છણાવટ : માન. પ્રણવ મુખર્જીની નાગપુર મુલાકાત - આશાનાં ફૂલ અને ઈર્ષ્યાની શૂળ

    ૦૫-જૂન-૨૦૧૮

અરીસો દેખાડવા આહ્વાન
પૂર્વ રાષ્ટ્રપતિ વિદ્વાન - સર્વસ્વીકૃત રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસ પક્ષને માટે આજીવન સમર્પિત રહી કાર્ય કરનાર શ્રી પ્રણવદાએ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની ‘હા’ કહેતાં જ પૂર્વ નાણામંત્રી શ્રી ચિદમ્બરમ્એ તેમને ‘અરીસો દેખાડી સંઘ વિચારધારાની નકારાત્મકતા ઉઘાડી પાડવા આહ્વાન કર્યું.’
રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન શ્રી પ્રણવદાએ પોતાના જાહેરજીવનનાં સંસ્મરણો Thoughts of Reflection પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યાં. આ પુસ્તકને તટસ્થ અને પ્રામાણિક ‚પે કોઈએ વાંચ્યું હોય તો શ્રી પ્રણવદાનો ૭ જૂનના કાર્યક્રમના સંદર્ભમાં ક્યારેય હોબાળો કરવાની હિંમત ન કરે.
હિન્દુ, હિન્દુત્વ, સંઘ આ શબ્દો કાને પડતાં જ ભડકી જવાની કુટેવ ઘર થતાં સંકુચિત માનસના નેતાઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, કવિવર રવીન્દ્રનાથ ઠાકુરના જન્મસ્થાન એવા બંગાળની ગૌરવગાથાને સ્વીકારવા તૈયાર નથી. હૃદયની વિશાળતા અને ગાઢ આત્મીયતા એકંદરે ભારતવર્ષમાં વિરોધ‚પમાં બંગાળમાં અનુભવવા મળે છે. આ બંગભૂમિના પુનોતા પુત્ર શ્રી પ્રણવદા છે, તે તેમની સંઘ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની સ્વીકૃતિથી પુરવાર થાય છે. બંગભૂમિની વિશાળતા-વીરતા-વિદ્વત્તાનું દ્યોતક છે.
૭૦૯ સ્વયંસેવકો તૃતીય વર્ષમાં પ્રશિક્ષણ લઈ રહ્યા છે, જેમને પ. પૂ. સરસંઘચાલકજી તથા આદરણીય શ્રી પ્રણવદા સંબોધન કરશે.
જેમણે શ્રી પ્રણવદાના આ નિર્ણય પર આશ્ર્ચર્ય સાથે આઘાત વ્યક્ત કર્યો છે, તેમને સંઘના કાર્યક્રમોમાં વિભિન્ન વિચારવંત સમાજજીવનનાં નામાંકિત વ્યક્તિઓની સહભાગિતાના ઇતિહાસની ખબર જ નથી. ૧૯૩૪માં પૂજ્ય મહાત્મા ગાંધી સ્વયં વર્ધાના સંઘ શિબિરમાં આવ્યા હતા અને બીજા દિવસે સંઘ સંસ્થાપક પ. પૂ. ડૉક્ટર હેડગેવારજી સાથે વાર્તાલાપ થયો હતો. આ મુલાકાતનો ઉલ્લેખ મહાત્માજીએ ૧૬મી સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ દિલ્હીમાં સંઘ સ્વયંસેવકોને સંબોધિત કરતાં ઉલ્લેખ કર્યો, ‘સંઘ એક સુસંગઠિત, અનુશાસિત સંસ્થા છે.’ આ ઉલ્લેખ ‘સંપૂર્ણ ગાંધી વાંગ્મય’ ખંડ ૮૯, પૃષ્ઠ ૨૧૫-૨૧૭માં વાંચવાની તસદી વર્તમાન કોંગ્રેસી નેતાઓ લેશે ખરા ?
  
૧૯૩૦થી રા. સ્વ. સંઘે સમાજજીવનમાં સક્રિય લોકોને પોતાના વિભિન્ન કાર્યક્રમોમાં બોલાવવાનો ઉપક્રમ શ‚ કર્યો છે. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેન, લોકનાયક જયપ્રકાશજી, જનરલ કરિઅપ્પા, પ્રથમ પ્રતિબંધ પછી વિભિન્ન રાજ્યોમાં પ. પૂ. શ્રી ગુરુજીના સ્વાગત કાર્યક્રમોમાં આંધ્રપ્રદેશના કોંગ્રેસી આગેવાનો ટી. એસ. પ્રકાશમ્, આચાર્ય રંગા, પટ્ટાભિ સીતારામૈયા, તામિલનાડુના ન્યાયપાલ કાન્નાટ, ઑલ ઇન્ડિયા લો રિપોર્ટના સૂત્રધાર કે.એન. અણ્ણાજી, જનાધિકાર પ્રવર્તક ટી.આર. વેંકટરામન શાસ્ત્રી જેવાં અસંખ્ય વિશેષ વ્યક્તિઓ સંઘના સ્વયંસેવક ન હોવા છતાં સંઘકાર્યનો નિકટથી અનુભવ મેળવવા કાર્યક્રમોમાં આવી સંઘકાર્યની પ્રશંસા કરી છે. વૈચારિક અસ્પૃશ્યતાના સૂત્રધાર વર્તમાન કોંગ્રેસી નેતાઓએ તેમના જ પક્ષના ખ્યાતનામ નેતાઓના સંઘ માટેના અભિગમને સમજી અને આચરણમાં મૂકવાની આવશ્યકતા છે.
ભારતના વિભાજન સમયે હિન્દુ સમાજ જે પરિસ્થિતિમાં હતો તેમાં સંઘના સ્વયંસેવકોએ ભગીરથ કાર્ય કર્યું. પ. પૂ. શ્રી ગુરુજી સપ્ટેમ્બર, ૧૯૪૭માં હિન્દુ શરણાર્થીઓની સ્થિતિ અંગે તત્કાલીન ગૃહમંત્રી સરદાર પટેલ અને ગાંધીજીને મળ્યા હતા. તે સમયે વડાપ્રધાન વ્યસ્ત હોવાથી મુલાકાત સંભવ ન બની, પરંતુ ઑક્ટોબર ૧૯૪૭માં વડાપ્રધાન નહેરુ અને પ. પૂ. શ્રી ગુરુજીની મુલાકાત અંગે રાહુલ બ્રિગેડ માહિતગાર છે કે ?
૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં સંઘ સ્વયંસેવકોના વીરતાભર્યાં કાર્યોથી પ્રભાવિત બની. ૧૯૬૩ની ગણતંત્ર દિવસની પરેડમાં વડાપ્રધાન નહેરુએ રા.સ્વ.સંઘના સ્વયંસેવકોને આમંત્રિત કર્યા જેમાં ૩૫૦૦ પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ ભાગ લીધો.
સંઘના ‘રાષ્ટ્ર પ્રથમ’ ભાવની કદર કરી ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધના સમયે તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ પ. પૂ. શ્રી ગુરુજીને સર્વપક્ષીય બેઠકમાં આમંત્રિત કર્યા હતા.
૧૯૬૩માં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દી નિમિત્તે ક્ધયાકુમારી ખાતે ‘વિવેકાનંદ શિલા સ્મારક’ નિર્માણમાં બધા જ રાજકીય પક્ષોના ૩૦૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર આપ્યા હતા.
શ્રી પ્રણવદાનો વિરોધ કરનારા ૧૯-૧૨-૪૭ના રોજ નવભારત ટાઈમ્સ મધ્યપ્રદેશના કોંગ્રેસી ગૃહમંત્રી શ્રી દ્વારિકાપ્રસાદ મિશ્રનું વિભાજન સમયે સંઘ સ્વયંસેવકોની સ્તુતિ કરતું નિવેદન વાંચી મનન કરવું જોઈએ. ૨૬ નવેમ્બર, ૧૯૪૭નું દિલ્હીથી પ્રકાશિત ટ્રિબ્યુનલના સંપાદકીય લેખ વાંચશો તો સંઘની રાષ્ટ્રભક્તિ ચુસ્ત કાર્યપદ્ધતિનો વિરોધ કરવાની કોઈની હિંમત ચાલશે નહીં.
સ્વર્ગસ્થ બાબુ રાજેન્દ્ર પ્રસાદના સ્મરણાર્થે એક અખિલ ભારતીય સમિતિનું ગઠન શ્રી ક. મા. મુનશીના નેતૃતવમાં થયું, તેમાં રા. સ્વ. સંઘના સરસંઘચાલક શ્રી ગુરુજીનું નામ સામેલ હતું. તે ઐતિહાસિક તથ્ય કોણ નકારી શકે ?
૧૯૬૯માં મહાત્મા ગાંધીજી શતાબ્દીનું વર્ષ હતું. ૨૭મી સપ્ટેમ્બરથી ૧૧ ઑક્ટોબર સુધી શ્રી ગુરુજી મહારાષ્ટ્રના પ્રવાસ પર હતા. સાંગલીના પ્રવાસ દરમિયાન કોંગ્રેસી આગેવાનો બાપુસાહેબ પૂજારી અને બાબા પાનદારએ જન્મશતાબ્દી સમિતિના અધ્યક્ષ વસંતદાદા પાટીલની અનુમતિ મેળવી શ્રી ગુરુજીને સમિતિ દ્વારા સાંગલીમાં જાહેર કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિમંત્રિત કર્યા. શ્રી ગુરુજીએ ઉદ્બોધન પણ કર્યું.
સ્વાર્થપૂર્ણ અને સંકુચિત રાજકીય ખટપટ કરનારાઓ ઇતિહાસના આ સ્તંભો તરફ નજર દોડાવશે તો શ્રી પ્રણવદાએ નિમંત્રણ શા માટે સ્વીકાર્યું તે પ્રશ્ર્નનો છેદ ઊડી જશે.
ટીકા ટિપ્પણી કરી, વિવાદો ઊભા કરવાવાળા માટે કોઈ ઓસડ નથી. સંઘની અવિરત કાર્યપદ્ધતિ, વિચારધારા તથા મૂળ અધિષ્ઠાનને દૂરથી ને બહારથી જોઈ સમજી શકાશે નહીં.
સંઘ માને છે કે :
- મનુષ્યના સુખનો મૂળાધાર આત્મીયતા છે.
- રાષ્ટ્રને એક પુરુષના રૂપમાં જોવું, તેના અવયવ તરીકે ચૈતન્યનો અનુભવ કરવો.
- અંતરદૃષ્ટિથી આસેતુ હિમાચલ ફેલાયેલ રાષ્ટ્રપુરુષનો પરમાત્મા રૂપે સાક્ષાત્કાર કરી લઈએ, તે પછી સમાજ, રાજ્ય અથવા અર્થરચના એવા કશાની ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
- ભારતવર્ષમાં માત્ર સમષ્ટિ એક જ છે. એ ભાવના અને સમષ્ટિની સંપન્નતા માટે સમન્વય અને સહયોગ.
- જ્યારે પવિત્રતા અને શ્રેષ્ઠ આદર્શોનો ઉત્સાહ થાય ત્યારે મોટાં કાર્યો થાય છે.
- શ્રદ્ધા વગર વિદ્વત્તા કે બુદ્ધિમત્તાનો કોઈ અર્થ નથી હોતો.
- સત્યની પ્રતીતિ થવી જોઈએ. પ્રતીતિ ત્રણ પ્રકારની હોય છે. શાસ્ત્રપ્રતીતિ, ગુરુપ્રતીતિ અને આત્મપ્રતીતિ, એ પછી જ સત્ય બહુમૂલ્ય થઈ શકે.
- જે પોતાના સામર્થ્ય પર ભરોસો રાખે છે તે બીજાની નિંદા કરતો નથી.
- લોકહિત અને વ્યક્તિ સ્વાર્થ અથવા અહંકારના સંઘર્ષમાં વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવે ત્યારે વિવેક નષ્ટ થઈને આત્મવિનાશી વૃત્તિ નિર્માણ થાય છે.
- વ્યક્તિ કરતાં પક્ષ શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય શ્રદ્ધા અને સંપત્તિનું રક્ષણ કરવાનું સાર્વજનિક કાર્ય પક્ષ કરતાં પણ શ્રેષ્ઠ છે.
આવી સાત્ત્વિક માન્યતાઓ હિન્દુ ચિંતનની આધારશિલા છે. ૧૯૩૪માં કોંગ્રેસ વર્કીંગ કમિટીએ એક ઠરાવવામાં કોંગ્રેસી સદસ્યોને રા. સ્વ. સંઘ હિન્દુ મહાસભા અથવા મુસ્લિમ લીગના સહભાગી થવા પર પ્રતિબંધ લાધ્યો, આધારશિલા તેમજ સાત્ત્વિકતાથી તે પક્ષ દૂર ધકેલાવા લાગ્યો.
આજે ભારત વૈચારિક રસ્સાખેંચમાં અટવાયું છે. ત્યારે ભારતીય પરંપરાને અનુ‚પ વિચારોની આપ-લે સંવાદ અને રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપવા માટે શ્રી પ્રણવ મુખરજીએ વિરલ તેમજ આવકારદાયક કદમ ઉઠાવ્યું છે.
એક કહેવત છે - ગાયનાં આંચળ પર બેઠેલો મચ્છર દૂધ નહીં લોહી જ પીવે છે. આ કહેવત મચ્છરવૃત્તિ ધરાવતા માટે યથાર્થ જ છે.
પરિવર્તનનું ચક્ર ભારત વિશ્ર્વગુરુ પુન: સ્થાપિત થાય તે માટે ગતિશીલ છે. આ ગતિમાં શ્રી પ્રણવ મુખરજી જેવા અનેકવિધ અગ્રણી નાગરિકોનો સહયોગ લેવા સ્થાપનાકાળથી સંઘ સક્રિય રહ્યો છે. કારણ સંઘ સંઘ માટે નહીં, રાષ્ટ્ર માટે સમર્પિત છે.