ગુરૂપૂર્ણિમા નિમિત્તે સ્વયંસેવકનું ગુરુપૂજન...

    ૨૬-જુલાઇ-૨૦૧૮

 
 
 
ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિશેષ સ્વયંસેવકનું ગુરુપૂજન
 
ગુરુપૂર્ણિમા અને તેનું મહત્ત્વ
 
આષાઢી પૂર્ણિમા આપણે ત્યાં વ્યાસપૂર્ણિમા અથવા ગુરુપૂર્ણિમાને નામે પરિચિત છે. અને તે દૃષ્ટિથી ભારતીય પરંપરામાં તે અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ ગણાય છે. ભારતીય પરંપરામાં ગુરુ પ્રાપ્ત કરવો એ વ્યક્તિનું અતિઆવશ્યક કર્તવ્ય મનાયું છે. ગુરુત્વની એટલે કે શ્રેષ્ઠત્વની પૂજા કરવી અને માર્ગદર્શન પ્રાપ્ત કરવું એ ભારતીય જીવનમાં પરમ સૌભાગ્ય મનાય છે.
 
ગુરુનું માહાત્મ્ય પણ આપણે ત્યાં ઓછું અંકાયું નથી. ગુરુમાં જ સર્વ દેવોના સમાવેશની સંકલ્પ્ના આપણે માટે નવી નથી અને તેને સાક્ષાત્ પરબ્રહ્મ માનીને આપણે ત્યાં ગુરુપૂજા થતી રહી છે. કવિકલ્પ્નાએ તો તેને ગોવિંદ કરતાં પણ વધુ ઊંચું સ્થાન આપ્યું છે, કારણ તેને કારણે જ ઈશ્ર્વરપ્રાપ્તિની ઇચ્છા પૂરી થઈ શકે છે. ગુરુત્વની, શ્રેષ્ઠત્વની પૂજા કરવી અને તેને ચરણે સર્વસ્વ સમર્પણની અભિલાષા રાખવી એ માત્ર ભારતીય અથવા હિંદુ પરંપરાની જ વિશેષતા છે. ભારતમાં આ પરંપરાએ જે વિશેષ અર્થ પ્રાપ્ત કર્યો છે તે અર્થમાં વિશ્ર્વમાં અન્યત્ર ક્યાંય પણ આ સંકલ્પ્ના પ્રસ્થાપિત થઈ નથી.
 
વ્યક્તિગત જીવનમાં ગુરુપૂજા
 
સર્વસામાન્ય વ્યક્તિ જ્યારે ગુરુપૂજન કરે છે ત્યારે તેની આકાંક્ષાઓ અતિ સીમિત હોય છે. પોતાનું અને પોતાના પરિવારનું સર્વમંગલ થાય, સન્માર્ગે ચાલીને જીવનનાં સામાન્ય સુખ પ્રાપ્ત થાય અને સામાન્ય કર્તવ્યો પોતે નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે તેમાં તેની જીવનની બધી આકાંક્ષાઓ સમાઈ જાય છે. આ સામાન્ય સુખોની કલ્પ્ના કદાચ વ્યક્તિશ: જુદી જુદી હોઈ શકે, દરેક વ્યક્તિના માનસિક, સાંસ્કારિક સ્તર પ્રમાણે જીવનનાં સામાન્ય સુખોની પ્રાપ્તિથી માંડીને આત્મકલ્યાણ અને મોક્ષ સુધીની હોઈ શકે. પરંતુ ગુરુકૃપાથી એ આકાંક્ષાઓ પૂર્ણ થઈ જશે એ વિશ્ર્વાસ તેનામાં ગુરુપૂજાની પ્રેરણા ઉત્પન્ન કરે છે.
 

 
 
 
ગુરુની પસંદગી
 
સ્વાભાવિક રીતે જ આ હેતુથી ગુરુની પસંદગી માણસને કોઈ ને કોઈ સંત, સત્પુરુષ, વિદ્વાન અથવા સમર્થ મહાપુરુષ તરફ દોરી જાય છે, અને જ્યાં તેની શ્રદ્ધા બેસે છે ત્યાં તે પોતાની શ્રદ્ધા સ્થાપિત કરે છે અને પોતાની શક્તિ-ભક્તિ અનુસાર ગુરુદક્ષિણા સ્વરૂપે કાંઈક અર્પણ કરે છે, પરંતુ આ બધો જ વ્યાયામ વ્યક્તિગત આકાંક્ષાઓની પૂર્તિ માટેનો છે.
 
સ્વયંસેવકનું ગુરુપૂજન
 
ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ સંપૂર્ણ સંકલ્પ્નાને એક નવીન આયામ અને ઊંચાઈ આપી છે. ખરા અર્થમાં કહીએ તો આ સંકલ્પ્નાને ખરો અર્થ આપ્યો છે. અને તેથી સ્વયંસેવક દ્વારા થતા ગુરુપૂજનને પણ એક વિશિષ્ટ અર્થ પ્રાપ્ત થયો છે.
 
પૂજન કોણ કરે છે
 
પોતાના સાંસારિક જીવનમાં અનેક ભૂમિકાઓ નિભાવતો માણસ પોતાની જે તે ભૂમિકાની સફળતા માટે પ્રયત્નશીલ હોય છે. અને તે ભૂમિકા સાથે જોડાએલા પોતાના નાનકડા વિશ્ર્વના સર્વમંગલની એક મર્યાદિત મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ એ જ તેનું લક્ષ્ય હોય છે, પરંતુ સ્વયંસેવક તરીકે જ્યારે એ ગુરુપૂજન કરે છે ત્યારે એક અલગ એકમ તરીકે તે આ કાર્ય કરે છે. આ પૂજન કરતી વખતે તે કોઈના પતિ, પુત્ર, પિતા કે માલિકની ભૂમિકામાં નથી પણ હિંદુરાષ્ટ્રના એક અવિભાજ્ય ઘટકની ભૂમિકામાં છે. ‘हिन्दु राष्ट्रांगभूताः वयं’ ને યાદ કરી આ રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે તે રાષ્ટ્રીય આકાંક્ષાઓની પૂર્તિ માટે અને રાષ્ટ્રના સંરક્ષણ અને સંવર્ધનનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે ગુરુપૂજન કરે છે અને ‘महामंगले पुण्यभूमे त्वदर्थे पतत्वेव कायो नमस्ते नमस्ते’
યાદ કરીને સર્વસ્વાર્પણના પોતાના વચનનું પુન:સ્મરણ કરે છે. તેનું ગુરુપૂજન કોઈ વ્યક્તિ તરીકે વ્યક્તિગત આકાંક્ષાઓની પૂર્તિની ઇચ્છાથી નથી પણ આ રાષ્ટ્રના અવિભાજ્ય ઘટક તરીકે રાષ્ટ્રીય આકાંક્ષાઓની પૂર્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે છે.
 
શું છે આ રાષ્ટ્રીય આકાંક્ષા?
 
સંઘની પ્રતિજ્ઞા અને પ્રાર્થનમાં આ આકાંક્ષા અથવા જીવનધ્યેય સુપેરે સ્પષ્ટ થાય છે. નિત્ય પ્રાર્થના કરતી વખતે સ્વયંસેવક આ ધ્યેયને આ શબ્દોમાં યાદ કરે છે ‘अस्य धर्मस्य संरक्षणं विधाय, परमवैभवं नेतुमेतत् स्वराष्ट्र’ (અમારા આ ધર્મનું સંરક્ષણ કરી અમારા આ રાષ્ટ્રને પરમવૈભવના શિખરે લઈ જવા જઈએ). અને આ આકાંક્ષા પૂર્ણ કરવા આવશ્યક સામર્થ્યના આશીર્વાદની તે ગુરુ પાસે માગણી કરે છે.
 
સંઘના સ્વયંસેવક દ્વારા લેવાતી પ્રતિજ્ઞાના શબ્દો પણ આ ભાવ જ વ્યક્ત કરે છે. ‘આપણા પવિત્ર હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુરાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવા માટે હું સંઘનો ઘટક થયો છું. ‘કોઈ સામાન્ય, ક્ષુદ્ર, તાત્કાલિક, સ્વલક્ષી અથવા વ્યક્તિલક્ષી ધ્યેય માટે નહીં પણ સ્વરાષ્ટ્ર, સ્વસંસ્કૃતિ અને સ્વધર્મના સંરક્ષણ, સંવર્ધનના ઉદાત્ત લક્ષ્ય માટે સ્વયંસેવક પ્રતિબદ્ધ છે. અને તેની પૂર્તિ માટે આવશ્યક સમર્પણભાવ અને આવશ્યક સામર્થ્ય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે.
  
વ્યક્તિપૂજા નહીં, તત્ત્વપૂજા
 
અને તેથી જ સંઘે પોતાના ગુરુસ્થાને ડૉ. હેડગેવાર સહિત કોઈ પણ મહાપુરુષને સ્થાપિત કરવાને બદલે ભગવા ધ્વજને સ્થાપિત કર્યો છે. પૂજનીય ડૉ. હેડગેવારજીની તત્ત્વનિષ્ઠા અને દૂરદર્શિતાનો આ મોટો પુરાવો છે. સંઘમાં થએલા પહેલા ગુરુપૂજન કાર્યક્રમ સુધી સ્વયંસેવકોની એવી સ્વાભાવિક અને પ્રામાણિક માન્યતા હતી કે ડૉ. હેડગેવારજીનું જ પૂજન થશે. પરંતુ ડૉ. હેડગેવારજીએ સ્વયંસેવકોની સામે ભગવા ધ્વજને ગુરુસ્થાને સ્થાપિત કરી એક સુખદ આશ્ર્ચર્ય સર્જ્યું અને એક ઉદાત્ત પરંપરા પ્રસ્થાપિત કરી. આમ કરવાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ સદાસર્વદા બધા જ લોકોનું માર્ગદર્શન કરી શકતી નથી અને મનુષ્યમાત્ર સ્ખલનશીલ હોવાથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સ્ખલિત અને માર્ગભ્રષ્ટ થઈ શકે છે અને પોતાની સાથે પોતાના આનુયાયીઓને પણ પોતાની સાથે દોરીને લઈ જઈ શકે છે. ભારતનો પ્રદીર્ઘ ઇતિહાસ પણ પૂજનીય ડૉ. હેડગેવારજીએ કહેલી વાતોનો સાક્ષી છે. પૂજનીય ડૉક્ટરજીની ઇચ્છા હતી કે સ્વયંસેવક વ્યક્તિપૂજક ન બને, ‘बाबावाक्यं प्रमाणं’ માનનારો ન બને, ભલે તેની યાત્રા શરૂ કરાવનારો અથવા પ્રારંભિક માર્ગદર્શન કરનારો ભલે કોઈ મનુષ્ય હોય તો પણ સ્વયંસેવક કોઈ વ્યક્તિ કે સંસ્થા સુધી સીમિત ના રહેતાં તત્ત્વ તરફ જ આગળ વધે. ‘बुद्धं शरणं गच्छामि, संघ शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि’ સૂત્ર પ્રમાણે તે છેવટે માર્ગમાં આવતા બધા પડાવોને વટાવી તત્ત્વનિષ્ઠા સુધી પહોંચે. અને તેથી નિત્ય જાગ્રત અને આત્મવિલોપી ડૉક્ટરજીએ સ્વયંસેવક સામે ગુરુસ્વરૂપે શ્રેષ્ઠ તત્ત્વના પ્રતીક સમાન ભગવા ધ્વજને સ્થાપિત કર્યો.
 
ભગવો ધ્વજ શા માટે
 
ભગવો ધ્વજ શા માટે? બંધારણ-માન્ય ત્રિરંગો શા માટે નહીં એવો પ્રશ્ર્ન અન્ય લોકોની સાથે સાથે સ્વયંસેવકના મનમાં પણ ઊઠવાની સંભાવના છે. સ્વાભાવિક રીતે જ સંઘના ધ્યેયનો વિચાર કરીએ તો આ પ્રશ્ર્નનો જવાબ મળી જાય છે. પરમેશ્ર્વરે આ રાષ્ટ્ર માટે નિશ્ર્ચિત કરેલા વિશ્ર્વકલ્યાણના ધ્યેયને હિંદુ સમાજના પ્રબળ સંગઠન દ્વારા આ રાષ્ટ્રને સમર્થ બનાવી તેના માધ્યમથી પૂર્ણત્વ તરફ લઈ જવા માગે છે. આ લક્ષ્યની સિદ્ધિ માટે સ્વયંસેવકોના સ્વરૂપમાં આ ધ્યેય માટે સર્વસમર્પણ માટે પ્રતિબદ્ધ નાગરિકસમૂહ તૈયાર કરવા માગે છે. સ્વયંપ્રેરણાથી, લક્ષ્યપ્રાપ્તિ માટે સર્વસ્વાર્પણની પ્રતિબદ્ધતાથી પ્રેરિત સ્વયંસેવક તરીકે ઓળખાતા આ ધ્યેયનિષ્ઠ સમૂહની કાર્યશક્તિથી સંપૂર્ણ હિંદુસમાજને સંગઠિત કરી તેના માધ્યમથી સામર્થ્યશાળી રાષ્ટ્ર બનાવવાનું અને એવા રાષ્ટ્રના સામૂહિક પુરુષાર્થના માધ્યમથી ‘कृण्वंतो विश्‍वमार्य’નું ઈશ્ર્વરપ્રદત્ત ધ્યેય સંઘ સિદ્ધ કરવા માગે છે.
 
આ મહાન લક્ષ્યની સિદ્ધિ અપરિમિત ત્યાગ અને બલિદાન સિવાય શક્ય નથી. વિવિધ મત, પંથ, પ્રાંત, ભાષા અને ઉપાસનાપદ્ધતિઓમાં વિભાજિત અને વ્યક્તિગત ઇચ્છાઓ અને સ્વાર્થોની પૂર્તિમાં લિપ્ત સમાજને એ કળણમાંથી બહાર કાઢી રાષ્ટ્ર માટે સર્વસ્વ સમર્પણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા કોણ આપી શકે? એનો નિશ્ર્ચિત જવાબ છે ભગવો ધ્વજ. આપણી સંસ્કૃતિ ત્યાગના આધાર પર વિકસિત છે. પરોપકાર માટે, ઉચ્ચતમ માનવમૂલ્યોના સંરક્ષણ માટે, શોષિત અને પીડિત વિશ્ર્વના કલ્યાણ માટે ઉચ્ચતમ બલિદાનની પ્રેરણા આપ્નારી આ યજ્ઞ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિએ પરહિત માટેના બલિદાનને જ મનુષ્યત્વ માન્યું છે. જગતનું સર્વ જ્ઞાન જેનું ઉચ્છિષ્ઠ ગણાય છે તેવા ભગવાન વેદવ્યાસે પોતાના સર્વજ્ઞાનનો નિચોડ બે જ પંક્તિઓમાં આપ્યો છે. તે પંક્તિઓ છે.
 
‘अष्टादश पुराणेषु व्यासस्य वचन द्वयम्‌|
परोपकारः पुण्याय पापाय परपीडनं|
 
પરાપૂર્વથી ભગવાન સૂર્યનારાયણ આ યજ્ઞસંસ્કૃતિના પ્રેરક મનાયા. તેમના જ પ્રતીક તરીકે અગ્નિપૂજા વિકસી અને તે જ યજ્ઞજ્વાલાઓના પ્રતીક તરીકે ભગવો રંગ, ભગવું વસ્ત્ર, તેને ધારણ કરનારો સંન્યાસી અને તેના પ્રતીક સમાન ભગવો ધ્વજ એ ત્યાગ અને બલિદાનનાં પ્રેરક પ્રતીકો મનાયાં. સર્વસ્વત્યાગી સંન્યાસીઓએ ભગવું વસ્ત્ર ધારણ કર્યું. શાસકવર્ગ સહિત આખા સમાજે તેને પૂજ્ય માન્યું. રાષ્ટ્ર, ધર્મ સંસ્કૃતિ, જીવનમૂલ્યો, સજ્જનોના રક્ષણ અને દુર્જનોના નિયમન માટે શ્રેષ્ઠતમ બલિદાનો આપનારા અને અપ્રતિમ માનવીય શૌર્ય પ્રગટ કરનારા વીરોએ ભગવા ધ્વજને ગુરુસ્થાન આપી પ્રેરણા પ્રાપ્ત કરી. આ રાષ્ટ્રના ઉત્થાન અને પતનનાં અનેક ચક્રોનો તે સાક્ષી મનાયો અને હંમેશા નવોત્થાનની પ્રેરણા બની રહ્યો. કવિઓએ તેનું વર્ણન કર્યું.
 
उद्ययत्विभाकर समस्तिमिरापहर्ता
संख्ये हुतात्महुत शोणित शोणवर्ण |
त्यागस्य केतनमुदीर्ण हुताशनार्चि
विश्वे सदा विजयते भगवद्ध्वजोयं ॥
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક પણ આ દેશમાં આ જ જીવનમૂલ્યોનું સંરક્ષણ કરવા અને તેને માટે સર્વસ્વનું બલિદાન આપવા પ્રતિબદ્ધ છે, અને તેથી જે ભગવો ધ્વજ હિન્દુ ઇતિહાસના ઉત્થાન-પતનનાં અનેક ચક્રોનો સાક્ષી છે, રાજપૂતાણીઓને જૌહરની, વીરોને શ્રેષ્ઠતમ બલિદાનોની, રાજાઓ અને રાજપુત્રોને સર્વસ્વત્યાગની સર્વકાલિક પ્રેરણા આપી છે તે ધ્વજને તેણે ગુરુસ્થાને સ્થાપિત કર્યો છે.
 

 
 
સમર્પણ : ગુરુદક્ષિણા
 
ગુરુપૂજનની સાથે જોડાયેલો શબ્દ છે સમર્પણ. આ શબ્દ પણ એક વિશેષ અર્થ ધરાવે છે. એક સામાજિક સંગઠન તરીકે સંઘે નિર્માણ કરેલી આ અભૂતપૂર્વ વ્યવસ્થા છે. ‘‘अर्थस्य पुरुषो दासः’’ સૂત્રનો મર્મ સમજનારા પૂ. ડૉક્ટરજીએ સ્થાપિત કરેલી આ એક અભિનવ વ્યવસ્થા છે અને તે વ્યવસ્થાએ સંઘને આત્મનિર્ભરતા અને તેને કારણે આવતી નિર્ભયતા પ્રદાન કરી છે.
સ્વયંસેવકના પક્ષે આ હિન્દુ રાષ્ટ્રના અંગભૂત ઘટક તરીકે તન, મન, ધનપૂર્વક કામ કરવાની તેની પ્રતિજ્ઞાની આંશિક પૂર્તિ છે. પરિકલ્પનાની દૃષ્ટિથી સ્વયંસેવક સંઘનો અવિભાજ્ય ઘટક હોવાથી અને માત્ર પોતાના કર્તવ્યનું પાલન કરતો હોવાથી ક્યાંય દાનનો ભાવ નથી, સંઘના અન્નદાતા બનવાનો ભ્રમ નથી, સમાજ માટે ત્યાગનો આડંબર નથી. માત્ર ગુરુના શ્રીચરણોમાં યથાશક્તિ સમર્પણની ધન્યતા અને આવશ્યકતાનુસાર સર્વસ્વ સમર્પણની પ્રતિબદ્ધતાનું પુન: સ્મરણ છે.
 
સામયિક આવશ્યકતા
 
આજે આપણે બધાએ ધર્મરક્ષણ માટે બલિદાન કરવાનું એટલે શું કરવાનું તેનો વિચાર કરવાની આવશ્યકતા છે. આપણા ધર્મની રક્ષા કરતાં કરતાં હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ એ આપણું લક્ષ્ય છે. આ ધર્મરક્ષા માટે આજે થઈ રહેલા સાંસ્કૃતિક આક્રમણને સમજવાની જરૂર છે. શું પરધર્મીઓ સામે વિજય એ ધર્મરક્ષણ છે ? પૂજનીય ડૉક્ટરજીએ કહ્યું હતું, ‘આ દેશમાં એક પણ મુસ્લિમ કે ખ્રિસ્તી ના હોત તો પણ જો આ હિન્દુ સમાજની આ જ સ્થિતિ હોત તો મેં સંઘ સ્થાપના કરી હોત.’ આના સૂચિતાર્થો સમજવાની જરૂર છે. આ દેશ માટે ઇસ્લામીકરણ કે ખ્રિસ્તીકરણ કરતાં અહિન્દુકરણ માટે ચાલી રહેલું આક્રમણ વધુ જોખમી છે.
 
વિશ્ર્વકલ્યાણ માટે અનિવાર્ય એવાં શ્રેષ્ઠ જીવનમૂલ્યો પરનું સાર્વત્રિક આક્રમણ આજે પ્રતિષ્ઠા અને બળ પ્રાપ્ત કરી સફળ થતું દેખાઈ રહ્યું છે. વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાજનીતિમાં જીવનમૂલ્યોનો જે હ્રાસ જોવા મળે છે તે આ આક્રમણની સફળતાનું જ પ્રતીક છે. એ દૃષ્ટિથી જોઈએ તો આ આખો સંઘર્ષ પોતાની સાથે જ છે. आत्मविजय के हेतु स्वयं का यह अनुशासन सारा है | એ પંક્તિઓ અનુસાર આત્મવિજયનું સામર્થ્ય પોતાની અને પોતાનાની સામે લડવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે અને આ ભગીરથ કાર્ય તન, મન, ધનના શ્રેષ્ઠ સમર્પણ સિવાય શક્ય નથી.
આ જ સ્વયંસેવકની સાધના છે અને પ્રયત્ન છે, સ્વયંપ્રેરણાથી ધારણ કરેલું માતૃસેવાનું વ્રત પૂર્ણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું એ જ સ્વયંસેવકની સાર્થકતા છે.
 
- શ્રીકાંત કાટદરે