જમ્મુ કાશ્મીર : યુએનનો ગુમરાહ કરનારો અને અસ્વીકાર્ય રીપોર્ટ

    ૧૨-જુલાઇ-૨૦૧૮   

 
 
જમ્મુ કાશ્મીરમાં પીડીપી - ભાજપનું ગઠબંધન તૂટતાં પ્રિન્ટ, ઇલેકટ્રોનિક અને સોશિયલ મિડિયા પર કલમ ૩૭૦ની નાબૂદી માટેની ચર્ચાએ ધમસાણ મચાવ્યું. ૨૦૧૯માં ૩૭૦ સીટો જોઈતી હોય તો ૩૭૦ની ધારા દૂર કરો, જેવી તુક્કાબાજીઓ ચાલી. ધારા ૩૭૦ની નાબૂદી જેટલી જ‚રી છે તેટલી જ મુશ્કેલ પણ ખરી. ધારા ૩૭૦નો અર્થ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કયારેય નહોતો. શેખ અબ્દુલ્લા, પંડિત નહેરુ જેવાના સ્વાર્થે બંધારણીય સત્તાનો દુરુપયોગ કરી જમ્મુ - કાશ્મીરની સ્વાયતતા અંગે ભ્રમ ઊભો કરાયો એ ઇતિહાસ જગજાહેર છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જેવા પ્રખર દેશભક્તોના બલિદાન (હત્યા) છતાં ૭૧ વર્ષથી આ સમસ્યાનો ઉકેલ નથી થયો એ આઘાતજનક. આ ધારા જન્મુ કાશ્મીરને કોઈ સ્પેશિયલ રાજ્ય ઘોષિત કરતી જ નથી. તેનું શીર્ષક છે, ‘ટેમ્પરરી પ્રોવિઝન ફોર ધી સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર’. અર્થાત આ ધારા કામચલાઉ ધોરણે લગાવાઈ છે, તેમાં ભારતીય બંધારણની અન્ય ધારાઓમાં થાય છે તેમ સુધારા થઈ શકે છે. ષડયંત્રકારીઓ દ્વારા ૩૭૦ બાદ ધારા ૩૫(એ) લગાવાઈ, આ ધારા પણ ભારતના કયા નાગરિકો જમ્મુ - કાશ્મીરના નાગરિકો હશે તેની પરિભાષા નક્કી કરવાની સત્તા જમ્મુ - કાશ્મીરની વિધાનસભાને આપે છે. આ ધારાએ જમ્મુ-કાશ્મીરના લાખો લોકોને દેશથી વિભાજિત કરી દીધા. આ બંને ધારાઓની નાબૂદી જ કાશ્મીરની શાંતિનો માર્ગ મોકળો કરી શકે.
પીડીપીના સાથેના છૂટાછેડા બાદ સંરક્ષણદળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો બોલાવવાનું શરૂ કરી દીધું છે. ઘાટીમાં સેનાની કાર્યવાહી ચાલુ છે, આતંકીઓના સફાયા માટે જમ્મુ-કાશ્મીરનાં ગામડાંઓમાં ડિજિટલ મેપિંગની યોજનાય આકાર ધારણ કરી રહી છે. એનાથી સૈનિકો આતંકીઓને આસાનીથી શોધી શકશે અને ઘેરીને ખતમ કરી શકશે. રાજયપાલ શાસન બાદ સેનાએ ૨૨ આતંકીઓનું લિસ્ટ બનાવ્યું છે એ હવે જહન્નમનસીન થવાના એ નક્કી.
 
સંયુક્ત રાષ્ટ્રએ પીઓકેમાં સુરક્ષાબળો દ્વારા લાખો લોકોના માનવઅધિકારોના ભંગનો રીપોર્ટ આપ્યો અને કહ્યું કે, ભારતીય સુરક્ષાદળ વધુ ને વધુ નરમી રાખે અને ભવિષ્યમાં વિરોધ-પ્રદર્શનો રોકવા માટે બળપ્રયોગ કરવામાં આંતરરાષ્ટ્રીય માનવઅધિકારના નિયમોનું પાલન કરે. રીપોર્ટમાં પીઓકે માટે ‘આઝાદ કાશ્મીર’ અને ‘ગિલગિટ બાલ્ટિસ્તાન’ જેવા શબ્દો પણ વપરાયા.
 
સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાને આક્રમણ દ્વારા ભારતના આ રાજ્યના એક ભાગ પર બળજબરીપૂર્વક અવૈધ કબજો કર્યો છે. રીપોર્ટમાં ભારતીય ભૂ-ભાગનું ખોટું વર્ણન ગુમરાહ કરનારું અને અસ્વીકાર્ય છે. ભારત માટે ‘આઝાદ કાશ્મીર’ અને ‘ગિલગિટ બાલ્ટિસ્તાન’ જેવું કંઈ છે જ નહીં.
 
ખરેખર તો આતંકીઓ સામાન્ય નાગ્ારિકોના માવઅધિકારોનું ઉલ્લંઘન કરે છે. ગુલામનબી આઝાદે પણ આતંકીઓનાં માનવ અધિકારની વાત કરેલી. તેઓ જવાબ આપે કે કયા ભારતીય કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આતંકવાદીઓને માનવ અધિકાર અપાય ? આવું બોલીને તેમણે સુરક્ષાબળોના આત્મવિશ્ર્વાસ પર ઘા કર્યો છે. તેમને દેશદ્રોહી કહેવા કે નહીં તે હવે કોંગ્રેસ નક્કી કરે. ઇતિહાસ સાક્ષી છે કે અહીં જેટલા નિર્દોષ નાગરિકો મર્યા છે એ તમામ આતંકવાદીનો જ ભોગ બન્યા છે. સુરક્ષાબળો બુરહાનવાણી જેવા આતંકીને મારે છે, માનવઅધિકારનું અને માનવોનું હનન કરનારા આતંકીઓના માનવઅધિકારો જ ના હોય, એમને તો મોત જ હોય. સંયુક્ત રાષ્ટ્ર આ સત્ય જાણે છે પણ આ રિપોર્ટ કાં તો સાંઠગાંઠનું પરિણામ છે કાં તો કન્ફ્યુઝનનું !
 
કાશ્મીરના જે મુસલમાનો આંતકીઓને પનાહ અને સહકાર આપે છે. તેઓ સ્કૂલ-કોલેજના નિર્દોષ બાળકોને મોતના ખપ્પરમાં ના નાંખે પોતે આગળ આવી ગોળી ખાવાની હિંમત દાખવે. પાકિસ્તાન પ્રેરિત ૧૪ જેટલા અલગાવવાદી સંગઠનોને જમ્મુ-કાશ્મીરના સ્થાનિક પક્ષો ઝેલે છે. એ તમામ જમ્મુ-કાશ્મીરને તોડી રહ્યાં છે. કેન્દ્ર સરકાર એમને નાકામિયાબ કરે. જમ્મુ - કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫(એ) ઝડપથી દૂર કરે. ખરા અર્થમાં જેમના માનવઅધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે તેમના અધિકારોનું રક્ષણ કરે અને જમ્મુ-કાશ્મીરમાં શાંતિની સ્થાપના કરે. સમગ્ર સમાજ, તમામ રાજકીય પક્ષો એક થઈ એમાં જોડાય એ જ આ સમસ્યાનો ઉકેલ છે. એ જ જનતાની પણ માંગ છે.