એક કિશોરનો કલશોર...એક તરુણના આંતરવિશ્ર્વનું દર્શન

    ૨૭-જુલાઇ-૨૦૧૮   

 
 
જ્યારે એક જીવન યાતનાને બદલે યાત્રા બને છે, એક પુસ્તક જે દોરી આપે છે
એક કિશોરનો કલશોર...
આ અઠવાડિયે એક અનોખો અનુભવ થયો. બારમા ધોરણમાં ભણતા એક તરુણે એની કિશોરાવસ્થાના કેટલાક અનુભવોની કથા લખી છે. સુરતના પ્રશમ મહેતાએ લખેલું પુસ્તક આમ તો પુષ્પ જેવું લાગે. શબ્દોમાં સત્યનો ટહુકો હોવાથી જુદા જ પ્રકારની પરિપક્વતા છલકે છે. એનું શીર્ષક છે, ‘પીક્યુલર-પ્રી-ટીન્સ.’ (peculiar pre-teens; Prasham mehta; Published by Partridge ). આ પુસ્તકની ભાષા પોતે જ એક ઉઘાડ છે, તરુણની ભાષા છે, નવા જમાનાની ભાષા છે. એમાં તાજગી છે. પ્રી-ટીન એટલે તેર વર્ષ પહેલાંનાં વર્ષો, એની મસ્તી. સામાન્ય રીતે લોકો આત્મકથા જીવનની વૃદ્ધાવસ્થામાં લખે. એમાં ઘણું બધું ભુલાઈ જાય. પણ આ સ્મરણકથા લખી છે એક બાર વર્ષના તરુણે, આમ તો રમતકથા છે, આ એકસો તેત્રીસ પાનાંની કથાની વિશેષતા એ છે કે આ પુસ્તક એક તરુણના આંતરવિશ્ર્વનું આપણને દર્શન કરાવે છે.
 
આ અંગ્રેજી પુસ્તકમાં જ્યારે ટીન-એજ કે પ્રી-ટીન એવા શબ્દો પ્રયોજ્યા છે તે થોડા સમય માટે ભૂલી જઈએ અને મનમાં આપણી ભાષામાં જીવનની જુદી જુદી અવસ્થાઓ માટે જે અનેક શબ્દો છે તે સઘળા સળવળી ઊઠે છે. નવજાત શિશુ, કિશોર, તરુણ, યુવાન, આધેડ, પ્રૌઢ, વૃદ્ધ અને છેલ્લે તો મરણોન્મુખ માણસ. આ બધા બોલીએ એટલે મનુષ્યજીવનની વિશેષતાઓના આંખ સામે સરસ ચિત્રો ઊપસે છે. જીવનના દરેક તબક્કાની એક તાકાત હોય છે, જીવનનું સત્ય અને સૌંદર્ય પ્રગટતું હોય છે. નવજાત શિશુને જોઈએ એટલે જાણે કે પુષ્પની પાંખડી જોતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરે તો એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે ‘એક બાળક જન્મે છે ત્યારે જણાય છે કે ભગવાનને હજી મનુષ્યમાં શ્રદ્ધા છે.’ એ શિશુ હસે છે ત્યારે જે મંજુલ ધ્વનિ ઊઠે છે, એમાં એક ઝરણાનો પડઘો હોય છે, એ કોમળતાની કવિતા હોય છે, એનાં અંગોમાં પૃથ્વીનાં અપરિચયનાં જે નિશાન હોય છે તે એક મુગ્ધતા જન્માવે છે. પછી, ભાષા પ્રવેશે છે, એની કાલીઘેલી બોલી કોઈ મધુમાલતીની વેલના વળાંકોનાં પ્રતિરૂપો લાગે છે. ભાષાનો જન્મ થતાં જ કલ્પનાઓ કપડાં પહેરી લે છે, સ્વપ્નાઓને આકાર મળે છે. ઊંઘ થોડી છીછરી બને છે. જગતને જીતવાના સપનાઓની એક નદી લોહીના પ્રવાહમાં ભળે છે, યૌવનની પાંખો ફુટે છે, બાહુઓમાં છલાંગ લગાવવાની ભૂખ લાગે છે, ઉર્મિલ સંચાર અને પ્રેમના અંકુરોથી એક નાનકડા ઉપવનની નજાકતની નમણી ડાળ ઝૂકતી જણાય છે. પ્રેમ અને શરીરની ‘કેમેસ્ટ્રી’ એક રોમાંચભર્યા વિશ્ર્વમાં જગાડે છે, એક સાથીની શોધ થાય છે અને ઉમા-શંકરની સહોપસ્થિતિનું એક પ્રેમપ્રયાગ જીવનની ઇતિકર્તવ્યતાના એક ઉચ્ચ શિખરનો સ્પર્શ કરાવી જાય છે. અડધે રસ્તે જતી જીવનનૈયા હવે સમુદ્રનાં તોફાનોને અનુભવવા લાગે છે. આધેડવયનાં મનોવલણો ઘડતરની ઝીણી ઝરમર ભાત પાડે છે. મનુષ્યના જીવનની આ ’મીડ-લાઈફ ક્રાઇસીસ’ એક સ્વ-અધ્યાયની નિશાળ હોય છે. જગતની પાકી થયેલી ઓળખ અદ્ભુત સમજની જનની બને છે. એકાવનથી શરૂ થતા વન-પ્રદેશની બન્ને બાજુઓ સમજવા જેવી છે, એક તરફ અનુભવનાં ઘટાટોપ અને છાયાસમૃદ્ધ વટવૃક્ષો તો બીજી તરફ રાની-વિકરાળ પશુઓ હિંસક માનસિકતાથી લાલચોળ અને ભયગ્રસ્ત શક્તિ ક્ષીણ થતી મન-તનની ઝાંખી પડેલી જોડી. પછી આવે છે વૃદ્ધાવસ્થા જે વર્ધમાન નથી રહ્યા એમને અભિશાપની જેમ પીડે છે, જગતની ઉપેક્ષા અને અશક્ત-અંગ-ઉપાંગોની વાંકી વળી ગયેલી ભાષાને સહારે જીવવાની વિડંબના વિતાડે છે. જો ’ભજ ગોવવિંદમ્’વાળું સત્ય સમજાયું ના હોય તો મરણોન્મુખ જીવને શિવ દેખાતા નથી. જીવન એક યાત્રાને બદલે યાતના બની જાય છે.
 

 
 
આ તો એક નાનકડા છોકરડાની ભમરડા જેવી ભાષાએ જગવેલું જીવનચિત્ર આજે તો ઊઘડતા શ્રાવણમાં છત્રીની માફક ખોલું છું.. હેશટેગની # ભાષામાં પરોવું છું આ રામચાખ્યા દિવસોને, કાળાંડિબાંગ વાદળોથી જાંબુ જેવું બનેલું આકાશ મને મારામાં જ ઉગાડે છે. આવી રહેલી પેઢીનો એક તરુણ જીવનની બારાખડીને એની શાળાની પાટલીઓથી બહાર ખેંચી લાવે છે એ મારે મન મોટી ઘટના છે.
 
ચાલો, પાછા પુસ્તકની વાત કરીએ. પ્રશમ જ્યારે પરિવર્તનની વાત કરે છે, એની કડવી સ્મૃતિઓને ભૂલીને જીવનને નવી રીતે જીવવા, જોતરવા તત્પર બની જાય છે ત્યારે તેની ભાષામાં અને વાતોમાં એક પ્રકારની પ્રૌઢી, એક પરિપક્વતા, (એની ઉંમરને ના છાજે તેવી) દેખાય છે. મને સૌથી વધારે નવાઈ અને મઝા તો ત્યારે આવે છે જ્યારે આ બિન-અનુભવી તરુણ એકદમ તત્ત્વવેત્તાની અદાથી ‘લાઇફ-કોચ’ની સહજતાથી જીવનનાં ગંભીર મૂલ્યો આલેખે છે. યાદ આવે છે, મહામહિમ રાજ્યપાલશ્રી અને આદરણીય ભૂપેન્દ્રસિંહજી દ્વારા યુવાનો આપઘાત ના કરે તેના માટેની ચર્ચાસભાનો એ સૂર જ્યારે સમાજના અનેક લોકકલાકારો, ચિંતકો અને લેખકોએ આ યુવાનો વિશે ચર્ચા કરેલી. એ સૂર હતો, યુવાનોને સમજાવવા કરતાં એમને સમજવા પ્રયત્ન કરવા જેવો છે. આ એક નાનકડા પુસ્તકે આખું અઠવાડિયું ધન્ય ધન્ય કરી નાખ્યું...