ઉત્તરપ્રદેશમાં સરકારી સ્કૂલનું નામ ‘ઈસ્લામિયા': શુક્રવારે રજા

    ૨૩-જુલાઇ-૨૦૧૮

 
 
ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના સલેમપુર ક્ષેત્રમાં એક સરકારી સ્કૂલનું નામ બદલીને ‘ઈસ્લામિયા પ્રાયમરી સ્કૂલ' કરી દીધું છે, જેના કારણે ભારે વિવાદ પેદા થયો છે. ચોક્કસ સમુદાયના આચાર્યે આ નિર્ણય લીધો છે અને શુક્રવારે સ્કૂલ બંધ રાખવાની પરંપરા શરૂ કરી દીધી છે. આ ઘટનાનો ખુલાસો શુક્રવારે થયો તો શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો.
 
જિલ્લા શિક્ષણાધિકારી સુજીત કુમારે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સલેમપુર ક્ષેત્રના શિક્ષણ અધિકારી જ્ઞાનચંદ મિશ્રને ગુરુવારે જાણકારી મળી હતી કે નવલપુરમાં તૈનાત આચાર્ય શુક્રવારે સ્કૂલ બંધ રાખે છે. આની તપાસ કરવા માટે વિભાગીય શિક્ષણ અધિકારીએ શુક્રવારે અન્ય અધિકારી દેવી શરણ સિંહ અને હરેન્દ્ર દ્વિવેદીને સ્કૂલમાં મોકલ્યા હતાં. બંને સવારે ૯-૪૫એ સ્કૂલ પહોંચ્યા ત્યારે સ્કૂલ બંધ હોવાનું માલુમ પડ્યું હતું. એટલું જ નહિ શાળા પર પ્રાથમિક વિદ્યાલય, નવલપુરની જગ્યાએ “ઈસ્લામિયા પ્રાઈમરી સ્કૂલ, નવલપુર”નું લેબલ મારી દેવામા આવ્યું હતું. શાળાનું રજિસ્ટર તપાસતા સામે આવ્યું છે કે શાળા શુક્રવારે બંધ રહેતી અને રવિવારે ચાલુ રહેતી. આ સંદર્ભે શાળાના પ્રિન્સીપાલ ખુર્શેદ અહમદનું કહેવું છે કે શાળામાં ભણતા ૯૧ વિદ્યાર્થીઓમાંથી ૯૫ ટકા મુસ્લિમ સમુદાયના છે માટે શુક્રવારે શાળા બંધ રાખી રવિવારે ચાલુ રાખવામાં આવતી હતી. એટલું જ નહિ પ્રીન્સીપાલનું કહેવું છે કે આ પરંપર મારા પહેલાથી ચાલતી આવી છે.
 
આ સંદર્ભે જિલ્લાના અધિકારી સુજિત કુમારે જણાવ્યું હતું કે યોગ્ય તપાસ કરી દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે..