ધ્યેય, તેની પ્રાપ્તિનો માર્ગ અને એ માટેનું સમર્પણ

    ૧૨-જુલાઇ-૨૦૧૮

 
 
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ડૉ. ભીમરાવ આંબેડકરને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી હતી અને ડૉ. આંબેડકરને જીવનભર નૈતિક તથા અન્ય જરૂરી સહયોગ આપ્યો હતો.
 
વિદ્યાધ્યયન કરતી વખતે ભીમરાવનો હેતુ માત્ર પૈસા કમાવાનો નહોતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે તેમનો આવો સંવાદ થયો.
 
મહારાજાએ ભીમરાવને પૂછ્યું : ‘આપને કયા વિષયનું અધ્યયન કરવાની આવશ્યકતા લાગે છે ?’
 
ભીમરાવનો જવાબ હતો, સમાજવિજ્ઞાન, અર્થવિજ્ઞાન અને ખાસ કરીને પબ્લિક ફાઈનાન્સનો મારે અભ્યાસ કરવો છે.
મહારાજાએ પૂછ્યું : ‘આ વિષયોનું અધ્યયન કર્યા પછી તમે શું કરવા માંગો છો ?’
 
ભીમરાવનો જવાબ હતો, ‘આ વિષયોનો અભ્યાસ કરવાથી મારા સમાજની વર્તમાન દુર્દશાને કેવી રીતે સુધારી શકાય તેનો રસ્તો મને મળશે અને તેને આધારે હું સમાજ સુધારનું કાર્ય કરીશ.’
 
શિક્ષણ લઈ જ્યારે તેઓ સામાજિક રણમેદાનમાં કૂદી પડ્યા ત્યારે તેઓ કહે છે, ‘હું આપણા સમાજની સર્વાગીણ ઉન્નતિ માટે પ્રમાણિકતાથી પ્રયત્નોની પરાકાષ્ઠા કરવાનો છું. મેં પ્રાપ્ત કરેલી શક્તિનો ઉપયોગ માત્ર મારા પરિવાર કે જાતિ માટે જ કરવાનો નથી. સંપૂર્ણ અસ્પૃશ્ય સમાજ માટે હું તેનો ઉપયોગ કરવાનો છું. અસ્પૃશ્યોની સમસ્યાઓ અત્યંત વિકટ છે. તેનું નિરાકરણ હું પૂર્ણપણે કરી શકીશ નહીં, પણ હું એ બધી સમસ્યાઓ દુનિયાની સામે લાવી શકું છું.’
 
ધ્યેય, તેની પ્રાપ્તિનો માર્ગ અને એ માટેનું સમર્પણ ડૉ. આંબેડકરજીના જીવનના આ પ્રસંગમાં સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે.