‘એક હિન્દુસ્તાનીને પત્ર’ એ આપણી સ્વતંત્રતા માટેની લડત માટે ઘણો પ્રેરક અને ઉપયોગી સિદ્ધ થયો હતો

    ૧૪-જુલાઇ-૨૦૧૮

 
 
ટોલ્સ્ટોયનો એક હિન્દુસ્તાનીને પત્ર...
હિન્દુસ્તાન ગુલામ હોય તો એમાં દોષ હિન્દુસ્તાનનો જ છે
 
લિયો ટોલ્સટોય રશિયાના મહાનચિંતક અને સાહિત્યકાર છે. રશિયાના યાસનાયા-પોલિયાના ગામમાં ૯-૭-૧૮૨૮માં તેમનો જન્મ થયો. પિતા નિકોલસ લશ્કરી અધિકારી, માતા મેરી. નાની ઉંમરે માતાનું અવસાન થયું. દયાળુ આયા રશિયાનાએ ઉછેર્યા. ગામમાં જ ભણી, મોસ્કો જઈ કાયદાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેઓ કોકેસસ યુદ્ધ મોરચે ગયા અને માનવતાસભર વાર્તાઓ પણ લખી. તેમણે આખા યુરોપનો પ્રવાસ કર્યો. બાળકો, ખેડૂતો, મજૂરો દલિતો માટે શાળાઓ ખોલી. ૫૦મે વર્ષે સંસાર અને સાહિત્યમાં કોઈ રસ રહ્યો નહીં. ચિંતકો-ધર્મ-તત્ત્વવિચારનું ચિંતન વધ્યું. અમીર કુટુંબમાં જન્મ્યા છતાં સાદું, ધાર્મિક નીતિમયજીવન જીવ્યા. રાજાશાહી ઝારશાહી અને ધર્મસામ્રાજ્યમાં કચડાતી રશિયન પ્રજાને તેમણે આત્મજાગૃતિ આપ્યા. સમગ્ર જીવન માનવતાની સેવામાં વિતાવ્યું. આખરે ઈ.સ. ૧૯૧૦માં તેમણે આસ્ટોપાવામાં દેહ છોડ્યો.
આ મહાન ચિંતકે એક હિન્દુસ્થાનીને પત્ર લખ્યો હતો જે અત્યંત રોચક છે. એ પત્રનો જાણીતા સાહિત્યકાર મોહનલાલ પટેલ દ્વારા થયેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે.
રશિયામાં ઝાર શાસન દરમિયાન સરકાર તરફથી થતા અત્યાચાર અને સામૂહિક દેહાંતદંડની રીતથી હલી ઊઠેલા ટોલ્સ્ટોયે ૩૪ દિવસનો શ્રમ લઈને એક લેખ લખ્યો - ‘હું ચૂપ નહીં રહી શકું !’ આ લેખથી જગતના બધા દેશોએ એક જબરદસ્ત આંચકો અનુભવ્યો. આ લેખના કેટલાક અંશો રશિયામાં અનેક વર્તમાનપત્રોમાં પ્રગટ થયા. જે વર્તમાનપત્રોએ એ અંશો પ્રગટ કર્યા એ સૌ સરકારી દંડનો ભોગ બન્યાં. સેવસ્ટોપોલ નામના દૈનિકે તો એ લેખ છાપીને વર્તમાનપત્રની પ્રતો શહેરની દીવાલો પર ઠેર-ઠેર ચોટાડી. તુલામાં એ આખો લેખ એક ભૂગર્ભ પ્રેસમાં છપાયો ને એની ઘણી પ્રતોમાં એ લેખનો જર્મન ભાષામાં અનુવાદ છપાયો. આ લેખને જગતના ઘણા દેશોમાં ભારે પ્રસિદ્ધિ મળી એટલું જ નહીં, પણ એ અનેક દેશોમાં સરકાર તરફથી થઈ રહેલા અન્યાયો અને અત્યાચારો ઉપર આવા ધારદાર લેખો લખવા માટે ટોલ્સ્ટોયને વિનંતીઓ થવા લાગી.
ટોલ્સ્ટોયના આ લેખના ત્વરિત પ્રત્યાઘાત‚પે અમેરિકામાં વસતા તારકનાથ દાસ નામના એક ભારતીય ક્રાન્તિકારીએ ૨૪મી મે ૧૯૦૮ના રોજ ટોલ્સ્ટોય પર એક પત્ર લખ્યો હતો, જેમાંના કેટલાક અંશ આ પ્રમાણે હતા:
 
"અલબત્ત, રશિયાની પ્રજા ઉપર ખૂબ દમન અને અત્યાચાર ગુજારવામાં આવ્યાં છે, પણ ભારતની પ્રજા પર બ્રિટિશ શાસન દ્વારા ગુજારવામાં આવતા સિતમ સાથે એની તુલના કરવામાં આવે તો રશિયાની પ્રજા સૌથી વધારે દલિત અને પીડિત છે એમ નહીં કહી શકાય જગતના ઇતિહાસનું તમને બહોળું જ્ઞાન છે એટલે અમારી પ્રજા પર કેવું દમન ગુજારવામાં આવે છે એ તમારાથી અજાણ્યું ન હોય એ દેખીતું છે.
 
‘સર વિલયિમ ડિગ્લેના, ’ 'Prosperous British India' નામના પુસ્તકના લેખકે આંકડા દ્વારા સ્પષ્ટપણે પુરવાર કર્યું છે કે ઈ.સ. ૧૮૯૧થી ૧૯૦૦ સુધીના દસ વર્ષના ગાળામાં ભારતમાં માત્ર દુષ્કાળથી એક કરોડ નેવું લાખ માણસોએ જાન ગુમાવ્યા છે. જ્યારે આખા જગતમાં ઈ.સ. ૧૭૯૩થી ૧૯૦૦ સુધી એટલે કે ૧૦૭ વર્ષ દરમિયાન થયેલાં યુદ્ધોમાં માનવખુવારી માત્ર પચાસ લાખની થઈ છે. તમે યુદ્ધને ધિક્કારો છો. પણ હિન્દુસ્તાનમાં તો યુદ્ધ કરતાં દુષ્કાળ બદતર સિદ્ધ
થયા છે.
 
"ભારતમાં દુષ્કાળની વાત જુદી છે. ભારતમાં દુષ્કાળ અનાજ ઉત્પાદનની કમીને કારણે અનુભવાતા નથી. અહીંના માણસ છતે અનાજે અનાજ વગર ભૂખે મરી જાય છે. એની પાછળ બ્રિટિશ સરકાર જવાબદાર છે. સરકારી નીતિના કારણે અહીં પાકેલું અનાજ બીજે ઘસડાય છે અને ગરીબીના કારણે મોટા ભાગના લોકો અનાજ ખરીદી શકતા નથી અને ભૂખે મરે છે. હિન્દુસ્તાનનો માનવી ભૂખે મરતો હોય ત્યારે બ્રિટિશ વેપારીઓ દ્વારા હજારો ટન ચોખા અને અનાજની નિકાસ કરવામાં આવે એ હકીકત શું આઘાતજનક નથી ?
 
"હિન્દુસ્તાનના બ્રિટિશ શાસનમાં માનવતાનો નાશ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતમાં બ્રિટિશ નીતિ ખ્રિસ્તી સભ્યતા માટે ખતરનાક સિદ્ધ થઈ છે.
 
"તમે રશિયા બાબતે પુસ્તકો લખીને મહાન કાર્ય કર્યું છે. અમારી તમને વિનંતી છે કે જો તમે થોડો સમય ફાળવી શકો તો હિન્દુસ્તાન વિશે લેખ લખીને હિન્દુસ્તાન વિશેનાં તમારાં મંતવ્યો વ્યક્ત કરો.
 
ટોલ્સ્ટોયે તારકનાથ દાસના પત્રનો એક લેખ રૂપે જવાબ આપવામાં ઘણો વિલંબ કર્યો પણ એમણે ભારતના રાજકારણને અનુલક્ષીને લેખ લખવાની તૈયારીઓ તો શરૂ કરી દીધી જ હતી. એમણે એ લેખ માટે કરેલી નોંધો અને હાથે લખેલા તેમ જ ટાઈપ કરેલા ડ્રાફ્ટ (મુસદ્દા) વગેરેની સામગ્રીનાં ૪૧૩ પાનાં થયાં હતાં. (આ સામગ્રી યાસનયા પોલ્યાનાની લાઈબ્રેરીમાં સાચવી રાખવામાં આવી છે.) ઠીક ઠીક શ્રમ અને સમય પછી ટોલ્સ્ટોયે આ લેખ તૈયાર કર્યો અને એને શીર્ષક આપ્યું "એક હિન્દુસ્તાનીને પત્ર (Letter to an Indian). આ પત્ર પ્રગટ થતાં જ ભારતમાં બ્રિટિશ શાસકોએ એના પર પ્રતિબંધ મૂકી દીધો.
ટોલ્સ્ટોય વિચક્ષણ દૃષ્ટિવાળા પુરુષ હતા. જે કોઈ દેશના રાજકીય પ્રવાહો અંગે પોતાનું મંતવ્ય જે તે દેશકાળના સંજોગો પ્રજા અને સરકારને બરાબર જાણી-સમજીને જણાવતા. પોલેન્ડની એક સ્ત્રીએ એના દેશવાસીઓ પર જર્મન શાસકોના દમનની વાત લખી ત્યારે એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પોલેન્ડની ધરતી પર દમન વેઠતા પોલેન્ડના લોકો જેટલા સહાનુભૂતિને પાત્ર છે એટલા જ સહાનુભૂતિને પાત્ર દમન કરનારા જર્મન લોકો પણ છે, કારણ કે પોલ લોકો જર્મનોને નિર્દય બનીને ધિક્કારી રહ્યા છે.
 
ભારતની બાબતમાં એમણે વળી સાવ જુદી જ રીતે વાત કરી હતી. એમણે ભારતવાસીઓનો દોષ જરૂર જોયો હતો. પણ એ દોષ સાવ જુદા પ્રકારનો હતો. એમની નજરે એ દોષ હોવા છતાં ક્ષમ્ય અને સહાનુભૂતિપ્રેરક હતો. એમણે લખ્યું, હિન્દુસ્તાનના લોકોની જનસંખ્યા ૨૦ કરોડ છે અને શાસકવર્ગ મુઠ્ઠીભર માણસનો છે. વળી હિન્દુસ્તાનીઓની નૈતિક તાકાત બ્રિટિશરો કરતાં ઘણી ઊંચી છે. અન્ય ઘણી બાબતોમાં બ્રિટનના લોકો કરતાં હિન્દુસ્તાનના લોકો ચઢિયાતા છે. છતાં હિન્દુસ્તાન ગુલામ હોય તો એમાં દોષ હિન્દુસ્તાનનો જ છે. હિન્દુસ્તાનની પ્રજાએ હુકમો ઉઠાવી ઉઠાવીને તાબેદારી પકડી રાખી છે. ગુલામીમાંથી મુક્ત થવાના માર્ગો સૂચવતાં ટોલ્સ્ટોયે સૌ પ્રથમ અહિંસા પર ભાર મૂકતાં કહ્યું હતું. હિંસાના માર્ગે કોઈ પ્રજા સ્વતંત્ર થઈ શકે નહીં. એ પછી એમણે હિન્દુસ્તાનવાસીઓને સલાહ આપી હતી. કરવેરા ન ભરો, લશ્કરમાં ન જોડાઓ. જો હિન્દુસ્તાનના લોકો આ માર્ગ અખત્યાર કરે તો જગતની કોઈ સત્તા એમને ગુલામીમાં જકડી નહીં રાખી શકે. એમણે કહ્યું, અનિષ્ટનો મુકાબલો ભલે ન કરો પણ એમાં ભાગીદાર તો ન જ બનો.
 
ટોલ્સ્ટોયે નાગરિક કાનૂનભંગની એક રૂપરેખા તૈયાર કરી આપીને ભારતને મદદરૂપ થવા પ્રયાસ કર્યો હતો, જે આપણે લડતના એક ભાગ‚પે સવિનય કાનૂનભંગમાં જોઈ શકીએ છીએ. ટોલ્સ્ટોયે શ્રદ્ધા પ્રગટ કરી હતી કે ભારતની એકતા સાબૂત છે જે ગુલામીની ધૂંસરી ફગાવી દેવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે...
 
ટોલ્સ્ટોયનો આ પત્ર પ્રગટ થયા પછી દક્ષિણ આફ્રિકાથી પ્રતિભાવ આપતાં ગાંધીજીએ ટોલ્સ્ટોયને લખ્યું હતું : ‘લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલમાં શું ચાલી રહ્યું છે એના તરફ આપનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું. આ બ્રિટિશ સંસ્થાનમાં લગભગ ૧૩૦૦૦ બ્રિટિશ ભારતીયો વસે છે. આ પ્રજા ઘણાં વર્ષોથી કેટલાંક કાનૂની બંધનો હેઠળ, કેટલાક હકોથી વંચિત રહીને અહીં મથામણભર્યું જીવન ગાળે છે. આ રાજ્યમાં રંગભેદના તીવ્ર પૂર્વગ્રહો પ્રવર્તે છે. વળી, એશિયાવાસીઓ તરફની નફરત અહીં ઘણી છે. એશિયાની પ્રજા ગોરી પ્રજાની ભારે ઈર્ષ્યાનો ભોગ બનતી રહી છે.’ આ પછી તો ગાંધીજીએ ટોલ્સ્ટોયને ઘણા પત્રો લખ્યા હતા. એમણે પોતે લખેલી ‘ઇન્ડિયન હોમ‚લ’ પુસ્તિકા પણ ટોલ્સ્ટોયને મોકલી હતી. (જે યાસ્નાયા પોલ્યાનાની લાઈબ્રેરીમાં સાચવી રાખવામાં આવી છે.) ગાંધીજીએ પુરોવચન સાથે પેલો ભારતીય ઉપરનો પત્ર પણ પ્રગટ કર્યો હતો. ગાંધીજી ટોલ્સ્ટોયની વિચારસરણીથી ઘણા પ્રભાવિત હતા અને એમણે એમાંથી ઘણી પ્રેરણા લઈને પોતાની કાર્યપદ્ધતિ પ્રયોજી હતી એ સુવિદિત છે. ‘એક હિન્દુસ્તાનીને પત્ર’ એ આપણી સ્વતંત્રતા માટેની લડત માટે ઘણો પ્રેરક અને ઉપયોગી સિદ્ધ થયો હતો એ કહેવાની ભાગ્યે જરૂર હોય.
(સાભાર : સુવિચાર મેગેઝિન, સદવિચાર પરિવાર)