સંગઠિત સમાજ જ સમૃદ્ધ ભારતની ચાવી છે : ડૉ. મોહનજી ભાગવત

    ૨૨-જૂન-૨૦૧૮

 
 
"વિવિધતામાં એકતા પર સંઘનો દૃઢ વિશ્ર્વાસ છે. આ ભૂમિને માતા માનનાર દરેક વ્યક્તિ ભારતીય છે અને વિવિધતામાં એકતા જ ભારતની વિશેષતા છે અને એ જ ભારતની સંસ્કૃતિ છે. આ શબ્દો હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના. તેઓશ્રી નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગ તૃતીય વર્ષના સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેઓશ્રીએ પોતાના પ્રસંગોચિત પ્રેરક પ્રવચનમાં કહ્યું હતું કે,
 
‘નાગપુરમાં દર વર્ષે સંઘના તૃતીય વર્ષનો વર્ગ લાગે છે અને દર વર્ષે તેના સમાપન સમારોહમાં સંઘ સ્થાપનાના સમયથી જ દેશના સજ્જનોને આમંત્રિત કરવાની પરંપરા રહી છે. આમંત્રિત અહીં આવે છે. સંઘનું સ્વ‚પ જુવે છે અને પોતાના તરફથી કોઈ વાત કરે છે. તેમની વાતને પાથેય ‚પે સ્વીકારી તેનું ચિંતન કરી અમે આગળ વધીએ છીએ. આ વખતે આ પરંપરાની કાંઈ વિશેષ જ ચર્ચા ચાલી હતી. વાસ્તવમાં આ એક સ્વાભાવિક નિત્યક્રમમાં થનારો પ્રસંગ છે. ત્યારે તેના પક્ષમાં અને વિપક્ષમાં ચર્ચા સાવ નિરર્થક છે. અત્યંત જ્ઞાનસમૃદ્ધ એવું આદરણીય વ્યક્તિત્વ શ્રી પ્રણવ મુખર્જી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા સજ્જનોના પાથેયનો લાભ આપણને મળી રહ્યો છે. તેના માટે તેમના આભારી છીએ. અમારા દ્વારા તેમને સહજ‚પથી આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓશ્રીએ અમારો ભાવ જોઈ તે આમંત્રણ સ્વીકાર્યુ. ત્યારે તેમને કેમ બોલાવ્યા અને તેઓ શું કામ જાય છે એ ચર્ચા નિરર્થક છે. સંઘ સંઘ છે અને ડૉ. પ્રણવ મુખર્જી ડૉ. પ્રણવ મુખર્જી છે અને રહેશે.
 
હિન્દુ સમાજનું એક અલગ પ્રભાવી સંગઠન ઊભુ કરવા માટે સંઘ નથી. સંઘ તો સંપૂર્ણ સમાજને સંગઠિત કરવા માંગે છે. માટે અમારા માટે કોઈ પારકા નથી. એક ભારતવાસી માટે બીજો કોઈ ભારતવાસી પારકો કેવી રીતે હોઈ શકે ? વિવિધતામાં એકતા એ આપણાં દેશની હજારો વર્ષોની પરંપરા છે. આપણે આ ભૂમિ પર જન્મ લીધો છે. તે માત્રથી જ આપણે ભારતવાસી નથી બની જતા. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ભૂમિ પર જન્મેલ પ્રત્યેક વ્યક્તિ ભારતીય છે અને ભારતમાતાની સેવા કરવી એ તેનું કામ છે. ભારત ભૂમિ સુજલ સુફલ માતૃભૂમિ છે અને ચારેય તરફથી પ્રાકૃતિક દૃષ્ટિથી સુરક્ષિત હતી. તેમાં બહારના લોકોનું આવાગમન ખૂબ ઓછું હતું. જ્યારે અંદર ભરપૂર સમૃદ્ધિ હતી માટે જીવન જીવવા માટે આપણે કોઈની સાથે સંઘર્ષ કરવો જ પડ્યો નથી. માટે સ્વાભાવિક રીતે જ આપણે એ વૃત્તિના બન્યા કે અહીં સર્વત્ર ભરપૂર છે, તેનો ઉપભોગ કરી આપણે સમૃદ્ધ બનીએ. કોઈ અહીં આવે છે તો ઠીક છે. તેની સામે કોઈ જ વાંધો નથી. ભાષાઓ-પંથ-સંપ્રદાયની વિવિધતા તો પહેલેથી જ છે. રાજનૈતિક મતપ્રવાહ વિચારપ્રણાલિઓ પણ પહેલેથી જ રહી છે, પરંતુ આ વિવિધતામાં પણ આપણે સૌ ભારતમાતાના પુત્રો છીએ. અન્યની વિવિધતાનું સન્માન કરતા તેઓનો સ્વીકાર એ આપણી સંસ્કૃતિ છે.
 
સમગ્ર દેશને, વિશ્ર્વના ભેદ અને સ્વાર્થ મિટાવી સુખી સમૃદ્ધ જીવન આપનારો પ્રાકૃતિક ધર્મ આ દેશને મળે તે પ્રયોજનથી આ દેશે અનેક મહાપુરુષોનેે ઊભા કર્યા છે તેઓ એ આ દેશને પોતાના જીવનના બલિદાન આપી સુરક્ષિત કર્યો, પોતાના પરસેવાથી સીંચ્યો છે. એ મહાપુરુષો આપણા પૂર્વજો હોવાને કારણે તેમને આપણા હૃદયમાં ગૌરવભર્યંુ સ્થાન આપી તેમનું અનુસરણ કરવાનો પ્રયાસ સંઘ કરે છે. ક્યારેક મત-મતાંતરણ થઈ જાય છે, વિવાદ પણ થાય છે, પરંતુ તે તમામ બાબતોની એક મર્યાદા છે. એ મત-મતાંતરણ છતાં પણ સૌ ભારતને પરમ વૈભવે પહોંચાડવાના પ્રયત્નો કરીએ જ છીએ. પરંતુ આ દેખાતી વિવિધતા એક જ એકતામાંથી ઊપજી છે. આ ભાવનાનું ધ્યાન રાખી ‘આપણે સૌ એક જ છીએ’નું પણ દર્શન સમયે સમયે થતું રહેવું જોઈએ. કારણ કે કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર કોઈ સમૂહ નથી હોતા. વ્યક્તિ નથી હોતા, સરકારો નથી હોતી. સરકારો ઘણુ બધુ કરી શકે છે, પરંતુ બધું જ કરી શકતી નથી.
 

 
 
દેશનો સામાન્ય સમાજ જ્યારે ગુણ-સંપન્ન બની ખુદના અંત:કરણમાંથી ભેદોને તિલાંજલિ આપી દેશ માટે પુરુષાર્થ કરવા તૈયાર થાય છે ત્યારે તમામ જૂથ-સમૂહ, નેતાઓ સરકારો તે અભિયાનનાં સહાયક બને છે અને ત્યારે દેશનું ભાગ્ય બદલાય છે. સ્વતંત્રતા પહેલાં સ્વતંત્રતા માટે ચળવળ ચલાવનાર મહાપુરુષોના મનમાં આ વિચાર હતો જ. તેઓને લાગતું હતું કે અમારા પ્રયાસથી કાંઈક પરિવર્તન આવશે, પરંતુ માત્ર અમારા પ્રયાસથી જ સદાય માટે આ બીમારી મટી જવાની નથી. જ્યાં સુધી દેશના સામાન્ય સમાજને વિશિષ્ટ ગુણવત્તાના સ્તર પર ઊભો કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશના દુર્જનોનો સંપૂર્ણપણે અંત નહીં આવે શકે. સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારજી આ તમામ કાર્યોના સક્રિય કાર્યકર્તા હતા. તેમને પોતાના જીવન માટે કાંઈ કરવાની ઈચ્છા કે આકાંક્ષા નહોતી. તેઓ તમામ કાર્યોમાં સક્રિય રહ્યા. કોંગ્રેસના આંદોલનમાં બે વખત જેલવાસ વેઠ્યો. કોંગ્રેસના કાર્યકર્તા પણ રહ્યા. અગગ્રણ્ય ક્રાંતિકારીઓ સાથે ક્રાંતિની યોજના બનાવી અને તેના ક્રિયાન્વયનમાં પણ ભાગ લીધો. સમાજસુધારના કામમાં સુધારકો સાથે પણ રહ્યા. ધર્મસંસ્કૃતિના સંરક્ષણ માટે સંતો મહાત્માઓ સાથે પણ રહ્યા. આ તમામ કાર્યો સાથે તેમનું ચિંતન પણ ચાલ્યું અને તે તમામ મહાનુભાવોના અનુભવોનો લાભ પણ તેમને મળ્યો.
 
‘હિન્દુ સમાજ ભારતનો ઉત્તરદાયી સમાજ છે. સદીઓથી ભારતમાં રહેતો આવ્યો છે, એટલી વાત જ નથી, દેશમાં તે બહુમતીમાં છે. એટલી જ વાત નથી. પરંતુ ભારતનાં ભવિષ્યને લઈ તેને જ પ્રશ્ર્ન પૂછવામાં આવશે. ત્યારે તેનું જ એ દાયિત્વ છે કે ભારતને પરમ વૈભવે પહોંચાડવા સક્રિય બને અને હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કામ આજથી શ‚ થયું છે.’ આ વાક્યો હેડગેવારજીએ સંઘની સ્થાપના વખતે કહ્યાં હતાં. સંઘની આપણે બધા એક જ છીએ એ વાત કોઈને એકદમ સમજાય છે તો કોઈને એકદમ સમજાતી નથી. કોઈને સમજમાં આવે છે, પરંતુ તેમને લાગે છે કે, જો સંઘની સાથે આવીશું તો આપણને નુકસાન થશે. માટે સંઘથી અલગ ચાલે છે, જ્યારે ચોથાને આ વાત સમજવી જ નથી.
 
આપણા સૌના પૂર્વજો ૪૦ હજાર વર્ષથી સમાન છે એવું ડીએનએ વિજ્ઞાન કહે છે. આ સત્યને આપણે સ્વીકારવાની જ‚ર છે. સંઘ આ જ કરી રહ્યો છે. સંઘ સૌને સાથે લઈ ચાલનારું સંગઠન છે. સમાજનું સંગઠન કરવાનું કામ સંઘ કરે છે. કારણ કે સંગઠિત સમાજ જ દેશના ભાગ્ય પરિવર્તનની ચાવી છે. માત્ર પુસ્તકો વાંચી, ભાષણો સાંભળી સંગઠન થતાં નથી. સંગઠન માટે એક વિશિષ્ટ વ્યવહારની જ‚ર પડે છે. સૌહાર્દ, સૌમનસ્યના વ્યવહારની જ‚ર હોય છે. આ વ્યવહાર વગર સંગઠન શક્ય નથી અને આ વ્યવહારની વાત સ્વભાવ સાથે સંબંધિત હોય છે અને સ્વભાવ આદતોથી બને છે અને વાતાવરણ થકી ચાલે છે. આ વાતાવરણ બનાવવાનું કામ સંઘ કરે છે. પોતાના આચરણથી સમાજહિતૈષી આચરણનું વાતાવરણ નિર્માણ કરી શકે તેવા કાર્યકર્તાઓના સમૂહની જ‚ર પડે છે અને સંઘનો આ જ પ્રયાસ છે.