…અને શ્રી ગુરુજી સંઘકાર્ય માટે સમર્પિત થઈ ગયા.

    ૦૫-જૂન-૨૦૧૮

 
 
વિવેકાનંદજીના અમૃતમંત્રમાં અને ડા. હેડગેવારજીના સંગઠન-તંત્રમાં એકાકાર થઈ જવાનું નામ જ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર એટલે શ્રી ગુરુજી. તેમની આજે પુણ્યતિથિ છે.
 
આધુનિક યુગમાં ભારતીય અસ્મિતાનો સિંહનાદ કરનાર, ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરનાર મનીષીઓમાં સ્વામી વિવેકાનંદજીનું નામ મોખરે છે. એ જ રીતે વાટ ભૂલેલા, પતિત અને આત્મવિસ્મૃત હિન્દુ સમાજને બેઠો કરવા માટે અભેદ્ય સંગઠન તંત્ર ઊભું કરનાર મનીષીઓમાં ડા. હેડગેવારજીનું નામ મોખરે છે. તેમની સાથે વિચારભેદ ધરાવનાર પણ તેમની સંગઠન કુશળતાનાં પેટભરીને વખાણ કરે છે.
 
પૂ. ગુરુજી વિશે વિચારતી વખતે તેમનું આમૂલ વ્યક્તિત્વ અને સમગ્ર કૃતિત્વ સ્વામી વિવેકાનંદજીના વિચાર અને ડા. હેડગેવારજીના આચાર આ બે આધારોનો જાણે સુભગ સમન્વય હતું. એક બાજુ પૂ. ગુરુજી ડા. હેડગેવારજી પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરતા તો બીજી બાજુ આધ્યાત્મિક સાધનાનું પ્રબળ આકર્ષણ તેમને રામકૃષ્ણ મઠના સારગાચ્છી આશ્રમ તરફ ખેંચી ગયું. તેમણે રામકૃષ્ણ દેવના શિષ્ય અને વિવેકાનંદજીના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ પાસે મંત્રદીક્ષા લીધી. સ્વામી અખંડાનંદજીએ પોતાના અંતિમ સમયે શ્રી ગુરુજીને દુર્બળ હિન્દુ સમાજને સંગઠિત કરવાના ડા. હેડગેવારજીના કાર્યમાં લાગી જવાનો આદેશ આપ્યો અને શ્રી ગુરુજી સંઘકાર્ય માટે સમર્પિત થઈ ગયા.
વિવેકાનંદજીના અમૃતમંત્રમાં અને ડા. હેડગેવારજીના સંગઠન-તંત્રમાં એકાકાર થઈ જવાનું નામ જ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર એટલે શ્રી ગુરુજી.
 

 
દેશની આઝાદી માટે લડતા નામી-અનામી શહીદો ફાંસીને માંચડે લટકી ગયા, અહિંસક સત્યાગ્રહીઓએ કપરો જેલવાસ વેઠ્યો. છતાંય ભારતના આમઆદમીને મન તો ‘દેશભક્તિ’ અને ‘ઈશ્ર્વરોપાસના’ બંને અલગ અલગ હતાં. શ્રી ગુરુજી એક એવું વિલક્ષણ વ્યક્તિત્વ હતું જેણે ‘રાષ્ટ્રકાર્યને’ ‘ઈશ્ર્વરીય કાર્ય’ જેટલી જ અને જેવી જ મહત્તા અપાવી. હિન્દુ સમાજનાં દિલોદિમાગમાં તેમણે પ્રસ્થાપિત કર્યું કે રાષ્ટ્રની સેવા એ અક્ષરશ: ઈશ્ર્વરની સેવા છે. આ એક અદ્ભુત કાર્ય હતું.
શ્રી ગુરુજી એવા પહેલા મનીષી છે જેમણે કહ્યું, ‘ધર્મગ્રંથોનું પઠન કરો, સેવાપૂજા કરો, કે રાષ્ટ્ર માટેનું સંગઠનકાર્ય કરો. બંને સરખાં છે.’ સંઘસ્થાન પરની नमस्ते सदा वत्सले જેવી ભારતભક્તિની પ્રાર્થના - સંધ્યાવંદન, કે પૂજાપાઠથી જરાય ઊતરતી નથી. શ્રી ગુરુજીની રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત આ સુક્ષ્મ વિવેક દ્ષ્ટિએ અને પોતાના જીવનના પ્રત્યક્ષ આચરણે ભારતના ઘોર નિદ્રામાં સૂતેલા તોતિંગ હિન્દુ સમાજને આળસ મરડીને બેઠો કર્યો. અહીં આપણને સ્વામી વિવેકાનંદજીના કથનની યાદ તાજી થાય છે. ‘આગલાં પચાસ વર્ષ સુધી મનમાંથી બધાં દેવી-દેવતાઓને દૂર કરો. પોતાના હૃદયસિંહાસને આરાધ્યદેવના સ્થાને ભારતમાતાને સ્થાપો. હવે તો આપણા સ્વદેશબાંધવો જ આપણા ઇષ્ટદેવ છે.’
સંઘ પરના પહેલા પ્રતિબંધ સમયે અને પછી શ્રી ગુરુજીએ સંઘના ટીકાકારોની ટીકા કરવાને બદલે કહ્યું, ‘કોનો વિરોધ? મારા સમાજબાંધવોનો?! સકલ સૃષ્ટિના સંચાલકોનો?! એ તો અમારા માટે મનુષ્યના રૂપમાં ઈશ્ર્વર છે. તે અમારી પાસે પૂજા માગી રહ્યો છે તેનો વિરોધ?! અમે તેમને પ્રેમથી પૂજીશું અને જીતીશું.’ શું આ બીજા વિવેકાનંદ નથી?!
 

 
સન 1947માં આપણે રાજકીય રીતે સ્વતંત્ર થયા. પણ સામાજિક અને સાંસ્કૃતિક દ્ષ્ટિથી આપણે ઘોર પરતંત્રતામાં જ જકડાયેલા હતા. ભારત છોડનારા એ ગોરા હાકેમોના ચમચા બનીને ભારતને ચૂસનારા અને ભારતને અંગ્રેજિયતથી રંગવા મથતા કહેવાતા ભારતીય હાકેમો પાસેથી જે કાંઈ વિચારોનો, રહેણીકરણીનો, ભણતરનો અને જીવન વ્યવહારનો એઠવાડ મળ્યો એ - આવા સ્વતંત્ર ભારતના દર્શનના અભાવને કારણે પ્રજાએ આરોગ્યો. આજે એ જ એઠવાડ આપણને પાર વિનાનો કનડે છે.
શ્રી ગુરુજી પાસેથી આપણને બીજી ભેટ મળી તે પરકીયોના અંધાનુકરણના વિરોધની. તેમણે પરકીયોના અંધાનુકરણ સામે ભારતીય પરંપરાની સમગ્રતાનું દર્શન આપણને કરાવ્યું.
પૂ. ગુરુજીની સતત યાદ રહે એવી મહત્તા એ હતી કે તેમણે આ અધૂરી સ્વતંત્રતાની ટીકા ન કરી પણ તેને પૂર્ણ સ્વતંત્રતામાં ફેરવવાની અલખ જગાવી. સતત અને સતત સંઘના સંગઠન દ્વારા ભારતીયને સાચા અને પૂરા અર્થમાં ભારતીય બનાવવાનું અભિયાન આરંભ્યું. ગરીબ, તવંગર, ખેડૂત, મજૂર, માલિક, સ્ત્રી, પુરુષ સમાજના લગભગ તમામ ઘટકોમાં આ રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ સતત સંસ્કાર સિંચન કરતા રહ્યા. વિશ્ર્વના નકશા પર એક ઝળહળતું ભારત મૂકવા માટે તેઓ આખો દેશ ખૂંદી વળ્યા.
બુદ્ધના સમયમાં પ્રચાર-પ્રસારના કોલાહલમાં ખોવાઈ ગયેલી ભારતીયતાને બહાર લાવવાના શ્રીમત્ શંકરાચાર્યના દિગ્વિજય દર્શન જેવું જ દર્શન ભારતીય પ્રજાને પૂ. ગુરુજીના આ પ્રયાસોમાં થયું.
આ જોતાં આપણે જરૂર કહી શકીએ કે રાજનૈતિક અને સામાજિક સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મ. ગાંધીજી હતા તો સાંસ્કૃતિક સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક શ્રી ગુરુજી હતા. રાષ્ટ્રીય જીવનની માનસિક ગુલામીના કાળા પડછાયાને - રાજનીતિથી અળગા રહીને - દૂર કરવાની સાધના શ્રી ગુરુજીનું અનોખું પ્રદાન હતું.
આજે હવે એમ લાગે છે કે આ વિરાટ વ્યક્તિત્વને આપણે યથાર્થરૂપે ઓળખી ન શક્યા મહાભારતના યુદ્ધ સમયે જ્યારે શ્રીકૃષ્ણના વિરાટરૂપ્નું દર્શન અર્જુનને થયું ત્યારે તેણે કહ્યું -
सखेति मत्वा प्रमं यदुक्तम् हे कृष्ण हे माधव हे सखेति।
अजानता यहिमानं तवेदं मया प्रमादात्प्रहोयेम् चापि।
‘હે કૃષ્ણ, મેં તમને મિત્ર, સખા, માધવ કહીને સમોવડિયા જેવો વ્યવહાર કર્યો આપ્ના શ્રેષ્ઠત્વને ન જાણતો હોઈ જે મારાથી ભૂલ થઈ એટલા માટે મને ક્ષમા કરો.’
આપણને ક્યારેય આવું ન લાગ્યું કે શ્રી ગુરુજી આટલા મહાન છે. બેઠકોમાં, વાર્તાલાપમાં પરિવારોમાં અંગભૂત બનીને ભળી જતા. અને સાચી મહાનતા, સાચું શ્રેષ્ઠત્વ જ એ છેકે ખુદ પોતાને ભૂલી જાય અને અન્યોમાં હળીમળી જાય.
અને અંતિમ સમયે...
એ વિરાટ વ્યક્તિત્વને આત્મસાત્ કરવા ભારતનાં કોટ્યાવધિ અંત:કરણો તલસી રહ્યાં હતાં... આંખો મીંચીને તેમના વિરાટ રૂપ્ને અંત:કરણમાં ઉતારવા હૃદય-કબાટ ખોલીને ઊભાં હતાં...એ દિવસ હતો ૫ જૂન ૧૯૭૩…..
 

 
નોંધ :
વિચાર : સ્વામી વિવેકાનંદની મનીષા હતી કે ભારતીયતાના ઉત્થાન માટે એક હજાર સંન્યાસીઓ પ્રવૃત્ત થાય પણ તેમની અલ્પાયુને કારણે એ શક્ય ન બન્યું.
આચાર : ડા. હેડગેવારજીએ સ્વામીજીના આ વિચારને ઝીલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમ દ્વારા સહસ્રાવધિ સર્વત્યાગી સંન્યાસી જેવા પ્રચારકો નિર્માણ કર્યા.
સમન્વય : ઉપરોક્ત બંને મહાનુભાવોના વિચાર અને આચારનો સમન્વયસાધી માત્ર દેશમાં જ નહિ તો, દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિની પુણ્યસલિલા ભાગીરથી વહી રહી.