ભીમા-કોરેગાવ હિંસા-વામપંથી-નક્સલી ગેંગનું ષડયંત્ર

    ૧૯-જુલાઇ-૨૦૧૮

 
હવે જાતિવાદી ઉશ્કેરણી દ્વારા વામપંથી ગેંગ નકસલવાદની વિષવેલ શહેરોમાં પ્રસરાવી રહી છે
 
આ વર્ષના આરંભે મહારાષ્ટ્રના ભીમા-કોરેગાવમાં થયેલી હિંસાને કોંગ્રેસ, સામ્યવાદીઓ તથા સ્વઘોષિત બુદ્ધિજીવીઓની ગેંગ દ્વારા બહુ ચગાવવામાં આવી હતી. માત્ર હિંસાચારમાં જ શ્રદ્ધા ધરાવતા નક્સલી નેતાઓના સૂત્રધાર એવા વામપંથી નેતાઓએ તો આ ઘટનાને લઈને ઇતિહાસનું વિકૃતીકરણ કરવામાં પણ કંઈ જ બાકી રાખ્યું નહોતું. માત્ર અને માત્ર જાતિવાદી ઉશ્કેરણીને કારણે એકત્રિત થયેલી ભીડે ભારે હિંસાચાર કર્યો હતો. ‘ચોર કોટવાળને દંડે’ની નીતિને અનુસરતી વામપંથી-કોંગ્રેસી ગેંગના નેતાઓએ નિર્દોષ લોકોની ધરપકડ કરવા ત્રાગાં પણ કર્યાં હતાં. આ હિંસાચારની તપાસ માટે યોજાયેલી સત્યશોધક સમિતિનાં તારણોને આધારે હવે સત્ય ઉજાગર થયું છે કે, મોદી સરકારની અસરકારક વ્યૂહરચનાને પરિણામે આદિવાસી ક્ષેત્રોમાં મૃત:પ્રાય થઈ રહેલા નક્સલવાદને કથિત ભણેલા બુદ્ધિજીવીઓ તથા વામપંથીઓ હવે શહેરોમાં પ્રસરાવી રહ્યા છે. પ્રસ્તુત લેખમાં પૂર્વ સૈન્ય અધિકારી તથા વામપંથી નક્સલી આતંકના પ્રખર અભ્યાસુ એવા કેપ્ટન સ્મિતા ગાયકવાડ ભીમા-કોરેગાવ હિંસામાં સામ્યવાદી ષડયંત્રનો ઘટસ્ફોટ કરે છે.
‘ભારત તેરે ટુકડે હોંગે...’ સૂત્રના પ્રણેતા ગણાતા આતંકી સાંઠગાંઠ ધરાવતા JNUના ઉમર ખાલીદને તાજેતરમાં જ તેના જઘન્ય અપરાધો માટે શિક્ષા થઈ છે. JNU પછી અન્ય સ્થાનોએ દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરનારા આ અપરાધીએ દિ. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે કેટલાક ષડયંત્રકારીઓએ પુણેમાં યોજેલી એલ્ગાર પરિષદમાં ભાગ લીધો હતો. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે ૧ જાન્યુઆરીના દિવસે દલિત-સામ્યવાદી-માઓવાદી સંગઠનો દ્વારા ભીમા-કોરેગાવમાં હજારોની ભીડ એકત્રિત કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના હિંસામાં ફેરવાઈ ગઈ હતી. એલ્ગાર પરિષદના આયોજકોમાં એક હતા. માઓવાદી આતંકના સમર્થક એવા સુધીર ઢવળે જેમને ન્યાયાલયે ૪૦ માસના કારાવાસની શિક્ષા ફટકારી હતી. ઉમર ખાલીદ તો ઇસ્લામિક આતંકવાદના જાહેર સમર્થક છે. અન્ય એક આયોજક એવા હર્ષિલા પોતદારની તેમની માઓવાદી પ્રવૃત્તિઓ માટે વર્ષ ૨૦૧૩માં પોલીસ તપાસ પણ થઈ હતી. જો કે વામપંથી ષડયંત્રકારીઓ અને હિંસાચારીઓ સાથેના મમત્વને કારણે કોંગ્રેસી નેતા અને તત્કાલીન મંત્રી જયરામ રમેશના દોરીસંચારને કારણે આ માઓવાદી મહિલાની તપાસ રહસ્યમય રીતે આગળ વધી ન હતી. ટૂંકમાં ભીમા-કોરેગાવ કાર્યક્રમના આયોજકોમાં અપરાધીઓ હતા એ વાત તો જગજાહેર હતી.
 
કલાના નામે વિઘાતક પ્રવૃત્તિઓ કરવાની કલામાં વામપંથીઓ સિદ્ધહસ્ત હોય છે. ‘કબીર કલા મંચ’ના અગ્રણીઓની પણ ભીમા-કોરેગાવ હિંસામાં પ્રમુખ ભૂમિકા બહાર આવી છે. તો છાશવારે બંધારણની દુહાઈ દેનારા રિપબ્લિકન પાર્ટીના અગ્રણી એવા પ્રકાશ આંબેડકર પણ એલ્ગાર પરિષદના સહભાગી હતા. આ ટોળાએ આચરેલી હિંસામાં સેંકડો વાહનો-મકાનો નાશ પામ્યાં હતાં અને કરોડો રૂપિયાની સંપત્તિ ગણતરીના કલાકોમાં જ નાશ પામી હતી. નિ:શંક રીતે હજારોની ભીડને હેતુપૂર્વક ઉશ્કેરવામાં આવી હતી એવું હિંસાતાંડવને જોતાં જ સૌ કોઈના ધ્યાનમાં આવી ગયું હતું.
 
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝીણવટપૂર્વકની તપાસ પછી ૧૮ એપ્રિલના દિવસે કબીર કલા મંચના અગ્રણીઓ તથા કાર્યાલય ઉપર દરોડા પાડવામાં આવ્યા. નિયમ પ્રમાણે, વામપંથીઓ તથા બુદ્ધિજીવી ગેંગ દ્વારા આ દરોડાઓનો ભારે વિરોધ થયો. આ ગેંગ દ્વારા એક પ્રશ્ર્ન વારંવાર પૂછવામાં આવ્યો કે માઓવાદ એ વર્ગવિગ્રહ (Class War) છે, તો તેને ‘જાતિ’વિશેષ સાથે કેમ જોડવામાં આવ્યો છે ?
 
આ પ્રશ્ર્નમાં જ વામપંથી હિંસાના ષડયંત્રનો ઘટસ્ફોટ થાય છે. વિશેષ કરીને વનવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસી શાસનકાળમાં પાંગરેલી નક્સલી હિંસા મોદી સરકારની વ્યૂહાત્મક નીતિને કારણે હવે મૃત:પ્રાય બની રહી છે. આદિવાસી ક્ષેત્રોમાં મૃત:પ્રાય થઈ રહેલી નક્સલી હિંસાની આ વિષવેલને હવે નગરોમાં લઈ જવાનું ષડયંત્ર વામપંથી ગેંગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એક જાતિવિશેષના લોકોને મહિનાઓ સુધી ઉશ્કેરીને વર્ગ-વિગ્રહના ષડયંત્ર માટે ભીમા-કોરેગાવમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ઉશ્કેરણી-હિંસા પાછળ કથિત ‘કલા’ઉપાસકો સુધીર ઢવળે, આતંકી સમર્થક ઉમર ખાલીદ, માઓવાદી હિંસાના સમર્થન માટે જેલ ભોગવી ચૂકેલા તુષાર કાંતિ ભટ્ટાચાર્ય, માઓવાદી સમર્થક શોમા સેન, આંબેડકરી અગ્રણી પ્રકાશ આંબેડકર, નક્સલી હિંસા માટે જેલવાસ ભોગવી ચૂકેલા ‘કથિત’ સામાજિક કાર્યકર રોના વેલ્સન જેવા લોકો હતા તે તપાસમાં સિદ્ધ થયું હોવાથી આમાંના ઘણાની ધરપકડ પણ કરવામાં આવી છે.
 
વાણી-વિચાર સ્વાતંત્ર્યની ઓથમાં હિંસાચાર આચરતી બે વામપંથી સંસ્થાઓ પણ હવે પોલીસના રડારમાં છે. સુંદર નામો રાખીને લોકોને ભ્રમિત કરવા માટે વિશ્ર્વવિખ્યાત વામપંથીઓની આ બે સંસ્થાઓનાં નામ છે ‘દેશભક્તિ યુવા મંચ’ અને ‘કબીર કલા મંચ’. જો કે હિંસાચાર અને વિઘટનકારી પ્રવૃત્તિઓને જ પોષતી વામપંથી ગેંગની આ બે સંસ્થાઓને દેશભક્તિ કે સંત કબીરના વિચારો સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી તેનું સીધું પ્રમાણ ભીમા-કોરેગાવમાં એક જાતિ-વિશેષના લોકોની થયેલી ઉશ્કેરણીમાં જોવા મળે છે. ‘કબીર કલા મંચ’માં જોડાયેલા પ્રશાંત કાંબળે તથા સંતોષ શેલાર નામના બે યુવકોના પરિવારજનોએ પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે ‘કલાના નામે અમારા આ બે યુવાન સંતાનોને ગઢચિરોલીની સશસ્ત્ર નક્સલી હિંસામાં જોડી દેવામાં આવ્યા હતા.’ કથિત બુદ્ધિજીવી ગેંગ આવી ‘કલાત્મક’ હિંસા અંગે મૌન સેવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
 
બીજું ‘કલા’ના નામે વિઘટનકારી પ્રવૃત્તિઓ આચરતી સંસ્થા ‘કબીર કલા મંચ’ના અગ્રણીઓ આ હિંસાચાર પછી એવા દાવા કરે છે કે અમારી સંસ્થા દલિતોની સમસ્યાઓ માટે સંઘર્ષ કરે છે !! કલાના ઓઠા હેઠળ સંઘર્ષ કરવાનાં ત્રાગાં તો વામપંથી બુદ્ધિજીવી ગેંગ જ કરી શકે !! તો ‘દેશભક્તિ યુવા મંચ’ના અગ્રણી અ‚ણ ભેળકે પણ પુણે વિસ્તારના યુવાનોને ગઢચિરોલી ક્ષેત્રના સશસ્ત્ર હિંસાચારમાં જોડતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ છે વર્ગવિગ્રહ અને હિંસાચારને પોષતી નક્સલી ‘કલાસાધના’ અને ‘દેશભક્તિ’ !!
 
‘વિવેક વિચાર મંચ’ નામની મહારાષ્ટ્રની લબ્ધ-પ્રતિષ્ઠ સંસ્થા દ્વારા ૧ જાન્યુઆરીના દિવસોમાં થયેલી ભીમા-કોરેગાવ હિંસા અંગે પૂર્વ સાંસદ પ્રદીપ રાવતના અધ્યક્ષસ્થાને એક સત્યશોધક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિનાં તારણોમાં ભીમા-કોરેગાવ હિંસા માટે એક જાતિવિશેષના લોકોને યોજનાબદ્ધ રીતે ઉશ્કેરીને હિંસા માટે દુષ્પ્રેરિત કરવામાં આવ્યા હતા તેવું સિદ્ધ થયું હતું. યોગાનુયોગ એ હતો કે પોલીસ તપાસમાં પણ આવું જ સત્ય બહાર આવ્યું હતું ! આમ હવે એલગાર પરિષદના આયોજકો, ‘કથિત’ કલાસાધકો, કથિત બુદ્ધિજીવીઓ તથા કથિત દેશભક્તો આજે જેલના સળિયા ગણી રહ્યા છે. પરંતુ આ ઘટના પછી એ ધ્યાનમાં આવ્યું છે કે અત્યાર સુધી આદિવાસી ક્ષેત્રો પૂરતી સીમિત રહેલી વામપંથીઓ પ્રેરિત નક્સલી હિંસાની વિષવેલ હવે નગરોમાં પ્રસરવા લાગી છે. જેમ માયાવી રાક્ષસો કોઈ પણ સ્વ‚પ લઈ શકતા હતા તેમ આધુનિક માયાવી હિંસાચારીઓ ‘કલાસાધક’, ‘દેશભક્ત’ કે પ્રોફેસર બનીને પણ દેશદ્રોહી, ખંડનાત્મક કે હિંસક પ્રવૃત્તિઓ આચરી શકે છે. આવા માયાવી લોકોને સંત કબીર તથા દેશભક્તિના નામને વટાવી લેવામાં પણ શરમ નડતી નથી. નગરોમાં પ્રસરી રહેલી સમાજ-વિભાજનકારી વિષવેલ ‘શહેરી નક્સલવાદ’થી ભારતમાતાના સંતાનોએ સાવધ થવાનો સમય પાકી ગયો છે, કેમ કે શહેરી નક્સલવાદમાં એક જાતિવિશેષના લોકોને અન્ય જાતિઓ વિરુદ્ધ યોજનાબદ્ધ રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લાં ૧-૨ વર્ષોમાં બનેલી હિંસક ઘટનાઓ પાછળ ઉમર ખાલીદના ગુજરાતી સમર્થકો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, તેથી આવાં વિઘટનકારી તત્ત્વોને સમાજ જાકારો આપે તો જ શહેરી નક્સલવાદી હિંસાને અટકાવી શકાશે.
***
 
કેપ્ટન સ્મિતા ગાયકવાડ
પૂર્વ સેના અધિકારી, સભ્ય, ભીમા-કોરેગાવ હિંસા સત્યશોધક સમિતિ 
(ભાવાનુવાદ : જગદીશ આણેરાવ)