દલિત ઇસાઈઓ ઉચ્ચ ઇસાઈઓ સાથે લગ્ન કરી શકતા નથી, કરણ કે....?

    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
 
શું મતાંતરણ બાદ દલિતોને સન્માન અને માન મળી શક્યું છે ? જો વર્તમાન સમયમાં મતાંતરિત થયેલા દલિતોની સ્થિતિ સન્માનજનક નથી તો ભારતીય ઉપમહાદ્વીપમાં ઇસ્લામ કે ઈસાઈમત તેઓને સામાજિક ન્યાય અપાવી શકે છે? આ પ્રશ્ર્નો ઉદ્ભવે છે કેરલની તાજેતરની એ ઘટનામાંથી જેમાં એક મતાંતરિત દલિત ઈસાઈ કેવિન પી. જોસેફની માત્ર એટલા માટે હત્યા કરી દેવાઈ, કારણ કે તેણે ઈસાઈમતની એક ઉચ્ચ જાતિની યુવતી સાથે લગ્ન કરવાની હિમ્મત કરી હતી. પ્રસ્તુત છે આ અંગે વિશેષ છણાવટ.
 
વામપંથીઓ દાયકાઓથી અને આજે પણ દલિત-મુસ્લિમ ગઠબંધનની વકીલાત કરે છે. ચર્ચ પણ દલિતોને મતાંતરણ બાદ એક આદર્શ અને સંપન્ન સમાજનાં સ્વપ્નો દેખાડે છે. આઝાદી પૂર્વેથી દલિતો મિશનરીઓના આ પ્રોપેગંડાનો શિકાર બની રહ્યા છે. વામપંથીઓના સમર્થનથી મુસ્લિમ લીગ દ્વારા આ કુત્સિત ગઠબંધનમાં બંગાળના દલિત નેતા જોગેન્દ્રનાથ મંડલને સામેલ કર્યા હતા, જે પાકિસ્તાની સંવિધાન સભાના અધ્યક્ષ અને બાદમાં ત્યાંની પહેલી સરકારમાં મંત્રી પણ બન્યા હતા.
પરંતુ મંડલના દલિત-મુસ્લિમ ભાઈ-ભાઈના નારાની હવા ત્યારે નીકળી ગઈ જ્યારે મુસ્લિમ લિગે પોતાના ધાર્મિક ઝનૂની એજન્ડા અંતર્ગત પાકિસ્તાનને કાફિરોથી મુક્ત કરવાનું અભિયાન છેડ્યું. પશ્ર્ચિમ-પૂર્વ પાકિસ્તાનમાં દલિતો સહિત ગેરમુસ્લિમો પર ભયાનક અત્યાચારો થયા અને પોતાના સમાજની રક્ષા કરવામાં અસમર્થ મંડલને છેવટે ૧૯૫૦માં પાકિસ્તાનની તત્કાલીન લિયાકત સરકારમાં રાજીનામું આપી ભારત ભાગી આવવું પડ્યું હતું.
 

ઇસાઈમતની ઉચ્ચજ્ઞાતિ સાથે પરણવાની સજા
 
તાજો મામલો કેરલના કોટ્ટાયમનો છે. બે વર્ષના પ્રેમ બાદ દલિત કેવિને ૨૫ મેના રોજ પોતાની ૨૦ વર્ષની પ્રેમિકા નીનુ ચાકો સાથે એટ્ટુમનૂર સ્થિત સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં લગ્ન કરી લીધાં જેને લઈ યુવતીના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે નીતુને બળજબરીપૂર્વક તેના પરિવાર સાથે મોકલવાની કોશિશ કરી, પરંતુ તે મક્કમ રહી.
 
૨૭ મેના રોજ ત્રણ વાહનોમાં હથિયારોથી સજ્જ નીતુના પરિજનોનું ટોળું આવીને કેવિનના પરિવાર પર તૂટી પડ્યું. કેવિન અને તેના પિતરાઈ ભાઈનું અપહરણ કરી લીધું. બાદમાં અનિશને તો એ લોકોએ છોડી દીધો પરંતુ ૨૮ મેના રોજ કોલ્લમની એક નહેરમાં કેવિનનો ક્ષત-વિક્ષત થયેલો મૃતદેહ મળી આવ્યો. હત્યાનો મામલો સામે આવતાં અને ઊહાપોહ થતાં છેવટે પોલીસે ફરિયાદ દાખલ કરી અપહરણ અને હત્યાના આરોપ હેઠળ ડઝન લોકોની ધરપકડ કરી. આ મામલે યુવતીના પિતા અને ભાઈ સિવાય જે ત્રણ લોકો નિયાઝ, રિયાઝ અને ઈશાનની ધરપકડ કરવામાં આવી છે. તે તમામ વામપંથી વિદ્યાર્થી સંગઠન ‘ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ના સદસ્યો છે.
 

દલિત કેવિનની હત્યા મુદ્દે વિશેષ ચર્ચા કેમ નહીં ?
 
જો પોલીસ અપહરણની ફરિયાદ લેવામાં સક્રિયતા દાખવત તો કદાચ કેવિન આજે જીવિત હોત, પરંતુ સવાલ એ થાય છે કે આ ઘટનાને માત્ર પોલીસની નિષ્ક્રિયતામાં ખપાવવી કેટલી યોગ્ય છે ? જ્યારે પણ ભારતમાં દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવે છે ત્યારે વિકૃત તર્ક-વિતર્કો કરી હિન્દુ સમાજને બદનામ કરવાના દરેક પ્રયાસો થાય છે. શું કેવિનની હત્યા મામલે નિષ્પક્ષ ચર્ચાની જરૂર નથી ?
 
દલિતમાંથી ઈસાઈ બનેલા કેવિનની હત્યાએ ચર્ચ અને ઈસાઈ મિશનરીઓનાં તે દાવા અને મતાંતરણ બાદની કડવી હકીકતને ઉજાગર કરી દીધી છે, જેમાં દેશના શોષિત વર્ગો ખાસ કરીને દલિતોને આભડછેટ જેવી કુરીતિઓમાંથી મુક્તિ અપાવી સંપન્ન સમાજનું સ્વપ્ન બતાવી છળ-કપટ અને લાલચ થકી મતાંતરણ માટે ઉકસાવવામાં આવે છે. દેશમાં થનાર પ્રત્યેક ઉત્પીડનની ઘટના ભારતીય સમાજ પર એક કલંક છે. સદીઓથી આ મુદ્દે વિવિધ લોકો દ્વારા જે તપ થઈ રહ્યું છે તે આજે પણ તેના મૂળ ઉદ્દેશ્ય લગી પહોંચી શક્યું નથી. એટલે કે આ દિશામાં હજુ પણ અનેક કામ કરવાનાં બાકી છે.
મે ૨૦૧૪ બાદ દલિત પરના અત્યાચારોને લઈ દેશના કથિત સેક્યુલરિસ્ટ, વામપંથી અને સ્વઘોષિત ઉદારવાદીએ છાતી પીટીપીટી ભારતને બદનામ કરવા, ભાજપ-સંઘને દલિત વિરોધી સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આ જ લોકો કેવિન હત્યાકાંડ મુદ્દે આજે ચુપ છે. કેવિનની હત્યા બાદ પણ દેશમાં બધે શાંતિ છે. અસહિષ્ણુતા ક્યાંય નથી. બુદ્ધિજીવીઓ આંદોલન કરી રહ્યા નથી કે, પોતાનાં સન્માન પરત કરી રહ્યા નથી. મોટાભાગના સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલ્સે આ હત્યાકાંડના સમાચાર બતાવવાની પણ તસ્દી લીધી નથી. મૃતક કેવિનના પરિજનને ન તો કરોડોની સહાય મળી છે કે ન તો સરકારી નોકરીના વાયદા થયા છે. કેવિન હત્યાકાંડ પર દેશમાં ઉપરોક્ત પરિદૃશ્યનાં ચાર મુખ્ય કારણો છે. એક ઘટનાક્રમમાં સામેલ બન્ને પરિવાર ઘોષિત રૂપથી બિનહિન્દુ છે. બીજું, મતાંતરિત થયેલા દલિત કેવિનની હત્યા કરનાર મોટાભાગના વામપંથી વિદ્યાર્થી સંગઠનના સક્રિય સદસ્ય છે, જેઓના મૂળમાં જ હિંસક વિચારધારા છે. ત્રીજું જે રાજ્યમાં કેવિનની હત્યા થઈ છે ત્યાં ભાજપની સરકાર નથી. ચોથું અને સૌથી મહત્ત્વપૂર્ણ આ હત્યાકાંડમાં ચર્ચની ભૂમિકા છે.
 
મતાંતરિત થયેલા દલિત ઇસાઈઓ સાથે ચર્ચ દ્વારા આભડછેટ રખાય છે
 
ડિસેમ્બર ૨૦૧૬માં કેથલિક બિશપ કોફ્રેસ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ)ના નીતિ પત્રમાં એ વાત સ્વીકારવામાં આવી છે કે, મતાંતરિત થયેલા દલિત-ઈસાઈઓ સાથે આભડછેટ મોટા પાયે થાય છે. કેરલમાં દલિત ઈસાઈઓને ઉચ્ચ ઈસાઈ જાતિઓ ખાસ કરીને સીરિયાઈ ઈસાઈ સમાજમાં લગ્ન કરવાની અનુમતિ નથી. દલિત ઈસાઈઓને સીરિયાઈ ચર્ચો અને કબ્રસ્તાનમાં પ્રવેશવા દેવાતા નથી. તેમના માટે કેરલ અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ઈસાઈ સમાજમાં વ્યાપ્ત આ આભડછેટ-જાતિભેદને વિરુદ્ધ દેશના કથિત સેક્યુલરવાદીઓ કેમ નથી બોલતા ?
ભારતમાં ઈસાઈ મતનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. ઈસા મસીહના દેહાંતના બે દાયકા બાદ સેન્ટ થોમસ કેરલના તટ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ લોકોએ અહીં ઈસાઈમત અંગીકાર કર્યો હતો. તે તમામ લોકો સીરિયાઈ ચર્ચના અનુયાયીઓ હતા. આ લોકો અનેક સદીઓ સુધી અન્ય મતાવલંબી ઈસાઈઓ સાથે શાંતિપૂર્વક રહ્યા હતા. પરંતુ ક્રુસેડના નામે પોર્ટુગિઝ, ડચ અને અંગ્રેજો ભારતીય તટ પર ઊતર્યા. તેમની સાથે રોમન કેથલિક ચર્ચ પણ ઊતર્યું. પોર્ટુગિઝોને અહીં જે ઈસાઈમત હતો, જે યુરોપથી એકદમ અલગ હતો, તે બિલકુલ પસંદ ન આવતાં તેઓએ સામ-દામ-દંડ અને ભેદથી લોકોને યુરોપિયન ઈસાઈમતના શરણે આવવા બાધ્ય કર્યા. ત્યાર બાદ ભારતમાં કેથલિક ઈસાઈયતનો વિસ્તાર થવા લાગ્યો.
શું ભારતમાં મતાંતરિત થયેલા દલિત ઈસાઈઓની હાલત સુધરી છે ? દલિત ઈસાઈઓની હાલત આજે એ દલિત જાતિઓથી દયનીય છે જે પડકારોને પડકારી પ્રગતિ કરી રહ્યા છે. વિદેશી ધન અને ઘોષિત સેક્યુલરવાદીઓના આશીર્વાદથી ચર્ચો આજે ૩૦ ટકા શિક્ષણ અને ૨૨ ટકા સ્વાસ્થ્ય-સેવાઓ પર કબજો જમાવી દીધો છે. દેશમાં હાલ ભારત સરકાર બાદ ચર્ચો પાસે સૌથી વધુ જમીન છે. ભારતના કેથલિક ચર્ચના છ કાર્ડિનલોમાં એક પણ દલિત નથી. ૩૦ આર્ચ બિશપમાં એક પણ દલિત નથી. ૧૭૫ બિશપોમાં માત્ર ૯ અને ૨૫ હજાર કેથલિક પાદરીઓમાં ૧૧૩૦ દલિત ઈસાઈ છે. ચર્ચોમાં દલિત ઈસાઈઓની સ્થિતિ સ્પષ્ટ છે કે, તેમને સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક સંપન્નતાનાં સ્વપ્નો બતાવીને ઠગવામાં આવ્યા છે. કેટલાક સમય પહેલાં દલિત ઈસાઈઓના એક પ્રતિનિધિમંડળે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ બાન કી મૂનને એક આવેદન પત્ર આપી આરોપ લગાવ્યો હતો કે, કેથોલિક ચર્ચ અને વેટિકન તેઓનું શોષણ કરી રહ્યા છે. ચર્ચ પ્રતિષ્ઠાનોમાં તેમની સાથે જાતિવાદના નામે ભેદભાવ થઈ રહ્યો છે. આ સંકટનું સમાધાન ત્યારે જ શક્ય બનશે જ્યારે સમય રહેતાં ઈસાઈ મિશનરીઓના મતાંતરણ અભિયાન પર પૂર્ણરૂપે પ્રતિબંધ લગાવી દેવાશે.
 
***
 
- બલવીર પૂંજ 
(સાભાર : હિન્દુ વિશ્ર્વ,
લેખક પૂર્વ સાંસદ અને દિલ્હીના વરિષ્ઠ પત્રકાર છે.)