૨૬ જૂન, કટોકટી દિન નિમિત્તે વિશેષ...કટોકટીમાં ‘સાધના’ સાપ્તાહિકની ભૂમિકા

    ૨૬-જૂન-૨૦૧૮   

 
એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોના બનેલા જનતા-મોરચાને હાથે કરારી હાર અને બીજી તરફ અલાહાબાદ વડી અદાલતમાં ચૂંટણી અંગેનો કેસ હારી જતાં અને બન્ને પરાજયો એક જ દિવસે ૧૨ જૂન, ૧૯૭૫ને દિવસે જ આવી પડતાં, તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી તિલમિલી ઊઠ્યાં. જનતાંત્રિક-પરંપરા અનુસાર અદાલતની આમન્યા જાળવી પદત્યાગ કરવાને બદલે ઇન્દિરાજીએ ૨૫ જૂન, ૧૯૭૫ની મધરાતે કથિત આંતરિક કટોકટી જાહેર કરીને, જયપ્રકાશજી સહિત દેશના તમામ વિપક્ષી આગેવાનો અને સેંકડો કાર્યકર્તાઓને કારાવાસમાં ધકેલી દીધા.
 
કટોકટીની જાહેરાત સાથે જ ઇન્દિરાજીએ તમામ સંચાર-માધ્યમો, અખબારી જગતને ગળે ટૂંપો દેવા માટે, અખબારી પ્રિ-સેન્સરશિપનો કાળો વટહુકમ પણ જાહેર કરી દીધો ! આ સંદર્ભમાં સાધનાએ જનતાંત્રિક-મૂલ્યો, નાગરિક-સ્વાંતત્ર્ય અને અખબારી-આઝાદીની સુરક્ષા અને સંવર્ધનના એ ઐતિહાસિક સંઘર્ષમાં, જે યશસ્વી ભૂમિકા ભજવી એ આજે ચાર દાયકાઓ પછી પણ અત્યંત પ્રેરક અને ગૌરવસ્પદ બની રહેલ છે.
 
જે દિવસે કટોકટી લાદવામાં આવી એ જ દિવસે, ‘સાધના’નો ૨૮ જૂનનો અંક ૨૫ તારીખે જ તૈયાર થઈને છપાઈ ગયેલો. તેનું મુખ્ય શીર્ષક હતું : ‘ન્યાયાલયના ચુકાદા પછી વડાપ્રધાનપદે રહેવા માટેની વ્યૂહરચના !’ આવા વિસ્ફોટક અહેવાલવાળો ‘સાધના’નો એ અંક પણ ૨૫ તારીખે મોડી રાતે લદાયેલી કટોકટી પછી, ઇન્દિરા શાસનને વાંધાજનક લાગ્યો. તેથી એ અંકની ‘સાધના’ની વિસ્ફોટક સામગ્રીથી તિલમિલાઈ જઈને, ઇન્દિરા-પ્રશાસને ‘સાધના’ ઉપર તેની કડી નજર ગોઠવી.
 
એ પછી ‘સાધના’નો ૫ જુલાઈનો અંક પણ આવ્યો. તેમાં કટોકટી રાજ દ્વારા લાદવામાં આવેલી અખબારી પ્રિ-સેન્સરશિપના વિરોધમાં તંત્રીલેખની સંપૂર્ણ જગ્યા કોરી રાખીને - તેમાં માત્ર આટલું જ લખાયું : ‘૨૬ જૂન, ૧૯૭૫’. તેની નીચે સોલ્ઝેનિત્સિનનું સૂચક વાક્ય પણ લખવામાં આવ્યું. ‘સત્યના એક શબ્દનું વજન, આખી દુનિયાના વજન કરતાં વધુ છે.’
અખબારી પ્રિ-સેન્સરશિપ વિરુદ્ધની લડાઈમાં, વરિષ્ઠ વકીલ શ્રી દરૂસાહેબે મોરચો સંભાળ્યો પરંતુ ‘સાધના’એ કટોકટી પ્રશાસનની એ ગેરબંધારણીય - ગેરજનતાંત્રિક કાંટાળી વાડ તોડવાનો યશસ્વી પ્રયાસ કર્યો. તત્કાલીન લોકસંઘર્ષ-સમિતિના આગેવાન-ધારાશાસ્ત્રી શ્રી ચંદ્રકાંતભાઈ દરૂનું યોગદાન વિશેષ સ્મરણીય છે. દરૂસાહેબે એક લાંબી નોંધ તૈયાર કરી, જે મુજબ સરકારનો વિરોધ કરવાનો નાગરિકોનો મૂળભૂત બંધારણીય અધિકાર અચ્છેદ્ય છે. શ્રી દરૂસાહેબના ૪૫ પાનાંના એ લાંબા લેખને ‘સાધના’માં પ્રકાશિત કરવા માટે સેન્સર અધિકારી સમક્ષ મોકલવામાં આવ્યો. ધારણા પ્રમાણે જ તે લેખમાંથી એક પણ શબ્દ છાપવાની મંજૂરી આપવામાં આવી નહીં, પરિણામે તેની સામે ગુજરાતની વડી અદાલતમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી. દરૂસાહેબે અદાલતમાં જબરદસ્ત કાનૂની લડાઈ ખેલી. વડી અદાલતના વિદ્વાન ન્યાયમૂર્તિઓ, ચીફ જસ્ટિસ શ્રી બી.જે. દીવાન અને જસ્ટિસ શ્રી પટેલની બેન્ચે ૧૩ ઑગસ્ટે છેલ્લી સુનાવણી રાખેલી. એ જ સવારે સુનાવણી શરૂ થાય એ પહેલાં જ સેન્સર અધિકારીનો પત્ર ‘સાધના’ને મળ્યો, જેમાં જણાવાયું હતું કે, ‘તમે રજૂ કરેલો લેખ, કટોકટી વિશે પુન: વિચારણા કરો’ જે અમે રદ કર્યો હતો, એ રદ કર્યાનો નિર્ણય અમો પાછો ખેંચી લઈએ છીએ.’
 
એક તરફ સેન્સર અધિકારીઓ વાંધો પાછો ખેંચ્યો, બીજી તરફ દિલ્હીમાં અખબારી પ્રિ-સેન્સરશીપ આદેશમાં નવો સુધારો કરીને ‘સાધના’નો એ લેખ ન છપાય, એવી જોગવાઈ સરકારે કરી નાખી !
‘સાધના’એ પ્રગટાવેલી અખબારી-આઝાદીની એ ચિનગારી, જ્યારે અમદાવાદના ભદ્રના કિલ્લામાં ઉમટેલા માનવમહેરામણમાં જ્વાળા બનીને ભડકી રહી !
 
‘સાધના’ને સદરહુ નવો સેન્સરશિપ આદેશ ૧૩ ઑગસ્ટની બપોરે જ મળી ગયો, પરંતુ ત્યારે અગાઉની વ્યૂહરચના પ્રમાણે ‘સાધના’માં પેલો વિસ્તૃત લેખ તો છાપી નાખવામાં આવેલો !
 
૧૫ ઑગસ્ટના રોજ અમદાવાદના ભદ્રના કિલ્લા-પરિસરમાં યોજાયેલ, સ્વાતંત્ર્ય-દિન ધ્વજવંદન કાર્યક્રમમાં ઊમટેલા વિશાળ જનસમુદાયમાં, ‘સાધના’નો એ વિસ્ફોટક અંક છૂટથી વેચવામાં આવી રહ્યો હતો. લોકો ભારે ઉત્સાહ અને આત્મીયતાથી ‘સાધના’નો પ્રસ્તુત અંક ખરીદીને તેની સામગ્રી ઉત્સાહભેર વાંચવા લાગેલા. રાજનીતિશાસ્ત્રના સદ્ગત પ્રાધ્યાપક અને સંસદ સદસ્ય પ્રો. પુરુષોત્તમ માવળંકરસાહેબે એ દેવદુર્લભ દૃશ્યનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે. હું ભીડમાં ઊભો હતો અને જોતો કે, ‘સાધના’ ખરીદીને લોકો કેટલી ઉત્સુકતાથી પહેલીવાર મુક્ત પત્રકારિતાનો ઉલ્લાસ (ભરકટોકટીએ પણ) માણી રહ્યા હતા !’ લોકસંઘર્ષ સમિતિના વરિષ્ઠ અગ્રણીશ્રી સદ્ગત ભોગીલાલભાઈ ગાંધીએ તો, ‘સાધના’ના એ અંકની સમગ્ર સામગ્રી પુસ્તિકા‚પે પ્રગટ કરીને બધે પહોંચાડી પણ દીધી !
 

 
 
કટોકટી - કંસરાજની જેલમાં, જ્યારે ‘સાધના’ કૃષ્ણ રૂપે પ્રગટી રહ્યું !
 
એ પછી ‘સાધના’એ કટોકટી ચાલુ રહી ત્યાં સુધી, કટોકટી-રાજ વિરુદ્ધના તમામ સમાચારો, સત્યાગ્રહીઓની અટકાયતના, ડી.આર.આઈ. હેઠળના ચુકાદાઓ વિશે, જેલમાંથી સર્વશ્રી જયપ્રકાશ નારાયણ, બાળાસાહેબ દેવરસ, અટલજી, અડવાણીજી, મધુ દંડવતેજી વગેરેના સંદેશાઓની, લોકસંઘર્ષ-સમિતિની પ્રવૃત્તિઓ વિશે, ડૉ. સુબ્રહ્મણ્યમ્ સ્વામી અને શ્રી મકરંદભાઈ દેસાઈની વિદેશોમાં કટોકટીરાજ વિરુદ્ધના પ્રચાર-પ્રસારની વિગતો વિશે, વિદેશી અખબારોમાં કટોકટી વિશે, અનેકવિધ વિસ્ફોટક સામગ્રીઓ પ્રકાશિત કરી. ‘ભૂમિપુત્ર’ એક્સપ્રેસ ગ્રુપના અખબારો જેવા કેટલાક સુખદ અપવાદો સિવાય, મોટાભાગનાં અખબારો જ્યારે ચુપકીદી સેવી રહ્યાં હતાં ત્યારે, ‘સાધના’એ તેનો સ્વતંત્ર-અખબારી ધર્મ-પત્રકારિતાનું ગૌરવ દીપાવી જાણ્યું. પરિણામે એ અગ્નિપરીક્ષાના દિવસોમાં ‘સાધના’ દેશ-દુનિયાના સ્વતંત્રતા ચાહકોનું પ્રિય સામયિક બની રહ્યું. ‘સાધના’નો એક જ અંક એકસોથી પણ વધુ લોકો સુધી પહોંચી જતો અને તે વાંચીને સહુનો ઉત્સાહ વધી જતો.
મિસા-ડી.આર.આઈ. નીચે કટોકટી વિરોધી સત્યાગ્રહીઓના જેલવાસ દરમિયાન એ સહુ બિનગુજરાતીઓ માટે ‘સાધના’માં કેટલુંક મેટર દેવનાગરી લિપિમાં છપાતું રહ્યું, જેથી તેઓ વાંચી શકે.
 
આ સંદર્ભમાં ‘સાધના’ વિશેના કેટલાક મહત્ત્વના
પ્રતિભાવો :
 
તિહાડ જેલમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી શ્રી મદનદાસ દેવીએ લખ્યું કે, જેલમાં અમે લોકો ‘સાધના’ના સમૂહવાચનનો કાર્યક્રમ યોજીએ છીએ.
 
યરવડા જેલની બહેનોની બેરેકથી શ્રીમતી હંસાબહેન રાજડાએ લખ્યું, ‘બહારથી લવાજમ મળી જશે. ‘સાધના’ મોકલજો. અમે બહેનો તો પતિમિલન જેટલી આતુરતાથી ‘સાધના’ની રાહ જોઈએ છીએ.’
 
બેંગ્લોર જેલમાંથી સર્વશ્રી અડવાણીજી, મધુ દંડવતેજી, પીલુ મોદીજી વગેરેએ લખ્યું કે, ‘સાધના’ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. તેની લડાઈએ લોકશાહી માટેના સંઘર્ષમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.’
  
લાક્ષાગૃહમાંથી વિદુરનીતિથી બચનાર ‘સાધના’ જ્યારે સરકારી દમનને નિરસ્ત્ર કરે છે
 
વિષ્ણુભાઈ, જેલમાં જતાં, તેમના સ્થાને પૂર્વતંત્રી શ્રી જગદીશભાઈ ભટ્ટે ‘સાધના’ની જવાબદારી સંભાળી લીધી. સંઘના વરિષ્ઠ પ્રચારક માનનીય શ્રી લક્ષ્મણરાવજી ઇનામદાર (વકીલસાહેબ), તત્કાલીન યુવા-નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી વગેરે જનસંઘર્ષની વ્યૂહરચનાને સશક્ત પ્રભાવક કરવા માટે ભૂગર્ભવાસી બન્યા. એ જ રીતે સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી કેશવરાવજી દેશમુખ અને સંઘઅગ્રણી શ્રી રમણભાઈ શાહે, વકીલસાહેબના ભૂગર્ભ-માર્ગદર્શનમાં, ‘સાધના’ના પ્રકાશન, પ્રચાર-પ્રસારની પડકારરૂપ કામગીરીની નવી વ્યવસ્થા સુપેરે ગોઠવી દીધી.
 
કટોકટીરાજ સામેનું ‘સાધના’નું બહારવટું રંગ લાવે છે !
 
સરકારી દમનચક્ર સામે ‘સાધના’ વતી બહારવટુ ખેલવામાં, ‘સાધના’ મુદ્રણાલયમાં શ્રી કાંતિભાઈ મોદી, પ્રેસ વ્યવસ્થાપક શ્રી પન્નાલાલભાઈ શાહ, વ્યવસ્થાપક શ્રી બળદેવભાઈ પટેલ વગેરેની નિર્ભીક ભૂમિકા પણ કાબિલેદાદ રહી હતી. આ રીતે ગુજરાતમાં આપના પ્રિય સાપ્તાહિક ‘સાધના’એ, કટોકટીરાજની જુલમશાહી અને અખબારી પ્રિ-સેન્સરશિપ વિરુદ્ધની અખબારી-સ્વાતંત્ર્યની યશસ્વી લડતમાં સિંહભૂમિકા ભજવી જાણી છે. તેનું ‘સાધના’ ષષ્ટિપૂર્તિ વર્ષ પ્રસંગે પ્રેરક સ્મરણ ગૌરવ, કૃતજ્ઞતા અને પ્રસન્નકર બની રહેલ છે ! નાગરિક-સ્વાતંત્ર્ય અને જનતાંત્રિક-મૂલ્યોની સુરક્ષા અને સંવર્ધન માટેની એ સંઘર્ષગાથામાં, ‘સાધના’ની ભૂમિકા અખબારી-જગતમાં સદૈવ સુવર્ણાક્ષરે નોંધાયેલી રહેશે..!
 
સાપ્તાહિક ‘સાધના’નો સંઘર્ષ તો બે મોરચાનો હતો. સરકારના કાનૂનો ‘સાધના’ને સાણસામાં ફસાવવા મથતા હતા. બીજી તરફ ‘સાધના’ સાથે ડંડાશાહીનું વલણ પણ અખત્યાર કરવામાં આવ્યું. કાનૂનના ખરા સ્વરૂપનું તો નામનિશાન પણ નહીં. ‘સાધના’એ તો કટોકટીના પ્રારંભકાળથી જ સેન્સરશીપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. આથી સરકાર ‘સાધના’ને છંછેડે એ પહેલાં તો ‘સાધના’ એ જ સરકારને છંછેડવાનો પ્રારંભ કર્યો ! ઑગસ્ટ ૭૫માં એક લેખ લખાયો કટોકટીની કાળી કથનીના ઇતિહાસ અને તીવ્ર વિરોધવાળો આ લેખ સેન્સરે પ્રસિદ્ધ કરવા માટે ‘ના’ કહી. ‘સાધના’ કોર્ટના દ્વારે પહોંચ્યું. તેમાં તેનો વિજય પણ થયો ને લેખ છપાયો. નવચેતનાનો સંચાર થયો. એ પળથી જ ‘સાધના’નું ભવિષ્ય અસ્થિર બન્યું. બીજી બાજુ, પહેલા વિરોધથી જ ‘સાધના’નો આત્મવિશ્ર્વાસ વધ્યો. ‘સાધના’એ આક્રમક વલણ અખત્યાર કર્યું. જોખમોની તૈયારી સાથે દીપોત્સવની અંક ‘લોકશાહી વિશેષાંક’ તરીકે બહાર પાડ્યો. સરકારની નજરે આ અંકની બધી જ સામગ્રી રાજદ્રોહી લખાણોથી ભરપૂર હતી. સેન્સરની સૂચનાને અવગણીને ‘લોકશાહી વિશેષાંક’ છપાયો અને વાચકો સુધી પહોંચી પણ ગયો.
 

 
 
‘સાધના’નો દરેક અંક નવો ઉત્સાહ લઈને બહાર પડતો
 
‘સાધના’નો દરેક અંક નવો ઉત્સાહ લઈને બહાર પડતો, પણ ‘સાધના’ માટે નવાં સંકટો લાવીને, ‘સાધના’ એકમાત્ર અખબાર હતું, જેમાં દેશવ્યાપી સત્યાગ્રહના વિગતવાર સમાચારો છેવટ સુધી છપાતા રહ્યા. ગુજરાતની મોરચા સરકારનું પતન થયું એ પછીના બીજે જ દિવસે ‘સાધના’ના તંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યાની ધરપકડ થઈ. અવારનવાર ‘સાધના પ્રકાશન’ મુદ્રણાલય પર દરોડા પરવા લાગ્યા. નરી દંડાશાહીનો ઉપયોગ શરૂ થયો. છતાંય ‘સાધના’ જીવતું રહ્યું. ‘સાધના પ્ર. મુદ્રણાલય’ જપ્ત કરવાની નોટિસો આવતી જ રહી. ‘સાધના’ના એક માર્ગદર્શક ટ્રસ્ટી શ્રી લક્ષ્મણરાવજી ઇનામદાર (વકીલ સાહેબ) ભૂગર્ભમાં હોઈ તેમને નોટિસ બજાવી શકાતી નહોતી. ગુજરાતનાં અને મહારાષ્ટ્રનાં અખબારોમાં નોટિસ છાપી તેમને જાણ કરવામાં આવી.
 

 
 
શ્રી રમણભાઈ શાહની નોંધપાત્ર ભૂમિકા
 
જુલાઈના પ્રથમ સપ્તાહમાં ‘સાધના’ને પ્રસિદ્ધ થતું અટકાવવા સરકારી ધાડાં પ્રેસ ઉપર ઊતરી પડ્યાં. આવનાર અધિકારીઓ પાસે કોઈ હુકમો કે વાજબી કારણો નહોતાં. દંડાના જોરે તેમણે ‘સાધના’ને અટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. શ્રી કાંતિભાઈ મોદી. જેઓ ‘સા. પ્ર. મુદ્રણાલય’ની વ્યવસ્થાનાના માર્ગદર્શક તરીકે વર્ષોથી સેવાઓ આપે છે. તેમણે સરકારને સામો પડકાર ફેંક્યો : જ્યાં સુધી ‘સાધના’ના એકેએક માણસને મિસામાં નહીં પૂરો ત્યાં સુધી તમારી દંડાશાહી અમને કોઈ પણ ભોગે અમારા સંઘર્ષપથ પરથી વિચલિત નહીં કરી શકે. બસ, પછી તો પૂછવું જ શું ? શ્રી કાંતિભાઈ મોદી, ‘સા. પ્ર. મુ.’ના મેનેજર શ્રી પન્નાલાલ શાહ, મશીનમેન શ્રી રમણભાઈ, એકાઉન્ટ શ્રી ગોવિંદરાવ ગજેન્દ્ર ગડકર અને બોઈલર શ્રી પૂંજાજી સહિત પ્રેસના સૌને ડી.આઈ.આર. હેઠળ પકડવામાં આવ્યા. ડી.આઈ.આર.માંથી જામીન પર છૂટેલા સર્વશ્રી કાંતિભાઈ, પન્નાલાલ, બળદેવભાઈ પટેલ તથા ગોવિંદરાવને મિસામાં પકડવામાં આવ્યા. ‘સાધના’ અંતે બંધ પડ્યું, પણ તેનો કાનૂની જંગ તો ચાલુ જ રહ્યો. હાઈકોર્ટમાં ‘રિટ’ થઈ. શ્રી હરિભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ ઓઝા, એડ્વોકેટ શ્રી શેઠના, શ્રી મહેન્દ્ર આનંદ, શ્રી હરિશચન્દ્ર પટેલ વગેરે સૌએ ધરપકડ કરાયેલ દરૂ સાહેબની ગેરહાજરી સાલવા ન દીધી. ઑક્ટોબરમાં ‘સાધના’ પાછું શ‚ થયું, પણ હવે નવા જ કાર્યકરો ‘સાધના’નો કારોબાર સંભાળતા રહ્યા. તંત્રીવિભાગ શ્રી વસંતરાવ ચિપળોણકરે, વ્યવસ્થા વિભાગ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી હરિભાઈ રાવલ અને શ્રી હરીશભાઈ નાયકે સંભાળ્યા. ‘સાધના’ના છેવટ સુધીના સંઘર્ષમાં ‘શક્તિ’ બનીને કામે લાગેલ અને ‘સાધના’ના જન્મકાળથી જ ‘સાધના’ સાથે જોડાયેલ શ્રી રમણભાઈ શાહની ભૂમિકા નોંધપાત્ર હતી. તેમના બંને ભાઈ મિસામાં હતા. તેમના માથે પણ મિસાની તલવાર તો લટકતી જ હતી. છતાંય તેઓ ‘સાધના’ને સંઘર્ષમય પર આગળ ધપાવતા જ રહ્યા.
 
આ દિવસોમાં ‘સાધના’નો વાચકવર્ગ પણ વિશાળ બન્યો. ‘સાધના’ ૪૫,૦૦૦નો આંક વટાવી ગયું. નાનકડા ‘સાધના’એ પરિવર્તનના ઇતિહાસમાં મુક્ત શબ્દના સંઘર્ષની અમિટ પ્રેરણા મૂકી દીધી !!