જેમ ફ્રાંસ, જર્મની,બ્રિટને કર્યુ તેમ ભારત અમેરિકાની દાદાગીરીનો સામનો કરશે?

    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
 
 
ઈરાન મુદ્દે અમેરિકાની દાદાગીરી અને ભારત માટે ધર્મસંકટ
 
અમેરિકા દુનિયાનો સૌથી સ્વાર્થી દેશ છે અને એ પોતાનાં હિતો સાચવવા ગમે તે હદે જઈ શકે છે. અમેરિકાની આ માનસિકતાના પુરાવા છાસવારે મળ્યા જ કરે છે ને દુનિયા પર પોતાની દાદાગીરી જળવાય એ માટે અમેરિકા બધા દેશોને દબડાવ્યા કરે છે. ઈરાન સાથેના સંબંધો બગડ્યા પછી અમેરિકાએ ભારત સાથે પણ એ જ દાવ કર્યો છે અને અમેરિકાએ ભારતને ૪ નવેમ્બરથી ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરી દેવા ધમકી આપી છે. ભારત અમેરિકાની વાત ના માને તો તેના પર ઈરાનની જેમ વ્યાપારી પ્રતિબંધો મૂકવાની ધમકી પણ અમેરિકાએ આપી છે.
 
ઈરાન પર ન્યુક્લિયર બોમ્બ બનાવી રહ્યાનો આરોપ
 
અમેરિકાએ ઈરાન સાથે ૨૦૧૫માં પરમાણુ કરાર કરેલા. એ વખતે યુરોપના દેશો પણ આ કરારમાં જોડાયેલા ને ઈરાન પરમાણુશક્તિનો શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરે એ માટે સંધિ થયેલી. ઈઝરાયલ એ સંધિની વિરુદ્ધ હતું ને તેણે તેમાં વાંધાવચકા શ‚ કરી દીધેલા. ઈઝરાયલનું કહેવું છે કે, કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી ને તમે ગમે તે કરો પણ મુસ્લિમ રાષ્ટ્રો પરમાણુ શક્તિનો ઉપયોગ બોમ્બ બનાવીને દુનિયાને ડરાવવા માટે જ કરે.
 
બરાક ઓબામાએ તેને ગણકાર્યા નહોતા ને આગળ વધેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ઈઝરાયલને પોતાની વાત સાબિત કરવાનો મોકો મળી ગયો. ઈઝરાયલે સીરિયાની સરહદ પર આવેલી ગોલન હાઈટ્સ પર કબજો કર્યો છે. આ વિસ્તારમા રહેલી ઈઝરાયેલની લશ્કરી છાવણીને નિશાન બનાવીને સીરિયામાંથી મિસાઈલ અને રોકેટ છોડાયેલાં. ઈઝરાયલે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડેલાં તેથી ઈઝરાયલને કશું નુકસાન ના થયું છતાં ઈઝરાયલ બગડ્યું.
ઈરાન સીરિયાના પ્રમુખને મદદ કરે છે ને તેનું લશ્કર દમાસ્કસની આસપાસ ધામા નાંખીને પડ્યું છે. આ છાવણીમાંથી જ ઈઝરાયલ પર મિસાઈલ છોડાયેલાં એટલે ઈઝરાયલે ધડબડાટી બોલાવીને આ ઠેકાણાં પર બોમ્બ ઝીંકીને બધું સાફ કરી નાંખ્યું. એ પછી ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ગુપ્ત પરમાણુ ફાઇલ નામના થોકબંધ દસ્તાવેજો જાહેર કર્યા હતા. આ દસ્તાવેજો પ્રમાણે ઈરાન દુનિયાની નજરોથી બચીને ન્યુક્લિયર બોંબ બનાવી રહ્યો છે. આ ધડાકા બાદ ટ્રમ્પ એક્શનમાં આવ્યા અને ઈરાન સાથેની પરમાણુ સમજૂતીને રદ કરી નાંખી. સાથે સાથે ઈરાન પર આર્થિક પ્રતિબંધો પણ લાદી દીધા.
 
ભારત માટે ધર્મસંકટ
 
અમેરિકાએ બીજા દેશોને પણ ઈરાન સાથેના સંબંધો ખતમ કરવા ચીમકી આપી છે ને ૪ નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અમેરિકાએ ભારત, ચીન સહિતના વિશ્ર્વના તમામ દેશોને ઈરાનમાંથી ક્રૂડની આયાત નવેમ્બર મહિનાથી બંધ કરી દેવાની ચેતવણી આપી છે. અમેરિકાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, ઈરાનમાંથી ક્રૂડની આયાત કરાશે તો અન્ય દેશોની જેમ ભારત અને ચીનની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદી દેવાશે તેથી ૪ નવેમ્બરે તેમની ઈરાનમાંથી ક્રુડની આયાત ઝીરો પર પહોંચી જવી જોઇએ.
 
અમેરિકાએ આ અલ્ટિમેટમ દ્વારા આપણને સીધી ધમકી જ આપી છે ને તેના કારણે આપણા માટે ધર્મસંકટ ઊભું થયું છે. તેનું કારણ એ કે, આપણાં આર્થિક હિતો અમેરિકા સાથે પણ સંકળાયેલાં છે ને ઈરાન સાથે પણ સંકળાયેલાં છે. ભારત બંનેમાંથી કોઈને છોડી શકે તેમ નથી. ભારત સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત ઇરાક અને સાઉદી અરેબિયામાંથી કરે છે. ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ છે. ભારત તેની ક્રુડ જ‚રિયાતના ૨૫ ટકા ઈરાન પાસેથી ખરીદે છે. ઈરાન પાસેથી ભારત વર્ષે ૧૧ અબજ ડોલરના ક્રુડ ઓઈલની ખરીદી કરે છે.
 
ભારત છેલ્લા કેટલાક સમયથી અમેરિકા પાસેથી પણ ક્રુડ ખરીદે છે પણ અમેરિકા કરતાં ઈરાન પાસેથી ક્રુડની ખરીદી ભારતને સસ્તી પડે છે. તેનું કારણ એ કે ઈરાન ભારતની નજીક છે તેથી શિપિંગનો ખર્ચ ઓછો આવે છે. સાઉદી અરેબિયા અને ઈરાક કરતાં ભારતને ઈરાન પાસેથી સસ્તામાં ક્રુડ ઓઈલ મળે છે તેથી પણ ભારત ફાયદામાં છે. ઈરાન ભારતને હજુ સસ્તા ભાવે ક્રુડ ઓઈલ આપવા તૈયાર છે ને બીજી મોટી ઓફર એ કરી છે કે, ભારત અમેરિકન ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચુકવણી કરે તો તેના માટે પણ ઈરાન તૈયાર છે. એ માટે ઈરાનની શરતો છે પણ એ શક્ય બને તો ભારતનું દર વર્ષે અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચી જાય.
 
ઈરાન સાથે ભારતમાં બીજા પણ આર્થિક હિતો સંકળાયેલાંછે. ભારત ઈરાન સાથે મળીને ચાબહાર પોર્ટ વિકસાવી રહ્યું છે. આ બંદર વિકસશે તો ભારતના વ્યાપારને બહુ મોટો ફાયદો થશે. ચાબહાર પોર્ટ નહીં બને તો પાકિસ્તાનને બાજુ પર મૂકીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનું ભારતનું સપનું તૂટી જશે. ભારતની ખાનગી કંપનીઓ ઈરાનમાં મોટા પાયે રોકાણ કરી રહી છે ને તેના પર પણ અસર પડશે.
 
બીજી તરફ અમેરિકા સાથે પણ ભારતનાં આર્થિક હિતો મોટા પાયે સંકળાયેલાં છે. ભારતમાં અમેરિકાની કંપનીઓનાં મોટા પ્રમાણમાં હિત છે તેથી ટ્રમ્પનો ભારત તરફી ઝુકાવ વધ્યો છે. ટ્રમ્પ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ બહાર પાડી તેમાં પણ ભારત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસિફિક નીતિ દ્વારા ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ભારત તરફ હકારાત્મક વલણ ચાલુ રહેશે. આ રીતે ભારત અમેરિકાની નજીક ગયું છે પણ ઈરાન મામલે ભારત અમેરિકાની ચેતવણીની અવગણના કરે તો અમેરિકા ભારત પર પ્રતિબંધો લાદી શકે ને તેની ખરાબ અસરો પડે.
 

 
 
તો દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ ભડકે બળે
 
ભારત અમેરિકાની વાત માનીને ઈરાનથી ક્રુડ ઓઈલ આયાત બંધ કરે તો તેની આર્થિક રીતે પણ મોટી કિંમત આપણે ચૂકવવી પડે તેમ છે. ભારતે અન્ય અખાતી દેશો અને અમેરિકા પર ક્રૂડ માટે નિર્ભર રહેવું કે જે આપણને મોંઘું પડે. તાજેતરમાં ભારતે અમેરિકાથી ક્રૂડની આયાતનો પ્રારંભ કર્યો છે પણ એ મોંઘું પડે છે. ઈરાન પાસેથી ક્રુડ આયાત બંધ થાય તો આપણ પડતર હજુ ઊંચી જાય ને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચે. આપણું વિદેશી હૂંડિયામણ પણ ક્રુડની ખરીદીમાં જ ખતમ થઈ જાય તેથી એ રસ્તો ઘાતક બને. ભારતે અત્યારે તો અમેરિકાની ધમકી સામે મક્કમ વલણ બતાવ્યું છે. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકી પ્રતિબંધો છતા ભારત ઈરાન સાથે પોતાના વેપાર સંબંધો યથાવત્ રાખશે અને ઈરાનના શાંતિપૂર્વક પરમાણુ ઊર્જાના ઉપયોગ કરવાના અધિકારનુ સન્માન કરવામાં આવે. ભારતે ઈરાનને પણ અપીલ કરી છે કે, પરમાણુ કરાર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાનું પણ સમાધાન થાય.
 
ભારતનું વલણ સંતુલિત છે પણ પોતાના સ્વાર્થમાં આંધળું અમેરિકા ભારતની વાત માનશે કે કેમ તેમાં શંકા છે. આ સંજોગોમાં ભારતે અમેરિકાની દાદાગીરીનો સામનો કરવા તૈયાર રહેવું પડે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટને એ કર્યું જ છે. ટ્રમ્પે ઈરાન સાથે પરમાણુ કરાર રદ કર્યા પણ આ દેશોએ નથી કર્યા કેમ કે તેમનાં આર્થિક હિતો મોટા પાયે ઈરાનમાં છે. અમેરિકા પોતાનાં હિતોની જ ચિંતા કરતું હોય તો અમે શું કરવા અમારાં હિતો ના સાચવીએ એવું તેમનું વલણ છે.
ભારતનું પણ એ જ વલણ છે ને આ વલણ એકદમ યોગ્ય છે.
 

 
ટ્રમ્પને નાટો સામે શું વાંધો પડ્યો છે ?
 
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી સતત ચર્ચામાં રહે છે. ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ એ નારા પર ચૂંટણી જીત્યા હતા ને આ વચનનો અમલ કરવા માટે પોતાના જ વરસોના સાથી દેશોને ઘોંચપરોણા કરવામાં છોછ નથી. ટ્રમ્પની આ નીતિનો ભોગ હવે નાટો બન્યું છે ને હમણાં બેલ્જિયમના પાટનગર બ્રસેલ્સમાં યોજાયેલી ‘નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો)’ની બેઠકમાં ટ્રમ્પે જે વલણ અપનાવ્યું તેના કારણે આ સંગઠન જ ખતમ થઈ જાય એવો ખતરો ઊભો થઈ ગયો છે.
આ ખતરાની વાત કરતાં પહેલાં નાટો શું છે તેની વાત કરી લઈએ. નાટોની સ્થાપના બીજા વિશ્ર્વયુદ્ધની સમાપ્તિનાં ચાર વર્ષ પછી એટલે કે ૧૯૪૯માં થઈ. દુનિયાએ બે વિશ્ર્વયુદ્ધ જોયાં હતાં ને આ યુદ્ધના દુનિયાના દેશોને સમજાયું કે સંગઠન અને એકતા મહત્વનાં છે ને એક રહીશું તો ટકી શકીશું. અમેરિકા તથા રશિયાએ આ ડરનો લાભ લઈને પોતપોતાની ધરી રચવા માંડી ને સંગઠનો બનાવવા માંડ્યાં. યુરોપ-અમેરિકાને અલગ પાડતા એટલાન્ટિક મહાસાગરના કાંઠે ફેલાયેલા દેશોએ ભેગા થઈને નાટો બનાવ્યું ને અમેરિકાએ તેની આગેવાની લીધી. નાટોની સ્થાપના થઈ ત્યારે સભ્ય દેશો ૧૨ હતા. તેમને જાપાન-ચીનથી પણ ખતરો લાગતો હતો કેમ કે બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જાપાને હાહાકાર મચાવ્યો હતો.
 
નાટોનો ઉદ્દેશ લશ્કરી તાકાત ઊભી કરવાનો હતો એટલે નાટો આજે પણ દુનિયાનું સૌથી મોટું લશ્કરી સંગઠન છે. નાટોના કુલ સભ્ય દેશો ૨૯ છે અને બધા એકબીજાને લશ્કરી મદદ કરવા બંધાયેલા છે. નાટો સ્થપાયું એ પહેલાં રશિયા-અમેરિકા વચ્ચે કોલ્ડ વોર શ‚ થઈ ચૂકી હતી તેથી નાટોની લશ્કરી તાકાતનો ઉપયોગ રશિયાને ડરાવવા માટે થયો. અમેરિકા જોરાવર હતું તેથી અમેરિકાની લગભગ એકહથ્થુ કહી શકાય એવી સત્તા નાટો પર ચાલી અને ચાલે છે. અમેરિકા જ્યાં જ્યાં હુમલા કરે ત્યાં નાટોનું લશ્કર જાય એવી પરંપરા જ પડી ગઈ. ઈરાક, અફઘાનિસ્તાન, લિબિયા વગેરે દેશોમાં નાટોનું લશ્કર જ લડેલું.
 
અમેરિકા નાટોના લશ્કરનો ઉપયોગ દુનિયા પર દાદાગીરી કરવા કરતું તેથી તે ખર્ચ પણ વધારે કરતું પણ હવે ટ્રમ્પને આ ખર્ચ અકારો લાગે છે. ટ્રમ્પનું કહેવું છે કે, નાટો પાછળ અઢળક ખર્ચો અમે કરીએ છીએ, પરંતુ લાભ બધા દેશોને મળે છે. ટ્રમ્પની નીતિ સ્પષ્ટ છે કે, અમેરિકાને લાભ થતો હોય તો જ ખર્ચ કરવાનો. બાકી અમારી તિજોરી દુનિયાને ખૈરાત કરવા માટે નથી. આ વાત ટ્રમ્પ વારંવાર કરી ચૂક્યા છે ને બ્રસેલ્સમાં બેઠક મળી એ પહેલા ટ્રમ્પે ફરી વખત ટ્વીટ કરી હતી કે, અમેરિકી કરદાતાના નાણાનો વેડફાટ ન થાય એ જોવાનું છે. નાટોના અન્ય સભ્ય દેશો ખર્ચ વધારશે નહીં તો મજા નહીં આવે. અમેરિકાનો ઈશારો જર્મની, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા વગેરે જેવા ખમતીધર દેશો તરફ હતો.
 
ટ્રમ્પે માન્ટેનેગ્રોનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોન્ટેનેગ્રો સાડા છ લાખની વસતી ધરાવતો દેશ છે ને તેના રક્ષણ માટે અમેરિકા પોતાના સૈનિકોને શું કરવા મોકલે એવું કહીને ટ્રમ્પે બખેડો ખડો કરાવી દીધો. નાટોના દેશોએ અત્યારે તો ખર્ચમાં વધારે હિસ્સો આપવાની વાત કરીને વાતને વાળી છે પણ ટ્રમ્પનું વલણ જોતાં તે આ મામલે વધારે આક્રમક બનશે એ નક્કી છે. આ સંજોગોમાં નાટોનું ભાવિ ડામાડોળ છે.