ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતશ્રી નામદેવની વિશેષ ધર્મકથા

    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
 
 
શિષ્યને તેના સ્વનું જ્ઞાન કરાવે તે ગુરુ
શિષ્યના અહંકારને ઓગાળે તે ગુરુ
 
મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ અષાઢ સુદ પૂનમે થયો હતો. તે સંસ્કૃતના પંડિત તથા ચાર વેદના રચયિતા પણ હતા. તેમને વેદ વ્યાસ પણ કહે છે. તેમના સન્માનમાં અષાઢ સુદ પૂનમનો દિવસ ‘ગુરુપૂર્ણિમા’ તરીકે ઉજવાય છે. તદ્ઉપરાંત ભક્તિકાળમાં સંત કબીરદાસના શિષ્ય સંત ધીસાદાસનો જન્મ પણ આ દિવસે થયો હોવાનો ઉલ્લેખ છે.
ગુરુપૂર્ણિમાના પવિત્ર-પાવન દિવસે શ્રી વેદવ્યાસને નમસ્કાર.
 
નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે, ફુલ્લાર વિન્દાયત પત્રનેત્ર
યેન ત્વયા ભારતતૈલપૂર્ણ: પ્રજ્વાલિતો જ્ઞાનમય: પ્રદીપ: ॥
 
વિશાળ બુદ્ધિવાળા અને વિકસિત કમળની પાંખડી જેવા નેત્રવાળા હે વ્યાસ, તમને નમસ્કાર છે. તમે આ જગતમાં મહાભારત‚પી તેલથી ભરેલો જ્ઞાનમય પ્રકાશથી ઝળહળતો અનુપમ દીવો પ્રકટાવ્યો છે.
ગુરુના શાસ્ત્રોક્ત અર્થમાં ‘ગુ’ એટલે અંધકાર (અજ્ઞાન) અને ‘રુ’ એટલે પ્રકાશ (જ્ઞાન). ગુરુ એટલે જ્ઞાનમાં મોટો મહત્તમ એવો અર્થ પણ સમાયેલો છે. ગુરુ જ્ઞાનનો ભંડાર છે. શિષ્યના અહંકારને ઓગાળે તે ગુરુ. શિષ્યને તેના સ્વ (આત્મા)નું જ્ઞાન કરાવે તે ગુરુ.
 
‘અજ્ઞાન તિમિરાન્ધસ્ય જ્ઞાનાન્જન શલાક્યા
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥
 
ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતશ્રી નામદેવની વિશેષ ધર્મકથા
 
મહારાષ્ટ્રના સંત શ્રી મુક્તાબાઈ તેમના ત્રણે ભાઈઓ નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્ર્વર તથા સોપાન દેવને સાથે લઈ તેમના કાકા ગોરા કુંભારને ત્યાં આવ્યાં. તેમની સાથે સંત નામદેવ પણ હતા.
 
મુક્તાબાઈએ ગોરા કાકાને કહ્યું, ‘કાકા ! તમે આ શું ઠોક-ઠોક કરો છો ?’
 
ગોરા કાકાએ ઉત્તર વાળ્યો : ‘હું માટલાં ઘડી રહ્યો છું. આ થાપી ઠોકીને તેમને ઘાટ આપું છું. ઘડાને તૈયાર કરું તથા કાચા ઘડા અને પાકા ઘડાની ઓળખ કરું છું.’ આ સાંભળી મુક્તાબાઈએ પ્રશ્ર્ન કર્યો : ‘કાકા ! અમે પણ માટીના ઘડા જ છીએ. જરા ! એ તપાસોને કે અમારામાંથી કોનો ઘડો કાચો છે ?’
 
ગોરા કુંભારે તેમની થાપી ઉઠાવી અને એક પછી એક સૌની પીઠ અને માથા પર થાપી થપથપાવવા માંડી. જેનો પણ વારો આવે તો માથું નમાવી મૌન ધારણ કરી થાપીની વેદના સહન કરતા હતા. મોંમાંથી ઉફ પણ કરતા નહોતા. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે નામદેવના માથા પર થાપી પડી ત્યારે તેમનામાં રહેલુંં અભિમાન (અહંકાર) જાગી ઊઠ્યું. તે વિચારવા લાગ્યા કે, ‘આ કાકા કર્મથી નહીં પણ મનથી પણ કુંભાર લાગે છે. તે એટલું પણ જાણતા નથી કે આ સંતોના માથા પર થાપીની વેદનાની ચોટ મરાય !’
 
નામદેવ વિઠ્ઠલ ભગવાનના અનન્ય ભક્ત હતા. ખૂબ જ નાની ઉંમરે તેમણે ભગવાન વિઠ્ઠલનાં દર્શન કર્યાં હતાં. તે ભગવાન સાથે વાર્તાલાપ પણ કરતા. ભગવાન અને ભક્તની અનન્ય જોડી સમગ્ર મહારાષ્ટ્ર પંથકમાં પૂજાપાત્ર હતી. નામદેવની ખ્યાતિથી સૌ પ્રભાવિત હતા. ગોરાજી પણ તેમને જાણતા હતા છતાં નામદેવના માથા પર થાપીની ચોટ કરતા રહ્યા. આ જાણી મુક્તાબાઈથી રહેવાયું નહીં. તેમણે પૂછ્યું : ‘કાકા ! આ શું કરો છો ? હજુ તમે અમારામાંથી કોણ કાચું છે તે જણાવ્યું નહીં.’ કાકાએ અંતે જણાવ્યું કે, ‘આ બધામાં નામદેવનો ઘડો કાચો છે.’
 
ગોરા કુંભારના નિર્ણયથી એકત્રિત ભક્તમંડળીના સર્વે તથા મુક્તાબાઈ અને તેમના ભાઈઓ સ્તબ્ધ થઈ ગયાં. આ નિર્ણય સાંભળી નામદેવ પર આભ તૂટી પડ્યું. તેમને અપમાન લાગ્યું. મનોમન વિચારવા લાગ્યા કે આ શક્ય જ નથી. પ્રભુની લીલા અપરંપાર છે. આ પણ ભગવાન વિઠ્ઠલની જ માયા હતી.
 
મુક્તાબાઈને પણ નામદેવ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. તેમનાથી રહેવાયું નહીં. તેમણે ગોરાકાકાને પૂછ્યું, ‘કાકા ! આમ કેમ ? આ નામદેવનો ઘડો ક્યારે પાકશે ?’ ગોરા કાકાએ કહ્યું, ‘નામદેવ નગુરો છે. જ્યારે તે સંત વિસોબાની સમક્ષ જઈ શિષ્યવત્ ઉપસ્થિત થશે ત્યારે તેનો અહંકાર ઓગળશે અને તેનો ઘડો પાકટ થશે.’
 
ભક્તમંડળીમાં સન્નાટો છવાઈ ગયો. હરિ સોની, સાવંતા માળી, સોપાનદેવ, નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્ર્વર બધા જ સ્તબ્ધ થઈ ગયા. ભક્ત ગોરા કુંભાર કદી નામદેવ જેવા સંત શિરોમણીને ‘નગુરો’ ન કહે. તેઓ કદી આવી કટુવાણી બોલતા નથી. તો આજે આવું કેમ ? ગોરાજીનો એક-એક શબ્દ નામદેવને તીર જેમ છેદી ગયો. નામદેવને થયું કે ‘વિસોબા ! જે દીન-હીન વૃદ્ધ જેની ગણના માત્ર સેવકના ‚પમાં થાય છે તેને હું મારો ગુરુ માનું ? તેમના ચરણોમાં હું શિષ્યવત્ પ્રણામ કરું ?’ નામદેવે મોં મચકાવ્યું અને નિર્ણય કર્યો કે કે વિસોબાને હું આત્મસમર્પણ કરીશ નહીં.
 
નામદેવ તેમના ક્રોધ-અહંકારમાં એ ભૂલી ગયા કે સાધનાનો મુખ્ય ઉદ્દેશ અહંકારનો નાશ છે. નામદેવનો પ્રતિભાવ જાણી ગોરા કુંભાર ગોરખવાણીમાં બોલી ઊઠ્યા -
હબકિ ન બોલિબા, ઢબકિ ન ચલિબા,
ધીરે ધખિયાવા પાંવ
ગરવ ન કરિબા, સહજૈ રહિબા, ભગત ગોરખ રાવ
ગુરુ કો જો ગાહિલા, નિગુરા ન રાહિલા, ગુરુ બિન જ્ઞાન ન પાઈલા રે ભાઈલા
 
ગોરાજીના આ શબ્દો નામદેવના હૃદયને સ્પર્શી ગયા. તે ભગવાન વિઠ્ઠલ પાસે ગયા. ભગવાને તેમને ગોરાજીની વાણીની સત્યતા સમજાવી. નામદેવને વિસોબાને શરણે જવાનું કહ્યું, નામદેવ વિસોબાને શોધતા-શોધતા એક મહાદેવના મંદિરમાં મળ્યા. તેમણે જોયું કે એક ફાટેલી ગોદડી ઓઢીને વિસોબા વૃદ્ધાવસ્થામાં પોતાના પગ મહાદેવના શિવલિંગ ઉપર મૂકી સૂઈ રહ્યા છે. નામદેવને તો આશ્ર્ચર્ય થયું. શું આ વિસોબા ! નામદેવને જોઈ વિસોબા બોલ્યા : ‘અરે ઓ નામ્યા ! તું આવી ગયો ! હવે હું વૃદ્ધ થયો છું. તું એક કામ કર. મારા આ પગ જ્યાં શિવલિંગ ન હોય ત્યાં મૂક !’ નામદેવ વિસોબાના પગ ઉપાડે છે અને જેવો મૂકવા જાય છે. ત્યાં શિવલિંગ પ્રકટ થાય છે અને વિસોબાના ચરણ શિવલિંગ પર મુકાય છે. આવું ત્રણ વાર થયું. નામદેવનો અહંકાર ચકનાચૂર થયો. તે વિસોબાને પ્રણામ કરે છે અને તેમના ચરણ પોતાના મસ્તક પર મૂકે છે. હે પ્રભુ, આપ સાક્ષાત્ વિઠ્ઠલ સ્વરૂપ છો. આપને હું ઓળખી શક્યો નહીં. આપ મને શરણ આપો. નામદેવને પોતાના સ્વરૂપનું ભાન થયું. તે ગાઈ ઊઠ્યા -
 
સફલ જનમ મો કઉ ગુરુ કીના
દુખ બિસારી સુખ અંતરિ લીના ॥
ગિઆનું અંજનું મો કઉ ગુરુ દીના
રામ નામ બિનુ જીવનુ મન હીના
નામદેઈ સિમરનું કરિ જાના
જગજીવન સિઉ જીઉ સમાના ॥
 
ગુરુપૂર્ણિમાએ જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્ય તથા ભગવાન શ્રીકૃષ્ણ જેવા અનેક સદ્ગુરુઓને પ્રણામ.
 
ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુર્ગુરુદેવો મહેશ્ર્વર:
ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમ: ॥