રાજનીતિ સર્વસ્વ નથી, મારે પરિવાર છોડી રાજ્યસભામાં નથી આવવું...

    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
 
 
રાજનીતિ સર્વસ્વ નથી
 
ગાયત્રી પરિવારના મોભી ડૉ. પ્રણવ પંડ્યા રાજ્યસભાના સદસ્ય તરીકે મહામહિમ રાષ્ટ્રપતિજી દ્વારા નિયુક્ત થયા અને તુરંત બે દિવસ બાદ ડૉ. પ્રણવ પંડ્યાએ વિનમ્રતાપૂર્વક એ નિયુક્તિનો ઇન્કાર કર્યો અને જણાવ્યું કે ગાયત્રી પરિવાર સાથે વિશ્ર્વભરના ૧૨ કરોડ જેટલા લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને પારિવારિક માહોલમાં રાજનીતિ કઠિન હોય છે તથા રાજનીતિ બહાર રહીને તેઓ રાજનીતિ અને લોકમાનસને વધુ પ્રભાવી કરી શકે તેવા અંતરાત્માના અવાજને તેમણે શાંતિકુંજ ખાતેના કાર્યકારિણી બોર્ડ સમક્ષ રાખતાં તે કાર્યકારિણીએ એ વાતનું અનુમોદન કર્યુ છે. આથી રાજ્યસભામાં જવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચી રહ્યા છે.
 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ડો પ્રણવ પંડ્યા )
 
ગાયત્રી પરિવારના સંસ્થાપક શ્રી રામ શર્મા આચાર્ય સ્વાતંત્ર્ય-સેનાની હતા, પણ આઝાદી બાદ સમાજમાં આબાદી માટે વિચારક્રાંતિ અભિયાનની આવશ્યકતા તેમણે વધુ અનુભવી. તેમની તપસ્યા, સાહિત્યનિર્માણ, ગાયત્રી તથા યજ્ઞના વૈજ્ઞાનિક પક્ષની સ્થાપના તથા સામાજિક બૂરાઈઓ સામેનો જંગ કોઈપણ રાજનીતિજ્ઞ કરતાં વધુ પરિણામદાયી છે. આજે સદેહે એ ભલે નથી. વિશ્ર્વવ્યાપી પરિવાર તેમના વિચારોનું અમૃતપાન કરી જીવનમાંગલ્યના પંથે અગ્રેસર છે.
કેટલાય ધુરંધર રાજનેતાઓએ તેમના ચરણોમાં બેસી માર્ગદર્શન મેળવેલ પણ એ સરળ, સાદા અને અધ્યાત્મની ઊંચાઈને પામેલા દિવ્ય પુરુષને ક્યારેય કોઈની તાબેદારી કે સહાયની જરૂર પડી નથી.
 
આવા પરિવારના વર્તમાન સંચાલકે જે નિર્ણય લીધો છે તે તપોભૂમિના સંસ્કારનું પ્રગટીકરણ છે. રાજનીતિ સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રો માંહેનું એક ક્ષેત્ર છે. તેને સર્વસ્વ માની લેવાની ભૂલ પ્રબુદ્ધ નાગરિક ન કરી શકે. સામાન્ય જનને મેળવવાની ખુશી થાય અથવા મેળવનારને સન્માનિત કરવાનો હરખ થાય. ઉચ્ચતર માનવને છોડવાનો આનંદ થાય અને આવા ઉન્નત આત્માઓ સૌના હૃદયસિંહાસને બિરાજમાન થાય. ડૉ. પ્રણવ પંડ્યાને કોટી કોટી વંદન.
 
- નરેન્દ્ર ત્રિવેદી (પાલિતાણા)