્ય નથી પણ અત્યારનો ટ્રેન્ડ જોતાં ભાજપ મજબૂત છે તેમાં શંકા નથી. ૨૦૧૪ પછી તેનો વિજયરથ અટક્યો નથી ને ભાજપ તથા તેના સાથી પક્ષો શાસિત રાજ્યોમાં વધારો જ થતો રહ્યો છે. અત્યારે એનડીએનું ૨૨ રાજ્યોમાં શાસન છે ને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે પાંચ વર્ષમાં કરેલાં કામો પણ લોકો સામે છે. સામે કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોએ આ પાંચ વર્ષમાં શું કર્યું એ પણ લોકો સામે છે એ જોતાં ભાજપ માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ચિંતાનો વિષય નથી ને આ કહેવાતી વિપક્ષી એકતા તેના માટે પડકાર જ નથી. હા, તેના કારણે રાજકીય ઉત્તેજનાનો માહોલ રહેશે ને લોકોને મનોરંજન મળ્યા કરશે એ નક્કી છે. આ નેતાઓના હાકલા પડકારા અને મોં-માથા વિનાની વાતોના કારણે લોકોને લોકસભાની ચૂંટણી લગી મનોરંજનની ખોટ નહીં પડે તેમાં શંકા નથી.
 

 
વાજપેયી સિવાય કોઈ બિનકોંગ્રેસી વડાપ્રધાન પાંચ વર્ષ ટક્યા નથી
 
કેન્દ્રમાં ચાર વાર ભાજપ સિવાયના પક્ષના વડાપ્રધાન બન્યા ને ચારેય વાર તેમની સરકારો ટૂંકા ગાળામાં ઘરભેગી થઈ. આ પૈકી ત્રણ વાર તો કોંગ્રેસે જ ટેકો આપેલો ને પછી ખેંચી લીધો. પહેલાં ૧૯૯૦માં જનતા દળમાં ભંગાણ પડાવીને કોંગ્રેસે ચંદ્રશેખરને વડાપ્રધાન બનાવેલા. ચાર મહિના પછી સાવ ફાલતુ કારણસર ટેકો પાછો ખેંચીને તેમને ઘરભેગા કરી દીધા. ૧૯૯૬માં દેવગૌડાને વડાપ્રધાન બનાવ્યા પછી એ જ ઇતિહાસ કોંગ્રેસે દોહરાવ્યો અને એક વર્ષમાં ગૌડાજીને ઘરભેગા કરી દીધા. પછી ઈન્દર કુમાર ગુજરાલ વડાપ્રધાન બન્યા તો તેમને પણ એક વર્ષમાં કોંગ્રેસે ઉથલાવી દીધા. આમ કોંગ્રેસનો આ ઇતિહાસ જ છે. એ ભાજપને સત્તામાં આવતો રોકવા માટે વિપક્ષી એકતાનું નાટક કરે છે ને પછી તેમને અપમાનિત કરીને ઘરભેગા કરી દે છે. બીજી તરફ કેન્દ્રમાં ભાજપે બીજા પક્ષોના ટેકાથી સરકાર રચી ત્યારે શું થયું એ પણ જોવા જેવું છે. આ દેશમાં પાંચ વર્ષ પૂરાં કરનારી એક માત્ર બિન કોંગ્રેસી સરકાર ભાજપની છે. અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી સળંગ પાંચ વર્ષ રાજ કર્યું અને પોતાની આખી ટર્મ પૂરી કરનારા પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. વાજપેયી પાસે સ્પષ્ટ બહુમતી નહોતી પણ તેમણે કોંગ્રેસની જેમ બીજા પક્ષોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરીને પછી ફેંકી દેવાના બદલે તેમને સાચવવાની અને દેશનો વિકાસ કરવાની નીતિ અપનાવી તેમાં એ પાંચ વર્ષ ટકી ગયા. વાજપેયી કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન નહોતા બન્યા એ પણ કારણ છે. બાકી કોંગ્રેસે તેમને પણ યુઝ એન્ડ થ્રો નીતિ અપનાવીને વાપરીને ફેંકી દીધા હોત.
 
- જય પંડિત