મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની નોટ પર શ્રી ગણેશની તસવીરની હકીકત

    ૩૦-જૂન-૨૦૧૮


 

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ખબર ખૂબ વાયરલ થઈ હતી કે, વિશ્ર્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર હિન્દુ ભગવાન શ્રી ગણેશની તસવીર હોય છે. વાયરલ ખબરમાં જે નોટની વાત થઈ રહી હતી તે ઇન્ડોનેશિયાનાં રુપિયાહ ૨૦,૦૦૦ની નોટ છે અને એના પર ખરેખર આપણા ભગવાન શ્રી ગણેશની તસવીર છાપેલી છે. નોટ ઇન્ડોનેશિયાઈ સરકાર દ્વારા ૧૯૯૮માં બહાર પાડવામાં આવી હતી. ૧૦ વર્ષ ચલણમાં ચાલુ રાખ્યા બાદ તેને ૨૦૦૮ના અંતમાં બંધ કરી દેવામાં આવી હતી.

હવે પ્રશ્ર્ન થાય છે કે ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ દેશમાં જ્યાં હિન્દુઓ માંડ ટકા છે ત્યાંની ચલણી નોટ પર હિન્દુ ભગવાનની તસવીર કેમ ? કારણ કે અહીં હિન્દુ અને મુસ્લિમોમાં ફરક કરવામાં આવતો નથી. જેટલું અલ્લાને સન્માન આપવામાં આવે છે તેટલું હિન્દુ દેવીદેવતાઓને પણ સન્માન આપવામાં આવે છે. અહીંના તમામ મુસ્લિમો સ્વીકારે છે કે, અમારા વડવા હિન્દુ હતા.

ઇન્ડોનેશિયાના લોકો ભગવાન ગણેશજીને બુદ્ધિના દેવતા માની પૂજે છે. ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ભગવાન શ્રી ગણેશના ચિત્ર સાથે એક ખૂબ મહત્ત્વની ઘટના સંકળાયેલી છે. ૧૯૯૭માં અનેક એશિયાઈ દેશોના ચલણનું અવમૂલ્યન થઈ રહ્યું હતું ત્યારે ઇન્ડોનેશિયા પર આર્થિક સંકટ ડોકાવા લાગ્યું હતું. ત્યાર બાદ ૧૯૯૮માં ૨૦,૦૦૦ની એક નવી નોટ બહાર પાડવામાં આવી જેના પર ભગવાન શ્રીગણેશનું ચિત્ર અંકિત થયેલું હતું. આશ્ર્ચર્યજનક રીતે તેના આગલા વર્ષમાં એટલે કે ૧૯૯૯માં ઇન્ડોનેશિયાની મુદ્રાસ્થિતિમાં ઉછાળો આવ્યો. પરિણામે સ્થાનિકોને લાગ્યું કે આની પાછળ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ છે. તેમના કારણે દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની છે.

સિવાય ભગવાન વિષ્ણુના વાહન એવા ગરુડના નામ પર ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય વિમાન સેવા છે. ભગવાન હનુમાન ઇન્ડોનેશિયાના મિલિટ્રી ઇન્ટેલિજન્સ મેસ્કોટ છે. અહીં ભગવાન ગણેશ, હનુમાન, કૃષ્ણની સાથે સાથે મહાભારત-રામાયણનાં દૃશ્યો દર્શાવતી અનેક પોસ્ટ ટિકિટો પણ અમલમાં છે. અહીંની કૉલેજોના લોગો પર ભગવાન ગણેશની છબી હોવી સામાન્ય છે. રાજધાની જાકાર્તામાં કૃષ્ણ-અર્જુનની પ્રતિમા લાગેલી છે.