કબીરા ખડા બાજારમેં, લિયો લકુટી હાથ,જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ !

    ૧૬-જૂન-૨૦૧૮

 
 
૧૬ જૂન, સંત કબીરજીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ
ગોરખપુરથી થોડેક દૂર મગહર નામનું ગામડું આવેલું છે. લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગે જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય ! કબીર ખાસું લાંબુ જીવેલા. કેટલાક વિદ્વાનોએ એમની ઉંમર ૧૨૦ વર્ષની માંડી છે. કાશીમાં રહેનારા કબીર છેક છેલ્લી અવસ્થામાં કાશી છોડીને, મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરક્રાંતિ. લોકોની અંધશ્રદ્ધા તોડવા માટે જ તેમણે આવું પગલું ભરેલું. મગહર જવાનું થયું ત્યારે જોયું કે ત્યાં મંદિર-મસ્જિદ લગોલગ ઊભાં છે. તીર્થસ્થાનો તો ઘણાં હોય છે, પરંતુ અંધશ્રદ્ધા ટળે તેવા અને વિચાર પ્રેરે તેવા આ તીર્થસ્થાન મગહરની મુલાકાત ભારતના હિન્દુઓ અને મુસલમાનોએ ખાસ લેવી જોઈએ. ગરીબદાસનો દોહો છે :
 
કાસી તજ કર મગહર ચલે, કિયા કબીર પયાન
ચાદર ફૂલ બિછે હી છાંડે, સબ્દે સબ્દ સમાન ॥
 
કબીરનો અંતિમ સંસ્કાર કઈ રીતે કરવો ? તેની તકરાર બે કોમો વચ્ચે જામી પડી. લોકોએ બારણું ખોલીને જોયું તો કબીરસાહેબના શબની જગ્યાએ માત્ર ફૂલ અને ચાદર હતાં. હું મગહર જઈ આવ્યો છું. મગહર એટલે ‘કબીરનું ક્રાંતિતીર્થ !’
કબીરનો દીકરો કમાલ પણ વિચારક હતો. કબીરના દેહવિલય પછી કમાલને કહેવામાં આવ્યું : એક સંપ્રદાય શ‚ કરો. કમાલે તરત જ વળતો જવાબ આપ્યો : ‘મારા પિતા જીવનની છેલ્લી પળ સુધી સંપ્રદાયની વિરુદ્ધ હતા અને હું જો એમના નામે સંપ્રદાય શ‚ કરું તો, પિતાના સત્યની જ હત્યા થાય.’ તે વખતે કેટલાક લોકોએ કમાલની નિંદા કરી અને કહ્યું : ‘ડૂબા વંશ કબીરકા ઉપજ્યૌ પુત્ર કમાલ.’ કબીરની દીકરી કમાલી સાથે એક બ્રાહ્મણે લગ્ન કર્યંુ હતું એમ આચાર્ય ક્ષિતિમોહન સેને નોંધ્યું છે...
 
***
 
આપણે કબીરને ન સમજ્યા તેથી ગાંધીજીને પણ સમજી ન શક્યા. પાંચ-પાંચ સદીઓ પછી પણ આપણે ઠેરના ઠેર ! આજના ભારતની ધાર્મિક અવદશા જોઈને કબીર જ‚ર રડી પડે. ભણેલા-ગણેલા લોકો ચમત્કાર અને અંધશ્રદ્ધામાં ડૂબેલા છે. ગણપતિ ચોથ લગભગ ઘોંઘાટચોથ બની ગઈ છે. દિવાળીમાં કાને પડતો ઘોંઘાટ લગભગ ૧૦૦ ડેસિબલ સુધી પહોંચી જાય છે. એ અવાજ કેટલો ભયંકર છે ? વિમાન ટેઈક-ઑફ કરે ત્યારે થાય તેટલો મોટો એ અવાજ ગણાય. આટલો અવાજ ભારે નુકસાનકારક છે. ધર્મ ઘોંઘાટનું પ્રદૂષણ ફેલાવે કે મૌનનું અજવાળું પ્રગટાવે? એટલું ખરું કે હિન્દુ ધર્મમાં પેઠેલાં અનિષ્ટોની ખુલ્લંખુલ્લા નિંદા થઈ શકે છે. ખ્રિસ્તીઓ પણ પ્રમાણમાં ઘણા ખુલ્લા મનના છે. મનના ખુલ્લાપણાની બાબતે મુસ્લિમ ભાઈઓ તટસ્થ આલોચના માટે ઓછા તૈયાર જણાય છે. ભારતીય સેક્યુલરિઝમની અવદશાનું રહસ્ય સેક્યુલર કર્મશીલોની આવી બૌદ્ધિક બદમાશીમાં રહેલું છે. કબીરે મહંતોની ટીકા કરી તે સાથે મુલ્લાઓની ટીકા પણ કરેલી. કબીરને પક્ષે રહેલો અભય સાચે જ સેક્યુલર હતો. આવો અભય આજે ખૂટતો જણાય છે...
 
***
 
કબીરનું સેક્યુલરિઝમ એટલે સર્વધર્મ-સમભાવથી શોભતું તટસ્થ અને સ્વસ્થ સેક્યુલરિઝમ. કબીરે મહંત અને મુલ્લાઓની કડક ટીકા કરવામાં કોઈ પક્ષપાત નથી બતાવ્યો. કબીરની રામભક્તિ પણ હિન્દુત્વમાં પેઠેલા સડાની આકરી નિંદા કરવામાં આડે નથી આવી. તેથી તો તેઓ કહી શક્યા :
 
પથ્થર પૂજે હરિ મિલે, તો મેં પૂજું ગિરિરાય
સબસે તો ચક્કી ભલી, કિ પિસ પિસ કે ખાય ॥
 
કહે છે : પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોય તો હું આખો પર્વત જ પૂજું, શા માટે નાની મૂર્તિ પૂજું ? તેમના કરતાં તો ઘંટી સારી, કે જેને ફેરવવાથી લોટ તો મળે !
 
કોમી એકતાનો ખરો આધાર સત્ય છે. કોમી સમસ્યાનું પૃથક્કરણ કરતી વખતે કેવળ સત્યનો જ આધાર લેવાય તે ઇચ્છનીય છે. એ જ પ્રમાણે કરુણાનો આધાર કેવળ ઇન્સાનિયત જ હોઈ શકે. આમ સ્વસ્થ સેક્યુલરિઝમનો, એટલે સર્વધર્મ-સમભાવનો પાયો કેવળ સત્ય અને કરુણા જ હોઈ શકે...
 
***
 
કબીર પોતાનો ઉપદેશ ‘સાધુ’ ભાઈને આપતા હતા અથવા પોતાની જાતને જ સંબોધિત કરીને કહી દેતા. જો એમની વાત સાંભળનાર કોઈ ન મળે તો તેઓ નિશ્ર્ચિંત થઈને પોતાને જ પોકારી ઊઠતા : ‘અપની રાહ તૂ ચલે કબીરા !’ પોતાની રાહ એટલે ધર્મ, સંપ્રદાય, જાતિ, કુલ અને શાસ્ત્રોની ‚ઢિથી બદ્ધ માર્ગ નહીં; પણ પોતાના અનુભવ દ્વારા પ્રત્યક્ષ સિદ્ધમાર્ગ છે. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીની આ વાત કબીરના મિજાજને પ્રગટ કરનારી છે. વેસ્કોટ કહે છે કે ‘કબીર’ શબ્દનો અરબી ભાષામાં અર્થ થાય છે : ‘મહાન’. એ આગળ ઉમેરે છે કે કુરાનમાં અલ્લાહનાં ૯૯ નામો છે, જેમાંનું એક નામ છે : ‘અલ કબીર’...
 
***
 
ભારત આજકાલ એવા સેક્યુલરિઝમની શોધમાં છે; જેમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય. કબીર પંદરમી સદીમાં થઈ ગયા. લગભગ છ જેટલી સદી વીતી તોય અંધશ્રદ્ધા, ઝનૂન અને કોમી વૈમનસ્ય ઘટવાનું નામ નથી લેતાં. જો કબીરની વાતો હિન્દુઓ અને મુસલમાનોએ કાન દઈને સાંભળી હોત તો, કદાચ દેશના ભાગલા થયા ન હોત. આજે કબીર સદેહે પાછા આવે તો આપણને જ‚ર પૂછે : ઇન્ટરનેટ અને સેલફોન વાપરનારા તમે લોકો હજી પંદરમી સદીમાં જ જીવો છો કે શું ?
ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગાં થઈ જાય ત્યારે સમાજને કબીર મળે છે. ચંદ્રની ચાંદની માનવીના મનને શીતળતા અર્પે છે. સૂરજનો તડકો પ્રજાળે છે, પરંતુ રોગનાશક હોય છે. કબીરમાં ચાંદની અને તડકો સાથોસાથ વસેલાં જણાય છે. કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી. કબીર ભીતર સમશીતોષ્ણ હતા અને જગતના ખેલને સાક્ષીભાવે જોનારા મરમી (મિસ્ટિક) હતા, પરંતુ મહંત-મુલ્લાને ખુલ્લા પાડવામાં એમણે કોઈ કસર ન છોડી. કબીરક્રાંતિ અધૂરી રહી, તેથી આજે પણ કોમી હુલ્લડો થાય છે. કબીરક્રાંતિનો ધ્વનિ કબીરની પંક્તિઓમાં હજી સંભળાય છે.
 
કબીરા ખડા બાજારમેં, લિયો લકુટી હાથ,
જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ !
 
શું કબીર સેક્યુલર હતા ? લેનિન, સ્તાલિન, નેહરુ કે માઓ ઝેડોંગ જે અર્થમાં સેક્યુલર હતા, તે અર્થમાં કબીર ‘સેક્યુલર’ ન હતા. કબીરના સેક્યુલરિઝમમાં ધર્મની બાદબાકી ન હતી. ગાંધીજીની માફક તેઓ પરમ રામભક્ત હતા. તેઓ રામભક્ત હતા, પરંતુ રામ-રહીમ એક જ પરમાત્માનાં બે નામો છે એવું સમજનારા હતા. સદીઓથી માનવજાતને ત્રણ બાબતો કનડતી આવી છે. જ્ઞાનમાર્ગીઓની શુષ્કતા, કર્મમાર્ગીઓનો વૈતરાપ્રેમ અને ભક્તિમાર્ગીઓનું વેવલાપણું ઘણુંખરું રોગની કક્ષાએ પહોંચી જાય છે. કબીર જ્ઞાની હતા, કર્મયોગી હતા અને ભક્ત પણ હતા. પંદરમી સદીના ભારતમાં ધર્મના ક્ષેત્રે વ્યાપેલા દંભ, પાખંડ અને ભ્રષ્ટાચારને તેઓ આરપાર નીરખી શક્યા, પરખી શક્યા અને તેથી પડકારી શક્યા. સંત અને મહંત વચ્ચે, ફકીર અને મુલ્લા વચ્ચે તથા સેઇન્ટ અને બિશપ વચ્ચે ભેળસેળ થઈ જાય ત્યારે, ધર્મ અને ધતિંગ વચ્ચેની ભેદરેખા નષ્ટ થાય છે. પરિણામે ઉપદેશ વધી પડે છે અને ઉદ્દેશનું વિસ્મરણ થાય છે. આજે પણ ધર્મને નામે જે અધર્મ ઘોંઘાટ મચાવતો રહે છે તે પ્રજાને પાડનારો છે. ધર્મના નામે હુલ્લડો થઈ શકે ? ધર્મને નામે કતલ થઈ શકે ? વિચારતત્ત્વ વગર ધર્મતત્ત્વ ટકી ન શકે. કબીરની પંક્તિઓમાં સાચા ધર્મનો મંગલ ધ્વનિ સંભળાય છે :
 
મોકો કહાં ઢૂંઢે બન્દે, મૈ તો તેરે પાસ મેં
ના મૈ દેવલ ના મૈં મસજીદ, ના કાબે કૈલાસ મેં
ના તો કૌનો ક્રિયાકર્મમેં, નહીં યોગ વૈરાગમેં
કહૈ કબીર સુનો ભાઈ સાધો, સબ સ્વાંસો કી સ્વાંસમેં ॥
 
***
 
(સાભાર : ‘કબીરા ખડા બાજારમેં’
લેખક : ગુણવંત શાહ, પ્રકાશક : આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.)