સોશિયલ મીડિયા પર અફવા બોંબ દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર!

    ૧૮-જુલાઇ-૨૦૧૮   સોશિયલ મીડિયા હત્યા કરી રહ્યું છે. ફક્ત સમયની જ નહીં પરંતુ માણસોની પણ, મહિલાઓની અને ટ્રાન્સજેન્ડરોની પણ. આજે ૨૦ કરોડ જેટલા ભારતીય વોટ્સએપ અને ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જો કે આ પ્લેટફોર્મ હવે મોટા પાયે સમાજવિરોધી બનતું જઈ રહ્યું છે કેમ કે, તેની મદદથી અફવાઓ ઝડપી રીતે ફેલાવાઈ રહી છે. તેના કારણે જ લિન્ચિંગની ઘટનાઓ વધી રહી છે. ત્રિપુરાથી મહારાષ્ટ્ર સુધીમાં ૧૦ મેથી આ લખાય છે ત્યાં સુધીમાં ૧૬થી વધુ ઘટના લિન્ચિંગની બની છે. અને ભારતના કુલ ૧૧ રાજ્યોમાં ૨૯થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જો કે તાજેતરની ઘટના ધૂલે જિલ્લાની છે, જ્યાં ૫ લોકોની હત્યા કરી દેવાઈ. આ ઘટનાને કારણે જ ટ્રાન્સજેન્ડર સહિત કુલ ૨૨ લોકોને અત્યાર સુધીમાં લોકોના ટોળા દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
 
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબૂક અને એનાથી પણ વધારે વ્હોટ્સએપમાં એક સનસનીપૂર્ણ મેસેજ જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે. ‘સાવધાન’ - બાળકોને ઉઠાવીને તેના શરીરના અવયવો કાઢી લેતી ગેંગ આપણા વિસ્તારમાં સક્રિય થઈ છે. થોડા દિવસોમાં જ આ ટોળકીએ અનેક બાળકોની ઘાતકી હત્યા કરી નાખી છે. તમારાં બાળકોને એકલાં મૂકશો નહીં. એક વીડિયો અને લોહીલુહાણ બાળકોની લાશોના ફોટા સાથે આ મેસેજે સમગ્ર દેશમાં હાહાકાર અને ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. કોઈ અસામાજિક અને અતિમનોવિકૃત વ્યક્તિના આ તદ્દન જુઠ્ઠાણાભર્યા મેસેજે મોતનું જે તાંડવ ખેલ્યું છે. એના કેટલાક દાખલા જોઈએ તો આપણને ખુદને સભ્યસમાજના નાગરિક કહેવડાવતાં શરમ આવશે.
મહારાષ્ટ્રમાં ધૂલે જિલ્લામાં ૧ જુલાઈ, ૨૦૧૮ના રોજ ૫ લોકોને બાળકચોરીની શંકા હેઠળ લોકોના ટોળાએ એટલો માર માર્યો કે, તેઓ મોતના મુખમાં પહોંચી ગયા. ત્યારબાદ તા. ૨૮-૨૯ જૂનના રોજ ત્રિપુરામાં ત્રણ જુદી જુદી ઘટના બની હતી. ત્રણે બાળકોની ઉઠાંતરીની અફવા હેઠળની ઘટના હતી. ૨૬ જૂનના રોજ અમદાવાદમાં ૪૦ વર્ષીય મહિલાને ૩૦ લોકોના ટોળાએ માર મારતાં મૃત્યુ પામી હતી. તે પણ બાળ ઉઠાંતરીની અફવાનો ભોગ બની હતી. ત્યારબાદ આવી જ ઘટનાઓ છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, આસામ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં બની. જેમાં અફવાસભર મેસેજને કારણે ટોળું ઉશ્કેરાયું અને અનેક લોકોનો જીવ લીધો.
 

 
દેશમાં અફવાઓનો ઇતિહાસ રહ્યો છે
 
‘વા વાયો ને નળિયું ખસ્યું કોઈએ કીધું કે મેં દીઠો ચોર’. આ પંક્તિને સાર્થક કરતી અફવાઓ આપણે ત્યાં નવી નથી. ૨૦૧૨માં મ્યાંમાર અને આસામની ઘટનાઓ બાદ સમગ્ર દેશમાં એક પ્રકારનું હિંસક વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આસામ મ્યાંમારમાં મુસ્લિમોની કત્લેઆમ થઈ રહી હોવાનાં ખોટા અને એડિટ કરેલા વીડિયો-તસવીરો દરેક મોબાઈલમાં સોશિયલ મીડિયા મારફતે પહોંચાડવામાં આવ્યા અને દેશભરમાં મુસ્લિમો તોફાને ચડ્યો. એવામાં ૧૬ ઑગસ્ટે અચાનક જ બેંગલોર અને હૈદરાબાદમાં એસએમએસ અને એમએમએસ ફરતા થયા કે પૂર્વોત્તરના લોકો ૨૦ ઑગસ્ટ સુધી નગર છોડી દે નહીં તો હુમલાઓ થઈ શકે છે. પરિણામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ખાતરીઓ અને સંરક્ષણના આશ્ર્વાસનો મીડિયામાં આવવા છતાં કર્ણાટક આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિત ૭ શહેરોમાંથી ૩૦૦૦થી વધુ પૂર્વોત્તર વાસીઓ પોતાના રાજ્ય તરફ દોટ મૂકી પરિણામે રેલવે સ્ટેશનો પર રીતસરના અફરા તફરી મચી ગઈ.
એ વખતે પૂર્વોત્તરના લોકો પર હુમલાની અફવાઓ ફેલાવવા પાછળ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસએસનો હાથ છે એવો દાવો ભારતની ઇન્ટલિજન્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારતના ૧૧ રાજ્યોમાં જે બાળક ચોરતી ગેંગ સક્રિય થઈ હોવાનો વીડિયો વહેતો થયો છે. તેનું કનેક્શન પણ પાકિસ્તાનમાં છે. એ વાત પણ સાબિત થઈ છે. ત્યારે એ કહેવું વધારે પડતું નથી કે, ભારતનાં દુશ્મનોને આપણા દેશની શાંતિ પચતી નથી માટે વારંવાર કોઈ તદ્દન જુઠ્ઠાણા ભરી અફવાઓ ફેલાવી સમાજ-સમાજ કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવાનાં કૃત્સિમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
થોડાં વર્ષો અગાઉ દેશમાં મહિલાઓના ચોટલા કાપનારી ગેંગ સક્રિય બની હોવાની અફવાએ દેશભરની મહિલાઓને ધ્રુજાવી દીધી હતી, જેને લઈને પણ અનેક ભિક્ષુકોને માર મારવામાં આવ્યો હતો.
૨૦૦૧માં દિલ્હીમાં મંકી મેનના હુમલાની અફવાએ આતંક ફેલાવી દીધો હતો. પરિણામે લોકો પોતાના વિસ્તારમાં તો શું ફળિયામાં, અરે ઘરમાં પણ એકલા ફરતા ન હતા.
૨૦૦૨માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ‘મુહનોચવા’ની અફવાએ દહેશત ફેલાવી હતી. કોઈ અજ્ઞાત ચીજ કે શેતાની તાકાત લોકોના ચહેરા પર અને શરીર પર ઈજાઓ પહોંચાડી તેમને વિકૃત કરી નાખે છે. આવી જ રીતે દિલ્હી અને છત્તીસગઢમાં ડાકણની અફવા ફેલાઈ હતી. ડુંગળી માંગતી ડાકણ લોકોના લોહી પી જતી હોવાના ભયે લોકો રાત્રે ઘરની બહાર નીકળતા બંધ થઈ ગયા હતા. આવી જ ડાકણની અફવા ગુજરાતમાં પણ ફેલાઈ હતી.
ભારત અને પાકિસ્તાન, બાંગ્લાદેશના મુસ્લિમોમાં દર વર્ષે સરકારી પોલિયો અભિયાન વખતે બીબાંછાપ પોલિયોનાં ટીપાં મુસ્લિમ બાળકોની પ્રજનન ક્ષમતા નષ્ટ કરી દેવાનું અમેરિકા, ઇઝરાયેલ અને ભારતનું ષડયંત્ર હોવાની અફવાઓ ચાલે છે. પરિણામે મુસ્લિમો મહિનાઓ સુધી પોતાનાં બાળકોને શાળાએ મોકલતા નથી. પાકિસ્તાનમાં તો આ પ્રકારની અફવાને કારણે સરકારી નર્સો પર હુમલા કરી તેમની હત્યા કરવાની ઘટનાઓ પણ બની છે.
 

 

અફવાને કારણે રમખાણો પણ થયાં છે
 
અફવાઓ ક્યારેક ક્યારેક સાંપ્રદાયિક રમખાણો પણ ફેલાવે છે. તેનું તાજું જ ઉદાહરણ ઔરંગાબાદ છે. તાજેતરમાં અહીંની મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર પાણીનાં કનેક્શન મુદ્દે અભિયાન ચલાવતાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ વોટ્સએપ પર અફવા અલાવી કે ઔરંગાબાદ નગરપાલિકા દ્વારા પાણી કનેક્શન કાપવા મુદ્દે પક્ષપાત કરાઈ રહ્યો છે અને માત્ર મસ્જિદનાં પાણી-કનેક્શન કપાઈ રહ્યાં છે. આ અફવા બાદ ઉગ્ર લોકોએ અન્ય સમુદાય પર હુમલો કરી દીધો અને ૫૦થી વધુ દુકાનો ફૂંકી મારી અને ૪૦ જેટલા લોકોને ઘાયલ કરી દીધા. પોલીસે સ્થળ પર ગોળીબાર કરવો પડ્યો જેમાં બે લોકોનાં મોત થયાં.
પાકિસ્તાનમાં ગેરમુસ્લિમો વિરુદ્ધ ખુન્નસ કાઢવા વોટ્સએપ પર તેણે કુરાનનું અપમાન કર્યંુ હોવાનાં જુઠ્ઠાણાં વાયરલ કરી દેવાની ઘટનાઓ સામાન્ય છે. પરિણામે ઈસાઈઓની વસ્તી ફૂંકી મરાઈ છે. અનેક હિન્દુઓની ઘાતકી હત્યાઓ થઈ છે.
થોડા સમય પહેલાં જ બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાને ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરી છે એવો જુઠ્ઠાણાસભર સંદેશ વાયરલ કરી દેવામાં આવ્યો, જેને પરિણામે આખા હિન્દુ ગામને બાળી મૂકવામાં આવ્યું હતું.
અન્ય દેશોમાં પણ અફવાઓએ અંધાધૂંધી સર્જી છે
 
સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધુ ચર્ચાયેલા માસ હિસ્ટેરિયાના બનાવોમાં સૌથી રસપ્રદ બનાવ સિંગાપોરનો છે. પચાસેક વર્ષ પહેલાં સિંગાપોર બહુ જ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ ચૂક્યું હતું. બીજા વિશ્ર્વયુદ્ધમાં જાપાની ફોજના અત્યાચાર સહન કરી ચૂકેલા સિંગાપોરને ત્યારે જ અંગ્રેજોએ આઝાદી આપી જ્યારે તેણે મુસ્લિમ બહુમતીવાળા મલેશિયામાં ભળી જવાનો સ્વીકાર કર્યો. તેના પગલે મલય મુસ્લિમો અને ચાઈનીઝ સમુદાયો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં અને ૧૯૬૫માં મલેશિયાએ તેને મુક્ત કરી દીધું. તેવામાં ૧૯૬૭માં મલેશિયામાં સ્વાઈન ફીવર ફાટી નીકળ્યો. ચાઈનીઝ મૂળના સિંગાપોરના લોકોનો આધારભૂત ખોરાક પોર્ક (ડુક્કરનું માંસ) છે. આ પરિસ્થિતિમાં સિંગાપોરમાં એવી અફવા ફાટી નીકળી કે સ્વાઈન ફીવરના પ્રોટેક્શન માટે કેટલાક ડુક્કરને ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં જે કોરો નામના રોગથી મોતને ભેટ્યાં છે. સિંગાપોરના લોકોને એવો ભય સતાવવા માંડ્યો કે તેમનામાં કોરોનો રોગ ફેલાશે. કેટલાકે તો એવું માની લીધું કે તેમને કોરો રોગ લાગુ પડ્યો છે અને તેમણે હોસ્પિટલોમાં દોડવાનું શરૂ કર્યુ. સિંગાપોરની સરકારને આંખે પાણી આવી ગયાં લોકોને એવું સમજાવવા માટે કે ‘કોરો રોગ’ માત્ર અફવા છે. મહિનાઓની કવાયતના અંતે લોકો સમજ્યા. અફવાના વાયરા દરમિયાન એક પણ વ્યક્તિનું મોત થયું નહોતું, છતાં લોકોનાં ટોળાંની સાઈઝ જોઈને તંત્ર હેબતાઈ જતું હતું.
આવી જ એક ઘટના વર્ષ ૨૦૦૫ના ડિસેમ્બરમાં ચેચેન્યામાં નોંધાઈ હતી. રશિયાની જોહુકમી અને અમેરિકાનાં શસ્ત્રો મેળવતા બળવાખોરોના સંઘર્ષમાં પીસાતા આ પ્રદેશના શેલ્કોવ્સ્કની એક સ્કૂલમાં અચાનક બાળકો બીમાર પડવાના શરૂ થયા. કેટલાંક બાળકોને અચાનક ખેંચ આવે, ઊલટી જેવો અનુભવ થાય અને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. જોતજોતામાં આવી તકલીફ આસપાસની અનેક સ્કૂલના બાળકોને થવા લાગી. શરૂઆતમાં સ્થાનિક તબીબોએ તેને ‘માસ પોઇઝનિંગ’નો મામલો ગણાવ્યો. રશિયન નિષ્ણાતોએ આવીને તપાસ કરી તો તેમને ખ્યાલ આવી ગયો કે આ ‘માસ હિસ્ટેરિયા’નો મામલો છે, પણ તેમના પર ચેચેન લોકો ભરોસો કેવી રીતે કરે ? એટલે યુરોપિયન નિષ્ણાતોને ઉતારવામાં આવ્યા. તેમણે શક્ય એટલાં તમામ વૈજ્ઞાનિક પરીક્ષણો કરીને જ્યારે એવી જાહેરાત કરી કે લોકોમાં માત્ર ભયના પગલે માસ હિસ્ટેરિયા છવાયો છે ત્યારે લોકોએ વિશ્ર્વાસ કર્યો અને ધીરે ધીરે આખો મામલો સમેટાઈ ગયો.
 

 
ટોળાનું મનોવિજ્ઞાન
 
મનોવિજ્ઞાન કહે છે કે, ટોળું એક ખાસ પરિસ્થિતિઓમાં લોકોનો એક એવો સમૂહ છે જેમાં વ્યક્તિ પોતાની સમજશક્તિ, વિવેકભાન ખોઈ બેસે છે. તેનું સ્થાન સામૂહિક મનનું નિર્માણ લઈ લે છે અને તે એક ચોક્કસ દિશા તરફ ઢસડાતો જાય છે. ટોળામાં વ્યક્તિની ખુદની વિચારશક્તિ નાશ પામે છે. ટોળામાં પ્રબળ આવેશ હોય છે, જેમાં તમામ વ્યક્તિઓનો આવેગ એક સાથે કામ કરતો હોય છે. માટે વ્યક્તિ અનિચ્છાએ પણ તેમાં ખેંચાતો જ જાય છે અને ટોળાનો એક ભાગ બની જાય છે. ટોળામાં બુદ્ધિ, વિવેક, વિચાર કામ નથી કરતાં, બલ્કે આવેગ તેની ચરમસીમા પર હોય છે. એટલે કે ટોળું આવેગનું ધસમસતું પૂર છે અને પૂરમાં ટોળાને તણાઈ જવાનું હોય છે.
આવા ઉન્માદી ટોળાના મનમાં માત્ર એક જ વાત હોય છે કે જેને લોકો માર મારી રહ્યા છે તેના પર મારે પણ તૂટી પડવાનું છે. કોઈ નથી વિચારતું કે જેને લોકો માર મારી રહ્યા છે તે ખરેખર ગુન્હેગાર છે કે નહીં. ટોળું તો માત્ર અફવાને આધારે ચાલતું હોય છે અને અપરાધી તત્ત્વો સંવેદનહીન સમય કે વાતાવરણમાં અફવાઓના સહારે પોતાની મેલી મુરાદો પાર પાડતા હોય છે. ટોળું એ એવા ઉન્માદી હાથી જેવું છે કે તેના રસ્તામાં આવતી હરેક ચીજને ફંગોળવામાં, કચડવામાં અનેરો આનંદ અનુભવે છે. પછી ભલે સામે કોઈ મહિલા, બાળક, અશક્ત વૃદ્ધ જ કેમ ન હોય, કારણ કે ટોળાના મનોવિજ્ઞાનમાં દયાભાવને કોઈ સ્થાન નથી હોતું.
મનોવિજ્ઞાન મુજબ ટોળાની નૈતિકતા અતિકમજોર હોય છે. ટોળામાં દયાભાવ કે રહેમની આશા રાખવી એ ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું અશક્ય કામ છે. મનુષ્યમાં દૈવીય તત્ત્વની સરખામણીમાં આસુરીશક્તિ વધુ સરળતાથી બહાર આવી જાય છે. ટોળામાં આવી જ આસુરીશક્તિ તેની ચરમસીમા પર હોય છે.
ઘણે ખરે અંશે ટોળાની વૃત્તિનો આધાર ટોળાનું નેતૃત્ત્વ કરનાર વ્યક્તિ પર પણ હોય છે. દા.ત., ટોળામાં કોઈ એક પ્રભાવશાળી વ્યક્તિ નેતા બની જાય અને ટોળાને ઉશ્કેરે તો ટોળું તેની આજ્ઞાનું આંધળું અનુસરણ કરે છે અને જો કોઈ શાંત નેતૃત્ત્વ પ્રાપ્ત થાય તો ટોળું શાંત પણ થઈ જાય છે. વિશ્ર્વ પ્રખ્યાત નાટક જુલિયસ સિઝરમાં ટોળાનું નેતૃત્ત્વ કરનાર ઉપરોક્ત બંને પ્રકારના ઉદાહરણો જોવા મળે છે. જે નીચે મુજબ છે.
 

 
ટોળાના મનોવિજ્ઞાનનું શ્રેષ્ઠ ઉદાહરણ શેક્સપિઅરનું નાટક ‘જુલિયસ સિઝર’
 
ટોળાશાહી અને ભીડના મનોવિજ્ઞાનનું શ્રેષ્ઠ દૃષ્ટાંત શેક્સપિઅરના સુપ્રસિદ્ધ નાટક ‘જુલિયસ સિઝર’માં જોવા મળે છે. નાટકમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે નાટકનો ખલનાયક માર્ક એન્ટલી (એન્ટોનિયો) લોકપ્રિય રાજા એવા જુલિયસ સિઝર વિરુદ્ધ તેના જ વિશ્ર્વાસુઓને ષડયંત્ર કરાવી સજ્જન એવા બ્રુટર્સના હાથે તેની હત્યા કરાવે છે. સીઝરની હત્યા બાદ બ્રુટર્સ પ્રજાને સમજાવવામાં સફળ થાય છે કે, તેણે સીઝરની હત્યા કેમ કરવી પડી. પરિણામે ઉશ્કેરાયેલા લોકો બ્રુટર્સની વાત માની શાંત થાય છે. પરંતુ માર્ક એન્ટલી સિફતપૂર્વક બ્રુટર્સે રાજા સિઝરની હત્યા કરી પ્રજાનું મોટુ અહિત કર્યંુ હોવાનું સાબિત કરી પ્રજાને ઉશ્કેરે છે. પરિણામે ઘડીભર પહેલાં બ્રુટર્સે યોગ્ય કર્યંુ હોવાનું માની શાંત રહેલા પ્રજાજનોનું ટોળું અચાનક જ બ્રુટર્સ પર તૂટી પડે છે અને તેની હત્યા કરી નાખે છે.
પ્રસિદ્ધ વાર્તાકાર આર. કે. નારાયણની વાર્તા ’Sweet Angle’માં પણ આજની ટોળાશાહી અને અફવાઓની વાત, તેમજ ટોળાના મનોવિજ્ઞાનની ઝાંખી થાય છે. જેમાં એક બાળક પ્રેમી નિર્ધન વ્યક્તિ વિદ્યાર્થીઓને મીઠાઈ આપી રહ્યો હોય છે ત્યારે વિદ્યાર્થીઓ તે લેવા માટે ઝપાઝપી કરે છે. વિદ્યાર્થીઓનું ટોળું રસ્તા પર ભેગું થઈ જતાં રસ્તો જામ થાય છે ત્યારે એક વ્યક્તિ બોલી ઊઠે છે કે આ વ્યક્તિ છોકરાઓનું અપહરણ કરે છે. પરિણામે લોકો તેને માર મારી અધમૂઓ કરી મૂકે છે.
માસ હિસ્ટેરીયાના આતંકથી બચવા-બચાવવા લોકો શું કરી શકે ?
 
સોશિયલ મીડિયાનાં આ યુગમાં નાની અમથી અફવાથી લોકોનાં ટોળા નિર્દોષોના લોહીના તરસ્યા બની જાય છે. ત્યારે ભોગ બનનાર માણસ પણ આપણા જ સમાજનો છે, જેની હત્યા પર આપણે ઊતરી આવ્યા છીએ. એ કોઈનો દીકરો-બાપ-ભાઈ કે કોઈની માતા, કોઈ પરિવારનો આધાર છે. એનો વિચાર સૌપ્રથમ કરવાની જરૂર છે. સમાજે સોશિયલ મીડિયા પર આવતા સંદેશાઓ અંગે જાગરુકતા કેળવવાની જરૂર છે. વોટ્સએપ પર આવા દાવા કરતા કોઈ સંદેશો આવે તો તે સૌપ્રથમ ગુગલ પર સર્ચ કરી તેની ખરાઈ કરો. કોઈ વીડિયો વોટ્સએપ પર આવે તો તેને યુટ્યૂબ કે ગુગલ પર જઈ તેની ખરાઈ કરી શકાય છે. ઘણી વખત વીડિયો એડિટ પણ થયેલો હોય છે. તાજેતરમાં વાયરલ થયેલા જે વીડિયોને કારણે બે ડઝન જેટલા નિર્દોષોનો જીવ ખોવો પડ્યો છે તેની હકીકત શું છે ? તપાસમાં બહાર આવ્યું છે કે, હકીકતમાં આ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી તેમાં જે મૃત બાળકોને બતાવવામાં આવી રહ્યા છે, તે સીરિયામાં નર્વ ગેસ હુમલામાં માર્યા ગયેલા છે. પરંતુ આ વીડિયોને એડિટ કરી કોઈ અસામાજિક તત્ત્વે હિન્દીમાં ચેતવણી આપી છે કે, આ બાળકોની હત્યા બાળકો ઉઠાવી જતી ગેંગે કરી છે અને તેમનાં અંગો કાઢી વેચી દેવાયાં છે. પાકિસ્તાનનો પણ આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ત્યારે સમાજનાં જાગૃત નાગરિકોને અપીલ કે, સોશિયલ મીડિયામાં આવતા સમાચારોને મુખ્ય માધ્યમોનાં સમાચારો સાથે સરખાવી સમાચાર સાચા છે કે નહીં તે નક્કી કરવું. કોઈ તસવીર તમારા સેલફોન પર આવે તો તેને ગુગલમાં જઈ સર્ચ કરી સાચી છે કે, ખોટી તે નક્કી કરો. જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ શંકાસ્પદ કે અરાજકતા ફેલાવતો મેસેજ જણાય કે તરત જ તેની જાણ સાયબર સેલને કરો.
 

 
સરકારની જવાબદારી
 
દેશભરમાં બની રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ સામે સરકારે પણ સંવેદનશીલતા દાખવી તાબડતોબ સોશિયલ મીડિયા પર આવા નકલી સંદેશા વાયરલ થતા અટકાવવાના પ્રયાસો આદર્યા છે. સરકારના આઈટી મંત્રાલયે વોટ્સએપને એક પત્ર લખ્યો હતો. વોટ્સએપ પણ સરકારને જવાબ આપ્યો છે કે, વોટ્સએપ માત્ર ભારત માટે એક નવું ફિચર લાવી રહ્યું છે. જેમાં દરેક ફોરવર્ડ મેસેજ પર લખ્યું હશે કે, આ મેસેજ ફોરવર્ડ કરાયેલ છે. જેથી કરીને લોકો વિચારશે કે આ સંદેશો ખોટો પણ હોઈ શકે છે. સાથે સાથે દરેક ગ્રુપ એડમીન નક્કી કરી શકશે કે તેના ગ્રુપનો કયો સદસ્ય મેસેજ કરી શકશે કે નહીં. માર્ક સ્પેમ ફિચર ઓટ્સન પણ લાવવામાં આવશે. જેથી વગર વિચારે મેસેજને ફોરવર્ડનું પ્રચલન પર કાબુ લગાવી શકાશે. જો મોટાભાગનાં લોકો કોઈ સંદેશને સ્પેમ તરીકે માર્ક કરશે તો તે બ્લોક થઈ જશે અને આગળ ફોરવર્ડ થઈ શકશે નહીં. ગુજરાતમાં સરકાર દ્વારા આ અરાજકતાને ડામવા માટે જે સ્થળે બાળકો એકઠાં થતાં હોય તેવાં સ્થળો પર આવા ખોટા વાયરલ સંદેશાથી દૂર રહેવા મા-બાપને સમજાવવાનું અભિયાન હાથ ધરાયું છે. રાજ્ય પોલીસે પેટ્રોલિંગ પણ વધુ સઘન બનાવી દીધું છે. સરકારનાં આ કદમો આવકારદાયક છે, પરંતુ હકીકત એ છે કે, આપણા દેશમાં દર વર્ષે સરેરાશ ૬૦,૦૦૦થી પણ વધુ બાળકો ગુમ થઈ જાય છે.
એ વાત નકારી શકાય નહીં કે બાળ તસ્કરીના સોદાગરો દેશમાં બેફામ બન્યા છે. દર દસ મિનિટે દેશમાં કોઈ એક ખૂણે બાળકનું અપહરણ થાય છે. ત્યાં આવા બાળ તસ્કરોને નાથવા સરકારે તાબડતોબ બાળપણ બચાવો અભિયાન હેઠળ ઠોસ પગલાં લેવાની જ‚ર છે. બાળ તસ્કરી વિરુદ્ધ સખત કાયદો બનાવવો. સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગણતરીના મહિનાઓમાં જ કેસની સુનવણી અને ગુનેગારને સખતમાં સખત સજા અપાવવાનો સમય પાકી ગયો છે. કારણ કે દેશની ભાવિ પેઢીને બરબાદ કરનારા અપરાધીઓ દેશદ્રોહીથી કમ નથી.
 
***
 
વર્તમાન ગતિશીલ સમયમાં લોકોને એકબીજા સાથે સાંકળવા, નજીક લાવવા માટે સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મોટી અને મહત્ત્વની છે. તેનો સ્વીકાર કરવો રહ્યો, પરંતુ આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ જ્યારે હિંસા ફેલાવવા, અફવાઓ ફેલાવવા અને આ પ્રકારનાં સમાજવિરોધી કાર્યો માટે થવા માંડે ત્યારે તે દેશ સમાજ માટે ચિંતાનો વિષય છે. પરિસ્થિતિ અસાધારણ હદે વણસે એ પહેલાં તેના વિરુદ્ધ કદમ ઊઠે એ હાલના સમયની માંગ છે. હાલ સોશિયલ મીડિયા પર લોકોને ખુલ્લી છૂટ મળેલી છે, જેનાં દુષ્પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. લોકોના અભિવ્યક્તિ અધિકારને પૂરું સમર્થન, પરંતુ નાગરિકની સુરક્ષાના ભોગે નહીં જ.